Powered by

Home હટકે વ્યવસાય મિત્રોએ કહ્યુ ભંગાર કેમ ભેગો કરે છે? આજે તેમાંથી જ ફર્નિચર બનાવી કરે છે કરોડોની કમાણી

મિત્રોએ કહ્યુ ભંગાર કેમ ભેગો કરે છે? આજે તેમાંથી જ ફર્નિચર બનાવી કરે છે કરોડોની કમાણી

અહમદનગરના પ્રમોદ સુસરેએ પોતાના હુનરના વિશ્વાસે નોકરી છોડી રિસાઈકલ્ડ ફર્નિચર બનાવવાનું કામ શરૂ કર્યું. તે સમયે લોકોએ તેની બહુ મજાક પણ ઉડાવી પરંતુ આજે તે આ જ સ્ટાર્ટઅપથી કરોડોમાં નફો કમાય છે.

By Mansi Patel
New Update
Recycled Tyre Furniture

Recycled Tyre Furniture

કહેવાય છે કે, કોઈ એકનો કચરો બીજાને બહુ કામમાં આવી શકે છે. કચરામાંથી શ્રેષ્ઠ બનાવવું એ પોતાનામાં જ એક કળા છે. અહમદનગરના 28 વર્ષીય પ્રમોદ સુસરેનું સ્ટાર્ટઅપ પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે કામ કરી રહ્યું છે. તે ઔદ્યોગિક કચરાને અપસાયકલ કરીને બગીચાઓ, કાફે અને હોટલ માટે અનોખું ફર્નિચર બનાવવા માટેનું કામ કરી રહ્યા છે.

વર્ષ 2018માં, તેણે નોકરી કરતી વખતે આવુ ફર્નિચર બનાવવાનું શરૂ કર્યું હતુ. કૌશલ્ય અને સખત મહેનતથી તેને ઓર્ડર પણ મળવા લાગ્યા અને માત્ર ત્રણ વર્ષમાં તેણે એક કરોડથી વધુનો નફો મેળવ્યો. આજે તેઓ તેમની સાથે 15 લોકોને રોજગાર આપી રહ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે ઓર્ડર મળી રહ્યા ન હતા, ત્યારે તેમણે સેનિટાઈઝર ડિસ્પેન્સર મશીન, કોવિડ હોસ્પિટલો માટે બેડ વગેરે બનાવવાનું કામ પણ કર્યું. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા પ્રમોદ કહે છે, “જ્યારે હું ફેક્ટરીમાં કામ કરતો હતો, મેઈન્ટેનન્સ એન્જિનિયર હોવા છતા પણ, હું વેલ્ડિંગ અને ફિક્સિંગ જેવા તમામ કામ કરતો હતો. લોકો મજાક પણ ઉડાવતા હતા કે મિકેનિકવાળા કામ કેમ કરે છે? પણ મારો એ જ અનુભવ આજે મારા માટે કામ કરી રહ્યો છે.”

નોકરી સાથે ધંધો શરૂ કર્યો
પ્રમોદે અહમદનગરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે પુણેની એક કંપનીમાં મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા પ્રમોદનું બાળપણથી જ સપનું હતું કે તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરે. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ જોઈને તેણે કામ કરવાનું શરૂ કર્યું. તે સમય દરમિયાન પણ તેઓ ધંધાકીય ઘણા વિચારો વિચારતા હતા. પરંતુ તેની પાસે કામ શરૂ કરવા માટે મૂડી ન હતી.

Old Scrap Recycling

પ્રમોદ જણાવે છે, “મારા પિતા પાસે માત્ર એક એકર જમીન છે, જેના કારણે ઘર ચલાવવું મુશ્કેલ હતું. હું મારા પગારમાંથી પણ દર મહિને ઘરે પૈસા મોકલતો હતો.” એકવાર સોશિયલ મીડિયા દ્વારા તેણે જોયું કે જાપાનમાં ડ્રમ અને ટાયરનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર ફર્નિચર બનાવવામાં આવે છે. કેમ કે તે જે કારખાનામાં કામ કરતો હતો તે ઔદ્યોગિક વિસ્તારમાં જ હતો. તેથી જ તે અવારનવાર ડ્રમ વગેરેને ત્યાં ભંગારમાં જતા જોતો હતો. એક દિવસ જ્યારે તે ટાયરની દુકાને તેની પંકચર થયેલી બાઇક રિપેર કરાવવા ગયો ત્યારે તેને ત્યાં ટાયર વિશે કંઈક આવું જ જાણવા મળ્યું. તેઓ 7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટાયર ભંગારમાં આપી દેતા હતા.

બસ, પછી શું હતું, પ્રમોદે ખૂબ જ સસ્તા ભાવે કેટલાક ટાયર અને ડ્રમ ખરીદ્યા, અને સેકન્ડ હેન્ડ દુકાનમાંથી ડ્રિલ મશીન સહિતની બાકીની જરૂરી વસ્તુઓ લાવીને કામ શરૂ કર્યું. તે ઓફિસેથી આવીને દરરોજ ચારથી પાંચ કલાક ફર્નિચર બનાવવાનું કામ કરવા લાગ્યો. તે કહે છે, “મારી પાસે ઘણું ફર્નિચર તૈયાર હોવાથી તેને ખરીદવા માટે કોઈ નહોતું. તેથી મેં તેને નજીકના જ્યુસ સેન્ટરમાં રાખી દીધુ અને મારો નંબર તેમના માલિકને આપ્યો જેથી જેની જરૂર હોય તે ફોન પર કૉલ કરી શકે.”

