/gujarati-betterindia/media/post_attachments/2021/12/Kamaljit-Natural-Farming-1.jpg)
Dr. Om Prakash Rupela
ખેતી એક એવો વ્યવસાય છે, જેમાં સમય પ્રમાણે પ્રયોગો કરો તો નફો જ નફો છે. દેશના વિવિધ ભાગોમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ તેમના સ્તરે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આજે અમે તમને પંજાબના એક ખેડૂતની કહાની કહેવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની ખેતીના મોડલથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે અને ઘણા ખેડૂતો તેમનાથી પ્રભાવિત થઈને દેશી પદ્ધતિથી ખેતી (Natural Farming)શરૂ કરી રહ્યા છે.
આ પ્રેરક કહાની પંજાબના ફિરોઝપુર જિલ્લાના સોહાનગઢ રત્તેવાલા ગામના કમલજીત સિંહ હેયરની છે. 45 વર્ષીય કમલજીત પાસે 20 એકર જમીન છે અને તે તેના પર સરસવ, બાજરી, કાળા ચોખા, લાલ ચોખા, દ્રાક્ષ, બટેટા, ટામેટા જેવાં 50થી વધુ પાકોની ખેતી કરે છે અને સાથે જ કેરી, આમળા, જાંબુ, બોર, નારંગી જેવા ફળો પણ ઉગાડી રહ્યા છે.
કમલજીત પુરી રીતે દેશી પદ્ધતિથી ખેતી કરે છે અને તેમણે લોકોને તેના વિશે શીખવવા માટે પોતાની તાલીમ સંસ્થા પણ શરૂ કરી. પરંપરાગત પાકો ઉપરાંત, તે તુલસી, લેમનગ્રાસ, સ્ટીવિયા જેવા 50 થી વધુ ઔષધીય છોડની પણ ખેતી કરે છે. તેમની પાસે પશુધન તરીકે ગાય, ભેંસ, બકરી, મરઘા, બતક પણ છે.
ખેતીની દુનિયામાં પ્રવેશતા પહેલા કમલજીત કાયદાની પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે તેમણે વકીલાત છોડીને ખેતીને પોતાનું જીવનનિર્વાહનું એકમાત્ર સાધન બનાવવાનું નક્કી કર્યું, તે સમયે તેમનો માસિક પગાર લગભગ દોઢ લાખ રૂપિયા હતો.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Kamaljit-Natural-Farming-2-1024x580.jpg)
કેવી રીતે પ્રેરણા મળી
કમલીતે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “તે 1996ની વાત હતી. મારા 10 વર્ષના નાનાનું મોત બ્રેઈન ટ્યુમરને કારણે થયુ હતુ. ત્યારબાદ 2006માં તેમના પિતાનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 53 વર્ષની હતી. પછી, મારા દાદા 2012માં મૃત્યુ પામ્યા, જ્યારે તેઓ 101 વર્ષના હતા."
તે આગળ કહે છે, "મારા ભાઈ અને પિતાના અકાળે મૃત્યુથી હું સ્તબ્ધ થઈ ગયો અને મેં અભ્યાસ કર્યો કે, આખરે લોકોની ઉંમર આટલી તેજીથી કેમ ઘટી રહી છે."
આ સમય દરમિયાન કમલજીત દેશી પદ્ધતિથી ખેતીને (Natural Farming)પ્રોત્સાહન આપતી સ્થાનિક સંસ્થા “ખેતી વિરાસત મિશન”ના સંપર્કમાં આવ્યો.
તેઓ જણાવે છે, “અહીં મને કેટલીક આશ્ચર્યજનક માહિતી મળી. પંજાબમાં સમગ્ર દેશની માત્ર 1.5 ટકા ખેતીલાયક જમીન છે, પરંતુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના કિસ્સામાં આ આંકડો 18 ટકાથી વધુ છે. આનાથી ખ્યાલ આવે છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કેટલો ઝેરી છે."
તે પછી, કમલજીત હૈદરાબાદના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ઓમ પ્રકાશ રૂપેલાને મળ્યા.
તે કહે છે, “ડૉ. રૂપેલા ડિસેમ્બર 2012માં પંજાબ આવ્યા હતા. આ પહેલા પણ તેઓ 2009માં પંજાબમાં ખેતીનું નવું મોડલ શરૂ કરવા આવ્યા હતા. પરંતુ તે પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. પરંતુ આ વખતે તેમણે પોતાની રણનીતિ બદલી હતી.”
આ પછી, કમલજીતે જાન્યુઆરી 2013માં ડૉ. રૂપેલાના માર્ગદર્શન હેઠળ તેની 20 એકર જમીનમાં દેશી પદ્ધતિથી ખેતી (Natural Farming)શરૂ કરી.
