Powered by

Home અનમોલ ભારતીયો જેમને બે ટંક ખાવાના પણ ફાંફાં હતા તેવા પરિવારમાંથી આવતા IRS અધિકારીની પ્રેરક કહાની!

જેમને બે ટંક ખાવાના પણ ફાંફાં હતા તેવા પરિવારમાંથી આવતા IRS અધિકારીની પ્રેરક કહાની!

ક્યારેક જમીન પર પડેલા લોટથી ભરતા હતા પેટ, વાંચો IRS અધિકારીની પ્રેરક કહાની!

By Nisha Jansari
New Update
IAS Vishnu

IAS Vishnu

ઔરંગાબાદના આસિસ્ટન્ટ કમિશનર- ઇન્કમ ટેક્સ, વિષ્ણુ ઓટીને 1972માં પિતાએ આપેલી શીખ આજે પણ યાદ છે. આ વાત ત્યારની છે જ્યારે તેઓ રેતી અને પથ્થરોથી રમતા હતા. એ વખતે તેમના પિતાએ તેમને સલાહ આપી હતી કે, "જો તમે સારી રીતે અભ્યાસ નહીં કરો તો તમે પણ મારી જેમ તડકામાં કામ કરશો. એવા વ્યક્તિ બનો જે છાંયામાં બેસે, મજૂર નહીં."

જોકે, અહમદનગર જિલ્લાના કુમ્હારવાડી ગામમાં એક બાંધકામ સ્થળ પર કામ કરવા દરમિયાન હરિભાઉએ આ વાત એમ જ કહી હતી. પરંતુ કોને ખબર હતી કે પિતાના આ શબ્દો વિષ્ણુની જિંદગી બદલી દેશે.

જ્યારે તેઓ 10 વર્ષના થયા ત્યારે તેમણે અનુભવ્યું કે ગરીબી, પાણીની તંગી સહિત તમામ મુશ્કેલીથી પાર આવી શકાય છે. ટીવીના માધ્યમથી તેમને એક નવા જ જિવન વિશે પણ માલુમ પડ્યું હતું. તેઓ ભણી-ગણીને કંઈક કરવા માંગતા હતા. પરંતુ ઘરની ખરાબ સ્થિતિને કારણે આવું શક્ય ન હતું. પરંતુ વિષ્ણુએ હિંમત ન હારી અને તમામ મુશ્કેલીનો હિંમતથી સામનો કર્યો હતો.

Vishnu Oti
Vishnu Oti

હિંમતથી મુશ્કેલીનો સામનો કર્યો

વિષ્ણુના પિતા હરિભાઉએ કામ કરવા દરમિયાન પોતાની આંખની રોશની ગુમાવી દીધી હતી. જ્યારે માતા કૈલાસબાઈ સાંભળી શકતા ન હતા. તેઓ પોતાના ત્રણ બાળકોના ભરણપોષણ માટે દિહાડી મજૂરી કરતા હતા. અનેક વખત ભૂખ્યા પેટે પણ ઊંઘી જતા હતા.

આનાથી તેમની ઉંમર પર ખરાબ અસર પડી અને ઉંમર વધતા જ કામ કરવા માટે અશક્ત બની ગયા હતા. તેમના ગામની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેમના ગામમાં કોઈ સ્કૂલ ન હતી. આ ઉપરાંત ખેતીના કોઈ સાધન ન હતા. આ કારણે મજૂરી પણ મળતી ન હતી.

Government officer
Vishnu with his parents

હાલત એવી થઈ કે હરિભાઉએ દુષ્કાળને કારણે પોતાની પત્ની અને બાળકોને ગુમાવી દીધા. પછી થોડા મહિનાઓ પછી તેમણે કૈલાસબાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમણે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. હરિભાઈ અને તેમની પત્ની ભણેલા-ગણેલા ન હતા, આ ઉપરાંત તેમની વિકલાંકતાએ તેમની મુશ્કેલી વધારી દીધી હતી. કારણ કે કોઈ પણ તેમને કામ પર રાખવા માંગતુ ન હતું.

વિષ્ણુ કહે છે કે, "મારા માતા લોટમાં ખૂબ પાણી નાખીને રોટલી બનાવતી હતી અને તેને મીઠા સાથે ખાતા હતા. માતાપિતા સવારે કામની શોધમાં ઘરેથી નીકળી જતા હતા. જો તેઓ બપોરે પરત ન આવે તો મારી મોટી બહેન અમારું ધ્યાન ભટકાવવા માટે વાર્તાઓ કહેતી હતી. આ જ સંઘર્ષ દરમિયાન મારા પિતાજીએ મને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું અને મારું આખું જીવન બદલાઈ ગયું હતું."

ભલે તેમનું જીવન ખૂબ જ સંઘર્ષમાં વિત્યું પરંતુ વિષ્ણુના માતાપિતાએ ક્યારેય આંસુ નથી વહાવ્યા. એટલું જ નહીં, તેમણે આ માટે કોઈને દોષી પણ નથી માન્યા. વિષ્ણુને હતું કે જિંદગીમાં ચોક્કસ બદલાવ આવશે. આથી ચોથા ધોરણ બાદ તેણે ભણવાનું શરૂ રાખ્યું હતું. તેમની સ્કૂલ ગામથી ચાર કિલોમીટર દૂર હતી.

