પ્રાચીન સ્મારકોને બચાવે છે આ શિક્ષક, અત્યાર સુધીમાં 22 તળાવો અને સરોવરોને કર્યાં પુનર્જીવિત

એક ડિગ્રી કૉલેજમાં NSS પ્રાગ્રામમાં કોઑર્ડિનેટર ડૉક્ટર રાઘવેન્દ્રએ પોતાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે મને 4 તળાવ, 10 સરોવર અને 8 પ્રાચીન મંદીરોને શોધી કાઢ્યાં.

Ancient Monuments Of India

Ancient Monuments Of India

વર્ષ 2016ની સવારે  ડો.રાઘવેન્દ્ર આર. રાબેતા મુજબ મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હતા. ચાલતા ચાલતા તેઓ તેમના શહેર શ્રીરંગપટના (કર્ણાટક)માં એવા સ્થળે પહોંચ્યા, જ્યાં તેમણે ઝાડીઓ વચ્ચે એક પ્રાચીન મંદિર જોયું. તેમના પગલાં ત્યાં જ અટકી ગયા. આ મંદિર જર્જરિત હાલતમાં હતું, જેને જંગલી ઘાસોએ છુપાડીને રાખ્યુ હતુ.

માંડ્યા જિલ્લામાં આવેલું, આ નાનું શહેર તેની વર્ષો જૂની હેરિટેજ ઈમારતો, તળાવો, સરોવરો અને મંદિરો માટે જાણીતું છે. તે બધા ટીપુ સુલતાન અને બ્રિટિશ રાજના શાસનકાળ સમયના છે.

જો કે, જ્યારે રાઘવેન્દ્રએ આ મંદિર જોયું ત્યારે તેમને તેના ઈતિહાસની જાણ નહોતી. તેમને લાગ્યું કે આ કોઈ જૂનું મંદિર છે, જે ઘાસ અને જંગલી છોડોની વચ્ચે ક્યાંક છુપાયેલું હતું.

મોર્નિંગ વૉકથી થઈ શરૂઆત
રાઘવેન્દ્રએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “આ શહેર તેના અનોખા અને મૂલ્યવાન સ્થાપત્ય માટે જાણીતું હતું. આજે તેની પ્રાચીન ઇમારતો જર્જરિત હાલતમાં છે. તેથી મેં મારી મોર્નિંગ વોકમાં આને શોધવાનું શરૂ કર્યું. અત્યાર સુધી શોધાયેલા તમામ પ્રાચીન મંદિરો, તળાવો અને સરોવરો આ જ હાલતમાં મળી આવ્યા હતા.”

રાઘવેન્દ્રએ જણાવ્યુ, “આ તળાવો, સરોવરો અને જળાશયો કચરો અને કાટમાળના ઢગલામાં ક્યાંક છુપાયેલા હતા. વર્ષોની બેદરકારીએ તેમને આ સ્થિતિમાં લાવી મૂક્યા હતા. મેં તેને ફરીથી જીવિત કરવાનું નક્કી કર્યું."

આજે 300 જેટલા સ્વયંસેવકો આ નાની પહેલમાં જોડાયા છે. આ બધા લોકો સાથે મળીને લાંબા સમયથી ભુલાઈ ગયેલા અને ઉપેક્ષિત તળાવો, સરોવરો અને ઈમારતોને નવજીવન આપવાના કામમાં લાગેલા છે.

Cleaning The Ponds

અધિકારીઓએ પણ ટેકો આપ્યો હતો
વિદ્યાર્થીઓને તેની સાથે સાંકળી લીધા પછી, રાઘવેન્દ્રએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પુરાતત્વ વિભાગ જેવા સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું. તે કહે છે, “તેઓએ અમને જરૂરી મંજૂરીઓ અથવા પરવાનગીઓ મેળવવામાં અને તે માળખાને લગતી સંબંધિત માહિતી પૂરી પાડવામાં ઘણી મદદ કરી. તેમજ વિદ્યાર્થીઓને સ્વચ્છતા માટે સેફ્ટી ગીયર અને ખોદકામના સાધનો આપ્યા હતા.”

આ વારસો ગુમાવવો એ એક મોટી ખોટ છે
શા માટે આટલું મોટું કામ કરવાનું નક્કી કર્યું, તે પણ એકલા? આ પ્રશ્નના જવાબમાં ડૉ. રાઘવેન્દ્ર કહે છે, “આ એવી સંપત્તિઓ છે જે આપણે આવનારી પેઢીને આપીશું. જો આપણે આ સમૃદ્ધ વારસાને જાળવવામાં અસમર્થ છીએ, તો તે એક મોટું નુકસાન હશે.”

