Powered by

Home આધુનિક ખેતી કેરલના આ યુગલે નિવૃત્તિ પછી શરૂ કરી ખેતી, ખેતરમાં ઊગાડે છે 50 પ્રકારની શાકભાજી અને ફળ

કેરલના આ યુગલે નિવૃત્તિ પછી શરૂ કરી ખેતી, ખેતરમાં ઊગાડે છે 50 પ્રકારની શાકભાજી અને ફળ

નિવૃત્તિ પછી ખેતી શરૂ કરનારા કેરલના આ યુગલને સલામ!

By Nisha Jansari
New Update
Organic Farming

Organic Farming

સામાન્ય રીતે લોકો નિવૃત્તિ બાદ ઘરે રહીને આરામ કરતા હોય છે. દરેક લોકો જીવનના આ પડાવ પર આરામ કરવાનું પસંદ કરે છે. પરંતુ અનેક એવા લોકો હોય છે જેઓ જીવનના આ પડાવ પર આવીને પોતાના અધૂરા સપનાં પૂરા કરવામાં લાગી જતા હોય છે. આ એવા શોખ છે જેને તેઓ નોકરી કરતાની સાથે સાથે પૂરા નથી કરતી શકતા.

કેરલના પલક્કડ જિલ્લામાં રહેતા પી. થંકામણિ અને એ.નારાયણન નિવૃત્તિની મજા ખેતરમાં અલગ અલગ પ્રકારની શાકભાજી અને ફળો ઊગાડીને લઈ રહ્યા છે. થંકામણિ વર્ષ 2005માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે. તેઓ મોયન મૉડલ ગર્લ્સ સીનિયર સેકન્ડરી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ નારાયણન કેરલ સ્ટ્રેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ કંડક્ટર તરીકે વર્ષ 2002માં નિવૃત્ત થયા હતા. નોકરી કરતાં કરતાં બંનેએ સાડા સાત એકર જમીન ખરીદી હતી. બંનેએ વર્ષ 2013માં આ જમીનમાં ખેતી કરવાની શરૂઆત કરી હતી.

નારાયણે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, "અમે અમારા ફાર્મનું નામ 'પ્રકૃતિ ક્ષેત્રમ' રાખ્યું છે. જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે પણ ખાલી હોય તેવી જગ્યા પર શાકભાજી ઊગાડતો હતો. બજારમાંથી ખૂબ ઓછી શાકભાજી ખરીદવું પડતું હતું. સાચું કહું તો નિવૃત્તિ પહેલા જ અમે નક્કી કરી લીધું હતું કે અમે નિવૃત્તિ બાદ અમે ખેતરમાં શાકભાજી ઊગાડીશું. આજે તમે જોશો તો અમારા ખેતરમાં અલગ અલગ પ્રકારની શાકભાજી અને ફળોના છોડ અને ઝાડ છે."

Modern Farming

શરૂઆતમાં અનેક મુશ્કેલી આવી

નિવૃત્તિ પછી ખેતી શરૂ કરનારા નારાયણન કહે છે કે, "2013માં અમે જ્યાં રહેતા હતા તે ઘર અહીંથી 30 કિલોમીટર દૂર છે. આથી ખેતર સુધી જવા માટે અમારે લાંબી મુસાફરી કરવી પડતી હતી. દરરોજ આવવું અને જવું મુશ્કેલ લાગતું હોવાથી અમે અઠવાડિયામાં એક બે વખત આવતા હતા. આ દરમિયાન અમે જોયું કે અમુક લોકો અમારા ખેતરના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. જે બાદમાં અમે અમારા ખેતર પર જ એક નાનું ઘર બનાવી દીધું હતું."

ખેતર પર ઘર બનાવી લીધા બાદ તેમણે સીસીટીવી કેમેરા પણ લગાવી દીધા હતા. જેનાથી તેમના પાકને કોણ નુકસાન પહોંચાડે છે તે જાણી શકાતું હતું. તેમણે જણાવ્યું કે, "સીસીટીવી કેમેરાને કારણે હવે કોઈ અમારા પાકને નુકસાન નથી પહોંચાડતું. કેમેરાએ ખૂબ મદદ કરી છે."

