બધી જ સુવિધાઓ છતાં સરકાર સામેથી 10,000 આપે છે વિજળીના, મ્યૂનિસિપાલિટીનું પાણી 15 દિવસે આવે છતાં 3 વર્ષ સુધી ચાલે તેટલા પાણીની વ્યવસ્થા ઘરમાં જ, ફળ, શાક બધુ જ ઊગે છે ઘરમાં અને લસણ અને બટાકાં તો ઊગે છે વેલા પર. અમરેલીના આ ઘરને મળ્યો છે આદર્શ ઘરનો અવૉર્ડ.
જેમના ઘરે પંદર દિવસે માંડ એકવાર પાણી આવતું તેમના ઘત્રે ત્રણ વર્ષ સુધી ચાલી રહે એટલા પાણીનો સંગ્રહ છે. પતિ-પત્ની બંને ઊંચા પગારની નોકરી કરે છે, છતાં જીવન છે પ્રકૄતિની એકદમ અનુકૂળ. વાત સવારના નાસ્તાની હોય, બપોરના જમવાની કે પછી સાંજના વાળુની, ફળ શાકભાજી તો ઘરના આંગણમાં જ ઊગેલ છે તેનો જ ઉપયોગ કરાય છે, જે સંપૂર્ણ ઑર્ગેનિક રીતે વાવવામાં આવે છે. ઘરના ઉપયોગમાં લેવાયેલ પાણીથી જ સિંચાઈ થાય છે, આ ફળ-શાકભાજીને. ઘરમાં બધી જ સુખ-સુવિધાઓ હોવા છતાં તેમને વિજળીનું બિલ તો નથી જ ભરવું પડતું, ઉપરથી સરકાર તેમને દર વર્ષે 10 હજાર રૂપિયા ચૂકવે છે. તો પૂર આવે એટલો વરસાદ પડે તો પણ તેમના ઘરમાંથી એક ટીંપુ પણ બહાર નથી નીકળતું. અદભુત અને આશ્ચર્યજનક લાગે છે ને, તો આજે અમે તમને આ ઘરની જ સફર કરાવશુ, જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ અમરેલીમાં છે.
આજે આપણે વાત કરી રહ્યા છીએ અમરેલીમાં બનાવેલ એક એવા ઘરની કે જેનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર ત્યાં વરસાદી પાણીનો એટલો સંગ્રહ થાય છે કે ત્રણ વર્ષ સુધી તેને ઉપયોગમાં લઇ શકાય છે. તેમના આ ઘરને ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003 – 2004 ની આસપાસ આદર્શ ઘરનો એવોર્ડ પણ આપવામાં આવેલો છે.
જે લોકોને એ ફરિયાદ હોય કે, અમારે તો પર્યાવરણ બચાવવા ઘણું બધું કરવું છે, પરંતુ સમય જ નથી, તેમના માટે તો ખરેખર પ્રેરણારૂપ છે કરકર દંપતિનું આ ઈકો ફ્રેન્ડલી ઘર.
મકાન બાંધકામની શરૂઆત 2000 માં થઇ અને તે 2001 માં તૈયાર થયું. આમ આજથી બે દાયકા પહેલા બે લાખ એંસી હજારમાં આ રીતનું મકાન કૈલાશબેન તથા તેમના પતિ દ્વારા કોઈપણ આર્કિટેકની મદદ વગર પોતાની કોઠાસૂઝથી બનાવવામાં આવ્યું.
ડી એલ એડ, બાબાપુર પીટીસી કોલેજ ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કૈલાશબેન કરકરે પોતાના અમરેલીના મકાનને એક એવો ઓપ આપ્યો છે કે આપણે તેમના ત્યાં જઈને જોઈએ તો એમ જ થાય કે ખરેખર સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ સાથે જીવવું સ્વાસ્થ્ય, પર્યાવરણ માટે તો સારું છે પરંતુ સાથે સાથે તે એકદમ રોમાંચક અને આપણને સતત પ્રવૃત્તિશીલ રાખવાની વ્યવસ્થા કરી આપે તેવું પણ છે. તો ચાલો ધ બેટર ઇન્ડિયા સાથે તેમને કરેલી વાતચીતના મહત્વપૂર્ણ અંશોને માણીએ.
