Powered by

Home અનમોલ ભારતીયો ઓનલાઈન શિક્ષણના સમયમાં ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે વડોદરાના યુવાને શરૂ કરી 'સ્ટ્રીટ સ્કૂલ'

ઓનલાઈન શિક્ષણના સમયમાં ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે વડોદરાના યુવાને શરૂ કરી 'સ્ટ્રીટ સ્કૂલ'

ઝૂંપડપટ્ટીનાં બાળકોને નિયમિત પૌષ્ટિક ભોજન આપવા જતા ત્યારે અહીં શિક્ષણની અછત જણાતાં શરૂ કરી સ્ટ્રીટ સ્કૂલ. આજે અહીં 85 બાળકો આવે છે. જેમને યોગ્ય શિક્ષણની સાથે-સાથે પૌષ્ટિક ભોજન અને દૂધ પણ આપવામાં આવે છે.

By Nisha Jansari
New Update
Street School

Street School

આજે અમે વાત કરી રહ્યા છીએ વોલેન્ટિયર્સના એક એવા ગૃપની, જેઓ સેવા માટે હંમેશાં તૈયાર હોય છે. એક સમયે નોકરીમાંથી પોતાના બિઝનેસમાં આવનાર પિયૂષ ખરેને થોડો એક્સટ્રા સમય મળતો હોવાથી આ દરમિયાન કઈંક સારાં કાર્યો કરવાનું નક્કી કર્યું અને શરૂઆત કરી હેપ્પી ફેસિસ વડોદરા ની, જેના અંતર્ગત લોકોના સ્માઈલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ધીરે-ધીરે તેમની આ પહેલમાં વધુમાં વધુ લોકો જોડાતા ગયા અને તેમનાં સેવા કાર્યો સતત ચાલું જ રહ્યાં છે, આ દરમિયાન તેમણે એક એવું કામ પણ શરૂ કર્યું છે, જેની ખરેખર આપણા સમાજને જરૂર છે, અને ભવિષ્યને સારું બનાવવામાં મહત્વનો ફાળો મળી શકે છે.

લગભગ 1 વર્ષ પહેલાં હેપ્પી ફેસિસની સભ્ય કલ્યાણી ઐયર દ્વારા મિશન ન્યૂટ્રીશનની શરુઆત કરવામાં આવી હતી., જેમાં તેઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાય છે અને 'મિશન ન્યૂટ્રીશન' અંતર્ગત બાળકોને દૂધ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં તેમના ગૃપના કોઈ વ્યક્તિનો જન્મ દિવસ હોય કે એનિવર્સરી કે પછી બીજો કોઈ શુભ પ્રસંગ, આ બાળકો સાથે જ તેની ઉજવણી કરવામાં આવે છે.

Street School

વિચાર આવ્યો સ્ટ્રીટ સ્કૂલનો
આ દરમિયાન તેમણે જોયું કે, ઘણાં બાળકોને ગરીબીના કારણે શાળામાં મોકલવામાં નથી આવતાં, તો કેટલાંક બાળકો ઘરે હોય તો માતા-પિતાને કમાણીમાં મદદ કરી શકે એ માટે તેમનાં માતા-પિતા તેમને શાળામાં નથી મોકલતાં. આ બાળકો જરૂર પૂરતું ભણી શકે, માત્ર મજૂરી કરવાની જગ્યાએ તેમનો માનસિક વિકાસ પણ થાય અને બાળપણને માણી શકે એ માટે પિયુષભાઈએ સ્લમ સ્કૂલ શરૂ કરવાનો વિચાર આવ્યો. જેમાં શાળામાં ભણતાં બાળકો પણ આવે છે અને શાળામાં ન આવતાં બાળકો પણ આવે છે.

Free Street School

શરૂઆત થઈ 68 બાળકોથી
આ બાબતે વડોદરામાં ઝાડેશ્વર રોડ પર પૂરતી તપાસ કર્યા બાદ બાળકોનાં માતા-પિતા અને બાળકો સાથે વાત કર્યા બાદ સ્કૂલ શરૂ કરવામાં આવી. સ્કૂલ શરૂ થઈ ત્યારે તેમાં 68 બાળકો આવતાં હતાં અને અત્યારે અહીં 85 બાળકો આવે છે. જેમાં બાળકોને અઠવાડીયામાં ચાર દિવસ બાળકોને અઢી-અઢી કલાક ભણાવવામાં આવે છે. જેમાં બાળકોને અક્ષરજ્ઞાન, શાળામાં ભણાવવામાં આવતા અન્ય વિષયોની સાથે-સાથે ડાન્સ, આર્ટ, કળા, યોગ, રમતો વગેરે શીખવવામાં આવે છે. આ ઉપરાંત કોઈ કારણે જે બાળકોએ શાળા છોડી દીધી હોય તો તેમનાં માતા-પિતાને સમજાવીને એ બાળકોનું ફરીથી શાળામાં એડમિશન કરાવવામાં આવે છે અને જો તેમને ફીની તકલીફ હોય તો, હેપ્પી ફેસિસ દ્વારા જ તેમની ફી પણ ભરવામાં આવે છે. તેઓ શાળામાં કોઈ વિષયમાં નબળાં પડતાં હોય તો, તેમને અહીં એક્સ્ટ્રા ક્લાસિસ પણ આપવામાં આવે છે.