તેઓ જણાવે છે કે તેમની જમીનમાં દાયકાઓથી રસાયણોથી ખેતી કરવામાં આવી રહી હતી અને અચાનક કુદરતી ખેતી અપનાવવી સરળ ન હતી. ડૉ. રૂપેલાએ તેમને શીખવ્યું કે ખેતી એ પાક, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ અને સૂક્ષ્મજીવો જેવા પાંચ તત્વોનું સંયોજન છે. જો કોઈ તેને અપનાવે તો પાકને ઝેરી બનતા બચાવી શકાય છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Kamaljit-Natural-Farming-3.jpg)
વકીલાત છોડી
કમલજીત કહે છે, “હું અત્યાર સુધી ખેતી અને વકીલાત એકસાથે કરતો હતો. પરંતુ 2015 સુધીમાં એવું લાગતું હતું કે હું બેમાંથી કોઈ એક સાથે આગળ વધી શકીશ અને મેં ખેતીનો માર્ગ પસંદ કર્યો.”
તે આગળ કહે છે, “મેં પહેલાં ક્યારેય ખેતી નહોતી કરી અને મારો આખો પરિવાર વકીવાત છોડવાના નિર્ણયની વિરુદ્ધ હતો. પણ મેં મારા દિલની વાત સાંભળી અને મારા નિર્ણય પર અડગ રહ્યો."
પરંતુ, થોડા મહિનાઓ પછી કમલજીત સાથે કંઈક એવું થયું કે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું.
તેઓ કહે છે, “ડૉ. રૂપેલા વકીલાત છોડ્યાના લગભગ બે મહિના પછી કેન્સરથી મૃત્યુ પામ્યા. આ સમાચારે મને હચમચાવી નાખ્યો. હવે કેવી રીતે આગળ વધવું તે મને ખ્યાલ નહોતો. પણ મેં ડૉ. રૂપલાને વચન આપ્યું હતું કે ગમે તે થાય, હું ક્યારેય મેદાન છોડીને ભાગીશ નહીં.”
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Kamaljit-Natural-Farming-4-1024x580.jpg)
લોકોએ મજાક ઉડાવી
કમલજીત કહે છે કે તેણે તેની ખેતીમાં ઘણા પ્રયોગો કર્યા છે અને તે નિષ્ફળ ગયા છે. શરૂઆતના કેટલાક વર્ષો દરમિયાન તેમની સાથે ઉપજના નામે કંઈ થયું નહીં. જેના કારણે તેને ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કમલજીતનો પરિવાર તેની વિરુદ્ધ થઈ ગયો હતો અને લોકો પણ તેની મજાક ઉડાવવા લાગ્યા હતા. પરંતુ, ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું અને આજે તેની કમાણી કેમિકલ ફાર્મિંગ કરતા ઘણી સારી છે.
કેવી રીતે કરે છે ખેતી
કમલજીત જણાવે છે, “હું મારા પોતાના પાકમાંથી ખેતી માટે બીજ તૈયાર કરું છું. હું બહારથી કોઈ બીજ ખરીદતો નથી. સાથે જ વરસાદના પાણીને બચાવવા માટે મેં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ બનાવી છે.”
તેઓ જણાવે છે, “મારી પાસે મરઘી-બતકથી લઈને ગાય પણ છે. તેમની કાળજી લેવા માટે, અમારે બહારથી કંઈપણ ખરીદવાની જરૂર નથી અને અમે તેમના મળ અને મૂત્રનો ઉપયોગ અમારી ખેતી માટે કરીએ છીએ. આ રીતે, ખેતી અને પ્રાણીઓ બંને એકબીજા પર નિર્ભર છે.”
તો, કમલજીત જીવામૃતનો જંતુનાશક તરીકે ઉપયોગ કરે છે.
તેઓ જણાવે છે, “અમારા ખેતરમાં કંઈ જ નકામું જતું નથી. અહીં માનવ મળમૂત્રનો ઉપયોગ પણ બાયોગેસ બનાવવા માટે થાય છે. આ રીતે અમે પ્રકૃતિને કોઈપણ રીતે નુકસાન પહોંચાડતા નથી.”
કેવી રીતે માર્કેટિંગ કરે છે?
કમલજીતે તેમની ખેતીને ડો. રૂપેલાને સમર્પિત કરતા, “ડૉ. ઓમ પ્રકાશ રૂપેલા સેન્ટર ફોર નેચરલ ફાર્મિંગ” નામ આપ્યુ છે.
તે કહે છે, “હું મારા ઘણા ઉત્પાદનોને સીધા વેચવાને બદલે પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. જેમકે, હું ભુજિયા અથવા ચણાનો લોટ બનાવીને કાળા ચણા વેચું છું. આ સિવાય હું અથાણું કે મુરબ્બો બનાવીને ફળો વેચું છું. આ રીતે વેલ્યૂ એડિશનથી મને વધુ કમાણી થાય છે.”
તેઓ આગળ જણાવે છે, “મારે મારા ઉત્પાદનો વેચવા માટે ક્યાંય જવાની જરૂર નથી. હું મારા પોતાના આઉટલેટમાંથી તમામ ઉત્પાદનો વેચું છું. પંજાબના ઘણા ભાગોમાંથી મારી પાસે કાયમી ગ્રાહકો છે.”
