Powered by

Home અનમોલ ભારતીયો અંબાજીના હિતેન્દ્ર રામી મંદિરમાંથી નીકળતા કચરામાંથી બનાવે છે 2000+ ઉત્પાદનો, આપે છે 400 લોકોને રોજગાર

અંબાજીના હિતેન્દ્ર રામી મંદિરમાંથી નીકળતા કચરામાંથી બનાવે છે 2000+ ઉત્પાદનો, આપે છે 400 લોકોને રોજગાર

વર્ષ 1998થી અંબાજી મંદિરની બિલકુલ બહાર રામીની દુકાન છે, જ્યાં આજે તેઓ 2 હજારથી પણ વધારે હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સ વેચે છે

By Mansi Patel
New Update
Holy waste

Holy waste

ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર દેશભરમાં પ્રખ્યાત છે. આશરે 1200 વર્ષ જૂનું આ મંદિર દર વર્ષે દૂર-દૂરથી લાખો ભક્તોને પૂજા-અર્ચના માટે આકર્ષિત કરે છે. લોકોના આદર અને વિશ્વાસની સાથે સાથે આ મંદિર ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં પણ વિશેષ સ્થાન ધરાવે છે.

આ મંદિરનું બહુ મહત્વ છે અને ત્યાં લોકો તેમની શ્રદ્ધાથી પૂજા સામગ્રી લઈને આવે છે. દર વર્ષે, લાખો ટન કચરો પણ મંદિરની બહાર કાઢવામાં આવે છે. તેમાં મંદિરમાં ચડાવવામાં આવતી વસ્તુઓ જેવી કે નાળિયેરની છાલ, ચુંદડી, ફૂલો, બાકીનો પ્રસાદ વગેરે શામેલ છે. આ વેસ્ટ મંદિરમાંથી નીકળીને ડમ્પયાર્ડ અથવા લેન્ડફિલ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં, તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રકૃતિ પર તેની શું અસર પડે છે?

જ્યારે આપણામાંના ઘણા લોકો આ વિશે ક્યારેય વિચારતા પણ નથી, તો એક વ્યક્તિ છેલ્લાં 20 વર્ષોથી તે સુનિશ્ચિત કરી રહ્યો છે કે, મંદિર માં ચડાવવામાં આવતી દરેક વસ્તુઓને નવું જીવન મળે. કારણ કે આપણને જે કચરો દેખાય છે, તેમાં 53 વર્ષીય હિતેન્દ્ર રામીને ધંધો દેખાય છે!

વર્ષ 1998થી અંબાજી મંદિરની બિલકુલ બહાર રામીની દુકાન છે, જ્યાં આજે તેઓ બે હજારથી પણ વધારે હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ વેચે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ તમામ પ્રોડક્ટ્સ મંદિરમાંથી કાઢવામાં આવતા કચરાને રિસાયકલ કરીને બનાવવામાં આવે છે. હા, આ દુકાનમાં તમને 50 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીનાં ઉત્પાદનો મળશે, તે પણ કચરામાંથી બનાવેલાં પ્રોડ્ક્ટસ.

Hitendra Rami

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં હિતેન્દ્ર રામી જણાવે છે, "અમે મૂળરૂપથી મહેસાણાના રહેવાસી છીએ અને હું ગાર્ડન મેનેજમેન્ટનું કામ કરતો હતો. "આ મંદિર પર બહુજ શ્રદ્ધા હતી એટલે જ્યારે પણ અમે ક્યાંય બહાર કામ માટે જતાં હતા, તો અહીં દર્શન કરતાં જતા હતા."

વર્ષ 1997માં, રામી અહીં નૈનીતાલમાં તેમના એક પ્રોજેક્ટ પહેલાં દર્શન કરવા આવ્યા હતા અને જ્યારે તે બહાર જતા હતા ત્યારે અચાનક તેમના પગમાં એક નાળિયેરની છાલ આવી ગઈ. તે કહે છે કે તેને છાલ લાગતાની સાથે જ તેમને અચાનક ધ્યાનમાં આવ્યું કે લોકો તેને આ રીતે ફેંકી દેવાને બદલે કોઈ કામ માટે કેમ નથી લેતા.

તેમણે કહ્યું, "અન્ય લોકોને જે કચરો લાગે છે તેમા મને સારો વ્યવસાય દેખાય છે અને બસ મેં નિર્ણય કર્યો છે કે હું આમાંથી મારો વ્યવસાય બનાવીશ."

તેમણે ફરીથી નાળિયેરની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પર પ્રથમ સંશોધન કર્યું. અને એકવાર જ્યારે તેઓ તે સમજી ગયા કે તે આ નારિયેળની છાલ સાથે હેન્ડક્રાફ્ટ પ્રોડક્ટ બનાવશે, તો તેમણે અંબાજી મંદિરની સામે દુકાન ખોલવાનું નક્કી કર્યું. તેમણે પોતાના ધંધાનું નામ 'નંદનવન' રાખ્યું.

Holy waste business

આજે, તેઓ નારિયેળની છાલમાંથી ચપ્પલ, સજાવટની વસ્તુઓ જેમ કે ઝુમ્મર, બાસ્કેટ અને મૂર્તિઓ પણ બનાવી રહ્યા છે. તેમની દુકાનમાં, તમને 5 ફૂટથી 12 ફૂટ સુધીની નાળિયેરની છાલમાંથી બનેલી ગણપતિની મૂર્તિ મળશે.

