Powered by

Home અનમોલ ભારતીયો રાજકોટના જીતુભાઈએ શરૂ કર્યું ગુરૂકુળમ, કુદરતના સાનિધ્યમાં મફતમાં આપવામાં આવે છે રોજગારલક્ષી શિક્ષણ

રાજકોટના જીતુભાઈએ શરૂ કર્યું ગુરૂકુળમ, કુદરતના સાનિધ્યમાં મફતમાં આપવામાં આવે છે રોજગારલક્ષી શિક્ષણ

રાજકોટના ઈશ્વરિયા ગામમાં આવેલ આ વિશ્વનીડમ ગુરૂકુળમાં સંપૂર્ણ રીતે કુદરતના સાનિધ્યમાં બાળકોને માનસિક અને શારીરિક રીતે સજ્જ કરવામાં આવે છે અને રોજગાર માટે ખાસ પ્રશિક્ષિત કરવામાં આવે છે.

By Nisha Jansari
New Update
Vishwanidam Gurukulam

Vishwanidam Gurukulam

" વર્ષો પહેલાં એકવાર હું એક બગીચામાં મિત્ર સાથે બેઠો હતો, એ સમયે એક બાળક આવે છે અને એક રૂપિયો માંગે છે અને કહે છે કે, મને બહુ ભૂખ લાગી છે, પણ હું આપતો નથી અને જવાનો ઈશારો કરું છું. થોડીવાર બાદ તે ફરીથી આવીને રૂપિયો માંગે છે, એટલે મેં તેને કહ્યું કે, ચાલ મારા ઘરે, હું તમે રાખીશ, તારા ખાવા-પીવાની, રહેવાની અને કપડાંની બધી જ જવાબદારી મારી અને હું જે કામ કરું તે તારે મારી સાથે કરવાનું. હું આ બધા બાદ તને 10 રૂપિયા પણ આપીશ, પરંતુ એ છોકરાના ગળે વાત ન ઉતરી અને જતો રહ્યો. થોડીવાર બાદ એ છોકરો પાછો આવ્યો અને મને કહ્યું કે, તમે મને આખા દિવસના 10 રૂપિયા આપવાનું કહેતા હતા ને, જુઓ મેં 50 રૂપિયા એકજ કલાકમાં કમાઈ લીધા," આ શબ્દો છે રાજકોટના ઈશ્વરિયા ગામના જીતુભાઈ વિશ્વનીડમના.

Jitubhai Vishwanidam
Jitubhai

બસ આ બનાવ જીતુભાઈના મનમાં ઘર કરી ગયો અને તે જ સમયે તેમણે નક્કી કરી દીધું કે, હવે એવું કઈંક કરવું જોઈએ કે, લોકો ભીખ ન માંગે. આપણો સમાજ લાગણીશીલ હોવાના કારણે ભીખ આપતા રહે છે અને તેના કારણે પેઢી દર પેઢી આ લોકો ભીખ જ માંગતા રહે છે. હવે જો તેમને મહેનત કરતા કરવા હોય તો, સૌથી મહત્વનું છે તેમને જ્ઞાન આપવું અને તેના માટેનું માધ્યમ છે શિક્ષણ. આ ઉપરાંત તેઓ વ્યસનમુક્તિ, કુટુંબ નિયોજન અને મારું બાળક મારી જવાબદારી જેવા વિષયો પર કામ કરી રહ્યા છે. ત્યારબાદ 1999 થી તેમને શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ વિવિધ શાળાઓમાં જઈને પણ બાળકોને આપણી પરંપરાઓ અંતર્ગત શિક્ષણ આપે છે અને વિશ્વનીડમ સંસ્થા અંતર્ગત તેઓ મફત શાળા પણ ચલાવે છે.

