Powered by

Home અનમોલ ભારતીયો MBA થયેલાં સરપંચે બદલી નાખી સૂરત, દર વર્ષે 25 લાખ લીટર વરસાદનું પાણી બચાવે છે આ ગામ

MBA થયેલાં સરપંચે બદલી નાખી સૂરત, દર વર્ષે 25 લાખ લીટર વરસાદનું પાણી બચાવે છે આ ગામ

હરિયાણાનાં આ ગામનાં સરપંચે ગામમાં પાણીની સમસ્યાનો કાયમી લાવી દીધો ઉકેલ, PM મોદી પણ ‘મન કી બાત’માં કરી ચૂક્યા છે વખાણ

By Mansi Patel
New Update
MBA Sarpanch

MBA Sarpanch

પાણી જીવનની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતોમાંથી એક છે. પરંતુ દેશમાં જે રીતે પાણીનું સંકટ વધી રહ્યું છે તે જોતા, દરેક નાગરિકે તેમના પોતાના સ્તરે પાણી બચાવવા પ્રયાસ કરવા જોઇએ. ઘણા વિસ્તારોમાં, ભૂગર્ભ જળ સપાટી તીવ્ર નીચે જતી રહી છે. આવી સ્થિતિમાં વરસાદના પાણી અને પાણીના સ્ત્રોતોને બચાવવાની ખૂબ જ જરૂર છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા પાણીની તંગી દૂર કરી શકાય છે.

આ પદ્ધતિ માત્ર દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે જ નહીં, પરંતુ તે વિસ્તારોમાં પણ જરૂરી છે જ્યાં વરસાદ સારી માત્રામાં થાય છે. કારણ કે જો દેશના દરેક ખૂણામાં વરસાદી પાણીનો સંગ્રહ થશે તો દરેક ક્ષેત્રને લાભ મળશે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાના મહત્વને સમજીને હરિયાણાની 'ભીડુકી ગ્રામ પંચાયત' એ એક નહીં પણ ચાર જુદા જુદા સ્થળોએ 'રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ' બનાવી છે. આશરે 18 હજારની વસ્તીવાળા આ ગામમાં હવે ન તો પાણી ભરાવાનું છે કે ન તો ખેડૂતોને પાણીની સમસ્યા થઈ રહી છે.

પલવલ જિલ્લાના ભીડુકી ગામે થોડા વર્ષો પહેલા વરસાદી મોસમમાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગામમાં પાણીનો નિકાલ ન થતાં વિવિધ સ્થળોએ પાણી ભરાતા હતા. ખાસ કરીને ગામની સરકારી શાળામાં, જ્યાં વરસાદની મોસમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગામના 32 વર્ષીય સરપંચ સત્યદેવ ગૌતમ કહે છે, "સાચું કહું તો ગામમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાનો વિચાર શાળામાંથી જ આવ્યો હતો. એક દિવસ શાળાની મુલાકાત લેતી વખતે શિક્ષકોએ મારી સાથે આ સમસ્યા વિશે વાત કરી અને કહ્યું કે ગ્રામ પંચાયતે આ વિષય પર કંઈક કરવું જોઈએ.”

Rain Water Harvesting

સ્કૂલનું મકાન ઘણું જૂનું છે અને પંચાયત દ્વારા તેમાં કોઈ ફેરફાર કરવો શક્ય ન હતો. બીટેક અને એમબીએ કરનાર ગૌતમ કહે છે કે અગાઉ તે ગુરુગ્રામની એક કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા હતી, આના સમાધાન માટે, કંપનીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવામાં આવી હતી. તેમણે આગળ કહ્યુ, "હું સમજી ગયો કે આપણે આ રીતે સમસ્યા હલ કરી શકીએ છીએ, પરંતુ, ટેક્નોલોજીને થોડી વધુ સમજવા માટે, હું ફરી એકવાર તે કંપનીમાં ગયો અને ત્યાં જઈ અને તેના વિશે સમજ્યો. તે પછી અમે શાળામાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું કામ શરૂ કર્યું.”

શાળાના આચાર્ય હરિસિંહે કહ્યું, “શાળા ખૂબ જ જૂની છે. બાકીનો સમય તો ઠીક છે પણ, વરસાદની ઋતુમાં સમસ્યા મોટા પ્રમાણમાં વધી જતી હતી. આખી સ્કૂલમાં પાણી ભરાઈ જતુ હતુ, પરંતુ, તે હવે થઈ રહ્યું નથી. આ સિસ્ટમની રચનાએ ઘણી સુવિધા આપી છે. ગામની સમસ્યાઓ અંગે ગ્રામ પંચાયત ખૂબ જ સક્રિય છે."

પાણી ભરાવાની સમસ્યા દૂર થઈ છે:

સૌથી પહેલાં, શાળાની છત ઉપરનું પાણી એકત્રિત કરવા માટે પાઈપો લગાવવામાં આવી હતી. ત્યારબાદ, રસ્તા અને શાળાના બાકીના પાણી ભરાયેલા સ્થળો ગટરના માધ્યમથી એક બીજા સાથે જોડવામાં આવ્યા હતા. શાળાના એક ભાગમાં આશરે આઠ ફૂટ પહોળાઈ અને દસ ફૂટ લંબાઈની ત્રણ ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી હતી. આ ત્રણ ટાંકી એકબીજા સાથે જોડાયેલી છે. પહેલી બે ટાંકીમાં વરસાદી પાણી ફિલ્ટર થાય છે. તો, ત્રીજી ટાંકીમાં 120 મીટર ઉંડુ,એક બોરવેલ બનાવવામાં આવ્યું છે. આ બોરવેલ દ્વારા,બધા પાણીને જમીનમાં મોકલવામાં આવે છે.