Furniture From Old Scrap

આ રીતે તેને કેટલાક નાના ઓર્ડર મળવા લાગ્યા. જે તે ઓફિસ પછી મળતા સમયમાં બનાવતો હતો. પરંતુ એક-બે ઓર્ડરના આધારે તે નોકરી છોડી શકતો ન હતો. તેણે એક નાની જગ્યા પણ ભાડે લીધી હતી જેમાં તે કામ કરી શકે. તેણે લગભગ એક વર્ષ સુધી આ કામ ચાલુ રાખ્યું અને આખરે એક વર્ષ પછી ઓક્ટોબર 2019માં તેને પુણેમાં એક કાફે માટે ફર્નિચર બનાવવાનું કામ મળ્યું. જે એક મોટો ઓર્ડર હતો અને તે જ સમયે, તેમની પાસે થોડા વધુ ઓર્ડર હતા. જે બાદ તેણે નોકરી છોડી દીધી અને સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. તેણે તેની મદદ માટે બે લોકોને રાખ્યા અને તેની કંપની P2S International નામથી રજીસ્ટર પણ કરાવી.

કોરોના કાળમાં બિઝનેસ
જો કે, તેણે એક વર્ષ સુધી તેના સ્ટાર્ટઅપ વિશે તેના પરિવારના સભ્યોને જણાવ્યું ન હતું. પરંતુ કોરોનામાં, જ્યારે તેને કામ બંધ કરીને ઘરે જવું પડ્યું, ત્યારે તેણે ઘરે બધાને કહ્યું. પરંતુ તે માત્ર એક મહિના માટે ખાલી બેઠા હતા. પ્રમોદ જણાવે છે, “મારી સાથે કામ કરતા લોકો ઘરે જઈ શકયા ન હતા અને મારી પાસે સામાન પણ હતો, તેથી અમે મે મહિનામાં સેનિટાઈઝર ડિસ્પેન્સર મશીન બનાવવાનું કામ શરૂ કર્યું. અમારે માત્ર પાઈપ લાવવી પડી હતી, બાકીનું વેલ્ડિંગ કરીને, અમે ઘણા મશીનો બનાવ્યા અને સારો નફો પણ કમાયો.”

લોકડાઉન ખુલતાની સાથે જ તેણે મુંબઈ, પુણેમાં ઘણી હોટલ અને કાફે માટે ફર્નિચર બનાવવાનું કામ શરૂ કર્યું. અને આ વર્ષે જ્યારે દેશભરમાં કોવિડના દર્દીઓ માટે પથારીની સમસ્યા હતી. ત્યારે તેણે કોવિડ સેન્ટર માટે બેડ બનાવવાનું કામ પણ કર્યું.

New Business By Pramod Susare

આ વર્ષે માર્ચમાં તેને દક્ષિણ આફ્રિકાથી પણ ઓર્ડર મળ્યો હતો. અત્યાર સુધીમાં તેણે 15 હોટલ અને કાફે માટે ફર્નિચર બનાવ્યું છે. તેની પાસે હાલમાં હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ગુજરાતમાંથી પણ ફર્નિચરનો ઓર્ડર છે.

પ્રમોદ જણાવે છે, “અમે હજુ પણ ઘણા સેકન્ડ હેન્ડ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે મેં મારી નોકરી દરમિયાન ખરીદ્યા હતા. મને મારી નજીકની ફેક્ટરીમાંથી ફર્નિચર બનાવવાની સામગ્રી સરળતાથી મળી જાય છે. તો, મેં તેના માર્કેટિંગમાં કોઈ પૈસા ખર્ચ્યા નથી. સોશિયલ મીડિયા દ્વારા જ ઘણા લોકોને મારા વિશે ખબર પડી અને ઓર્ડર આપ્યા.”

પ્રમોદને આ વર્ષે બે કરોડથી વધુ નફાની અપેક્ષા છે
અંતમાં તે કહે છે,‘જ્યારે મેં જૂના ટાયર અને તૂટેલી વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું ત્યારે મારા મિત્રો કહેતા કે 'કામ કરવાનું છોડીને ભંગારનું કામ કેમ કરે છે.’પણ મને મારી જાત પર વિશ્વાસ હતો એટલે મેં ક્યારેય તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. આજે એ જ મિત્રો મારા વખાણ કરે છે, જેનાથી મને ખૂબ આનંદ થાય છે.”

વીડિયોમાં જુઓ કે પ્રમોદ ભંગારમાંથી કેવી રીતે સુંદર ફર્નિચર બનાવે છે-

પ્રમોદ દ્વારા બનાવેલું ફર્નિચર જોવા અથવા ખરીદવા માટે, તમે તેનો Facebook અને Instagram પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:ગાયનાં છાણમાંથી બને છે આમની બધી વસ્તુઓ, ઉપયોગ કર્યા બાદ બની જાય છે ખાતર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.