વિશ્વનીડમ ગુરૂકુલમ
છેલ્લાં 3 વર્ષથી વિશ્વનિડમ ગુરૂકુલમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બાળકોને ખેતીવાડી, સુથારી કામ, લુહારીકામ, ઈલેક્ટ્રિકનું કામ સહિત, સીવણકામ, ભરતકામ, કડિયાકામ, સહિતનાં એ બધાં કામ શીખવાડવામાં આવે છે, જેનાથી ભવિષ્યમાં તેઓ રોજગાર મેળવી શકે. તેમનું આ ગુરૂકુળ રાજકોટ પાસે ઈશ્વરિયા ગામમાં આવેલ છે. અહીં શાળાનું શિક્ષણ પૂરું કરેલ હોય તેવાં કે શાળા છોડી દીધેલ હોય તેવાં બાળકો આવે છે. તેમના આ ગુરૂકુળમાં 100 બાળકોની વ્યવસ્થા છે.

Bamboo Home

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં જીતુભાઈએ કહ્યું, "અમે પહેલાંના સમયની ગુરૂકુળ પદ્ધતિને ફરીથી જીવંત કરવા ઈચ્છીએ છીએ, જેથી અહીંથી નીકળ્યા બાદ બાળક પારિવારિક બને, ઈજ્જતથી રોજગાર કમાઈ શકે અને સમાજ પ્રત્યે પણ પોતાની જવાબદારી નિભાવી શકે. અમારું ગુરૂકુળમ કુદરતી વાતાવરણમાં પ્રાકૃતિક રીતે બનાવવામાં આવ્યું છે. અહીં મુખ્ય હૉલ, બાથરૂમ વગેરે વાંસમાંથી બનાવવામાં આવ્યાં છે. તો બાળકોને રહેવા અને ભણવાની ઓરડીઓ લીંપણવાળી બનાવવામાં આવી છે, જેથી તેમાં કુદરતી રીતે ઠંડક જળવાઈ રહે, વાતાવરણ શુદ્ધ રહે. આસપાસ 1000 જેટલાં, ફળ, ફૂલ તેમજ દેશી કુળનાં ઝાડ વાવવામાં આવ્યાં છે. જેથી અહીં દરરોજ 1000 જેટલી ચકલીઓ અને અન્ય અસંખ્ય પક્ષીઓ આવે છે. ગુરૂકુળમમાં ગાયો અને કૂતરાં પણ રાખવામાં આવ્યાં છે. એટલે સવાર પડતાં જ પક્ષીઓના કલબલાટથી બાળકો 5:30 વાગે ઊઠી જાય. તેમની બધી જ ક્રિયાઓ જાતે જ કરવાની રહે છે. નહાવા-ધોવાથી લઈને તેમની રસોઈ પણ જાતે જ કરવાની હોય છે. અહીં તેમને સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. તેમને જે કાર્યમાં રસ પડે તે કરી શકે છે. જેને પદ્ધતિસરની ખેતીમાં રસ હોય તે બાળક ખેતી કામ કરી શકે છે, તો જેને સુથારીકામમાં રસ પડે તે બાળક સુથારીકામ શીખી શકે છે. આ બધુ જ શીખવાડવા માટે આસપાસથી એક્સપર્ટ્સને બોલાવવામાં આવે છે."

અહીં બાળકોને નહાવા માટે વાંસનાં ફુવારાવાળાં એવાં બાથરૂમ બનાવવામાં આવ્યાં છે કે, બાળકોને એમજ લાગે કે તેઓ વરસાદમાં નાહી રહ્યાં છે. તો અહીં બાળકો માટે દેશી ફળોનાં ઝાડ તો વાવ્યાં જ છે, જેથી આજના સમયમાં પણ બાળકોને ગુંદાં, બોર, શેતુર જેવાં ફળ મળી રહે. તો બાળકો દ્વારા જાતે જ વિવિધ શાકભાજી વાવવામાં આવે છે, જેથી બાળકોના ભોજન માટે અહીંથી જ જૈવિક રીતે વાવેલ શાકભાજી મળી રહે. અહીં ગાયો પણ રાખવામાં આવી છે, જેથી બાળકોને ગાયનું દૂધ આપી શકાય. અહીં બાળકોનો શારીરિક અને માનસિક બંને રીતે બહુ સારો વિકાસ થઈ શકે છે. અને સંપૂર્ણ રીતે કુદરતી વાતાવરણમાં રહેતાં હોવાથી તે પર્યાવરણની, કુદરતની નજીક આવે છે. અહીં આવનાર બાળક સાથે મોબાઈલ નથી રાખી શકતું. સાથે-સાથે માતા-પિતાને પણ સલાહ આપવામાં આવે છે કે, તેઓ વારંવાર બાળકને મળવા ન આવે. તેઓ મળવા આવે અને સાથે ફાસ્ટ-ફૂડ કે નાસ્તા લાવે તો, બાળકની લિંક તૂટી જાય છે.

