Powered by

Home શોધ તાપીના પ્રદૂષણને ઘટાડવા સુરતી યુવતીનું અનોખુ અભિયાન, મંદિરનાં ફૂલોમાંથી બનાવે છે સુગંધિત વસ્તુઓ

તાપીના પ્રદૂષણને ઘટાડવા સુરતી યુવતીનું અનોખુ અભિયાન, મંદિરનાં ફૂલોમાંથી બનાવે છે સુગંધિત વસ્તુઓ

સુરતની મૈત્રી શહેરનાં મંદિરમાં ચઢાવાયેલ ફૂલોમાંથી સાબુ, અગરબત્તી, સ્પ્રે, ખાતર બનાવીને ઓનલાઈન વેચે છે. જેનાથી તાપી નદીમાં થતું પ્રદૂષણ તો અટકે જ છે, સાથે-સાથે ઘણા લોકોની રોજી પણ મળે છે.

By Kishan Dave
New Update
Miatri Jariwala

Miatri Jariwala

સુરતની રહેવાસી મૈત્રી જરીવાલા આજે એક ખુબ જ ઉમદા પહેલ સાથે કામ કરી રહી છે. તે 'Begin With Flowers' ના નામે મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને રિસાયકલ કરી તેમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે સાબુ, અગરબત્તી, પરફ્યુમ બનાવીને વેચે છે.

તેણીએ સુરતમાં જ આવેલ ભગવાન મહાવીર એન્જીનીયરીંગ કોલેજમાંથી કેમિકલ એન્જીનીયરીંગની ડિગ્રી મેળવેલી છે અને કોલેજ કાળ દરમિયાન જ તેણીએ આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કર્યું હતું જેને આગળ જતા મૈત્રીએ એક સ્ટાર્ટઅપ તરીકે વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચો:2021 ના ગુજરાતના 5 સંશોધકો જેમણે કર્યાં છે સામાન્ય લોકો માટે બહુ કામનાં સંશોધનો

મૈત્રી ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા કહે છે કે,"છેલ્લા વર્ષે હોળી વખતે કોલેજમાં એક પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો હતો અને તે દરમિયાન અમને કોલેજ દ્વારા વિવિધ ફેક્ટરી યુનિટમાં મુલાકાત માટે લઇ જવામાં આવતા હતા અને તે દરમિયાન જ મને ઓર્ગેનિક વેસ્ટને રિસાયકલ કરી તેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવાનો વિચાર આવ્યો.તે પછી ફક્ત એક જ ઓર્ગેનિક વેસ્ટ પર ધ્યાન આપી કામ શરુ કર્યું જેમાં મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને રિસાયકલ કરી વિવિધ દૈનિક ઉપયોગમાં આવી શકે તેવી વસ્તુઓનું નિર્માણ શરુ કર્યું."

આ કાર્ય કોલેજમાં ફક્ત દોઢ મહિના માટે જ ચલાવવામાં આવ્યું અને તે દરમિયાન કોલેજની લેબોરેટરી અને અધ્યાપકોનો સારો એવો સહયોગ મૈત્રીને મળ્યો.

કોલેજમાંથી શરુ કરેલ આ કાર્યને મૈત્રીએ થોડા જ દિવસોમાં પોતાની મેળે એક સ્ટાર્ટઅપ તરીકે વિકસાવવા માટે આગળ ધપાવ્યું જેમાં તેણે શહેરના પાંચ મંદિરોની પરવાનગી મેળવી ત્યાંથી ફૂલો મેળવવાનું શરૂ કર્યું અને તે ફૂલોને રિસાયકલ કરી વિવિધ વસ્તુઓ બનાવી વેચવાની શરૂઆત કરી. આ કામ માટે તેણીએ 9 કામદારોને નોકરીએ પણ રાખ્યા જેમને તે મહિનાના તેમની કામગીરીના ધોરણે રૂપિયા 3 હજાર આસપાસનું મહેનતાણું પણ ચૂકવે છે.

ફૂલોને મંદિરમાંથી એકઠા કાર્ય પછી જે તે ફૂલોની સ્થિતિ પ્રમાણે તેનો ઉપયોગ લેવામાં આવે છે એટલે કે જો ફૂલ ખુબ સારા હોય તો તેમાંથી સાબુ અથવા પરફ્યુમ બનાવવામાં આવે છે તે પછી જો ફૂલ મધ્યમ હાલતમાં હોય તો તેમાંથી અગરબત્તી વગેરે બનાવવામાં આવે છે અને સડી ગયેલા હોય તો તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. આજે આ કાર્ય શરુ કર્યાને મૈત્રીને એક વર્ષ થઇ ગયું છે અને તે દર મહિને પોતાની બનાવેલી આ પ્રોડક્ટમાંથી 40 થી 50 હજારનું વેચાણ પણ કરી રહી છે.

જો તમે પણ મૈત્રીની બનાવેલ પ્રોડક્ટ્સ ખરીદવા ઇચ્છતા હોય તો તેના ફેસબુક પેજ Begin With Flowers ની અચૂક મુલાકાત લો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.