વિષ્ણુનો અભ્યાસ મરાઠીમાં થયો હતો. તેઓ પોતાના સ્કૂલના દિવસોને યાદ કરીને કહે છે કે તેમણે ફ્લોર મીલના જમીન પર પડેલા લોટને એકઠો કરવાનું શરૂ કર્યું હતું જેનાથી ઘરે થોડી મદદ મળી રહે.

આ અંગે તેઓ કહે છે કે, "ઘરની નજીક એક નાનું મીલ હતું. હું સ્કૂલેથી પરત આવતો હતો ત્યારે મીલ માલકને વિનંતી કરતો હતો અને જમીન પર પડેલો લોટ એકઠો કરીને ઘરે લઈ આવતો હતો. તેમાં સાથે ધૂળ પણ હોય છે, પરંતુ અમને તેનાથી કંઈ ફરક પડતો ન હતો. પ્રથમ વખત મારા કારણે ઘરમાં કંઈક બદલાવ આવી રહ્યો હતો. મેં આ અંગે વિચાર કર્યો, મને લાગ્યું કે હું બધુ સરખું કરી શકું છું."

જે બાદમાં વિષ્ણુએ અનેક કામમાં ગામ લોકોની મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ લોકોને સામાન મૂકવામાં મદદ કરતા હતા. આનાથી તેમને બે ત્રણ રૂપિયા મળી જતા હતા. તેઓ પોતાના જૂનિયરને ભણાવતા પણ હતા. આ તમામ વચ્ચે તેમનું ધ્યાન ભણતર તરફથી ભટક્યું ન હતું. તેમણે ખૂબ મહેનત કરી અને ધોરણ 10ની પરીક્ષા 79 ટકા સાથે પાસ કરી હતી.

Success story

સ્કૂલ શિક્ષકથી ઇન્કમ ટેક્સ અધિકારી સુધીની સફર

શિક્ષણનું મહત્ત્વ અને પોતાની સ્થિતિ જોઈને વિષ્ણુએ ડી.એડ (ડિપ્લોમા ઇન એજ્યુકેશન) કર્યું હતું. વર્ષ 1999માં એક શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી. જોકે, તેમની સ્કૂલ ગામથી 150 કિલોમીટર દૂર હતી. જ્યાં તેઓ પત્ની અને માતાપિતા સાથે રહેતા હતા. આ દરમિયાન તેમને પોતાના મિત્રો પાસેથી મહારાષ્ટ્ર લોક સેવા આયોગ વિશે માલુમ પડ્યું હતું. તેમણે પણ આ પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવ્યું હતું અને તૈયારી શરૂ કરી દીધી હતી.

આ કડીમાં તેમણે યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીમાંથી બીએ કર્યું હતું. 2010ના વર્ષમાં તેમણે પ્રથમ પ્રયત્નમાં જ એમપીએસસી પરીક્ષા પાસ કરી લીધી હતી. તેમનું પ્રથમ પોસ્ટિંગ જલગાંવમાં હતું. જ્યાં તેઓ સેલ ટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિમણૂક પામ્યા હતા.

તેઓ કહે છે કે, "આ પરિણામથી મારી આંખમાં પ્રથમ વખત ખુશીના આંસુ આવી ગયા હતા. એ દિવસે આખા ગામે મારી સાથે ઉત્સવ મનાવ્યો હતો. મને યાદ છે કે મેં મારા પુત્રને એ જ સલાહ આપી હતી જે મારા પિતાએ મને આપી હતી."

જોકે, તેઓ અહીંથી જ અટકી ગયા ન હતા. તેમણે વર્ષ 2013માં યૂપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી. વર્ષ 2016માં ત્રીજા પ્રયાસમાં તેમણે 1064 રેન્ક સાથે યૂપીએસસીમાં સફળતા મેળવી હતી. રસપ્રદ વાત એ છે કે તેમના પુત્રએ પણ આ જ વર્ષે ધોરણ 10ની પરીક્ષા ડિસ્ટિન્ક્શન સાથે પાસ કરી હતી.

છેલ્લા ચાર વર્ષમાં વિષ્ણુએ પોતાના ધૈર્ય, દ્રઢ સંકલ્પ સાથે અનેક જવાબદારી નિભાવી છે. વિષ્ણુ એવા અનેક યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે જેઓ પોતાની તમામ મુશ્કેલીનો સામનો કરીને કંઈક મેળવવા માંગે છે, કંઈક બનાવા માંગે છે.

મૂળ લેખ: ગોપી કરેલિયા

આ પણ વાંચો: સ્કૂલમાં નાપાસ થઈ, MBAમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને પ્રથમ પ્રયાસે જ UPSC પરીક્ષા પાસ કરી!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Tags: Government officials Government officer Income Tax officer IAS Vishnu Vishnu Oti Aurangabad Unique IAS success story Anmol indians Anmol Indian