Vishwanidam Gurukulam

જીતુભાઈ ઈચ્છે છે કે, અહીંથી બહાર નીકળ્યા બાદ બાળકને રોજગાર માટે કગરવું ન પડે. અહીં તેને તેની આવડત મુજબ તૈયાર કરવામાં આવે છે, જેથી બહાર નીકળ્યા બાદ તે રોજી કમાઈ જ લે છે. આ ઉપરાંત તેને ભવિષ્યમાં 'અમે બે અમારાં બે બાળક' વાળી વિચારસરણી શીખવાડવામાં આવે છે, જેથી તેઓ કુટુંબનિયોજનનું પાલન કરે. આ ઉપરાંત તેમને તેમના જેવા બીજા બે બાળકોને આવું શિક્ષણ આપવાની પણ સલાહ આપવામાં આવે છે અને તેઓ આપે પણ છે.

વિશ્વનીડમ ગુરૂકુલમમાં સામાન્યરીતે ઝૂંપડપટ્ટી અને નાનાં ગામડાંનાં બાળકોને તેમનાં માતા-પિતાની મરજી બાદ લાવવામાં આવે છે. જીતુભાઈના આ ગુરૂકુળમનો ઉદ્દેશ્ય સમાજમાં બદલાવ લાવવાનો છે. તેઓ છે કે, સમાજમાંથી આ પ્રકારના પ્રશિક્ષણથી અંધશ્રદ્ધાઓ, કુપ્રથાઓ, ચોરી, ભીખ માંગવા જેવી બાબતોથી નાબૂદી કરી શકાય. તેઓ એમ નથી ઇચ્છતા કે, તેમના આ ગુરૂકુળમમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી રહે, પરંતુ તેઓ તો ઇચ્છે છે કે, તેમની આ પહેલથી સમાજમાં ધીરે-ધીરે એવો સકારાત્મક બદલાવ આવતો જાય કે, ભવિષ્યમાં આની જરૂર જ ન પડે.

Employment

તો આજના મોબાઈલ અને લેપટોપના સમયમાં પુસ્તકો ભૂલાઈ રહ્યાં છે ત્યાં જીતુભાઈ મફત પુસ્તક પરબ પણ ચલાવે છે. જેમાં બાળવાર્તાઓથી લઈને મોટેરાઓના ઉપયોગમાં આવે તેવાં બધાં જ પુસ્તકો ઉપલબ્ધ હોય છે. રાજકોટના નવરંગ નેચર ક્લબ દ્વારા દર રવિવારે ચલાવવામાં આવતી ખેડૂત હાટમાં જીતુભાઈ આ પુસ્તક પરબ ચલાવે છે.

Love Nature

જીતુભાઈના આ કામને સમાજનો પણ બહુ સારો સહકાર મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ અને આસપાસના હજારો લોકો તેમને તેમનાથી શક્ય એટલી મદદ કરી રહ્યા છે. કોઈ આર્થિક રીતે મદદ કરે તો કોઈ ગુરૂકુળમમાં મફત શિક્ષણ આપવા આવે. આ બધા જ લોકોના સહકારથી જીતુભાઈ આજે એક શિક્ષિત અને સંસ્કારી સમાજ બનાવવા માટે સતત આગળ વધી રહ્યા છે.

ભવિષ્યમાં જીતુભાઈ અને રેન વૉટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ અને સોલર પેનલ લગાવવા પર પણ કામ કરી રહ્યા છે. જેથી પાણી અને વિજળી માટે પણ કોઈ પર નિર્ભર રહેવું ન પડે.

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે જીતુભાઈનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ કે મદદ કરવા ઈચ્છતા હોવ તો તેમને 94277 28915 નંબર પર કૉલ કે મેસેજ કરી શકો છો, અથવા ફેસબુક પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો:છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ પાણી પીવે છે રાજકોટની આ શિક્ષિકા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.