મંદિરની ચુંદડીઓમાંથી 'અર્પણ પોટલી' અને 'ચાંદલા કવર', મળે છે HIV ગ્રસ્ત મહિલાઓને રોજી

તમારી એક ખરીદી પર્યાવરણને બચાવવાના પગલા અને HIV ગ્રસ્ત મહિલાઓની રોજી માટે મહત્વનું પગલું સાબિત થઈ શકે છે. મંદિરમાં ચઢાવેલ ચુંદડીઓમાંથી આટલી સુંદર વસ્તુઓ બની શકે છે તેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય.

Temple Waste Recycling

Temple Waste Recycling

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે મંદિરમાં માતાજીને જે ચુંદડી ચઢાવો છો, તેનું શું થાય છે? તમારી સારી ભાવના આપણા પર્યાવરણને નુકસાન તો નથી પહોંચાડતી ને?

હા, મોટાભાગે આવું જ થતું હોય છે. સામાન્ય રીતે મંદિરમાં ચઢાવવામાં આવતી વસ્તુઓને કાંતો જળાશયોમાં પધરાવવામાં આવે છે, કાં તો કોઈ બીજી રીતે નિકાલ કરવામાં આવે છે, જેનાથી પાણી તો પ્રદૂષિત થાય જ છે-સાથે-સાથે અસંખ્ય જળચર જીવોના જીવ પણ જાય છે. કુદરતનું સંતુલન ખોરવાય છે. પરંતુ જો આ જ વસ્તુઓનો કઈંક બીજી રીતે ઉપયોગ કરવામાં આવે, જેનાથી પર્યાવરણને નુકસાન થતું અટકે અને તમારી શ્રદ્ધાને પણ ઠેસ ન પહોંચે તો કેવું રહે?

બસ આવું જ કઈંક કર્યું છે ગુજરાતમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત પરિવર્તન અભિયાન સંસ્થાએ કે જે વર્ષોથી આ રીતની વસ્તુઓને અપસાયકલ કરી તેના વિવિધ ઉપયોગ દ્વારા પર્યાવરણની જાળવણી પણ કરે છે અને સાથે સાથે જરૂરિયાત વાળા લોકોને રોજી પણ આપે છે. આ કાર્ય પરિવર્તન અભિયાનના સુરભીબેન જોશીએ બીજી એક સંસ્થા કે જેનું નામ ગુજરાત એડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેંશન યુનિટ છે તેની સાથે મળીને આરંભ્યું છે અને એ પણ એટલી સુંદર રીતે કે જોઈને દિલ ખુશ થઈ જશે. માતાજીને ચઢાવવામાં આવેલ ચૂંદડીઓમાંથી તેઓ એડ્સ પીડિત મહિલાઓ પાસે એટલાં સુંદર લગ્નમાં ચાંદલા માટે કવર, ગિફ્ટ માટે અર્પણ પોટલી વગેરે બનાવડાવે છે કે, આપનાર અને લેનાર બંને ખુશ થઈ જાય અને સૌથી મહત્વનું આનાથી એડ્સ પીડિત મહિલાઓને રોજી મળે છે, તો આ ચુંદડીઓ પાણીમાં જતી અટકે છે, જેથી પાણીનું પ્રદૂષણ પણ ઘટે છે.

Temple Waste Recycling

ગુજરાત એઇડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેંશન યુનિટ (GAP) છેલ્લા 37 વર્ષથી એચ આઈ વી એઇડ્સ પ્રિવેંશન અને કેરનું કામ કરે છે અને તેના કારણે અસરગ્રસ્ત થયેલ પરિવાર માટે પણ કાર્ય કરે છે. આ સિવાય તેઓ એઇડ્સથી કંઈ રીતે બચવું તે બાબતે જાગૃકતા ફેલાવવાનું કાર્ય કરે છે. તથા દેશના વિવિધ રાજ્યોમાં જઈને તાલીમ પણ આપે છે. તેમના આ અભિયાનમાં સુગંધ ભળી, જ્યારે પરિવર્તન અભિયાન આગળ આવ્યું અને આ બહેનો કરી શકે તેવાં કાર્યો લઈને આગળ આવ્યા, બહેનોને ટ્રેનિંગ આપી અને તેમની બનાવેલ વસ્તુઓને લોકો સુધી પહોંચાડવાનું બીડુ ઝડપ્યું.

તો આજે ધ બેટર ઇન્ડિયા પરિવર્તન અભિયાન અને GAP દ્વારા કરવામાં આવતા પર્યાવરણીય કમ માનવતાવાદી કાર્યને અહીં તમારી સમક્ષ લઈને આવ્યું છે.

Temple Waste Upcycle

તમને બધાને ખબર જ છે કે મોટાભાગે  મંદિરોમાં ચઢાવવામાં આવતી વસ્તુઓ નદીઓ, તળાવો અને સ્થાનિક જળાશયોમાં પધરાવવામાં આવે છે અથવા તેનો બીજી ત્રીજી રીતે નિકાલ કરવામાં આવે છે અને તે પણ વિઘટનીય અને અવિઘટનીય ઘટકોને અલગ કર્યા વગર જેના કારણે પર્યાવરણ અને પર્યાવરણીય સંસાધનોને પારાવાર નુકસાન થતું હોય છે. પરંતુ  તે માટે ઘણા લોકો અને સંસ્થાઓ દ્વારે અમુક મુહિમ ચલાવવામાં આવે છે જે બીજા લોકો માટે પ્રેરણા બની રહે છે અને આ રીતે ઉદ્દભવતા પ્રશ્નો માટેનું નિરાકરણ પણ બને છે.