કુદરતી પવન અને તેની દિશા દ્વારા વીજળીનો બચાવ
સૌરાષ્ટ્રમા 365 દિવસમાંથી 300 દિવસ પૂર્વથી પશ્ચિમ પવન ચાલે છે. જેથી મકાનમાં આડા ક્રોસ વેન્ટિલેશન મૂકી વ્યવસ્થા એ પ્રકારની કરી છે કે મકાનમાં તમે ગમે ત્યાં હોવ છતાં ત્યાં તમને આ કુદરતી પવન મળી રહે જેથી પાંખો ચલાવવાની કે એસી ચલાવવાની જરૂર જ ન રહે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે જો કુદરતી પવન તે રીતે ચાલતો ના હોય તો ઘરમાં પવન ન આવે પણ જો પવન સતત આ રીતે ગતિ કરતો રહેતો હોય તો ઘરમાં ક્યારેય એસી પંખાની જરૂર ન રહે. મકાન જ એવું બનાવો કે જેમાં લાઈટની જરૂર જ ન પડે જેથી બારી બારણાં એવા મુક્યા કે સૂર્યપ્રકાશની હાજરી સતત બની રહે જેથી વીજળીનો એકદમ નજીવો ઉપયોગ થાય.
રેઇન વૉટર હાર્વેસ્ટિંગ ( વરસાદના પાણીનો સંગ્રહ)
ગામડામાં રહેતા ત્યારે પાણીની જે સમસ્યા સર્જાતી હતી તે જોઈને એક ઈચ્છા હતી કે ભવિષ્ય, જયારે પોતાનું ઘરનું ઘર બને ત્યારે વરસાદના પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા હોવી જોઈએ અને તે એવી રીતે બનાવવું જોઈએ કે લોકો પણ તેમાંથી શીખ લઇ શકે અને તે મકાનની અંદર જે પાણી સંગ્રહની વ્યવસ્થા હોય તે બનાવવા માટે કોઈ વધારાનો ખર્ચ ન થાય અને લોકોને પરવડે તે રીતે બનાવવી જોઈએ.
અમરેલીમાં 15 દિવસે પાણી આવતું અને પાણીની ખુબ જ સમસ્યા રહેતી જેથી મકાન બનાવવાની શરૂઆત કરી ત્યારે પાણીના સંગ્રહ માટે એક અલગથી વ્યવસ્થા બનાવવાનું નક્કી કર્યું અને તે માટે જયારે મકાનનો પાયો પાંચ ફૂટનો બનાવાયો, જમીન લેવલે એ આવ્યો એટલે ફરી પાંચ ફૂટ ઊંચો લીધો એટલે દસ ફૂટની દીવાલ થઇ. બહારથી રેતી લાવીને પુરણી પૂરવાની જગ્યાએ આ દીવાલ ઉપર સ્લેબ ભરી ઉપર રસોડું બનાવ્યું અને નીચે પાકું તળિયું બનાવી એક પાણીના સંગ્રહ માટેની ટાંકી તૈયાર કરી જે 20,000 લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવે છે આ માટે વધારાનો કોઈ ખર્ચ ન થયો જે પૂરની ભરવાની રેતી અને જે તે વસ્તુઓ જુએ તેટલામાં જ સ્લેબ તૈયાર થઈને બની ગયો. આવીને આવી રીતે જ બહારની ઓસરીમાં 8000 લીટર સંગ્રહ ક્ષમતા ધરાવતી ટાંકી બનાવી જેમાં વરસાદના પાણી સાથે મ્યુનિસિપલનું પાણી આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી. મ્યુનિસિપલનું પાણી પાછું ન જાય તે વેન વે વાલ્વ તેમને જાતે જ દસ રૂપિયામાં બનાવ્યો છે જે વીસ વર્ષથી ઉપયોગમાં છે.
આ રીતે વરસાદના પાણીની કાયમી વ્યવસ્થા થઇ ગઈ. તેમાં એ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે કે પીવાના પાણીની ટાંકી ભરાઈ જાય તો પાણી આપોઆપ વપરાશ માટેની પાણીની ટાંકીમાં ભરાવવાનું શરુ થાય જો તે પણ ભરાઈ જાય તો તે પાણી આગળ તેમના ઘરમાં વ્યવસ્થા કરવામાં આવેલ એક બોરની ટાંકીમાં જાય એટલે ગમે તેટલો વરસાદ પડે પણ કોઈ દિવસ ઘરમાં પાણીના ઘૂસે અને કોઈ તકલીફ ન પડે. એક વખત અમરેલીમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો, છતાં અગાશી અને આંગણમાંથી એક ટીંપુ પણ પાણી બહાર નહોંતુ નીકળ્યું.
વરસાદના આ સંગ્રહિત થયેલા પાણીને સાચવણી પણ યોગ્ય રીતે કરવાની હોય છે. જેમાં ફક્ત બે બાબતોનું ધ્યાન વધારે રાખવું જરૂરી છે તેમાં મચ્છર અને સૂર્યપ્રકાશ ન જવો જોઈએ. મચ્છર જાય તો દુષિત થાય અને સૂર્યપ્રકાશ જાય તો તેમાં શેવાળ અને એ બધું થાય જેથી ટાંકી હવાચુસ્ત બંધ જ રાખવી અને વર્ષમાં એક જ વખત વ્યવસ્થિત સાફ કરવી.
