ધરાતલ પર ઘણી જગ્યાઓ એવી હોય છે કે જે પોતાની અંદર સમગ્ર ઈતિહાસ લઈને બેઠી હોય છે અને જો કોઈ જિજ્ઞાસુ માણસ તે જાણવાની ઈચ્છા સાથે તે જે તે જગ્યાની મુલાકાતે જાય છે ત્યારે તે જગ્યા પોતાની અંદર સમાવિષ્ટ હજારો વર્ષોનો ઈતિહાસ તેને જોવા આવેલ વ્યક્તિની આંખોમાં ઠાલવે છે. આવી જ કંઈક વાત છે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની જે મોટાભાગે ઘણા લોકોની નજરમાં નથી ચડ્યું. આ સિદ્ધપુર શહેરમાં વર્ષો પહેલાં દાઉદી વોરા સમુદાય સ્થાયી થયો હતો અને તે સમુદાયે અહીંયાં જે ઘણીબધી વસ્તુઓની અમીટ છાપ છોડી છે તેમાંથી એકની વાત આજે આપણે ધ બેટર ઇન્ડિયા પર કરીશું.
દાઉદી વોરા ખૂબ જ નાનકડો સમુદાય છે, અને તેથી જ આ સમગ્ર સમુદાય 19મી સદીના અંતથી અને 20મી સદીની શરૂઆતમાં સિદ્ધપુર નગરના એક ભાગમાં સ્થાયી થયો હતો. જ્યારે તમે સિદ્ધપુર વિશે સાંભળો ત્યારે પ્રથમ ત્યાં માત્ર માતૃ ગયા અને તેના મહત્વ વિશે જ વિચાર કરતા હશો જે એક પવિત્ર સ્થળ છે જ્યાં હિંદુઓ તેમની માતાઓ કે જેમણે આ દુનિયામાંથી વિદાય લીધી છે તેમના અંતિમ સંસ્કાર અને અને ધાર્મિક વિધિઓ કરે છે. સિદ્ધપુર સરસ્વતી નદીના ડાબા કાંઠે આવેલું એક અનોખું શહેર છે, તે ભગવાન શિવના ભક્તો માટે પણ એક પવિત્ર સ્થળ છે, કારણ કે તે રુદ્ર મહાલય તરીકે ઓળખાતું ભવ્ય મંદિર પણ ધરાવે છે.
આ અદ્દભુદ અને દુનિયાની દ્રષ્ટિથી અદ્રશ્ય નગરની વચ્ચે એક વિશાળ માર્ગ પણ છે જેમાં સૌથી વધુ અલૌકિક અને ઉત્કૃષ્ટ હવેલીઓ આવેલી છે જે ભારતની લાક્ષણિક સ્થાપત્ય શૈલીઓથી એકદમ અલગ છે. આ ‘હવેલીઓ’ ગુજરાતના શિયા મુસ્લિમ વેપારી દાઉદી વોરા સમુદાયની છે.આથી આ હવેલીઓને ‘વોરાવાડા’ તરીકે ઓળખાવામાં આવતી હતી અને આવે છે. અન્ય મુસ્લિમ સમુદાયોની સરખામણીમાં વોરા મહિલાઓ રંગીન બુરખા પહેરે છે અને આ જ વસ્તુ વોરા સમુદાયના ઘરોમાં અને તેમના વર્તનમાં પણ પ્રતિબિંબિત થાય છે.

જો તમે આ હવેલીઓની કતાર જુઓ તો પ્રથમ નજરમાં જ તમે કોઈ ભ્રમમાં તો નથી તે જાણવા માટે તમારે બે વાર આંખો પટપટાવવી પડી શકે છે કારણ કે આ ઘરોને નિયોક્લાસિકલ શૈલીની જટિલ શૈલીથી શણગારવામાં આવી છે. કોઈને એવું લાગશે કે તેઓને યુરોપના નાના શહેરમાં લઈ જવામાં આવ્યા છે અથવા તેઓ ખરેખર અનુભવશે કે વિક્ટોરિયન યુગમાં તો પોતે સફર નથી કરી રહ્યા ને!
જ્યારે ઘરની એકંદર શૈલી ખૂબ જ બિનપરંપરાગત અને અસાધારણ છે, ત્યારે સ્થાનિક આર્કિટેક્ચરમાંથી કેટલાક ઘટકો લેવામાં આવ્યા છે. ઉચ્ચ પ્લિન્થ અથવા ઓટલા, ઘરના પ્રવેશદ્વારને આધાર પૂરો પાડે છે. આ વસ્તુ લાંબા સમયથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતના રહેઠાણોમાં ઉપયોગમાં લેવાય છે. ઓટલાનો ઉપયોગ સામાજિક જગ્યાઓ તરીકે થાય છે, જ્યાં દાઉદી વોરાના પરિવારો સાંજ પછી ભેગા થાય છે. એક મુખ્ય પાસું એ છે કે આ ઘરો ભલે સાંકડા છે પરંતુ ઊંડા છે, મધ્યમાં એક નાનું આંગણું (ચૉક) આવરી લે છે. પરંપરાગત માળખાને અનુસરીને, દરેક ઘર પોતાની દીવાલ આગળના ઘરની સાથે વહેંચે છે અને મુખ્યત્વે તે લાકડા વડે બાંધવામાં આવે છે.

દરેક ઘરનો અગ્રભાગ કેરેબિયન પેસ્ટલ ટોન – બેબી પિંક, પીચ, સ્કાય બ્લુ, લાઈમ ગ્રીન અને મિન્ટથી દોરવામાં આવ્યો છે જે વોરાવાડાને નગરની અન્ય ઈમારતોથી અલગ પાડે છે જેમાં ખૂબ જ તટસ્થ કલર પેલેટ છે. ત્યાંથી પસાર થતા લોકો અને શહેરના પડોશીઓ પોતે લગભગ મેઘધનુષ્યમાંથી પસાર થવાની અનુભૂતિ કરે છે.
ઘરોની બહારની નેમપ્લેટથી માંડીને દાદર પરની રેલિંગ સુધી, દરેક ઘટક નાજુક અને જટિલ રીતે વિગતવાર તરકીબથી બનાવવામાં આવ્યો છે. વ્યક્તિગત રીતે, દરેક પાઈડ-એ-ટેરે તેના ભવ્ય મોનોગ્રામ દર્શાવે છે જે કુટુંબનું નામ દર્શાવે છે, લગભગ હથિયારોના કોટની જેમ. મોનોગ્રામની સાથે, મુખ્ય દરવાજાની ઉપર ઘણીવાર પ્રાર્થના કોતરવામાં આવતી હતી. તળિયા આકર્ષક ભૌમિતિક પેટર્નથી ઢંકાયેલ છે અને ઘણી વખત સુંદર પર્શિયન ગાદલાઓથી આવરિત હોય છે; આકર્ષક પ્લાસ્ટર મોલ્ડિંગ્સથી શણગારેલી છત, દિવાલો પણ ભૌમિતિક ટાઇલ્સ અને વિગતવાર રીતે આવરિત હોય છે. દિવાલો પરની કોઈપણ ખાલી જગ્યાને કેનવાસ અને ફોટાઓથી સુશોભિત લાકડાની ખૂબ જ સુશોભિત ફ્રેમમાં ઢાળવામાં આવે છે.

વિક્ટોરિયન આર્કિટેક્ચરનો મજબૂત પ્રભાવ હૂડેડ ફેનેસ્ટ્રેશન, બારીઓ અને વિસ્તૃત પિલાસ્ટર્સમાં સ્પષ્ટ છે. ટ્રેફોઇલ કમાનો વ્યાપકપણે ઉપયોગમાં લેવાયા છે અને તે સ્ટેઇન્ડ ગ્લાસથી પ્રકાશિત થઇ ઉઠે છે. સુંદર રીતે કોતરવામાં આવેલા દરવાજા અને બાલ્કનીઓ રહેઠાણોની ઉપર અમીપ છાપ છોડે છે. ‘જાળી’ અને અગ્રભાગ પર ઝીણવટપૂર્વક શિલ્પ દ્વારા બનાવેલા મોલ્ડિંગ્સ સહેલાઈથી ઈમારતના આકર્ષણમાં વધારો કરે છે.
દાઉદી વોરા સમુદાયના લોકો વેપારી હતા અને અવારનવાર વિદેશ પ્રવાસ કરતા હતા. તેઓ તેમની મુસાફરીથી ખૂબ જ પ્રેરિત થઈને આ ઘરો બાંધવા તરફ દોરાયા જે વિક્ટોરિયન, યુરોપિયન, ઈસ્લામિક અને ભારતીય સ્થાપત્યનો ભવ્ય મેળાવડો છે. નિર્વિવાદપણે, તેઓનો સમુદાય ખૂબ જ શ્રીમંત સમુદાય છે અને હાલમાં તેઓ આ શહેરની બહાર મુંબઈ અને અમદાવાદ જેવા સમૃદ્ધ શહેરોમાં સ્થાયી થયા છે અથવા તો યુરોપ અને પૂર્વ આફ્રિકા જેવા વિદેશોમાં પણ. આ કારણે જ આ બધી ભવ્ય ‘હવેલી’ આજે ખાલી ઉભી છે, અને મુલાકાતીઓને વ્યવહારીક રીતે ત્યજી દેવાયેલી લાગે છે. જ્યારે કેટલાક પરિવારો વર્ષમાં એકવાર આ પૈતૃક ઘરોની મુલાકાત લે છે, તો કેટલાકે સંભાળ રાખનારાઓની નિમણૂક કરી છે જેઓ ઘરની જાળવણી કરે છે અને વારંવાર તપાસ કરે છે. જો કે વોરાવાડાનું નિર્માણ લગભગ 200 વર્ષ પહેલા થયું હતું પરંતુ આજે તે નિર્જન છે.

તમે જયારે તેની મુલાકાત લો તો ચોક્કસ કહી શકો કે પેસ્ટલ રંગના બંગલાઓથી સુશોભિત સિદ્ધપુરના આ 200 વર્ષ જૂના રસ્તાઓ ખૂબ જ પ્રભાવશાળી અને આકર્ષક હશે કારણ કે, આજના સમયમાં પણ તેની સૌંદર્યલક્ષી ગુણવત્તા આપણે જેને “ઇન્સ્ટ્રાગ્રામેબલ” તરીકે ઓળખીએ છીએ તેની વ્યાખ્યાને પૂર્ણપણે બંધબેસે છે. વોરાવાડો ભારતીય સંદર્ભમાં તમે પહેલાં જોયેલ કોઈપણ વસ્તુથી વિપરીત છે અને મને આશા છે કે આવનારી પેઢીઓ માટે તેમને સાચવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે, કારણ કે તે વૈશ્વિક સ્થાપત્યની વિવિધ શૈલીઓનું અનોખું મિશ્રણ છે. ટાઈમ ટ્રાવેલ હજી શક્ય નથી, પણ સિદ્ધપુરની મુલાકાત તમને ચોક્કસથી એક કે બે સદી પાછળના યુરોપિયન દેશમાં લઈ જશે!
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 10-15 હજારમાં બનતાં કચ્છી ભૂંગાં બચાવે ધરતીકંપ અને રેતીનાં તોફાનોથી, બાંધકામ છે અનોખુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.