પત્નીની છેલ્લી ઇચ્છાને માન આપી વડોદરાના દિનેશભાઈ રોજ જમાડે છે 150 લોકોને

વડોદરાના દિનેશભાઈ છેલ્લા ચાર વર્ષથી સયાજી હોસ્પિટલની બહાર રોજ 150 દરદીઓને જમાડે છે. લાંબી બીમારી બાદ મૃત્યુ પામનાર પત્નીની છેલ્લી ઇચ્છાને માન રાખી શરૂ કર્યું સેવા કેન્દ્ર.

Feed Hungry

Feed Hungry

નિસ્વાર્થ રીતે લોકોની સેવામાં લાગેલા માનવીઓની માનવતાની મહેક અને તેની અસર ભલે ધીમે તો ધીમે પણ ચોક્કસથી ચોતરફ ફેલાય જ છે જેનું જીવંત ઉદાહરણ જો કોઈ હોય તો તે વડોદરા ખાતે વર્ષ 2015 થી એકપણ દિવસ પાડ્યા વગર બપોર અને સાંજે રોજના લગભગ 150 લોકોને નિઃશુલ્ક જમાડતા દિનેશભાઇ શર્મા છે. ધ બેટર ઇન્ડિયાએ જયારે દિનેશભાઇ સાથે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે તેમણે સહર્ષ ભાવે પોતાના આ કાર્ય અને તેમના આશય પ્રત્યે જણાવ્યું. તો ચાલો પરમાર્થનું કામ કરતા આ વડીલના અનુભવને માણીએ તથા તેમાંથી પ્રેરણા પણ લઈએ.

પત્નીની બીમારી વખતે શરુ કર્યું લોકોને જમાડવાનું
દિનેશભાઈ જણાવે છે કે, તેમની પત્નીને નાકમાં એક મસ હતો જેને શસ્ત્રક્રિયા દ્વારા કઢાવવો જરૂરી હતો. શસ્ત્રક્રિયા કરાવી છતાં કંઈ જ ફેરફાર ન થતા ડોક્ટરની સલાહથી કિમોથેરાપી દ્વારા તે મસ દૂર કરવાની પ્રક્રિયાને અમલમાં મૂકી પરંતુ કમનસીબે કિમોથેરાપીની આડ અસરથી તેમની પત્નીને કેન્સર થઇ ગયું.

Humanity

પત્નીને કેન્સર થતા તેમણે પોતાની પત્નીની કેન્સર માટેની સારવાર શરુ કરાવી. આ સારવાર દરમિયાન જયારે તેઓ ઘરેથી પત્ની માટે જમવાનું લઇ જતા ત્યારે આસપાસના જિલ્લાઓમાંથી આવતા ઘણા લોકોની દયનિય હાલત જોઈને દિનેશભાઈના પત્ની અનિતાબેને દિનેશભાઇને એકદિવસ કહ્યું કે, જુઓ હવે મને તો કેન્સર થઇ ગયું છે ને મારા બચવાના ચાન્સીસ પણ ઘણા ઓછા છે તેના કરતા તમે હવેથી દવામાં પૈસા ખર્ચો છો તેના બદલે આ લોકોના જમવાની વ્યવસ્થા કરો તો પણ સારું રહેશે. ને આમ દિનેશભાઇનો આ સેવારૂપી યજ્ઞ શરુ થયો. કર્મની કઠણાઈ એવી કે તેમના પત્નીનું અવસાન કરવાચોથ ના દિવસે જ થયું તેથી એના બાર દિવસ પછી દિવાળી હોવાથી લોકો બારમામાં ભોજન કરવા ના આવી શકે માટે અનિતાબેનની વાતને માન આપી દિનેશભાઈએ પત્નીના બારમાના દિવસથી જ લોકોને જમાડવાનું શરુ કર્યું.

ભૂખ્યાને ભોજન

શ્રી કૃષ્ણ વાસુદેવાય સેવા ટ્રસ્ટ
પત્નીના અવસાન બાદ નજીકના સમયમાં જ તેમનો એકનો એક દીકરો અચાનક માંદગી બાદ અવસાન પામ્યો અને તેના ગયા પછી દિનેશભાઇએ નક્કી કરી લીધું કે હવે તેઓ પૈસા ભેગા કરવા કે સાચવવાની જગ્યાએ જે કંઈ પણ કમાશે તેનાથી આ જમાડવાનું અભિયાન ચાલુ જ રાખશે. ટૂંક સમયમાં તેમણે પોતાના આ જમાડવાના અભિયાનને 'શ્રી કૃષ્ણ વાસુદેવાય સેવા ટ્રસ્ટ' નામ આપી ફૂલ સ્કેલમાં શરુ કર્યું. કોરોનાકાળમાં લોકડાઉન વખતે તો તેમણે પોતાની ખુદની ચિંતા કર્યા વગર ચોવીસ કલાક ખડે પગે જરૂરિયાતમંદ લોકોની ખુબ સેવા કરી છે.

Vadodara

મહિને થાય છે 60 હજાર આસપાસનો ખર્ચો
દિનેશભાઇને તેમના આ સેવાકાર્યમાં ખર્ચ વિષે પૂછતાં તેમણે જણાવ્યું કે અમુક લોકો યથાશક્તિ મદદ કરી જાય છે પરંતુ સંપૂર્ણપણે ખર્ચની જવાબદારી મારા માથે જ છે. તેમને કુલ ચાર દીકરીઓ છે અને તેમાંથી બે દીકરીઓ નોકરી કરે છે જે પોતાની સંપૂર્ણ કમાણી પોતાના પિતાના આ સેવાયજ્ઞમાં આપે છે. આ સિવાય ઘરની જવાબદારી કંઈ રીતે વહન કરો છો તે વિશે પુછતા દિનેશભાઇ કહે છે કે તેઓ સેવઉસળની લારી ચલાવે છે અને તેમાંથી જે આવક થાય છે તેનાથી તે ઘરની જવાબદારીનું વહન કરે છે બાકી વધતા દરેક રૂપિયાને આ લોકોને જમાડવાના કામમાં જ ખપાવે છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે દિનેશભાઇ રોજ બંને સમય જે જમવાનું લઇ જાય છે તે ઘરેથી બનાવીને જ અને પોતાની મારુતિ કારમાં જાતે જ ચલાવીને લઇ જાય છે અને લોકને વહેંચે છે. પોતાના આ કાર્યને સેવાની જગ્યાએ ફક્ત એક રૂટિન તરીકે આલેખતા દિનેશભાઇને જો તમે ખરેખર ફૂલ નહિ તો ફૂલની પાંખડીના હિસાબે કંઈક મદદ કરવા ઇચ્છતા હોવ તો તમે 9824625257 પર તેમનો સંપર્ક કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: વડોદરાના યુવાને રખડતાં કૂતરાં માટે શેલ્ટર બનાવી શરૂ કર્યું ખવડાવાનું, 50 શ્વાનની રાખે છે સંભાળ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe