/gujarati-betterindia/media/post_attachments/2021/11/Verticle-Garden-in-bottles-1.jpg)
Cold drink Bottle Planters
જો તમે DIY ના શોખીન છો અને ગાર્ડનિંગ કરવાનું પણ પસંદ કરો છો, તો તમે આ બંને શોખ એકસાથે પૂરા કરી શકો છો. બાય ધ વે, બાગકામના શોખીન લોકો જૂના ડબ્બા, ડોલ અને ટબમાં તો છોડ ઉગાડે જ છે, પરંતુ જરા વિચારો કે ખાલી અને નકામી પ્લાસ્ટિકની બોટલને કુંડામાં ફેરવીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી શકાય?
આ પદ્ધતિ માત્ર ઓછી ખર્ચાળ નથી પણ પર્યાવરણને અનુકૂળ પણ છે. આપણામાંથી મોટાભાગના લોકો ઠંડા પીણા અથવા પાણીની બોટલો ઉપયોગ કર્યા પછી ડસ્ટબીનમાં ફેંકી દે છે, જે આપણા લેન્ડફિલ્સને વધુ દૂષિત કરે છે. જો કે, પર્યાવરણ પ્રત્યે જાગૃત લોકો તેને એકત્ર કરે છે અને રિસાયકલ માટે આપે છે. પરંતુ જો તમે ગાર્ડનિંગ કરો છો તો આવી બોટલો તમારા કામમાં આવી શકે છે.
લખનૌમાં ટેરેસ ગાર્ડનિંગ કરતા ચૌધરી રામ કરણ પ્લાસ્ટિકની બોટલોમાં રીંગણ, ટામેટા અને કેપ્સિકમ જેવા શાકભાજી ઉગાડે છે. રામ કરણે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “જે લોકો જગ્યાના અભાવે બાગકામ કરી શકતા નથી, તેમના માટે આ પદ્ધતિ યોગ્ય છે. બીજી તરફ, જો તમે ક્યારેય ગાર્ડનિંગ કર્યું નથી, તો તમે તેની શરૂઆત કુંડાને બદલે ઠંડા પીણાની નકામી બોટલથી કરી શકો છો. આનાથી તમે પોટ્સ ખરીદવા પર પૈસા ખર્ચવાનું ટાળી શકો છો.”
તો ચાલો જાણીએ કે કઈ રીતે તમે આ બોટલોને પ્લાન્ટરમાં બદલી શકો છો.
/gujarati-betterindia/media/post_attachments/2021/11/Verticle-Garden-in-bottles-2-1024x580.jpg)
1. બોટલના તળિયાને કાપીને પ્લાન્ટર બનાવો
આ પ્લાસ્ટિકની બોટલમાંથી પ્લાન્ટર બનાવવાની સૌથી સહેલી રીત છે. આ માટે તમે એક કે બે લિટર પાણીની બોટલ અથવા કોલ્ડ ડ્રિંકની બોટલ લો. બોટલ પર ઢાંકણ લગાડેલું રહેવા દો. હવે તેને ઊંધું કરો અને નીચેનો ભાગ કાપી લો. બોટલનાં ઢાંકણામાં ત્રણ અથવા ચાર ડ્રેનેજ માટે કાણા કરો અને તમારું પ્લાન્ટર તૈયાર છે.
તમે તેને દોરડાની મદદથી બાંધી શકો છો અને તેને સારા પ્રકાશવાળી જગ્યાએ લટકાવી શકો છો. એ જ રીતે, તમે ઊભી રીતે ત્રણ કે ચાર સરખી બોટલો મૂકી શકો છો. પ્લાન્ટર તૈયાર થયા પછી, તમે તેમાં પોટિંગ મિક્સ ઉમેરીને છોડ લગાવી શકો છો.
રામ કરણ કહે છે કે જો તમે બે લિટરની બોટલનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે તેમાં કેપ્સિકમ, ટામેટા, રીંગણ, મરચા જેવા છોડ સરળતાથી ઉગાડી શકો છો.
/gujarati-betterindia/media/post_attachments/2021/11/Verticle-Garden-in-bottles-3-1024x580.jpg)
2. બોટલને બે ભાગોમાં કાપીને બે પ્લાન્ટર બનાવો
એક બોટલમાંથી બે નાના પ્લાન્ટર બનાવવા માટે, બોટલને વચ્ચેથી બે ભાગમાં કાપો. ઉપરના ભાગને ઊંધો કરીને પ્લાન્ટર બનાવો. તમારે ડ્રેનેજ માટે ઢાંકણમાં એક છિદ્ર બનાવવું પડશે. તો, બીજા ભાગની આસપાસ એક છિદ્ર બનાવો અને તમે તેમાં દોરડું બાંધીને તેને ગમે ત્યાં લટકાવી શકો છો. આ રીતે તમે એક જ બોટલમાંથી બે પ્લાન્ટર બનાવી શકો છો.
આ રીતે તૈયાર કરવામાં આવેલ પ્લાન્ટર નાના Succulent અથવા સ્પાઈડર છોડ વાવવા માટે યોગ્ય છે. તો, તમે તેમાં સરળતાથી ધાણા અને ફુદીનો ઉગાડી શકો છો.
3. રેલિંગ પ્લાન્ટર
તમે બે લિટરની બોટલનો ઉપયોગ કરીને રેલિંગ પ્લાન્ટર પણ બનાવી શકો છો, જેમાં તમે આરામથી પોર્ટુલકા અને પેટુનિયા જેવા ફૂલોના છોડ ઉગાડી શકો છો.
આ માટે તમારે બોટલને એવી રીતે કાપવી પડશે કે માત્ર એક જ પટ્ટી જેટલો ભાગ બાકી રહે. સ્ટ્રીપને ફોલ્ડ કરીને, તમે બંને બાજુઓ પર બે પ્લાન્ટર્સ બનાવો. તમે આરામથી તમારી રેલિંગ પર પાટાવાળા ભાગને લટકાવી શકો છો. જો તમે ઇચ્છો તો તમે તેને પેઇન્ટ પણ કરી શકો છો.
/gujarati-betterindia/media/post_attachments/2021/11/Verticle-Garden-in-bottles-4-1024x580.jpg)
4. વચ્ચેથી કાપીને પ્લાન્ટર બનાવો
પ્લાન્ટર બનાવવાની આ સૌથી સહેલી રીત છે. કોઈપણ પ્લાસ્ટિકની બોટલને વચ્ચેથી એવી રીતે કાપો કે તે પોટની જેમ કામ કરવા લાગે. પછી તેની આસપાસ ચાર કાણા કરો, જેથી તમે તેમાં દોરડું બાંધીને ક્યાંક લટકાવી શકો.
આ પ્રકારના પ્લાન્ટરમાં, તમે સરળતાથી જડીબુટ્ટીઓ અને ફૂલો લગાવી શકો છો. પ્લાસ્ટિક બોટલનાં આ પ્રકારનાં પ્લાન્ટરથી તમે હાઈડ્રોપોનિક ગાર્ડન પણ તૈયાર કરી શકો છો.
તો મોડું કંઈ વાતનું કરો છો, દિવાળી પહેલા ઘરની સફાઈ કરતી વખતે જો તમને પ્લાસ્ટિકની કોઈ નકામી બોટલ જોવા મળે તો તેને પ્લાન્ટરમાં બદલવાનો પ્રયાસ ચોક્કસ કરો.
હેપી ગાર્ડનિંગ!
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:સરળતાથી પહેલા જ પ્રયત્ને GPSCની પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવી હોય તો ફોલો કરો DY.SP કૃણાલને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.