Powered by

Home અનમોલ ભારતીયો મળો 2 કરોડથી પણ વધારે ઝાડ વાવનાર પીપલ બાબાને! કોઈ 16 વૃક્ષ કાપે તો તે 16 હજાર વાવી દે

મળો 2 કરોડથી પણ વધારે ઝાડ વાવનાર પીપલ બાબાને! કોઈ 16 વૃક્ષ કાપે તો તે 16 હજાર વાવી દે

જો કોઈ 16 વૃક્ષ કાપશે તો હું 16 હજાર વાવીશ, બસ આ જ સૂત્ર સાથે આગળ વધે છે સતત ગ્લોબલ વૉર્મિંગ અને પ્રદૂષણની ચિંતા કરતા પીપલ બાબા!

By Mansi Patel
New Update
Tree Man Peepal Baba

Tree Man Peepal Baba

ટીચર પાસેથી દરરોજ સાંભળતા હતા પર્યાવરણનું મહત્વ, ક્લાઈમેટ ચેંજ, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની ચિંતાએ સ્વામી પ્રેમ પરિવર્તનને બનાવી દીધા પીપલ બાબા

સળગતી ધરતી બળતું આકાશ

દિવસે દિવસે પડે છે પ્રદૂષણનો માર

એકસાથે આવી પડી આફત વિકરાળ

હવે કોણ કરશે તેનું સમાધાન
જો પીપલ બાબાની વાત માનીએ તો આ બધાનો એક જ ઉપાય છે અને તે છે વૃક્ષો. આપણામાંથી ભાગ્યે જ કોઈ આનો ઇનકાર કરશે. તેથી જ પીપલ બાબા એટલે કે સ્વામી પ્રેમ પરિવર્તને વૃક્ષારોપણને પોતાનું રોજનું કામ બનાવ્યું અને આ સેવામાં પોતાનું જીવન બલિદાન કર્યુ છે. પીપલ બાબાએ છેલ્લા 44 વર્ષમાં 2 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા છે અને આ કોરોના કાળમાં પણ તેમની યાત્રા ચાલુ છે.

તેમણે ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિત 18 રાજ્યોના લગભગ 202 જિલ્લાઓમાં વૃક્ષારોપણ કર્યું છે અને દેશના લગભગ 14,000 સ્વયંસેવકોને મદદ કરી રહ્યા છે. જ્યારે તેમની પોતાની 'એનજીઓ ગીવ મી ટ્રીઝ ટ્રસ્ટ' માં 30 ફુલ ટાઈમ વર્કર કામ કરે છે.

કેવી રીતે થઈ શરૂઆત?
આ વાત વર્ષ 1977ની છે. સ્વામી પ્રેમ પરિવર્તનનું બાળપણનું નામ આઝાદ હતું અને પિતા આર્મીમાં ડોક્ટર હતા. ચોથા ધોરણમાં ભણતા આઝાદને તેના શિક્ષક વારંવાર પર્યાવરણના મહત્વ વિશે જણાવતા હતા. અને સાથે જ ચેતવણી આપતી હતી કે આગળ જતા નદીઓ સુકાઈ જશે. તો 10 વર્ષના આઝાદે 26મી જાન્યુઆરીએ તેની મેડમને પૂછ્યું કે મેડમ આપણે શું કરી શકીએ? આના જવાબમાં મેડમે કહ્યુ કે ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ એ બધાનો ઉપાય ઝાડ છે. આઝાદે ઘરે આવીને તેની નાનીને આ વાત કહી. નાની પણ વૃક્ષોનું મહત્વ સારી રીતે જાણતી હતી. આઝાદ જ્યારે પણ ઉદાસ થતો હતો ત્યારે પણ તે તેને ઝાડ નીચે બેસવાનું કહેતી હતી. તો તે દિવસે પણ નાનીમાએ કહ્યું કે હા તું વૃક્ષ વાવ.

Tree Man

પ્રેમ જણાવે છે, “હું એ જ દિવસે મારા માળી કાકાની સાઇકલ પર ગયો, નર્સરીમાંથી 9 રોપા ખરીદ્યા. આજે પણ તમને રેન્જ હિલ રોડ, ખિડકી કેન્ટોનમેન્ટ, પુણે ખાતે તે 9 વૃક્ષો જોવા મળશે.” તે દિવસથી શરૂ થયેલી યાત્રા આજે પણ ચાલુ છે. પીપલ બાબા માત્ર વૃક્ષો વાવીને તેમને છોડતા નથી પરંતુ તેમની સંભાળ પણ રાખે છે.

પીપલ બાબાએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ અંગ્રેજીમાં કર્યો છે. આ પછી તેમણે અલગ-અલગ કંપનીઓમાં 13 વર્ષ સુધી અંગ્રેજી શિક્ષણ અધિકારી તરીકે કામ કર્યું. આ સાથે વૃક્ષારોપણની તેમની યાત્રા ચાલુ રહી. તે પછી તેમણે તેને ફુલ ટાઈમ જોબ બનાવી દીધી. જો કે, તેમના જીવનનિર્વાહ અને પરિવાર માટે તેઓ ટ્યુશન આપતા રહ્યા અને આજે પણ આપે છે. આ કામમાં પરિવારે તેમને પૂરો સાથ આપ્યો.

વર્ષ 2010માં, ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમે તેના કામની નોંધ લીધી. તેમણે માત્ર આ કામને મોટા પાયા પર લઈ જવાની અને સોશિયલ મીડિયા પર આવવાની સલાહ આપી. જે પછી પીપલ બાબાએ 2011માં ગીવ મી ટ્રીઝ ટ્રસ્ટની સ્થાપના કરી.