પોતાનો ધંધો શરૂ કરતી વખતે, તેમણે સૌથી પહેલાં નાળિયેર વેચનારાઓને વાત કરી કે તેઓ નાળિયેરની કાઢવામાં આવેલી છાલો તેમને આપે. “નાળિયેરવાળા મને છાલ આપતા અને પછી એમનાથી ‘કચરો’ કાઢવા પૈસા આપતા હતા. પછી ધીરે ધીરે મેં મંદિરના પ્રશાસન સાથે પણ વાત કરી અને ત્યાંથી મને કચરો એકત્ર કરવાની નોકરી મળી ગઈ. હવે, મારા ધંધા માટેનો કાચો માલ તૈયાર હતો, મારે તેમાંથી એવા ઉત્પાદનો બનાવવાના હતા જે પ્રકૃતિ સાથે સુસંગત હોય અને આકર્ષક પણ હોય,” રામીએ આગળ કહ્યું.

Ambaji temple

જ્યારે તેમનો નાળિયેર સાથેનો પ્રયોગ સફળ રહ્યો, તો તેમણે અન્ય ચીજો જેવી કે ધજા, ચુંદડી, ફૂલ-પ્રસાદ વગેરેને રિસાઈક્લિંગ કરીને પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યુ. આજે તેમની દુકાનનું નામ દેશ-વિદેશમાં ફેલાયેલું છે. તેમની સાથે નિયમિત ધોરણે 400થી વધુ લોકો કામ કરે છે, અને આ સિવાય, સમય સમય પર વધુ કારીગરો તેમની સાથે જોડાતા રહે છે.

રામી જણાવે છે કે તેમણે આ કાર્ય શરૂ કર્યું ત્યારથી જ તેમનો એક સિદ્ધાંત હતો કે તેઓ જે પણ કંઈ કરે તેનાથી લોકોને રોજગાર મળવો જોઈએ. તેથી, કચરો એકઠો કરવાથી માંડીને ઉત્પાદનો બનાવવા સુધી, તેઓ અંબાજીની આસપાસના આદિવાસી ગામોમાં રહેતા લોકો, ખાસ કરીને મહિલાઓ સાથે જોડાયેલા છે.

તેમણે ગામડે-ગામડે જઈને લોકોને તાલીમ આપી અને પછી તેમના પોતાના ઘરે કામ કરવા કહ્યું. રામી તેમને કાચો માલ પહોંચાડે છે અને પછી તે લોકો પ્રોડક્ટસ બનાવીને 'નંદનવન' પર પહોંચાડે છે. બધા કારીગરોને પ્રોડક્ટદીઠ પૈસા મળે છે. તેમની સાથે સંકળાયેલ દરેક કારીગર પરિવાર દર મહિને 10 થી 12 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યો છે. બાકી અલગ અલગ સિઝનનાં હિસાબથી તેમની આવક પર ફર્ક પડે છે.

Gujarati News

રામી કહે છે કે, તેમની 'વોલલેસ ફેક્ટરી' છે કારણ કે તેની સાથે કામ કરતા લોકો તેમની સુવિધા મુજબ ફક્ત તેમના જ ઘરોમાં રહીને કામ કરે છે. આનાથી તેમની મુસાફરી અને ભાડાનો ખર્ચ પણ બચે છે. જો પરિવારના બધા સભ્યો સાથે મળીને કામ કરે તો વધુ ઉત્પાદનો બનાવવામાં આવે છે અને પરિવારની આવક પણ વધારે થાય છે. આ રીતે, તેમનો કોન્સેપ્ટ 'વસુધૈવ કુટુંબકમ્'નો છે.

રામીને હવે ખાનગી અને સરકારી સંસ્થાઓ દ્વારા દેશભરમાંથી તાલીમ માટે બોલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં, તેમણે દેશના લગભગ તમામ રાજ્યોમાં 18 હજારથી વધુ લોકોને તાલીમ આપી છે અને સ્ટાર્ટઅપ શરૂ કરવામાં પણ મદદ કરી છે. તેમનું પોતાનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડ રૂપિયાથી ઉપર છે.

અંતે, હિતેન્દ્ર રામી ફક્ત એટલું જ કહે છે, "કોઈપણ માનવીમાં કામ કરવાની લગન અને ઇચ્છા હોવી જોઈએ." આપણા દેશના દરેક ભાગોમાં અસંખ્ય મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, ચર્ચ, શાંતિપીઠ, દરગાહો વગેરે છે. ખબર નથી કે કેટલા લોકો શું-શું ચડાવે છે અને પછી તે બધુ વેસ્ટમાં જાય છે. તમારે ફક્ત થોડો અલગ વિચાર અને હિંમતની જરૂર છે. તમે તમારા ગામ, શહેરમાં રહીને જ તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. જો કોઈને આ કાર્યમાં મારી સહાયની જરૂર હોય, તો મને સંપર્ક કરો."

બેશક, હિતેન્દ્ર રામી જેવા લોકો વિરલે જ હોય છે જેમને વેસ્ટમાં ફક્ત બેસ્ટ જ દેખાય છે. તેમનો સંપર્ક કરવા માટે 9408729910 પર ડાયલ કરો!

મૂળ લેખ: નિશા ડાગ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:ફ્રીમાં શીખવાડે છે વાંસમાંથી કચરાપેટી અને વાસણો બનાવતા, જેથી પ્રકૃતિ રહી શકે સુરક્ષિત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.