કિચન ગાર્ડનિંગ સાથે બીજુ પણ ઘણું
શાકભાજી ઘરે જ જાતે ઉગાડીને તૈયાર કરવામાં આવે છે કિચન ગાર્ડન દ્વારા અને તે દરેક શાકભાજી જમવાના સમયે જ તાજી જ કાપીને ઉપયોગમાં લેવાય છે. મકાનની ચારે તરફ ખાલી જગ્યા છોડેલી છે તેમાં 2 ફૂટના ક્યારામાં વિવિધ શાકભાજી અને છોડ ઝાડવાંઓ વાવેલા છે તે સિવાય મકાનની સામે 2006 માં પોણા બે લાખમાં એક પ્લોટ ખરીદેલો છે જે ફક્ત અને ફક્ત કિચન ગાર્ડનિંગ અને ફળ ઝાડ ઉગાડવા માટે જ ખરીદવામાં આવ્યો હતો. તે સમયે લોકો એમ કહેતા કે ફક્ત શાકભાજી માટે પોણા બે લાખ રોકાય પરંતુ વર્ષોથી તે પ્લોટ દ્વારા મળતી જૈવિક શકભાજીએ અમારી તંદુરસ્તી જાળવી રાખી છે.
પતરાનો શેડ 6 ફૂટ બાય 12 ફૂટ નીચે દોરી બાંધી કપડાં સુકાય અને તેની નીચે બાઈક ઉભું રહે તે પતરાના શેડ પર વેલાવાળા શાકભાજી સારી રીતે વિકાસ પામી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
એક આંબો, ચીકુડી, બે જામફળ, પાંચ કેળાના ઝાડ છે અને તે દરેક જૈવિક રીતે જ પોતાની મેળે ઊગેલ છે જેનો ઉપયોગ પરિવાર વર્ષો વર્ષ કરે છે. દરેક ફ્રૂટના ક્યારામાં અળવી વાવવામાં આવે છે જેથી અળવી જમીનમાં રહેલા ભેજને સુકાવા ના દે સાથે સાથે અળવીનું ઉત્પાદન થાય તે નફામાં.
તે સિવાય તેઓ ઋતુગત શાકભાજીનું વાવેતર પણ કરે છે જેમાં મેથી, ધાણા, ડુંગળી, લસણ, રીંગણાં, વાલોળ, ફુદીનો, ગુવાર, ભીંડા, કોબીજ, દૂધી વગેરે. બારમાસી પાકમાં સરગવો, ટિંડોળા તથા આકર્ષણ ઉત્પન્ન કરે તેવા પાકોમાં બટેટાની વેલ છે જેમાં એક બટેટું 500 ગ્રામ સુધીનું થાય છે. જૈન લોકો પણ ખાઈ શકે કેમકે તે જમીનની અંદર નથી થતા. લસણ વેલ પણ છે જેથી લસણ લાવી તેની કળીયુ કાઢવાની જરૂર નથી એક પાંદડું લઇ કટકા કરીને ભોજન બનાવવતી વખતે નાખી દો તે લસણની જેમ જ કામ આપશે તથા ગુણકારી પણ એટલી જ રહેશે. લીબોળીનું કટિંગ કરી તેને પણ વેલની જેમ જ વિકસાવી છે. આ ઉપરાંત પપૈયા, મધુમાલતીની વેલ, રાતરાણી છે અને રાતરાણીની બાજુમાં જ તેઓ ઊંઘવાનું કે આરામ કરવાનું પસંદ કરે છે કેમકે તેની સુંગધ જ થાક ઉતારવા માટે કાફી છે.
મલ્ચીંન્ગ અને પાલેકર પદ્ધતિ તથા અળસિયાના ઉપયોગથી ગાર્ડનિંગ કરે છે. ખાતર બહારથી નથી લાવતા પરંતુ પોતાના ઘરે વાવેલ વિવિધ છોડ ઝાડના જૈવિક કચરાને કોહડાવીને ખાતર બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે આ સિવાય તેઓ જીવામૃત, બીજઅમૃત, વગેરેનો ઉપયોગ પણ કરે છે.
