Powered by

Home પ્રવાસન વનડે પિકનિક માટે ખૂબજ રમણીય સ્થળ છે અમદાવાદની નજીક, રજા ગાળો કુદરતના સાનિધ્યમાં

વનડે પિકનિક માટે ખૂબજ રમણીય સ્થળ છે અમદાવાદની નજીક, રજા ગાળો કુદરતના સાનિધ્યમાં

અમદાવાદથી માત્ર 75 કિમી અને ગાંધીનગરથી 60 કિમીના અંતરે આવેલ ઝાંઝરી ધોધ અત્યારે ખૂબજ રમણીય છે. ચોમાસામાં વરસાદ બાદ ખળ-ખળ વહેતાં ઝરણાંથી દ્રષ્ય મનોહર બન્યું છે. તો તમે ક્યારે જવાનો પ્લાન કરો છો?

By Kishan Dave
New Update
Zanzari Waterfall

Zanzari Waterfall

ઝાંઝરી ધોધ ગાંધીનગર જિલ્લામાં દહેગામ નજીક આવેલ એક મનોહર સ્થળ છે. અમદાવાદથી આશરે 75 કિમી અને ગાંધીનગરથી 60 કિમીનું અંતર ધરાવતા આ ઝાંઝરી ધોધ વરસાદી ઋતુમાં એક દિવસના પિકનિક માટેનું યોગ્ય સ્થળ છે. અને હા, અમદાવાદ અને ગાંધીનગરની નજીકમાં ઝાંઝરી એકમાત્ર ધોધ છે

ઝાંઝરી ધોધ તમને કુદરત સાથે ફરીથી જોડાવાની તક આપે છે અને તમને તમારી જાતને ફરીથી શોધવાની પણ. ઝાંઝરી ધોધએ વાત્રક નદીમાંથી વહેતા ઝડપી પાણીની સાંકળ છે, જેમાં મુખ્ય પાણીનો ધોધ 25 ફૂટ જેટલો ઊંચો છે. ઝાંઝરી ધોધ બારમાસી ધોધ નથી પણ ચોમાસા દરમિયાન નદીના ખડકાળ કિનારેથી વહેતું પાણી છે. આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચેનો છે. જોકે ઉનાળા દરમિયાન ધોધના પ્રવાહમાં ઘટાડો થાય છે પરંતુ ચોમાસામાં આ સ્થળ ચોક્કસથી મુલાકાત લેવા યોગ્ય છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો, તો તમને ચોક્કસપણે આ સ્થળ ગમશે જ.

સાઇટની નજીક કોઈ જમવાની ખાસ વ્યવસ્થા નથી જેથી તમે ઘરે રાંધેલ ખોરાક તમારી સાથે લઈ જઈ શકો છો. તમે તમારી સાથે બેસવા માટે ફ્લોરિંગ મેટ  અથવા ચટાઈ પણ લઈ જઈ શકો છો અને ત્યાં બેસીને આરામ કરી શકો છો. જ્યાં વહેતા પાણીમાંથી નીકળતો ઠંડો પવન તમને એક અદ્ભુત આહલાદ્ક અનુભવ આપશે.

મંદિરથી ધોધ સુધીનો રસ્તો પાણીયુક્ત અને કાદવવાળો છે, તેથી તમારે સ્થળ પર જતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. આ સ્થળ પર તમે કલ્પના કરી હોય તેવો ચોક્કસ ધોધ નથી. પરંતુ ચોમાસા દરમિયાન ઊંચાઈ પરથી વહેતું પાણી સુંદર લાગે છે. રવિવાર કે બીજી કોઈ રજાના દિવસે જો તમે સવારે 10 વાગ્યા પછી સ્થળની મુલાકાત લો છો તો મોટેભાગે કાર પાર્કિંગ કરવામાં મુશ્કેલી પણ પડે છે કારણકે ત્યાં સુધીમાં બીજા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવી ગયા હોય છે માટે સવારે વહેલા જ પહોંચી જવાનું પસંદ કરો.

સૂચના

1. કૃપા કરીને તમારી સૂચિત દવાઓ તમારી સાથે લો.
2. ખોરાકની સુવિધા ઉપલબ્ધ નથી માટે તમારે ખોરાક અને પાણી લઈ જવું જોઈએ.
3. ચાલવું પડે તેમ હોવાથી સ્પોર્ટ શૂઝ લેવા હિતાવહ છે.
4. સ્થળની મુલાકાત તમારે વહેલી સવારે લેવાનું પસંદ કરવું જોઈએ.

સંપાદન: નિશા જનસારી

કવર ફોટો

આ પણ વાંચોરિટાયર્ડ પિતાને સમય પસાર કરવા ભાવનગરમાં શરૂ કર્યું ડેરી ફાર્મ, સાત્વિક ઘી-મિઠાઈઓ લોકો મંગાવે છે દૂર-દૂરથી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.