Powered by

Home પર્યાવરણ ગરમીમાં ત્રાસદી ભોગવતા મજૂરોને જોઈ મોરબીના બે ભાઈઓએ શરુ કર્યું વૃક્ષારોપણ અભિયાન

ગરમીમાં ત્રાસદી ભોગવતા મજૂરોને જોઈ મોરબીના બે ભાઈઓએ શરુ કર્યું વૃક્ષારોપણ અભિયાન

ગરમીમાં છાંયા માટે મુશ્કેલી અનુભવતા મજૂરોને જોઈ મોરબીના બે ભાઈઓએ શરૂ કર્યું વૃક્ષારોપણ. વાવ્યા બાદ તેના સંવર્ધનની જવાબદારી પણ લે છે માથે.

By Kishan Dave
New Update
Vipul And Sagar Kadiwar

Vipul And Sagar Kadiwar

મોરબીના વિપુલ કડીવાર અને સાગર કડીવાર બંને ભાઈઓ પેકેજિંગનો ધંધો કરે છે. તેમની પોતાની પેકેજીંગ માટેની એક ફેક્ટરી છે. એક દિવસ વિપુલ ભાઈએ જોયું કે તેમની ફેક્ટરીની આસપાસ આવેલી ફેકટરીના મજૂરો ધખધખતા તાપમાં જે તે ફેક્ટરીની દીવાલોની આડશમાં ઊંઘ્યાં છે. મજૂરોને રહેવા માટે પતરાની ઓરડી તો બનાવી આપવામાં આવે છે પણ ઉનાળાની ગરમીમાં તે ઓરડીમાં રહેવું તેના કરતા બહાર કોઈ છાયંડામાં રહેવું વધારે હિતાવહ હોય છે ત્યારે તેમણે થયું કે જો આ જગ્યાએ ઘણા વૃક્ષો હોત તો આ મજૂરોને બપોરમાં આરામ કરવામાં એટલી તકલીફ ના ઉભી થાત.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા વિપુલભાઈ જણાવે છે કે,"આ વિચાર આવતા જ અમે બંને ભાઈઓએ આજથી ચાર વર્ષ પહેલા શરૂઆત ફક્ત એક જ છોડ રોપીને કરી પરંતુ જયારે બીજા દિવસે અમે જોયું તો નાના બાળકોના રમવાના કારણે તે વાવેલો છોડ તૂટી ગયો હતો. આ બનાવ પછી બંને ભાઈઓને બીજો વિચાર એ આવ્યો કે જો ફેકટરીની નજીકમાં વાવેલા છોડની કાળજી નથી રાખી શકાતી તો પછી મોરબી શહેરમાં જે તે છોડવાઓ રોપાતા હશે તો તેમની દેખભાળ કંઈ રીતે થતી હશે અને આ જ કારણે તેમણે વૃક્ષો વાવવાની સાથે સાથે રોજ તેની કાળજી રાખવાની પણ શરૂઆત કરી અને તે માટે બંને ભાઈઓએ પોતાના બાઈક પર સવાર થઇ સમગ્ર મોરબી શહેરમાં જે તે જગ્યાએ છોડવાઓ તો વાવ્યા પણ વવાયાં પછી દરરોજ તેની તકેદારી રાખવાની પણ જવાબદારી લીધી જે આજ સુધી તેઓ નિભાવી રહ્યા છે.

તેમની આ પહેલને કારણે મોરબી શહેરમાં અલગ અલગ જગ્યાએ રોપેલા છોડવાઓ સારી એવી વૃદ્ધિ પામી રહ્યા છે. ફેકટરીના મજૂરોને પડતી હાલાકીને જોઈને આવેલો વિચાર આજે એક અભિયાનમાં પરિવર્તિત થઇ ગયો છે. વિપુલભાઈ તેમજ સાગરભાઈ બંને પોતાની આજીવિકા રળવાના કામમાંથી સમય કાઢીને પર્યાવરણની આ કામગીરી સુપેરે નિભાવી રહ્યા છે. તે સિવાય બંને ભાઈઓ પ્રસંગોપાત ગરીબ બાળકોને જમાડવા તહેવારો પ્રસંગે વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ પણ કરે છે. તે સિવાય સમગ્ર વર્ષ કીળીયારું પણ પુરે છે.

તેમની આ પહેલને કારણે આજે ઘણા લોકો પ્રોત્સાહિત પણ થયા છે. બંને ભાઈઓ માટે આ કાર્ય ફક્ત ફરજ ન રહેતા જિંદગી જીવવા માટેની એક દૈનિક ક્રિયા બની ગઈ છે. અને આમ પણ જળવાયું પરિવર્તનના કારણે બદલાતા જતા વાતાવરણના સુધારા માટે આપણા દેશ અને રાજ્યના લોકો આ બંને ભાઈઓની જેમ વ્યક્તિગત રીતે ફાળો આપવાનું શરુ કરે તો આપોઆપ કુદરતને થતા નુકસાનને ઘટાડી શકાય છે. બસ આ માટે જરૂર છે તો એક ઉમદા વિચારની અને તેને પૂર્ણ કરવા માટેની ઈચ્છા શક્તિની.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:બોટાદના આ શિક્ષકને ઝાડ ન વાવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી, દર વર્ષે ઉછેરે છે 1600+ છોડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.