Powered by

Home અનમોલ ભારતીયો 'ધ બ્લેક ટાઈગર': RAW ના અંડરકવર એજન્ટ રવીન્દ્ર કૌશિકના અદભુત જિંદગીની એકદમ સાચી કહાણી

'ધ બ્લેક ટાઈગર': RAW ના અંડરકવર એજન્ટ રવીન્દ્ર કૌશિકના અદભુત જિંદગીની એકદમ સાચી કહાણી

રવીન્દ્ર કૌશિક, જેમને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 'ધ બ્લેક ટાઈગર'નું હુલામણું નામ આપ્યું હતું, તે RAWના શ્રેષ્ઠ એજન્ટોમાંના એક હતા. હવે, સલમાન ખાન આગામી બોલિવૂડ બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

By Kishan Dave
New Update
Under Cover Agent Ravindra Kaushik

Under Cover Agent Ravindra Kaushik

"ભારત જેવા મોટા દેશ માટે બલિદાન આપનારાઓને આ જ મળે છે?" અપાર દર્દથી ભરેલા આ શબ્દો રવિન્દ્ર કૌશિકની કલમમાંથી ત્યારે નીકળ્યા જ્યારે તેઓ પંજાબ (પાકિસ્તાન)ની સેન્ટ્રલ જેલ મિયાંવાલીમાં કેદ હતા. તે દેશના ગુપ્ત જાસૂસ (RAW એજન્ટ બ્લેક ટાઇગર) હતા પરંતુ દેશ માટે આપેલા તેમના બલિદાનને ન તો જીવતા અને ન તો મૃત્યુ પછી સન્માન મળ્યું. તેમણે તેમના જીવનના છેલ્લા 16 વર્ષનો મોટા ભાગનો સમય આ જેલમાં જ વિતાવ્યો હતો.

રવિન્દ્રએ માત્ર 23 વર્ષની ઉંમરે ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને અંડરકવર એજન્ટ તરીકે પાકિસ્તાન મોકલવામાં આવ્યા, જ્યાં તે પાકિસ્તાન આર્મીમાં મેજરની પદવી સુધી પહોંચ્યા હતા. સરહદ પારથી તેમના દ્વારા મોકલવામાં આવેલી સંવેદનશીલ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને તે દેશ માટે ઘણી જ ઉપયોગી સાબિત થઇ હતી. જેના કારણે તેમને 'બ્લેક ટાઈગર'નું બિરુદ આપવામાં આવ્યું હતું. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી તેમના અમૂલ્ય યોગદાન માટે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા તેમને આ નામ આપવામાં આવ્યું હતું.

બાયોપિકમાં સલમાન ખાન
ફિલ્મ નિર્માતા રાજ કુમાર ગુપ્તા અંડર કવર એજન્ટ (RAW એજન્ટ બ્લેક ટાઈગર) રવિન્દ્રના જીવન સંઘર્ષ પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જેમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. રાજકુમારે આમિર (2008) અને નો વન કિલ્ડ જેસિકા (2011) જેવી ફિલ્મો બનાવી હતી.

રાજ કુમાર ગુપ્તાએ કહ્યું કે, “રવીન્દ્ર કૌશિક ભારતના મહાન જાસૂસ હતા. તેમની જિંદગીની જે કહાણી છે તે ખુબ જ ભાવનાત્મક અને નોંધપાત્ર છે. તેથી જ મારા પર ભરોસો કરવા અને તેમના આ અતુલ્ય જીવન પર મને ફિલ્મ બનાવવાનો અધિકાર આપવા બદલ હું તેમના પરિવારનો આભારી છું."

Under Cover Agent Ravindra Kaushik
RAW Agent Black Tiger

શું છે સંપૂર્ણ કહાણી?
11 એપ્રિલ, 1952ના રોજ ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલા રાજસ્થાનના નગર શ્રી ગંગાનગરમાં જન્મેલા રવિન્દ્ર 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ઉછર્યા હતા. તેમણે એસ ડી બિહાની કોલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. જ્યાં તેમને આજે પણ એક પ્રભાવશાળી વિદ્યાર્થી તરીકે યાદ કરવામાં આવે છે. અહીંથી જ તેમનો ડ્રામા અને મિમિક્રી કરવામાં રસ વધવા લાગ્યો. 21 વર્ષની ઉંમરે રવિન્દ્રએ લખનૌમાં યોજાયેલા રાષ્ટ્રીય નાટ્ય ઉત્સવમાં ભાગ લીધો હતો.

રવિન્દ્રના નાના ભાઈ રાજેશ્વરનાથ કૌશિક જણાવે છે કે, “કદાચ તેણે કોલેજમાં એક મોનો-એક્ટ કર્યું હતું, જેમાં તેણે ભારતીય આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી હતી જે ચીનને માહિતી આપવાનો ઇનકાર કરે છે. અહીં જ તેણે ગુપ્તચર અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું.