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Kamaljit-Natural-Farming-6-1024x580.jpg)
એગ્રો ફાર્મ ટુરીઝમનું રૂપ આપ્યુ
કમલજીત જણાવે છે, “મેં મારી ખેતીને ઈકો ટુરિઝમના રૂપમાં વિકસિત કરવા માટે તમામ પ્રકારના વૃક્ષો અને છોડ વાવ્યાં છે અને દરેક સંરચનાઓને બનાવવા માટે માટીનો ઉપયોગ કર્યો છે. દરરોજ લગભગ 50 લોકો અહીં ફરવા આવે છે.”
કમલજીતે તેના તમામ ખેતીના કામ સંભાળવા માટે પાંચ-છ લોકોને રોજગારી પણ આપી છે.
અન્યોને પણ પ્રેરણા આપી
કમલજીતની પ્રેરણાથી ઘણા લોકોએ દેશી પદ્ધતિથી ખેતી શરૂ કરી છે.
તેમની મદદ મેળવનારાઓમાં પંજાબના મોગા જિલ્લાના લોહારા ગામના રહેવાસી રાજવિંદર સિંહનો પણ સમાવેશ થાય છે. તે અગાઉ અમેરિકામાં હોટેલ મેનેજમેન્ટમાં કામ કરતો હતો. પરંતુ કંઈક અલગ કરવા ઈચ્છતા તે પોતાના દેશ પરત ફર્યા.
આ વિષયમાં તેઓ કહે છે, “હું 2017માં કમલજીતને સોશિયલ મીડિયા દ્વારા મળ્યો હતો. પછી હું તેમના ખેતરમાં ગયો. તેમની ખેતીની પદ્ધતિઓથી હું ખૂબ પ્રભાવિત થયો અને તેમની મદદથી મેં મારી છ એકર જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું. આજે, મારી આઠ એકર જમીન પર, હું શેરડી, હળદર જેવા પાકોની માત્ર દેશી પદ્ધતિથી ખેતી (Natural Farming)જ નથી કરતો, પરંતુ તેની પ્રોસેસ કરીને વેલ્યૂ એડિશન પણ કરું છું.”
કમલજીત કહે છે કે તેમનો ઉદ્દેશ્ય દેશી પદ્ધતિની ખેતીને (Natural Farming) પ્રોત્સાહન આપવાનો છે. આ માટે તેમણે એક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ પણ શરૂ કર્યુ છે.
તેઓ જણાવે છે, “અમે પહેલા મહિનામાં એક દિવસીય તાલીમ સત્રોનું આયોજન કરતા હતા. પણ હવે પાંચ દિવસ માટે કરીએ છીએ. દરેક બેચમાં લગભગ 10 લોકો હોય છે. જો કોઈ અમારી સાથે રહીને ટ્રેનિંગ લેવા માંગે છે તો તેના માટે 5000 રૂપિયા ફી છે, નહીં તો 2500 રૂપિયા.”
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Kamaljit-Natural-Farming-5-1-1024x580.jpg)
અજાણ્યાએ આપી નવી હિંમત
કમલજીત કહે છે, “વાત એપ્રિલ 2019ની છે. હું ઘણી મુશ્કેલીઓમાંથી હજી બહાર આવી રહ્યો હતો કે એક રાત્રે ભયંકર વાવાઝોડાએ બધું તબાહ કરી નાખ્યું. મારા ખેતરો બરબાદ થઈ ગયા. આનાથી હું પહેલીવાર હિંમત હારી ગયો અને ખેતી છોડી દેવાનો નિર્ણય કર્યો. મેં તેના વિશે બીજા દિવસે સવારે ફેસબુક પર એક પોસ્ટ કરી.”
તેઓ આગળ કહે છે, “નુકસાન ઘણું થયુ હતુ અને મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. પરંતુ લોકોએ મને હિંમત તો આપી જ, તો ઘણા લોકોએ જાતે જ પૂછીને આર્થિક મદદ પણ કરી. હું તેમને ઓળખતો ન હતો. પરંતુ તેમણે મને મેદાન ન છોડવાની અપીલ કરી હતી. આ સમાજ ખરેખર સારો છે."
તે અંતમાં કહે છે, “આજે, કેમિકલયુક્ત ખેતીને કારણે, બજાર પર ખેડૂતોની નિર્ભરતા ઘણી બધી વધી છે. આજે ખેડૂતોની લડાઈ કોર્પોરેટ ગૃહો સાથે છે, પરંતુ ખેતીની આ પદ્ધતિને કારણે તેઓ અંતે તેમના પર નિર્ભર બની જાય છે. તેનાથી તેમને નુકસાન જ થશે, તેઓ આત્મનિર્ભર નહીં બની શકે. જો ખેડૂતોએ આત્મનિર્ભર બનવું હોય તો આપણે આપણી વર્તણૂક બદલવી પડશે અને દેશી પદ્ધતિની ખેતી (Natural Farming)અપનાવવી પડશે.”
તમે 9804072072 પર કમલજીતનો સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:ગાયના છાણ અને બીજના કાગળમાંથી કંકોત્રી બનાવડાવી ઉપલેટાના વ્યાપારીએ દિકરીનાં લગ્ન કર્યાં યાદગાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.