કોરોનામાં પણ ચાલુ છે વૃક્ષો લગાવવાનું કામ?
પીપલ બાબા લગભગ 44 વર્ષથી વૃક્ષો વાવે છે. કારણ કે પિતા મિલિટ્રીમાં હતા તો દેશનાં ઘણા હિસ્સામાં કામ કરવાની તક મળી. છેલ્લા 20 વર્ષથી તેમણે દિલ્હીને પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો છે. તેમની સંસ્થા દ્વારા દેશભરમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ સંબંધમાં તેઓ 19 માર્ચે હરિદ્વારમાં રોપા લેવા પહોંચ્યા હતા. તેઓ જ્યાં પણ ગયા હતા ત્યાં કોરોના પોઝિટિવ કેસ આવતા તે વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યા હતા. ત્યાં રહીને પણ તેમણે આસપાસના ગામડાઓમાં 1 હજાર 64 વૃક્ષો વાવ્યા. આ સિવાય દિલ્હી પરત ફર્યા બાદ તેમને લખનૌ, નોઈડા અને દિલ્હીમાં ઝાડ લગાવડાવ્યા. એકંદરે, કોરોના સમયગાળા દરમિયાન પણ, પીપલ બાબાએ અત્યાર સુધીમાં 8064 વૃક્ષો વાવ્યા છે.

Tree Man

જ્યારે દરેક વૃક્ષનો હિસાબ રાખવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “આપણે આપણા કાર્યોનું ઓડિટ કરતા રહેવું જોઈએ. પછી હું દરેક વૃક્ષની નોંધ રાખું છું. મારી પાસે જૂની ફાઈલ્સ પણ છે જેમાંથી તમે જ્યારનું પુછશો ત્યારનું હું જણાવી શકુ છુ કે કયુ વૃક્ષ ક્યારે લગાવ્યુ.”

પીપલ બાબા નામ કેવી રીતે પડ્યું?
પીપલ બાબાએ જે 2 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા છે તેમાંથી લગભગ 1.25 કરોડ વૃક્ષો લીમડા અને પીપળાના છે. તેમનું કહેવુ છે, “આપણે ભારતીયો આપણા મૂળથી જોડાયેલા છીએ, જેને સામાન્ય વસ્તુઓ વિશે વધુ સમજાય છે, લોકોને લીમડો, પીપળો અને વડના વૃક્ષો વિશે વધુ સમજ આવે છે. આમ અમે જાંબુ, જામફળ, આમલી અને જગ્યા પ્રમાણે અલગ અલગ વૃક્ષો વાવીએ છીએ. પરંતુ પીપળાને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષ સાથે અનેક પ્રકારની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે, ઘણી માન્યતાઓ અને પૌરાણિક મહત્વ પણ છે. જેના કારણે તેને કોઈ લગાવતું નથી, પરંતુ જો રોપવામાં આવે તો તેને કાપવા કોઈ આવતું નથી.”

2Crore Trees

પીપલ બાબા પહેલીવાર કોણે બોલાવ્યા?
સ્વામી પ્રેમ પરિવર્તન કહે છે, “હું કોઈની સાથે રાજસ્થાનના પાલી જિલ્લામાં ગયો હતો. તો કોઈએ કહ્યું કે કુવાઓ સુકાઈ રહ્યા છે તો ઉપાય જણાવો. તેથી અમે અમારા બાળપણમાં પંજાબના ખેડૂતો પાસેથી સાંભળ્યું હતું કે તમારે વડનું ઝાડ વાવો કારણ કે તેના મૂળ પાણી ખેંચે છે. અમે ત્યાં નજીકના ઘણા જિલ્લાઓમાં પીપળ અને વડના ઘણા વૃક્ષો વાવ્યા. તેથી પાલીમાં એક ચૌપાલ લાગ્યુ હતું અને સરપંચે મને પીપલ બાબાના નામે ઓળખાણ કરાવી. આ સાંભળીને હું પોતે પણ ચોંકી ગયો અને તે પછી મને દરેક જગ્યાએ લોકો પીપલ બાબા કહેવા લાગ્યા.”

શું પીપલ બાબા વૃક્ષો બચાવવાના કોઈ અભિયાનમાં ભાગ લે છે?
તેના પર પીપલ બાબાએ કહ્યું, “આ જીવનમાં મારી પાસે ધરણાં કે આવી વસ્તુઓ માટે સમય નથી. જો હું અડધો કલાક પણ બેસીશ, તો આ સમયમાં હું 7-8 વૃક્ષો વધારે વાવી શકીશ. તમે કેટલા વૃક્ષો કાપશો? 16 કાપશો, તો અમે 16 હજાર લગાવી દઈશું. મારા દાદી કહેતા હતા કે તમે વૃક્ષારોપણની સંખ્યા વધારશો, તમે વૃક્ષો કાપનારાઓની સંખ્યા ઘટાડી શકતા નથી.”

2Crore Trees

પીપલ બાબા સામાન્ય લોકોને પણ વિનંતી કરે છે કે આપણે સૌએ વૃક્ષો વાવવા જોઈએ. જો તમે પણ પીપલ બાબાના સ્વયંસેવક બનવા માંગતા હોવ અથવા તેમને કોઈપણ રીતે મદદ કરવા માંગતા હો, તો તેમની સંસ્થા ગીવ મી ટ્રીઝ ટ્રસ્ટમાં જોડાઓ. અથવા 88003 26033 પર તેમનો સંપર્ક કરો.

FB Link – https://www.facebook.com/givemetreestrust/

Site link – https://givemetrees.org/

મૂળ લેખ: રોહિત મૌર્ય

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.