1973માં બી.કોમ.ની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ રવિન્દ્રએ તેમના પિતાને કહ્યું કે તે નોકરી કરવા દિલ્હી જઈ રહ્યા છે. હકીકતમાં, તે RAW સાથે તેમની બે વર્ષની તાલીમની શરૂઆત હતી.

રવિન્દ્ર કૌશિક પહેલાથી જ પંજાબી સારી રીતે જાણતા હતા. અધિકારીઓએ તેમને ઉર્દૂ શીખવ્યું, ઇસ્લામિક ગ્રંથોથી પરિચય કરાવ્યો અને પાકિસ્તાનની દરેક જગ્યા વિશે સંપૂર્ણ માહિતી આપી. જેથી કરીને તેમને ‘રેસિડેન્ટ એજન્ટ’ તરીકે પાકિસ્તાન મોકલી શકાય. તેમણે કથિત રીતે સુન્નત પણ કરાવી હતી, જે સામાન્ય રીતે મુસ્લિમ ધાર્મિક સમુદાયમાં પુરુષો માટે જરૂરી માનવામાં આવે છે.

પાકિસ્તાન આર્મીમાં મેજર
જ્યારે તેઓ પાકિસ્તાન ગયા ત્યારે ઈસ્લામાબાદના રહેવાસી 'નબી અહમદ શાકિર' તરીકે ગયા, તે દરમિયાન તેમના 1975 સુધીના તમામ સત્તાવાર ભારતીય રેકોર્ડ્સ નાશ કરવામાં આવ્યા. પાકિસ્તાન ગયા પછી તેમણે કરાચી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી પૂર્ણ કરી અને ત્યારબાદ તેઓ લશ્કરી એકાઉન્ટ વિભાગમાં કમિશન્ડ ઓફિસર તરીકે પાકિસ્તાની સેનામાં જોડાયા. બાદમાં તેમને મેજરના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી.

પાકિસ્તાનમાં એક આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યા પછી, રવિન્દ્રએ 1979 થી 1983 દરમિયાન ત્યાંથી ભારતીય સંરક્ષણ અધિકારીઓને ગુપ્ત માહિતી પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું. તે સમયે દેશમાં વધી રહેલા સંઘર્ષ દરમિયાન તેમના દ્વારા મોકલવામાં આવેલી માહિતી ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
તેમણે અમાનત નામની સ્થાનિક મહિલા સાથે લગ્ન પણ કર્યા, જે પાકિસ્તાન આર્મીના એક યુનિટમાં કાર્યરત દરજીની પુત્રી હતી. અમાનત વિશે એવું કહેવાય છે કે તેને રવિન્દ્રની અસલી ઓળખ પણ ખબર નહોતી. જ્યારે, કેટલાક પ્રકાશનો અનુસાર, તેમને એક પુત્ર હતો. અન્ય ઘણા અહેવાલો કહે છે કે રવિન્દ્ર કૌશિક એક પુત્રીના પિતા હતા. Quora ઉપયોગ કરતા લોકો તો તેમના પરિવારના વર્તમાન ઠેકાણા વિશે પણ અનુમાન લગાવી રહ્યા છે.

અદ્ભુત જીવનનો દુઃખદ અંત?
સપ્ટેમ્બર 1983માં આઠ વર્ષ પછી રવિન્દ્ર કૌશિકની ગુપ્ત ઓળખ સામે આવી. વાસ્તવમાં RAW એ રવીન્દ્ર કૌશિકનો સંપર્ક કરવા માટે અન્ય અંડરકવર એજન્ટ ઇનાયત મસીહાને પાકિસ્તાન મોકલ્યો હતો. પરંતુ તે પકડાઈ ગયો અને જ્યારે પાકિસ્તાની સૈનિકોએ તેની કડક પૂછપરછ કરી તો તેણે તેના કામ અને રવિન્દ્ર વિશે ખુલાસો કર્યો.

પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓની સૂચના પર, મસીહાએ 29 વર્ષીય રવિન્દ્રને પાર્કમાં મળવા બોલાવ્યા. ત્યાં તેમની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને પછીના બે વર્ષ સુધી તેમને સિયાલકોટના પૂછપરછ કેન્દ્રમાં ખુબ જ ત્રાસ આપવામાં આવ્યો.

1985માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રવિન્દ્રને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. પરંતુ પાછળથી તેમની સજા આજીવન કેદમાં ફેરવાઈ હતી. તેમને સિયાલકોટ, કોટ લખપત અને મિયાંવાલી સહિતની અનેક જેલોમાં રાખવામાં આવ્યા હતા. તેમ છતાં, તે ગુપ્ત રીતે તેમના પરિવારને ઓછામાં ઓછા અડધા ડઝન જેટલા પત્રો લખવામાં સફળ રહ્યા. આ પત્રોમાં તેમણે પોતાની સાથે બનેલી આઘાતજનક ઘટનાઓની માહિતી આપી હતી.

નવેમ્બર 2001માં હૃદય રોગ અને ફેફસામાં ટીબીને કારણે તેમનું અવસાન થયું. મૃત્યુના ત્રણ દિવસ પહેલા લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, જો હું અમેરિકન હોત તો ત્રણ દિવસમાં આ જેલમાંથી બહાર આવી જાત. તેમને ન્યુ સેન્ટ્રલ મુલતાન જેલમાં દફનાવવામાં આવ્યા હતા.

'અમને ઓળખની જરૂર છે, પૈસાની નહીં'
જયપુરમાં રહેતા રવિન્દ્રના પરિવારને કોટ લખપત સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળ્યાના થોડા દિવસો પછી, તેમના પિતાનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું. તેઓ પોતે પણ ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારી હતા.

એક અહેવાલ અનુસાર, રવિન્દ્રના ભાઈ રાજેશ્વરનાથ અને માતા અમાલાદેવીએ તેમની મુક્તિ માટે ભારત સરકારને અનેક પત્રો લખ્યા હતા. તમામ પત્રોના જવાબમાં, વિદેશ મંત્રાલય તરફથી દર વખતે માત્ર એક નિરાશ જવાબ જ રહેતો - "તેમનો મામલો પાકિસ્તાન સાથે ઉઠાવવામાં આવ્યો છે."

તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને લખેલા પત્રમાં અમલાદેવીએ લખ્યું હતું કે, “જો રવીન્દ્રની ઓળખ છતી ન થઇ હોત તો કૌશિક અત્યાર સુધીમાં પાકિસ્તાન સરકારના વરિષ્ઠ સૈન્ય અધિકારી બની ચૂક્યા હોત અને વર્ષો સુધી તેમની જવાબદારી (ભારત માટે ગુપ્ત રીતે) નિભાવતા રહ્યા હોત.

બીજા પત્રમાં લખ્યું હતું કે, “સરકારે કૌશિકનું મૃત્યુ થઈ રહ્યું હતું ત્યારે સમયસર દવાઓ ન મોકલી. જોકે એક જાસૂસ તરીકે તે એકદમ નિષ્ઠાવાન હતા અને તેમણે આપણા દેશના ઓછામાં ઓછા 20,000 સૈનિકોના જીવ બચાવ્યા હતા.

26 વર્ષથી તેમના વતનથી દૂર હોવા છતાં, રવિન્દ્રને તેમના બલિદાન માટે ક્યારેય સત્તાવાર મંજૂરી મળી નથી. રાજેશ્વરનાથે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે સરકાર એજન્ટોના યોગદાનને ઓળખે. કારણ કે તેઓ સુરક્ષા વ્યવસ્થાનો વાસ્તવિક પાયો છે." પરિવારને શરૂઆતમાં દર મહિને 500 રૂપિયા આપવામાં આવતા હતા. બાદમાં 2006માં તેમને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં રવીન્દ્રની માતા અમલાદેવીનું પણ નિધન થઈ ગયું હતું.

તે દેશ માટે માત્ર એક એજન્ટ જ હતા
રાજેશ્વરનાથે કહ્યું, “તેમ છતાં તે દેશ માટે માત્ર એક એજન્ટ જ હતા. પરંતુ તેઓ હંમેશા મારા માટે મહત્વપૂર્ણ રહેશે."

રવિન્દ્રની બાયોપિક બની રહી છે તે વિશે કેવું લાગે છે તે વિશે તેમણે સ્પષ્ટપણે કશું કહ્યું નથી. પરંતુ રવિન્દ્રની બહેન શશી વશિષ્ઠ કહે છે કે, “ઘણા લોકોએ અમને આ ફિલ્મ બનાવવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ અમને તે તેમનું જીવન ફિલ્મ રૂપે પ્રસ્તુત કરવું ક્યારેય યોગ્ય ન લાગ્યું. તે અમારા માટે ખૂબ જ વ્યક્તિગત છે. પરંતુ જ્યારે રાજ કુમાર ગુપ્તાએ વાત કરી તો અમે સંમત થયા, અમને તેમનામાં પૂરો વિશ્વાસ છે. તે એક સમજદાર ફિલ્મ નિર્માતા છે અને મારા ભાઈની કહાણીને પહેલીવાર લોકો સમક્ષ લાવવા માટે યોગ્ય વ્યક્તિ પણ છે."

તેમના પુત્ર અને રવિન્દ્રના ભત્રીજા વિક્રમે આરોપ લગાવ્યો હતો કે 2015માં સલમાન ખાન સ્ટારર એક થા ટાઈગર ફિલ્મની વાર્તા અને તેમના કાકાની જીવનકથામાં ઘણું સામ્ય હતું. તેણે ફિલ્મના નિર્માતાઓ પાસેથી ક્રેડિટની પણ માંગણી કરી હતી.

મૂળ લેખ: તૂલિકા ચતુર્વેદી

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:સરદાર પટેલની આ 7 બાબતો અંગે કદાચ નહીં જાણતા હોવ તમે, ગરવા ગુજરાતીની રેર બાબતો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.