એન્જીનિયરે એપાર્ટમેન્ટમાં લગાવી એવી વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, દર મહિને બચે છે 50 હજાર

20 હજાર ખર્ચીને દર મહિને બચાવે છે 50 હજાર, એન્જીનિયરની આ યુક્તિએ કરી દીધી કમાલ. બોરવેલનું પાણી સૂકાતાં શરૂ થઈ હતી પાણીની તકલીફ. પાણીનાં ટેન્કરથી મળ્યો કાયમી છૂટકારો.

How To Save Water

How To Save Water

'પાણી એ જ જીવન છે' આ વાતનો ખ્યાલ આપણને ત્યારે આવે છે કે જ્યારે આપણી આસપાસના પાણીના સ્ત્રોતો સૂકવવા લાગે છે. જ્યારે પાણીની અછત હોય ત્યારે આપણે પાણી બચાવવા અને સંરક્ષણ વિશે વિચારીએ છીએ. આવું જ બેંગ્લોરમાં રહેતા લોકો સાથે થયું. બેંગલુરુના બેગુરમાં 'મેટ્રોપોલિસ ગુરુકૃપા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ'નો બોરવેલ 2018માં સૂકાવવા લાગ્યો હતો.

ત્યાં જ્યારે પાણીની અછત થવા લાગી હતી ત્યારે લોકોએ પાણીના ટેન્કર ખરીદવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તે જ એપાર્ટમેન્ટમાં એક એવો વ્યક્તિ હતો જેને પાણીના ટેન્કરની જરૂર નહોતી. વાસ્તવમાં, તેમની પાસે એવી રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની યોજના હતી, જેના આધારે તે પાણીની અછત સામે લડી શકતા હતા.

20 હજારનો ખર્ચ અને 50 હજાર/મહિનાની બચત
ગણેશ શાનબાગ વ્યવસાયે એક સોફ્ટવેર એન્જિનિયર છે. તેને પર્યાવરણ, વૃક્ષો અને છોડ સાથે ખૂબ જ લગાવ છે અને તે તેના માટે ખૂબ જ ચિંતિત પણ રહે છે. જ્યારે એપાર્ટમેન્ટમાં પાણીની કટોકટી હતી, ત્યારે તેને પાણીની અછતનું કારણ ખબર હતી. તેણે સમાન વિચાર ધરાવતા લોકોને જોડ્યા અને તેમની મદદથી એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં એક અનોખી રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ (RWH) સ્થાપિત કરી. આનાથી એપાર્ટમેન્ટવાસીઓની પાણીની સમસ્યા તો દૂર થઈ છે પરંતુ તેના કારણે દર મહિને પાણીના બિલમાં અંદાજે 50 હજાર રૂપિયાની બચત થઈ રહી છે.

આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તૈયાર કરવા માટે ગણેશે સૌપ્રથમ એવા ઘરોની મુલાકાત લીધી જેઓ પહેલાથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા હતા. તેણે આ અંગે ઘણું સંશોધન કર્યું. ત્યારબાદ તેણે એપાર્ટમેન્ટ માટે ખૂબ જ આર્થિક અને અસરકારક સેટઅપ ડિઝાઇન કર્યું. RWH સિસ્ટમ માટે એક્સેસરીઝ ખરીદવી એ ખર્ચાળ સોદો સાબિત થયો ન હતો. ગણેશ અને એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકોએ સાથે મળીને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી તેમને જોઈતી દરેક વસ્તુ ખરીદી હતી. તેના પર લગભગ 20 હજાર રૂપિયાનો ખર્ચ થયો અને પછી પ્લમ્બરની મદદથી તેને પરિસરમાં લગાવવામાં આવી હતી.

વર્ષ 2019માં જ્યારે વરસાદ પડ્યો, ત્યાર બાદ સિસ્ટમે અસરકારક રીતે કામ કરવાનું શરૂ કર્યું. સિસ્ટમ તૈયાર કરવામાં જે પણ ખર્ચ થયો હતો, તે થોડી જ વારમાં વસૂલ કરવામાં આવ્યો હતો. ખરેખર, હવે પાણીના ટેન્કર પાછળ ખર્ચવામાં આવતા પૈસાની બચત થવા લાગી. એપાર્ટમેન્ટમાંના પ્લાન્ટમાંથી, વધારાનું પાણી નજીકના તળાવમાં જાય છે, જે ધીમે ધીમે ઘટતા પાણીના સ્તરને સુધારવામાં મદદ કરશે.

મફતમાં કરે છે કામ
આજે બેંગલુરુમાં 30 થી વધુ એપાર્ટમેન્ટોએ તેમના પરિસરમાં ગણેશની RWH સિસ્ટમ સ્થાપિત કરી છે અને બધા ખૂબ ખુશ છે કારણ કે તેમને હવે પાણીની અછતનો સામનો કરવો પડતો નથી. સૌથી મોટી વાત એ છે કે ગણેશ આ કામમાં લોકોને મદદ કરવા માટે એક રૂપિયો પણ લેતા નથી, તેઓ પોતાની સેવાઓ મફતમાં આપે છે.

ગણેશ કહે છે, "RWH માં રોકાણ કરીને, અમે માત્ર નાણાંની બચત જ નથી કરતા, પરંતુ ભાવિ પેઢીઓ માટે કુદરતી સંસાધનોને પણ બચાવીએ છીએ,"  તેમણે કહ્યું, “બેંગલુરુમાં 22,000થી વધુ એપાર્ટમેન્ટ્સ છે. જો દરેક એપાર્ટમેન્ટમાં RWH લગાવવામાં આવે તો આપણે 6 થી 7 હજાર કરોડ લીટર પાણી બચાવી શકીએ છીએ.”

જુઓ કેવી રીતે તેમની વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બેંગ્લોરમાં અદ્ભુત રીતે કામ કરી રહી છે:-

મૂળ લેખ: અનઘા આર મનોજ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઊંઝાની આ સંસ્થા અનોખી જ રીતે કરે છે સેવા, આત્મનિર્ભર બની મફત જમાડે છે રોજ 100 લોકોને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe