Powered by

Home ગાર્ડનગીરી Grow Papaya: આ સરળ રીતોથી ઘરે જ ઉગાડો સ્વાસ્થ્યવર્ધક પપૈયાનાં છોડ

Grow Papaya: આ સરળ રીતોથી ઘરે જ ઉગાડો સ્વાસ્થ્યવર્ધક પપૈયાનાં છોડ

પપૈયું પોતાનાં ગળ્યા સ્વાદ અને સ્વાસ્થ્ય માટે લાભદાયક ગુણોનાં કારણે ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ શું તમે જાણો છો કે તેના છોડને ઘરે પર ઉગાડવાં પણ સહેલાં જ છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે તેને ઉગાડી શકાય.

By Kishan Dave
New Update
Cultivation Of Papaya

Cultivation Of Papaya

પપૈયું કાચું હોય કે પાકું, કોઈ પણ રૂપમાં તેને ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેનું ફળ તો ગુણકારી હોય જ છે પણ સાથે સાથે તેના પાંદડા પણ ઘણાં ઔષધીય ગુણો ધરાવે છે. તે કબજિયાતની સાથે બીજી ઘણી પેટની સમસ્યાઓથી છુટકારો અપાવે છે તથા સ્કિન માટે પણ ખુબ જ ઉપયોગી છે. એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર પપૈયાનાં છોડ ઘરમાં સરળ રીતથી ઉગાડી શકાય છે.

સૌથી સારી બાબત એ છે કે તેના બીજને ક્યાંય બહારથી લાવવાની જરૂરિયાત નથી હોતી. તમે તમારા ખાવા માટે બજારમાંથી જે પપૈયું લાવો છો તેમાંથી જ નીકળેલા બીજનો ઉપયોગ આ છોડને વાવવા માટે કરી શકો છો. જોયું ને, છે ને એકદમ સરળ!

કોલકાતાના ગાર્ડનિંગ એક્સપર્ટ સંતોષ મોહતાએ જણાવ્યું કે એક ઝાડ પરથી લગભગ 50 કિલો ફળ ઉગાડી શકાય છે. તે છેલ્લા ઘણાં વરસોથી પોતાના ઘરની છત પર ગાર્ડનિંગ કરી રહ્યા છે.

 ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં તે કહે છે કે, આ છોડની વૃદ્ધિ માટે સારા સૂર્ય પ્રકાશની જરૂર રહે છે એટલે પપૈયાનો છોડ માર્ચ અથવા એપ્રિલ મહિનામાં વાવવો અનુકૂળ રહે છે. આ રીતે તમારો છોડ આઠથી દસ મહિનામાં તૈયાર થઇ જશે અને ઠંડી શરું થતાં જ તેમાં ફળ લાગવાનું પણ શરું થઇ જશે.

papaya farming

કઈ-કઈ વસ્તુઓની રહેશે જરૂર?

કુંડા

સંતોષ જણાવે છે કે પપૈયાનાં છોડ ખાસાં મોટા હોય છે, માટે તમારે મોટા કુંડાઓની જરૂર પડશે. પરંતુ જો તમે ઘરની છત અથવા બાલ્કનીમાં તેને ઉછેરી રહ્યા છો તો મોટા કુંડાઓની જગ્યાએ મોટી ગ્રો બેગનો ઉપયોગ કરી શકો છો. તમે 24 થી 30 ઇંચની ગ્રો બેગનો ઉપયોગ કરો જેથી તેના કારણે છત પરના વજનમાં ઘટાડો થઇ શકે.

પોટિંગ મિક્સ

પપૈયાનાં છોડ માટે કોકોપીટ, સામાન્ય માટી, કમ્પોસ્ટ(વર્મી કમ્પોસ્ટ, હોટ કમ્પોસ્ટ) તથા છાણીયું ખાતર, આ ચારેયને સમાન માત્રમાં મિક્સ કરી ઉપયોગ કરી શકો છો. માટીને થોડી ભરભરી રાખવી જરૂરી છે જેથી પાણીનો જમાવ ના થાય. જો માટીમાં પાણીનો જમાવ થઇ જાય તો છોડ મરી પણ શકે છે.

બીજની પસંદગી

પપૈયાનાં ફળમાં ઘણાં બીજ હોય છે પણ તેમાંથી કયાં બીજ ઉપયોગ માટે વ્યવસ્થિત છે તેની ચકાસણી કરવી જરૂરી છે. તેના માટે તમે બધાં જ બીજને ડોલમાં પાણી લઇ તેમાં નાખો, જે બીજ પાણી પર તરવા લાગે તેને નાખી દઈને પાણીની અંદર સંપુર્ણ રીતે ડૂબેલા બીજને ઉપયોગ માં લો. તમે છોડ માટે બીજને સુકવીને પણ ઉપયોગમાં લઇ શકો છો અથવા સીધાં જ ભીનાં બીજને પણ.

છોડ કેવી રીતે લગાવશો?

  • સૌથી પહેલાં બહારથી લાવેલાં પપૈયામાંથી સારાં બીજની પસંદગી કરી લો
  • ત્યારબાદ પોટિંગ મિક્સ તૈયાર કરો અને એક નાના કન્ટેનર અથવા સેપલિંગ ટ્રેમાં થોડી જગ્યા રાખીને દરેક બીજને વાવી દો
  • તેના ઉપર થોડી માટી પાથરીને પાણીનો છંટકાવ કરો.
  • લગભગ 10 દિવસમાં તેમાંથી નાના-નાના છોડ તૈયાર થઇ જશે
  • પરંતુ તેમાં ચાર-પાંચ પત્તાં આવ્યા બાદ જ તે દરેક છોડની મોટા કુંડઓમાં ફેરરોપણી કરો.
  • એક કુંડામાં એક જ છોડ વાવો.
  • તમે જે પણ કન્ટેનર અથવા ગ્રો બેગનો ઉપયોગ કરી રહ્યા હોવ તેમાં ડ્રેનેજ(પાણીના નિકાલ) ની સારી વ્યવસ્થા હોય તેનું ખાસ ધ્યાન રાખો.
  • કુંડાને એવી જગ્યા એ રાખો જ્યાં સૂર્યનો પ્રકાશ વ્યવસ્થિત આવતો હોય.
  • એકાંતરે તેમાં પાણી આપતાં રહો.
  • માર્ચ અથવા એપ્રિલમાં વાવણી બાદ, આઠ મહિના પછી છોડમાં ફૂલ આવવાના શરું થઇ જશે.
  • ફૂલોમાં જીવાત ન પડે તે માટે લીંબોળીના અર્કનો છંટકાવ કરો.
  • દર મહિને તેમાં થોડું થોડું છાણીયું ખાતર ઉમેરતા રહો.
  • જયારે ફળ લાગવાનો સમય થાય ત્યારે પણ કુંડામાં કમ્પોસ્ટ ખાતર ઉમેરો.
papaya cultivation

તો આગળ હવે જયારે પણ તમે બજારમાંથી પપૈયું ખરીદીને લાવો તો, તેમાંથી નીકળતા બીજનો ઉપયોગ કરી વધું નહિ તો પણ એક છોડ તો ઉછેરવાનો પ્રયત્ન જરૂરથી જ કરો. છોડ ઉગાડવા માટે તમે કુંડા સિવાય ઘરમાં પડેલી જૂની ડોલનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે થોડી દેખભાળની સાથે તમે પપૈયાનાં છોડને ઘર પર જ ઉછેરી શકો છો અને પોતાની પસંદગીના હિસાબે પાકાં કે કાચાં પપૈયાનો આનંદ માણી શકો છો. સંતોષ કહે છે કે બજારમાંથી લાવેલા પપૈયા કરતાં, ઘરમાં જ ઉછેરેલા પપૈયાની મીઠાશ કંઈક અલગ જ હોય છે. જો તમને પાકું પપૈયું ખાવું પસંદ છે તો તેને છોડ પર જ પાકવા દો અને પછી જ તેને તોડીને ખાવા માટે ઉપયોગ કરો.

તમે ગાર્ડનિંગથી સંકળાયેલી જાણકારી માટે સંતોષ મોહતાનો તેમના ફેસબુક પેજ પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: છોડમાં હોય ઈયળ કે જીવાતની સમસ્યા તો કરો આ કુદરતી ઉપાય, ઉકેલ છે તમારા રસોડામાં જ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.