Save water

શાળામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમ લગાવ્યા બાદ પાણી ભરાવાની સમસ્યા ખતમ થઈ ગઈ હતી. ગૌતમ કહે છે કે તેને શાળામાં ખૂબ સારા પરિણામ મળ્યાં છે. અહીં, તેઓ વર્ષભરમાં 11 લાખ લિટરથી વધુ વરસાદનું પાણી બચાવી શકશે. તેથી, તેમણે ગામના અન્ય ભાગોમાં પણ એવા વિસ્તારો જોવાની શરૂઆત કરી કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે. તે જણાવે છે, "ગામની વાલ્મીકી વસ્તીમાં 40 મકાનો છે અને અહીં રહેતા લોકોએ ગ્રામ પંચાયતને જણાવ્યું હતું કે વરસાદના કારણે તેમના મકાનોની સામે પાણી ભરાય છે, જેથી તેમને આવવા-જવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેથી, અમે ત્યાં પણ તે જ પ્રક્રિયા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી છે. જો કે, બોરવેલની ઉંડાઈ બધે જ અલગ અલગ છે."

વાલ્મિકી વસ્તી ઉપરાંત ગામના પેટા આરોગ્ય કેન્દ્ર અને રમતગમત સંકુલમાં પણ વરસાદી જળ સંચયની વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેમજ દરેક સિસ્ટમમાં ફિલ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેથી જમીનમાં જતા પાણીમાં કોઈ અશુદ્ધિ ન આવે. તેનાથી ભૂગર્ભ જળના ખારાશમાં ઘટાડો થશે અને પાણી મીઠુ થશે. આ ચાર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ દ્વારા, ભીડુકી ગામ વાર્ષિક આશરે 25 લાખ લિટર વરસાદના પાણીની બચત કરીને ભૂગર્ભ જળ સપાટીને વધારવામાં ફાળો આપી રહ્યું છે.

Save water

ખેતરોને જોડ્યા ગામનાં ચેક ડેમ સાથે:

સૌથી પહેલાં ગ્રામ પંચાયતે ચેકડેમ(જળ સ્ત્રોત) માટે ગામને ફાળવેલી જમીન ગેરકાયદેસર કબજામાંથી છોડાવી અને ત્યારબાદ તેને સાફ કરીને તળાવ ખોદવામાં આવ્યું. વરસાદની ઋતુમાં આ તળાવ પાણીથી ભરાય છે અને ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી થાય છે. તેમજ આ તળાવને ગટરની લાઇન દ્વારા ખેતરો સાથે જોડવામાં આવ્યું છે. આનાથી ખેડુતોને જ્યારે જરૂર પડે ત્યારે તેમના ખેતરોની સિંચાઇ માટે પાણી મળી શકે છે. ગૌતમ જણાવે છે, "ગામના ખેતરોમાં, દર બે કિલોમીટર સુધી દરેક 200 થી 300 મીટરનાં અંતરે છ ફુટ પહોળાઈ અને દસ ફૂટ લંબાઈના ખાડાઓ બનાવવામાં આવ્યા છે. આ ખાડાઓની સાથે ચેકડેમનાં પાઈપ જોડાયેલા છે. આવી સ્થિતિમાં જ્યારે પણ ખેડુતોને પાણીની જરૂર પડે છે ત્યારે ખેડુતો આ ખાડાઓમાં પાઈપો નાખે છે અને ખેતરોમાં સિંચાઈ કરે છે.”

જો કે ભીડુકી ગામમાં કેનાલનું પાણી સિંચાઇ માટે આવે છે, પરંતુ આ પાણી મળવામાં વિલંબ થાય તો પણ ખેડુતો પાક વાવવા માટે રાહ જોતા નથી. ગૌતમ કહે છે, “રેન વોટર હાર્વેસ્ટિંગ એક એવી કારગર રીત છે, જેનાંથી શહેરો અને ગામોમાં ઘટી રહેલાં જળસ્તરને રોકી શકાય છે અને ઘણી હદ સુધી પાણીને બચાવી શકાય છે. પરંતુ આ અભિયાનને મોટા પાયે અપનાવવાની જરૂર છે.”

અને અંતે તેઓ કહે છે, "રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એક એવી રીત છે કે જે આજે અમારા ગામની સમસ્યાને હલ કરી રહ્યું છે અને સાથે જ, ભવિષ્ય માટે પણ કામ કરી રહ્યુ છે. હવે અમને ખાતરી છે કે અમે અમારી ભાવિ પેઢી માટે કંઈક કર્યું છે."

ભીડુકી ગ્રામ પંચાયતની આ પહેલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમ 'મન કી બાત'માં પ્રશંસા કરી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા ઉપરાંત અન્ય અનેક પહેલથી ભીડુકી ગામ એક ઉત્તમ ગામ હોવાનું દાખલો બેસાડી રહ્યું છે. અપેક્ષા છે કે વરસાદના પાણીનો સંગ્રહ દેશના અન્ય ગામોમાં પણ થવો જોઇએ જેથી દેશના જળ સંકટને ઘણી હદ સુધી ઘટાડી શકાય.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ન વિજળીનું બિલ, ન શાકભાજીનો ખર્ચ, ન પાણીની ચિંતા, સૌરાષ્ટ્રના શિક્ષક આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.