રાજકોટના ગૌરવ ઢોલરીયાને નાનપણથી જ ઝાડ-છોડનો ખૂબજ શોખ છે, જેને પૂરો કરવા આજે તેમણે તેમના ધાબામાં લીલી અને એડેનિયમનો સુંદર ગાર્ડન બનાવ્યો છે. એડેનિયમ રણ પ્રદેશના છોડ હોવાથી તેને વધારે સંભાળ અને પાણીની જરૂર પણ નથી પડતી.
જેને ચાહત હોય તેને રાહ આપોઆપ મળી જાય છે. આ કહેવતને સાચી ઠરાવી છે રંગીલા રાજકોટમાં વસવાટ કરનાર ગૌરવ એસ ઢોલરીયાએ. જેઓ છેલ્લા 7 વર્ષથી પોતાના ઘરના ધાબા પર ગાર્ડનિંગ કરી રહ્યા છે. આજે તેમના હોમ ગાર્ડનમાં 500 જેટલા દેશી-વિદેશી ડેઝર્ટ પ્લાન્ટ છે. જે તેમના ઘરની સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે. જણાવી દઈએ કે, ગૌરવભાઈ નાના હતા ત્યારથી જ તેમને પ્રાકૃતિક પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જેથી તેઓ જ્યારે પણ ફૂલ-ઝાડને જોતા તો તેમને વિચાર આવતો કે, તેઓ પણ એક દિવસ પોતાના ઘરમાં બગીચો બનાવશે. સાથે જ રાજકોટ જેવા સિમેન્ટ સિટીમાં પણ ગૌરવનું ઘર ખૂબ જ મોટુ હતું અને નાનો એવો બગીચો પણ હતો અને તેમા ગુલાબ, કરેણ જેવા વિવિધ પ્રકારના ફુલ-છોડ હતા. એટલે એમ કહેવું ખોટુ નથી કે, ગૌરવ પહેલાથી જ કુદરતી વાતાવરણ સાથે ઉછર્યા છે.
ઉલ્લેખનિય છે કે, ગૌરવભાઈને નાનપણથી જ પ્લાન્ટ ખૂબ જ ગમતા હોવાથી તેઓ કોઈ નર્સરીમાં કોઈ પ્લાન્ટ જોતા તો તેની સંપૂર્ણ જાણકારી લોકો પાસેથી અથવા ઈન્ટરનેટ પરથી મેળવી લેતા હતા. ગૌરવ જણાવે છે કે, તેમને નવા-નવા પ્લાન્ટ વિશે રિસર્ચ કરવું વધારે ગમે છે. આમ કરતા-કરતા તેમણે થોડા-થોડા ઓનલાઈન પ્લાન્ટ મંગાવી આજે એક સુંદર બગીચો તૈયાર કર્યો છે.
આજે તેમના ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક અને ખુશમય રહે છે. શહેરની હવા પ્રદૂષિત હોય છે ત્યાં, તેઓ કામ કરથી ઘરે આવે ત્યારે શુદ્ધ હવામાં આરામનો શ્વાસ લે છે.
ઉલ્લેખનિય છે કે, ગૌરવભાઈ બધા પ્લાન્ટ ઓનલાઈન ફેસબુક પરથી જ મંગાવે છે. તેમના બગીચામાં મોટાભાગના આફ્રિકાના પ્લાન્ટ છે જેને આપણે ડેઝર્ટ પ્લાન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ગૌરવભાઈ જણાવે છે કે, આ બધા રણના જ પ્લાન્ટ એટલે કે, એડેનિયમ પ્લાન્ટ છે. જેમાં ઓબેસમ અને અરેબિકમ પ્લાન્ટ આવે છે. આ છોડને લો મેન્ટનન્સ પ્લાન્ટ પણ કહેવાય છે. કારણ કે, રણમાં ખૂબ જ ઓછો વરસાદ પડતો હોવાથી આ છોડ પાણી વગર ઘણા લાંબા સમય ટકી શકે છે. ઘરે પણ તેમને અઠવાડિયું 10 દિવસ પાણી પીવડાવામાં ન આવે તો મૂરઝાતા નથી. કારણ કે, આ પ્લાન્ટ તેના કોડેક્સની અંદર પાણીનું સ્ટોરેજ કરી રાખે છે.
