Powered by

Home અનમોલ ભારતીયો પિતાના અંતિમ સમયમાં સાથે ન રહી શકવાના દુ:ખમાં રાજકોટની મહિલાએ શરૂ કરી નિરાધારોની સેવા

પિતાના અંતિમ સમયમાં સાથે ન રહી શકવાના દુ:ખમાં રાજકોટની મહિલાએ શરૂ કરી નિરાધારોની સેવા

માર્કેટિંગ સાથે બીબીએ કરેલ જલ્પાબેનનાં કાર્યો અંગે આખુ રાજકોટ જાણે છે. ક્યાંય પણ કોઇ માનસિક અસ્વસ્થ વ્યક્તિ હોય કે અસહાય, તાત્કાલિક દોડી જાય છે જલ્પાબેન. તેમના જેવા જ કેટલાક નિસ્વાર્થભાવે સેવા કરતા લોકો પણ જોડાયા છે તેમની સાથે. તેઓ મળીને હવે અસહાય લોકોને આશરો આપવા શેલ્ટર હાઉસ ખોલવા પણ ઈચ્છે છે.

By Paurav Joshi
New Update
Jalpaben

Jalpaben

દુનિયામાં સમાજસેવા કરનારાની કોઇ કમી નથી. શિક્ષણથી લઇને મેડિકલ સુધી દરેક ક્ષેત્રમાં સેવાના ભેખધારીઓ તમને જોવા મળશે. ગુજરાતમાં પણ પરોપકાર કરનારાની કમી નથી. સેવાની વાત આવે અને સૌરાષ્ટ્રનું નામ ન લેવાય તો નવાઇ લાગે. સૌરાષ્ટ્રમાં અનેક સંતો થઇ ગયા જેઓએ પરમાર્થે પોતાનું જીવન સમર્પિત કરી નાંખ્યું. આજે પણ સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ચાલતા અન્ન ક્ષેત્રો આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. પરંતુ આજે આપણે કોઇ સંત કે મહાત્માની વાત કરવાના નથી. આપણે વાત કરીશું એક એવી મહિલાની જેણે સેવા કરવામાં પણ અઘરો રસ્તો પસંદ કર્યો છે. આ એવો રસ્તો છે જે કોઇ કાચોપોચો માણસ ન કરી શકે, અને તે છે ગાંડા (માનસિક વિકલાંગ) લોકોની સેવા કરવાનું કાર્ય. આ ભગીરથ કામ કરી રહ્યા છે રાજકોટના જલ્પાબેન પટેલ.

Jalpaben

જલ્પા પટેલ રાજકોટમાં સાથી ગ્રુપ નામે એક એનજીઓ ચલાવે છે. આ ગ્રુપ માનસિક રીતે અસ્થિર લોકોની સેવા-ચાકરી કરવાનું કામ કરે છે. જલ્પાબેનને મેન્ટલી ડિસ્ટર્બ લોકોની સેવા કરવાનો વિચાર કેમ આવ્યો તે વિશે પૂછતાં તેઓ જણાવે છે કે 2013માં તેમના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું. તેમના પિતાને જ્યારે હ્રદયમાં દુઃખાવો ઉપડ્યો ત્યારે જલ્પાબેન પોતાની ઓફિસમાં હતા અને પિતાજીનો ફોન આવ્યો કે તેમને છાતીમાં દુઃખાવો થાય છે. જલ્પાબેન પોતાના પિતાજીની પાસે પહોંચે ત્યાં સુધીમાં તેમનું અવસાન થઇ ચૂક્યું હતું. આ ઘટનાએ તેમના જીવનમાં પરિવર્તન લાવી દીધું. તેમને થયું કે માણસ પાસે ગમે તેટલા પૈસા હોય પણ જીવન નથી બચાવી શકાતું અને હવે પોતાના પિતાના આર્શીવાદ જે તેમને કાયમ મળતા હતા તે હવે નહીં મળે તો એવું કામ કરવું જોઇએ જેનાથી લોકોના આર્શીવાદ તેમને મળે. ત્યારથી જલ્પાબેને નક્કી કર્યું કે હું કોઇનો જીવ તો પાછી નથી લાવી શકવાની પરંતુ લોકોના જીવ બચે તેવું કામ કરવું છે.

Jalpaben Patel

માર્કેટિંગ સાથે બીબીએ ભણેલા અને એક બિઝનેસ વુમન એવા જલ્પાબેનનું કામ ખુશીઓ વહેંચવાનું છે. એક બાળકથી માંડીને 80 વર્ષના વૃદ્ધ લોકોને ખુશીઓ આપવાનું કામ તેઓ કરી રહ્યા છે. તેઓ કહે છે કે હું એક માના ભાવથી લોકોની સેવા કરું છું. સાથી ગ્રુપ રાખવા પાછળ તેમનું કહેવું છે કે આ ગ્રુપમાં સમાજસેવા કરનારા બધા મારા મિત્રો છે. લોકોને એકબીજાના સથવારાની જરુર છે એટલે અમે આ નામ પસંદ કર્યું છે. સાથી ગ્રુપના સેવાકાર્યોની વાત કરીએ તો આ ગ્રુપ રાજકોટમાં અન્ન ક્ષેત્ર ચલાવે છે. ફુટપાથ પર રહેતા લોકોને જમાડવાનું કામ કરે છે. કપડા પણ વહેંચે છે. તેમની કોઇ મુશ્કેલીઓ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે.

Gujarati News

આ ઉપરાંત આખા ગુજરાતમાં તેમનું આ ગ્રુપ રક્તદાનની પ્રવૃતિ પણ કરે છે. દિવાળી સમયમાં જરુરીયાતમંદોને કપડા અને મીઠાઇનું વિતરણ કરે છે. અનાજની કિટનું પણ વિતરણ થાય છે. મેડિકલ અને ફાઇનાન્સિયલ હેલ્પ પણ કરે છે. આ ગ્રુપ સાથે હાલ 40 થી 45 જેટલા સ્વયંસેવકો જોડાયેલા છે. જલ્પાબેન જણાવે છે કે લોક ડાઉન દરમિયાન સાથી ગ્રુપ દ્ધારા દરરોજ 10 થી 15 હજાર લોકોને જમાડવામાં આવ્યા છે. ભોજનનું આ કાર્ય છ મહિના સુધી અમે ચલાવ્યું હતું. સાથી ગ્રુપમાં કોઇ પ્રમુખ કે ઉપપ્રમુખ જેવું નથી. બધા મિત્રો છે અને ભેગા મળી સત્સંગ અને ભજન કરીએ. રસોઇ પણ બનાવીએ છીએ. હવે તેમની ઇચ્છા રાજકોટની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં ફુટપાથ પર રહેતા બિનવારસી લોકોને કાયમી આશરો મળે તે માટે એક શેલ્ટર હાઉસ ખોલવાની છે.

Sathi Group

આજના યુવાનોને સંદેશો આપતાં જલ્પાબેન જણાવે છે કે પેરન્ટ્સે બાળકોને સમય આપવો જોઇએ. બાળકોના મિત્ર થઇને રહેવું જોઇએ. તેમને પણ હિંમત આપવી જોઇએ. જેથી કોઇ તેમની મજબુરીનો લાભ ન લઇ શકે. માણસે એક લક્ષ્ય સાથે જીવવું જોઇએ.

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે તેમનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેમના ફેસબુક પેજ પર જઈ શકો છો.

આ પણ વાંચો:એક સમયે જ્યાં પીવાના પાણીના ફાંફા હતા ત્યાં અત્યારે 11 કિમીમાં 700 કરોડ લિટર પાણીનો સંગ્રહ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.