Healthy food for slum kids

તેમના આ ભગિરથ કાર્યમાં લગભગ 30 શિક્ષકોનો ફાળો છે. જેમાં ઘણા શહેરની અન્ય શાળાઓના શિક્ષકો છે, કોઈ ગૃહિણી છે તો કોઈ આર્કિટેક છે તો કોઈ એન્જિનિયર છે, બધા પોતાની પસંદ, શોખ અને આવડત અનુસાર બાળકોને શિક્ષણ આપે છે. જગ્યા પસંદ કર્યા બાદ પિયૂષભાઈ એ વિસ્તારમાં એક જગ્યા ભાડેથી લે છે અને પછી તેમાં રિનોવેશન કરી બાળકોને ગમે તેવું વાતાવરણ ઊભુ કરે છે અને પછી ત્યાં સરકારની ગાઈડલાઈનનું અનુસરણ કરી શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં આવનાર બાળકોને પૌષ્ટિક ભોજન પણ આપવામાં આવે છે અને એટલું જ નહીં, જે ભોજન આપવામાં આવે છે, તેનાથી થતા ફાયદા પણ બાળકોને સમજાવવામાં આવે છે.

આ ઉપરાંત ખાસ દિવસો દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં 300-400 લોકોની વચ્ચે આ બાળકો તેમનું પર્ફોર્મન્સ આપે છે. જેથી આ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, તેઓ દુનિયા સાથે જોડાવા માટે આતુર બને છે અને અવનવું શીખવાની ઉત્કંઠા વધે છે તેમનામાં.

Free Street School

પૌષ્ટિક ભોજનની સાથે સ્વચ્છતા પણ
બાળકોને પૌષ્ટિક ભોજન તો આપવામાં આવે જ છે, સાથે-સાથે તેમને સ્વચ્છતાના પાઠ પણ ભણાવવામાં આવે છે. જેથી બાળકો જમ્યા બાદ તેમની પ્લેટ ગ્લાસ વગેરે જાતે જ કચરાપેટીમાં મૂકે છે. એ જગ્યા પર જાતે જ કચરા-પોતુ પણ કરે છે. બાળકો આ જગ્યાને પોતાનું ઘર જ સમજે છે અને એ મુજબ જ તેની માવજત પણ કરે છે. આ બાબતોનું પાલન તેઓ તેમના ઘર અને આસપાસના વિસ્તારમાં પણ કરે છે.

ડિસેમ્બર 2020 માં શરૂ થયેલ આ સ્કૂલ હવે આ વિસ્તારમાં વધારેને વધારે પ્રચલિત બની રહી છે. હવે આગામી સમયમાં તેઓ આવી જ બીજી જ સ્લમ સ્કૂલ સયાજીગંજમાં પણ શરૂ કરી રહ્યા છે. કોવિડની સ્થિતિ નિયંત્રણમાં આવી જાય તો પિયૂષભાઈ આ રીતે 500 બાળકોને શિક્ષણ આપવા ઈચ્છે છે, જેથી સમાજમાંથી એટલી નિરક્ષરતા અને ગુનાખોરીને ઘટાડી શકાય.

Free Street School

અત્યાર સુધી આ શાળાનો ખર્ચ, જગ્યાનું ભાડું, બાળકોના પૌષ્ટિક ભોજનનો ખર્ચ, તેમની શાળાની ફી, સ્ટેશનરી, બેગ વગેરેનો ખર્ચ હેપ્પી ફેસિસના સભ્યો દ્વારા જ ઉપાડવામાં આવ્યો છે, પરંતુ ધીરે-ધીરે બાળકોની સંખ્યા અને સેન્ટર્સની સંખ્યા વધતાં હવે તેઓ જે પણ સેવાભાવી લોકો આમાં મદદ કરવા તૈયાર હોય તેમની પણ મદદ લેશે. જો તમને આ લેખ ગમ્યો હોય અને તેમનાં કાર્યો ગમ્યાં હોય, તેમજ તમે પણ આ ભગિરથ કાર્યમાં તમારું યોગદાન આપવા ઇચ્છતા હોવ તો પિયૂષ ખરેનો +91 98795 40744 નંબર પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: રાજકોટના જીતુભાઈએ શરૂ કર્યું ગુરૂકુળમ, કુદરતના સાનિધ્યમાં મફતમાં આપવામાં આવે છે રોજગારલક્ષી શિક્ષણ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.