GAP સંસ્થાના પંકજભાઈ કહે છે કે, કોવિડ રોગના ફેલાવા પછી સંસ્થા સાથે જોડાયેલ વિધવા અને એચ આઈ વી ગ્રસ્ત બહેનોની હાલત ખરાબ થવા લાગી તો તે દરમિંયાન તેમની પાસે માસ્ક બનાવડાવ્યા, સાથે સાથે પરિવર્તન અભિયાનના સુરભીબેન જોશીની મદદ લઈને લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યજે તે હેતુસર શાકભાજીની ખરીદી માટે કાપડની Veggie _ से _ parted થેલી બનાવવાની શરૂઆત કરી જેમાં નાના નાના ખાના બનાવવામાં આવ્યા જેમાં અલગ અલગ શાકભાજી મૂકી શકાય. તેમની આ બેગ્સ માટે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ આખા દેશમાં લોકોએ ઓર્ડર આપ્યા હતા.

Temple Waste Upcycle

તેના પછી આગળ જતા પરિવર્તન અભિયાનને વિચાર આવ્યો કે  ઘણા મંદિરોમાં ખુબ બધી ચુંદડીઓ આવતી હોય છે અને ખુબ બધી ચુંદડીઓ ભેગી થઇ જવાંથી તેનો નિકાલ કંઈ રીતના કરવો તે માટે એક મોટો પ્રશ્ન ઉદ્દભવતો હોય છે અને તેથી જ તેમણે લોકોની સાંસ્કૃતિક તેમજ ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે ઉપરાંત પર્યાવરણની જાળવણી પણ થાય તે રીતે તે ચુંદડીઓને અપસાયક્લ કરી વિવિધ વસ્તુઓ બનાવવાનું શરુ કર્યું.

આ વિવિધ વસ્તુઓમાં પરબીડીયા, મોબાઈલ મુકવાના કવર, ચાંદલા માટેના કવર, પ્રસાદ આપવા માટેની અર્પણ પોટલી વગેરે બનાવવામાં આવે છે. આ ચૂંદડીઓ તેમને ટેમ્પલ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલ બ્રુક્સ એન્ડ બ્રુમ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે અને આના વેચાણ દ્વારા જે કંઈ પણ કમાણી થાય છે તે આ બહેનોના હાથમાં જ જાય છે. નવરાત્રી વખતે માતાજીના તોરણો પણ બનાવેલા પરંતુ તેમાં ચૂંદડીની સાથે સાથે બીજી અમુક ડેકોરેશનની વસ્તુઓ ઉમેરી હતી.

Employment HIV Positive

આકાર્યનો લાભ લગભગ 70-75 જરૂરિયાતમંદ બહેનોને મળે છે, જેમાંથી 35 બહેનો એચઆઈવી ગ્રસ્ત છે. આ વિવિધ કાર્ય દ્વારા થતી આવક તે બહેનોની વચ્ચે વહેંચવામાં આવે છે જેમાં તેઓને મહિના દરમિયાન પોતે પોતાનો ખર્ચો કાઢી શકે તે રીતની આવક થઇ જતી હોય છે. કાપડની થેલી વખતે તો દરેક બહેનો દિવસના 200 થી 300 રૂપિયા કમાતી હતી.

આ બધી જ વિવિધ વસ્તુઓ બનાવવા શીખવાડવા માટે આ સંસ્થા દ્વારા એક અલગથી માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં GAP સંસ્થામાં કાર્યરત દામિનીબેન પરમાર દ્વારા બહેનોને વિવિધ કારીગરી શીખવાડવા માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે. ખાસ કરીને આ ચુંદડીઓમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે અને વિવિધ લોકો આ પહેલને આવકારી પણ રહ્યા છે.

Employment HIV Positive

શાકભાજીની બેગ હોય કે ચુંદડીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની હોય તેમાં ડાયરેક્ટરશ્રી પરમાનંદ દલવાડી સાહેબ કે જેઓ NID ના ફાઉન્ડર મેમ્બર છે અને નિરમા તેમજ સેપ્ટ જેવી યુનિ.માં ફોટોગ્રાફી ભણાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્ય થાય છે.

પરંતુ તે હજી પૂરતું નથી. હા, સોશિયલ મીડિયા પર સંસ્થા દ્વારા આ બધી વસ્તુઓ બાબતે લોકો સુધી જાણકારી પહોંચાડવામાં આવે છે અને તેમાંથી ઘણા લોકો ખરીદી કરવા માટે પ્રોત્સાહિત પણ થાય છે છતાં બહેનોને હજી પણ સારી એવી અવાક થાય તે હેતુસર જે કોઈ પણ વાચક આ લેખને બને તેટલા લોકો સુધી પહોંચાડે તો તે આ સંસ્થામાં કાર્ય કરતી બહેનો માટે તેમજ પર્યાવરણીય હિત માટે લાભદાયક રહેશે.

જો તમે આવી અપસાયક્લ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોવ તો તમે પરિવર્તન અભિયાનના સુરભીબેન જોશીને 9016663711 નંબર પર સંપર્ક કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 2 ફ્રી ટિફિનથી કરેલ શરૂઆત પહોંચી 1200 એ, જામનગરની સંસ્થા દરરોજ જમાડે છે જરૂરિતમંદોને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe