એક સમયે 14 મહિનામાં કેળાની એક ફસલ લેતા ધીરેનભાઈ અત્યારે 26 મહિનામાં ત્રણ ફસલ લે છે, તેમનું નાનકડું ગામ પાણેથા અત્યારે કેળાંના ઉત્પાદનમાં આખા દેશ માટે આદર્શ બન્યું છે
ભરૂચ જિલ્લાના નાના એવા ગામ પાણેથાના ધીરેનભાઈ દેસાઈએ 1992 માં ખેતી કરવાની શરૂઆત કરી. આમ તો તેમના બાપ-દાદા પણ ખેતી સાથે જ જોડાયેલા હતા અને ધીરેનભાઈએ પણ ખેતી કરવાનું નક્કી કર્યું. ધીરેનભાઈએ જ્યારે તેમની જમીનમાં કેળાંનું વાવેતર કરવાનું નક્કી કર્યું ત્યારે તેમની આર્થિક સ્થિતિ બહુ સારી નહોંતી. એટલે શરૂઆતમાં તેમણે કેળના કો-ઓપરેટિવ સંઘમાં ટ્રકમાં લોડિંગ કરનાર ટોલાર તરીકે નોકરી શરૂ કરી અને સાથે-સાથે ખેતીનું કામ પણ ચાલું રાખ્યું.
તેઓ શાળામાં ભણતા હતા ત્યારથી જ તેમના પિતાજીને મદદ કરતા એટલે ખેતીમાં તેમને પહેલાં જ રસ તો હતો જ. અને ‘જય જવાન, જય કિસાન’ નું સૂત્ર ચરિતાર્થ કરતાં તેમણે ધગશથી આ ક્ષેત્રમાં કામ કર્યું અને સતત નવી ટેક્નોલૉજીઓને આવકારતા અને અપનાવતા રહ્યા.
ત્યારબાદ 1994 માં નર્મદા નદીમાં ભારે પૂર આવ્યું. ધીરેનભાઈનું પાણેથા ગામ નર્મદા કિનારે જ હોવાથી તેમનું બધુ જ વાવેતર વહી ગયું. જમીન પણ ધોવાઈ ગઈ, જેથી જમીનને પાછી પોષકતત્વોયુક્ત બનાવવામાં બીજાં 10 વર્ષ વહી ગયાં. આ પૂરમાં માત્ર ધીરેનભાઈ જ નહીં, પરંતુ આખા વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન થયું. પરંતુ ખેડૂતને તો જગતનો તાત કહેવાય છે, એટલે તે એમ હારે તો નહીં જ.
અને ફરી શૂન્યથી શરૂઆત કરી. જેમાં ધીરે-ધીરે તેમણે એક એકરમાં કેળ વાવવાની શરૂઆત કરી. તેમાં ધીરે-ધીરે વધારો કરતાં-કરતાં અત્યારે તેઓ 40 એકરમાં કેળાંની ખેતી કરે છે.
તો બીજી તરફ કો-ઓપરેટિવ સોસાયટીમાં પણ તેમના કામની ધગશ જોતાં ધીરે-ધીરે તેમને સુપરવાઇઝર બનાવ્યા અને પછી ક્લાર્ક અને ફીલ્ડ મેનેજમેન્ટ અને પછી ચીફ અકાઉન્ટન્ટ બનાવવામાં આવ્યા. જેમાં તેમણે 5 વર્ષ કામ કર્યું. આમ કુલ 15 તેમણે કો-ઓપરેટિવ સંઘમાં કામ કર્યું. જ્યાં તેઓ કેળાંના વેચાણ માટે દેશભરમાં ફર્યા. જે સમયે દેશમાં મોબાઈલ ફોનનું ચલણ નહોંતુ. લોકોને ટેલિફોન બુથ પર લાઈનમાં ઊભા રહેવું પડતું અને એક રૂપિયાનો સિક્કો નાખી એક મિનિટ વાત કરવા મળતી, તે સમયે તેમણે આખા દેશમાં કેળાં પહોંચાડ્યાં. ગામ બહુ અંતરિયાળ છે. ટ્રાન્સપોર્ટ પણ 60 કિમી દૂર હતું છતાં હાર્યા નહીં. અને શરૂઆત કરી અને ધીરે-ધીરે સફળતા મળતી ગઈ.
આમ ધીરે-ધીરે 2002 થી 2006 દરમિયાન લગભગ 350 ખેડૂતોનાં કેળાં વેચવામાં મદદ કરતા અને પૂરતા ભાવ મળી રહે તેનું ધ્યાન રાખતા. તો સાથે-સાથે તેમણે તેમણે તેમના પોતાના ખેતરમાં પણ ખેતી શરૂ કરી હતી. તે સમયે ખાનદેશમાંથી કેળની ગાંઠ લાવવાની રહેતી અને તેનું જ વાવેતર કરવાનું રહેતું. તે સમયે પાણી પણ ધોરિયા પદ્ધતિથી આપવાનું રહેતું. એટલે જો વિજળી ન મળે તો પાકને પાણી પણ ન આપી શકાય.
ત્યારબાદ 2004 માં ગુજરાતમાં ટિશ્યૂ કલ્ચર બનાનાની ટેક્નોલૉજી આવી ત્યારે તેઓ જલગાવ ગયા અને ઈરિગેશન સિસ્ટમ લિમિટેડના ફાર્મમાં અને લેબમાં ગયા અને બધુ તપાસ્યું અને પછી 2004માં તેમના ખેતરમાં ટિશ્યૂ કલ્ચર અને ડ્રીપ ઈરિગેશન સિસ્ટમ એડોપ્ટ કરી. ધીરે-ધીરે તેમાં મળતું ઉત્પાદન પણ વધવા લાગ્યું. પહેલાં કેળની ગાંઠ વાવ્યા વાદ 14 મહિને કેળાંનું ઉત્પાદન મળતું અને એક એકરમાં લગભગ 15 ટન કેળાં પાકતાં. હવે નવી ટેક્નોલૉજી અપનાવ્યા બાદ કેળાંની ગુણવત્તામાં તો સુધારો થયો જ છે, સાથે-સાથે કેળાંનું ઉત્પાદન 15 ટનથી વધીને 35 ટન થઈ ગયું. તો સાથે-સાથે પાણી અને વિજળીની પણ બચત થઈ. ધોરિયા પદ્ધતિમાં આખા ખેતરમાં પાણીથી ફરી વળવાના કારણે નકામું ઘાસ ઊગી નીકળતું હતું તેનાથી પણ છૂટકારો મળ્યો. ગુણવત્તામાં વધારો થવાના કારણે તેમને બજારભાવ પણ સારા મળવા લાગ્યા.
ત્યારબાદ ધીરેનભાઈએ ફિલિપાઇન્સની ટેક્નોલૉજી અપનાવી. સુરતની મેરિટ્સ કંપની દ્વારા આ ટેક્નોલૉજી ભારતમાં લાવવામાં આવી હતી. જેને ધીરેનભાઈએ પણ અપનાવી. પહેલાં તેઓ એકવાર વાવ્યા બાદ ફસલ લીધા બાદ કેળને કાઢી દેતા હતા, જેની જગ્યાએ અત્યારે તેમણે એકવાર કેળ વાવી ઓછામાં ઓછી ત્રણ વાર કેળાંની ફસલ લેવાનું શરૂ કર્યું. પહેલાં 14 મહિનામાં માત્ર એકવાર ફસલ મળતી હતી અત્યારે માત્ર 26 મહિનામાં 3 વાર ફસલ મળતી થઈ, જે આખા ભારતમાં ક્યાંય મળતી નથી. તેમને જોઈ આખા વિસ્તારમાં બધા જ ખેડૂતોએ આ ટેક્નોલૉજી અપનાવી અને તેઓ આર્થિક રીતે સમૄદ્ધ થયા. આંકડાકિય રીતે જોવા જાઓ તો, દક્ષિણ ગુજરાત, સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રના હજારો ખેડૂતોએ તેમનામાંથી પ્રેરણા લીધી.
અત્યારે તેમની કમાણી બમણી કરતાં પણ વધારે થઈ ગઈ છે. 2013-14 માં ધીરેનભાઈએ પહેલીવાર ગલ્ફના પાંચ દેશોમાં કેળાંની નિકાસ કરી, તે સમયે તેમના વિસ્તારમાંથી કોઈ ખેડૂતનાં કેળાં વિદેશમાં નિકાસ નહોંતાં થતાં. જેમાં તેમણે દુબઈ, અબુધાબી, ઓમાન, સાઉદી અરબ વગેરે દેશોમાં કેળાંની નિકાસ કરી અને અત્યારે પણ તેઓ નિકાસ કરે છે. તે સમયે તેમને ‘લેટ ગૌરી હાઈ-ટેક બનાના અવૉર્ડ્સ-2013’ એક્સપોર્ટનો અવોર્ડ પણ મળ્યો હતો. જે તેમના જીવનનો પહેલો અવોર્ડ હતો. જેમાં જલગાવના જૈન ઈરિગેશન દ્વારા તેમને 51 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. તે સમયે તેમને એક એકરમાં 48 ટન ફસલ મળી હતી અને ગુણવત્તા એટલી સારી હોવાથી 90 ટકા ફસલની નિકાસ કરી હતી.
ત્યારબાદ 2016 માં તેમને અમિત રત્ન અવૉર્ડથી નવાજવામાં આવ્યા. પછી તો અવૉર્ડ્સની લાઈન ચાલું જ રહી. તેમને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ અવૉર્ડ્સ 2014-15’ થી પણ નવાજવામાં આવ્યા. ત્યારબાદ 2016 માં એગ્રો એક્સિસ કંપની દ્વારા એક્સિલન્સી અવોર્ડ પણ આપવામાં આવ્યો.
ત્યારબાદ ગુજરાત સરકારના કો-ઓપરેટિવ વિભાગ દ્વારા તેમને 2017 માં શ્રી સરદાર પટેલ કૃષિ સંશોધન અવૉર્ડથી નવાજવામાં આવ્યા. તો 2017 માં તેમને નેશનલ AIFA અવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા. બધા જ અવૉર્ડ્સનાં નામ લખવા જઈશું તો ખૂટશે નહીં એટલા બધાં સન્માન તેમને આજ સુધી મળતાં જ રહ્યાં છે.
કેળાંની ફસલ અને ગુણવત્તા માટે તેમણે ન્યૂટ્રિશન મેનેજમેન્ટ માટે ખાસ કન્સલન્ટન્ટ રાખ્યા. જેઓ તેમને ખાતરથી લઈને પાણી સુધીની બધી જ સલાહ આપે છે અને તે મુજબ પાલન કરવાથી તેમને વધારે સારું ઉત્પાદન મળે છે.
આ અંગે જ્યારે ધ બેટર ઈન્ડિયાએ મદદનીશ બાગાયત નિયામક જેનિશ હર્ષદભાઈ પારેખ સાથે વાત કરી, જેઓ અત્યારે નાયબ બાગાયત નિયામક તરીકેની જવાબદારી પણ નિભાવે છે, તેમણે જણાવ્યું “છેલ્લા 3 વર્ષથી હું ધીરેનભાઈનું કામ જોઉં છું, તેઓ ખૂબજ પ્લાનિંગ અને ઝીણવટથી કામ કરે છે. ટિશ્યૂ કલ્ચર અને ડ્રીપ ઈરિગેશન અપનાવનાર શરૂઆતના ખેડૂતોમાંના એક છે ધીરેનભાઈ. રોપતી વખતે જ તેઓ કહી દે છે કે, આ તારીખે ફૂલ આવશે અને આ તારીકે ફળ આવશે અને તેઓ સાચા પણ ઠરે છે. જ્યાં 14 મહિનામાં એક પાક મળતો હોય છે, ત્યાં તેઓ 26 મહિનામાં ત્રણ પાક લે છે. તેમનામાંથી જ પ્રેરણા લઈને અત્યારે આખા તાલુકાના ખેડૂતો તેમના પગલે ચાલી રહ્યા છે અને સદ્ધર પણ બન્યા છે.”
આમ ધીરેનભાઈ અત્યારે ઓછામાં ઓછી વર્ષની 60 લાખ કમાણી કરે છે અને લગભગ 15 માણસોને રોજગારી પણ આપે છે.
જો તમને ધીરેનભાઈનો લેખ ગમ્યો હોય અને તમે તેમનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો, [email protected] પર ઈમેલ કરી શકો છો તેમને.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167