તેમની બે દીકરી આરતી અને અર્ધરા વિદેશમાં કામ કરે છે. જ્યારે પણ બંને ભારતમાં પરત આવે છે ત્યારે માતાપિતા સાથે ખેતરમાં જ રહે છે. બંનેને અહીં શાંત વાતાવરણમાં રહેવું ખૂબ ગમે છે.

નારાયણનના ખેતરમાં 20 પ્રકારના ફણસના ઝાડ છે. આ ઉપરાંત અહીં 30 પ્રકારના કેળાના ઝાડ છે. આ ઉપરાંત આમળા, કેરી, રોઝ-એપલ, ડ્રેગન ફ્રૂટ, જામફળ, સ્ટાર ફ્રૂટ વગેરેના ઝાડ છે.

નારાયણને કહે છે કે તેમના ફાર્મમાં ટામેટા, વટાણા અને કોળાની અનેક પ્રજાતિ છે. અલગ અલગ વિસ્તારમાં રહેતા તેમના મિત્રોએ તેમને આ છોડ આપ્યા છે. જ્યારે પણ તેમના મિત્રને કોઈ દુર્લભ પ્રજાતિનો છોડ મળે છે ત્યારે તેઓ તેને નારાયણનને આપે છે. કારણ કે મિત્રોને ખબર છે કે તેઓ તેની સારી રીતે દેખરેખ રાખશે. તેમના ખેતરમાં કારેલાની એક એવી પ્રજાતિ પણ છે જે કડવા નથી.

Kerala

નારાયણન અને તેમની પત્ની ફાર્મની દેખરેખ જાતે જ કરે છે. જોકે, મદદ માટે તેમણે એક વ્યક્તિને રાખ્યો છે. ખેતરમાં જે વસ્તુ તૈયાર થાય છે તેમને તેઓ વેચે પણ છે. નારાયણ પોતાની ઉપજ વેચીને દરે અઠવાડિયે 20થી 45 હજાર રૂપિયા સુધીની કમાણી પણ કરે છે. જોકે, કોરોના મહામારીને કારણે તમામ વસ્તુ બદલાઈ ગઈ છે. તેમની આવક ઘટી ગઈ છે. જોકે, તેમને આશા છે કે બધુ પહેલા જેવું થઈ જશે.

એક સ્થાનિક સમિતિ 'જૈવ સંરક્ષણ સમિતિ' દર સોમવારે નારાયણનના ફાર્મ પરથી જૈવિક શાકભાજી અને ફળ લઈ જાય છે અને પલક્કડના KSRTC બસ સ્ટેન્ડ પર તેમનું વેચાણ કરે છે.

આ અંગે તેમણે જણાવ્યું કે, "હું મારા ખેતરમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેને અજાણ્યા લોકોને નથી વેચતો. આથી લોકો આ વસ્તુ બસ સ્ટેન્ડ પાસેથી ખરીદી શકે છે, અથવા મારી પાસે સીધા આવીને ખરીદી શકે છે."

નારાયણ કેરલની અન્ય સમિતિ 'જીવા સમરસતા સમિતિ'ના અધ્યક્ષ પણ છે. તેમનું કહેવું છે કે નફાને બદલે તેમણે આરામ કરવા માટે ખેતી કરવાનો નિર્ણય કર્યો છે. "આ ઉંમરમાં હવે મને પૈસા કમાવાની કોઈ જરૂરિયાત નથી, સરકાર પાસેથી મને સારું એવું પેન્શન મળે છે. મારી પત્નીને પણ પેન્શન મળે છે. આથી શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચીને અમે જે આવક કરીએ છીએ તેનો ઉપયોગ ખેતીને વધારે સારી કરવા માટે કરીએ છીએ."

ઉંમરના આ પડાવમાં ખેતી કરનાર પી.થંકામણિ અને એ.નારાયણનની હિંમતને ધ બેટર ઇન્ડિયા સો સલામ કરે છે.

મૂળ લેખ: SANJANA SANTHOSH

આ પણ વાંચો:ગોંડલમાં આ એન્જિનિયર યુવાને ગાયો માટે બનાવી નંદનવન જેવી ગૌશાળા, વર્ષે થાય છે લાખોની કમાણી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.