ઘરમાં બીજી એક એવી વ્યવસ્થા પણ છે કે જે પાણી વપરાશમાં લેવાય છે તેમાંથી કપડાં ધોવાનું પાણી અને ટોઇલેટમાં ઉપયોગમાં લેવાતું પાણી આ બે સિવાય બીજું દરેક વપરાશ માટેનું પાણી એક સુવ્યવસ્થિત વ્યવસ્થા દ્વારા આસપાસ જે કિચન ગાર્ડનિંગ અને છોડવાઓ રોપ્યા છે તેમના પિયત માટે આપોઆપ અપાઈ જાય છે. એ ઝાડવાઓને ક્યારેય ચેક જ નહિ કરવાના પિયત બાબતે તેમને આ અદભુત સુવ્યવસ્થાના કારણે નિયમિત પાણી મળતું જ રહે છે.
તે સિવાય અગાશી પરના ટાંકામાંથી પાણી ઓવર ફલૉ થાય તે પાણી પણ આપોઆપ કનેકશન આપેલ છે તે દ્વારા ઝાડ છોડના ક્યારાઓમાં અપાઈ જાય. ટપક સિંચાઈ પધ્ધતિનો પણ ઉપયોગ કરેલો છે. જેનું કનેકશન મોટર દ્વારા ઉપરની ટાંકીમાં જતા કનેકશન સાથે જોડવામાં આવ્યું છે એટલે જેટલો સમય ઉપરનું ટાંકુ ભરાય તે સમય દરમિયાન ટપક સિંચાઈની પાઈપોમાં પાણી અપાઈ જાય અને છોડવાઓને દિવસ ભરની પાણીની જરૂરિયાત તે પાઈપમાં રહેલા પાણી દ્વારા ટપક સ્વરૂપે મળતી રહે.
જો કોઈ રોગ કે જીવાત આવે તો તે એની મેળે જ જતો રહે ત્યાં સુધી રાહ જોઈએ છીએ કેમકે કુદરતે એ રીતની વ્યવસ્થા કરી જ છે કે જો રોગ આવે તો સામે તેને નાથવા વાળું પણ કોઈ આવે જ એટલે જ જયારે રોગ જીવાતનો ઉપદ્રવ થાય ત્યારે અમુક રીતની જરૂરિયાત મુજબની દેખરેખ સિવાય તેઓ બીજું કંઈ જ નથી કરતા.
આ બધા દ્વારા તેઓ ઘર માટે જરૂરી હોય તેના 95 ટકા ઉત્પાદન મેળવી લે છે. તે સિવાય લીંબુ, જામફળ, કેળા, કેરી વગેરે ભરપૂર માત્રામાં મળી રહે છે જે સમગ્ર પરિવાર ભરપૂર આરોગે તો પણ ખૂટતું નથી.
સોલાર પેનલ દ્વારા વર્ષે 10,000 રૂપિયાની વીજળી વેચે છે સરકારને
તેઓએ હમણાં જ ત્રણ વર્ષ પહેલા પોતાના ઘરે એંસી હજારના ખર્ચે 3 KV સોલાર પેનલ લગાવી છે જેમાં વીજળી વાપરવા છતાં વધી પડે છે. ઘરમાં બધી જ સુવિધાઓ હોવા છતાં તેમને બિલ તો નથી જ ભરવું પડતું, ઉપરથી વર્ષે આશરે દસ હજાર આસપાસની વીજળી જી ઈ બી માં જમા થાય છે, જેનો હિસાબ સરકાર દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં થાય છે. તો ધાબામાં એક સોલર વૉટર હીટર પણ છે. જેથી વધારાના કોઈપણ ખર્ચ વગર તેમને નહાવા-ધોવા અને રસોઈ માટે ગરમ પાણી મળતું રહે છે.
તેમનું આ ઘર પ્રકૃતિને પણ એટલું જ પ્રિય છે. એટલે જ આ વનરાજીમાં માણવા અહીં સંખ્યાબંધ પક્ષીઓ પણ વસવાટ કરે છે અને કૈલાશબેને તેમના માટે જૂનાં નાનાં માટલાં અને બોક્સમાંથી બનાવેલા માળા બનાવીને પણ લટકાવ્યા છે.
પોતાની આ પ્રકૃતિની અનુકૂળ છતાં બધી જ સુવિધાઓયુક્ત જીવનશૈલીથી કૈલાશબેન અને તેમના પતિ કનુભાઈ કરકર અત્યાર સુધી હજારો લોકોને પ્રેરણા આપી ચૂક્યા છે. જો તમને પણ આ કહાની રસપ્રદ લાગી હોય અને આ અંગે વધુ જાણવા ઈચ્છતા હોવ તો તેમને 9426288009 પર ફોન કરી સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પર્યાવરણ બચાવવા જામનગરના ખેડૂતે શરૂ કરી વૈજ્ઞાનિક ઢબે જૈવિક ખેતી, પાકની સાથે છે 2200 ઝાડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167