આ જ કારણે થોડા દિવસ માટે બહાર જવાનું થાય તો પણ તેઓ નચિંત થઈ જઈ શકે છે. 4-5 દિવસ સુધી આ બધા છોડને પાણી આપ્યા સિવાય પણ તેઓ એમજ રહે છે.
રંગીલા રાજકોટમાં ગૌરવભાઈનું 180 વારમાં ઘર છે. જેમાં 27 * 12 ફૂટનાં બે ટેરેસ છે. જેના પર ગૌરવભાઈએ પોતાના સપનાના બગીચાનું નિર્માણ કર્યુ છે. ગૌરવભાઈ આ બગીચા માટે પોતાના કિંમતી સમયમાંથી દરરોજ 1 થી દોઢ કલાક બગીચા માટે ફાળવે છે તો રવિવારનો તો અડધો દિવસ બગીચાના બધા છોડની સંભાળમાં જ પસાર થાય છે.
ગૌરવભાઈ જણાવે છે કે, તેમના ઘરના આ ગાર્ડનમાં લોટસ લીલીની 15 થી 20 વેરાયટી છે. વિવિધ પ્રકારના કેટસ છે. અરેબિકમમાં પણ ઘણી બધી વેરાયટી છે. જેમાં યાક સાઉદી, નોવા તન્ઝાનીયા, ડેઝર્ટ હોર્ન અડેનિયમ, મીની તાઈવાન, Mk mk black, KHZ black અને બીજી ઘણી બધી વેરાયટી છે. સાથે જ હાઈબ્રીડ એલોવેરા, મૂન કેટસમાં અલગ-અલગ કલરની વેરાયટી, બાઉલ લોટસમાં 4 વેરાયટી, વોટર લીલીના 16 પ્રકાર, લિથોપ્સ જેવા ઘણા બધા પ્લાન્ટ્સ છે.
સાથે જ રાતરણી વગેરે જેવા દેશી પ્લાન્ટ્સ પણ છે. ઉલ્લેખીય છે કે, ગૌરવભાઈ એકદમ ઓર્ગેનિક રીતથી જ બગીચાનું સંચાલન કરે છે. પ્લાન્ટ માટે કોઈ વિદેશી કે રાસાયણિક ખાતર વાપરવાના બદલે છોડના સૂકાયેલ અને ખરી પડેલ પાંદડાને જ ડિકંપોઝ કરી કંપોઝ બનાવી ખાતર બનાવે છે.
આ ખાતર બનાવવા માટે તેમણે એક ડોલ રાખી છે. જેમાં દરરોજના સૂકેલા પાંદડાનો કચરો એકઠો કરી આ ડોલમાં થોડુ પાણી છાંટી તેને ભીનું રાખવામાં આવે છે. જેને દરરોજ હલાવીને ઉપર-નીચે કરવું પડે છે. બસ આ રીતે 2 મહીનામાં તેમાથી દેશી ખાતર તૈયાર થઈ જાય છે.
આ ખાતર છોડના વિકાસ માટેખૂબજ ફાયદાકારક ગણાય છે. મહિનામાં એકાદ વાર જ્યારે પણ ગૌરવભાઈને એમ લાગે કે, છોડનો વિકાસ ધીમો લાગે છે ત્યારે તેઓ છોડને થોડું-થોડું ખાતર આપે છે. આમ વધારાના બીજા કોઈ ખર્ચ વગર તેમનો બગીચો હરિયાળો રહે છે.
ગૌરવભાઈના બગીચામાં બોનસાઈનું પણ સારું એવું કલેક્શન છે. ગૌરવભાઈ વિવિધ ગાર્ડનિંગ ગૄપ્સ સાથે સંકળાયેલ છે અને જ્યાં તેઓ ગૄપના સભ્યોને તેમના ગાર્ડનિંગના અનુભવો શેર કરે છે અને કોઈને જરૂર લાગે તો મદદ પણ કરે છે.
જો તમારી પાસે પણ પૂરતો સમય ન હોય પરંતુ ગાર્ડનિંગનો શોખ હોય તો, તમે પણ ગૌરવભાઈની જેમ એડેનિયમ પ્લાન્ટ્સ વાવી શકો છો. જેને વધારે સંભાળની જરૂર નથી પડતી અને ઘરની શોભા તો વધારશે જ સાથે-સાથે તમને હરિયાળી કર્યાનો સંતોષ પણ મળશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સોસાયટી એપાર્ટમેન્ટના ધાબામાં 10 વર્ષોથી કરે છે બાગકામ, વાવે છે દરેક શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167