39 વર્ષનાં રાઘવેન્દ્ર મૈસુરના શેષાદ્રિપુરમ ડિગ્રી કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) માટે પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે. તેમણે તેમના વિદ્યાર્થીઓને આ મિશનમાં સહકાર આપવા અપીલ કરી હતી.

તેઓ જણાવે છે, “NSS સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ સમુદાય સેવા કરવાની હોય છે. મને લાગ્યું કે તેઓ મને આ વર્ષો જૂની સંરચનાઓ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે."

તે બાદથી તેમની ટીમ તેમના કામને આગળ વધારવામાં, જંતુઓ, કરોળિયા, સાપ, કચરો વગેરેના જોખમ સાથે કામ કરવા માટે સામેલ થઈ. આ સ્વયંસેવકો જરૂર પડે ત્યારે તળાવોમાં પાણી ભરવાનું પણ કામ કરતા હતા.

2017થી, રાઘવેન્દ્ર અને તેમની ટીમે અત્યાર સુધીમાં શહેરમાં ચાર સરોવર, દસ તળાવો અને આઠ મંદિરોને પુનર્જીવિત કર્યા છે. રાઘવેન્દ્રના જણાવ્યા અનુસાર, તેમના પ્રયાસોથી 1500 લોકોને આ પુનર્જીવિત તળાવો અને સરોવરોમાંથી શુદ્ધ પાણી મળી રહ્યું છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓએ બે પાર્કની સફાઈ કરીને, ત્યાં વૃક્ષારોપણ કરીને શહેરને ફરી હરિયાળું બનાવ્યું છે.

એક અંતહિન મિશન
એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર અને પહેલ સાથે સંકળાયેલ સ્વયંસેવક શ્રીધર એસ.કે કહે છે, “હું છેલ્લા ચાર વર્ષથી પ્રાચીન ઈમારતોને શોધવા અને નવીનીકરણ કરવાના કામમાં જોડાયેલો છું. અગાઉ હું ફિટનેસના હેતુથી આ અભિયાનમાં જોડાયો હતો. પરંતુ તેમાં જોડાયા પછી મને તેનું સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાયું. અમારું શહેર તેના ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે અને હું પરંપરાને જીવંત રાખવામાં ભાગીદાર થવા માંગુ છું.”

શ્રીધરે વધુમાં કહ્યું, “ડોક્ટર રાઘવેન્દ્ર તેમના તમામ સ્વયંસેવકોને મફત નાસ્તો અને જ્યુસ અથવા પીણું આપે છે. કોવિડના સમયે, લોકડાઉનમાં તેમના પગારમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં તે અટક્યા નહીં, પોતાના કામમાં વ્યસ્ત રહ્યા. સાધનોની સફાઈનો ખર્ચ ક્યારેક 20,000 સુધી પહોંચી જાય છે.”

 Ancient Monuments Of Karnataka

કોઈ બહારની મદદ મળતી નથી
ડૉ.રાઘવેન્દ્ર પણ માને છે કે પૈસાનો અભાવ એ મોટી સમસ્યા છે. તે કહે છે, “મારે કામ કરવા માટે અગાઉથી પ્લાનિંગ કરવું પડે છે અને ફંડ બનાવવું પડશે. કેટલીક જગ્યાએ, સ્થાનિક લોકો વિદ્યાર્થીઓના કામથી ખુશ થઈને તેમને નાસ્તો વગેરે આપે છે. તે સિવાય, મને બીજી કોઈ બહારની મદદ મળતી નથી."

તેમણે વધુમાં ઉમેર્યું, “અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવવામાં ઘણી વાર મોડું થઈ જાય છે. આ પણ પોતાનામાં એક પડકાર છે. કેટલીકવાર પરવાનગી મેળવવામાં અને કામ શરૂ કરવામાં મહિનાઓ લાગી જાય છે.” રાઘવેન્દ્ર કહે છે કે તેઓ ગમે તેટલા પડકારોનો સામનો કરે, તે પ્રાચીન સંરચનાઓને પુનર્જીવિત કરવાનું ચાલુ રાખશે.

તે કહે છે, “મારો હેતુ સમાચારમાં રહેવાનો, પ્રચાર કરવાનો કે નાણાકીય સહાય મેળવવાનો નથી. સમાજ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાની આ મારી પોતાની રીત છે.”

મૂળ લેખ: હિમાંશુ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: બહેનના લગ્નમાં રાજકોટના યુવાને કરિયાવરમાં આપી સોલાર પેનલ, વિજળીનું બિલ શૂન્ય થયું

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe