/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-1.jpg)
Ahmedabad Startup
અમદાવાદમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણતા યશ ભટ્ટ અને અર્જુન ઠક્કરની ગુજરાત ટેક્નોલૉજીકલ યુનિવર્સિટીમાં એકવાર સોશિયલ પ્રોબ્લેમ્સ આઈન્ડેટિફિકેશનનો એક સેમિનાર યોજાયો હતો, જેમાં એન્જિનિયરિંગમ ફાર્મસી કે મેનેજમેન્ટનું ભણેલ લોકોનું ભણતર દેશ માટે કેટલું ઉપયોગી રહે છે, તે અંગેની ચર્ચા અને સભાનતાનો મુખ્ય વિષય હતો. જોકે યશ અને અર્જુન આ સેમિનારમાં કઈંક જાણવાના આશયથી નહોંતા ગયા. અર્જુન પાટણનો વતની હોવાથી શહેરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હોવાથી બંને એમજ વિચારીને ગયા હતા કે, 'ચાલો સેમિનારના અંતે સરસ નાસ્તો તો મળશે!'
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-2-1024x536.jpg)
આ સેમિનારમાં સોલિડ વેસ્ટ વિશે બહુ ચર્ચા થઈ. વિવિધ જગ્યાનો કચરો ક્યાં જાય છે તેની ચર્ચા થઈ. 18 વર્ષના આ બે યુવાનોના મનમાં આ વાત બેસી ગઈ. ત્યારબાદ તેમણે બંનેએ ઘણી બધી ઈન્ડસ્ટ્રીઓની વિઝિટ લીધી. આ ઉપરાંત યશના ઘરે દર મહિને સત્યનારાયણની કથા થતી અને કથાના અંતે ફૂલ, ચંદન, કંકુ, અબીલ, ગુલાલ, ચુંદડી વગેરે પાણીમાં પધરાવવામાં આવતું. આ જોઈ યશને પણ લાગ્યું કે, હું પોતે પણ પાણીને તો પ્રદૂષિત તો કરું જ છું. ત્યારબાદ આ બાબતે ગંભીરતાથી વિચાર્યું કે, કોઈપણ ધર્મ હોય, ફૂલ, અગરબત્તી વગેરેનો કોઈને કોઈ રીતે ઉપયોગ થાય છે અને આ પછી નદી-નાળાંમાં પધરાવવામાં આવે છે. જેના કારણે પાણી પ્રદૂષિત થાય છે અને પાણીમાં રહેતાં જીવો મૃત્યુ પામે છે. આ ઉપરાંત આ પાણી પીવાથી માણસોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-4-1024x536.jpg)
ત્યારબાદ યશે એક મંદિરથી શરૂઆત કરી. એક મંદિરની પાછળ રહેલ ખાલી જગ્યામાં ખાડો કરી તેમાં આ ફૂલોમાંથી ખાતર બનાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ યશ અને અર્જુને જીટીયુ ઈનોવેશન કાઉન્સિલનો સંપર્ક કર્યો. જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ ઈનોવેશન પોલિસી દ્વારા તેમને 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી. ત્યારબાદ જરૂરી મશીન ખરીધ્યા અને અને મંદિરોમાં ડસ્ટબીન ગોઠવી, જેમાં પૂજા બાદ નીકળતી વસ્તુઓ ભેગી કરી શકાય. ત્યારબાદ આ બંને યુવાનોએ અમદાવાદ કૉર્પોરેશનનનો પણ સંપર્ક કર્યો અને તેમની મદદ માંગી. ત્યારબાદ અમદાવાદ એલડી એન્જીનિયરિંગ પાસે નાનકડા ગેરેજ જેટલી જગ્યામાં શરૂ કરી સફર.
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-6-1024x536.jpg)
અહીં તેઓ 15-20 મંદિરોમાંથી ફૂલ વગેરે લાવીને તેમાંથી ખાતર બનાવતા હતા.આ સમયે તેમનું ભણવાનું પણ ચાલું હતું. કામ અને ભણતર બંને માટે સમય આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેના કારણે ઘણીવાર ઘરેથી પણ તેમને કહેતા કે, ભણવાનું છોડી આ શેના પાછળ સમય બગાડી રહ્યા છો? પરંતુ બંનેએ તેમનું ધ્યેય ન છોડ્યું. ધીરે-ધીરે તેમણે વિચાર્યું કે, મંદિરમાંથી ફૂલો સિવાય બીજી પણ ઘણી વસ્તુઓ આવે છે. ઘણાં સુગંધીદાર ફૂલો આવે છે, જેમાંથી અગરબત્તી, ગુલાબજળ વગેરે બનાવી શકાય છે. તો મંદિરમાંથી આવતાં શ્રીફળનો પણ અલગ-અલગ રીતે ઉપયોગ થઈ શકે છે. આ માટે તેઓ એલ એમ કૉલેજ ઑફ ફાર્મસીમાં ગયા અને ત્યાંથી તેમને સંશોધન માટે સહકાર મળ્યો. તો બીજી તરફ અમદાવાદ મ્યૂનિસિપલ કૉપોરેશનમાં તે સમયના કમિશ્નર વિજય નહેરાને મળ્યા અને અમદાવાદનાં મંદિરઓમાંથી આ બધા જ કચરાને આપવાની વિનંતિ કરી અને તેમણે ટેન્ડર વગર ત્રણ મહિના માટે આ તક પણ આપી. તો બીજી તરફ યશ અને અર્જુનની આ મહેનત રંગ લાવવા લાગી અને સ્વચ્છ ભારત ગુણાંકમાં અમદાવાદને વધારાના ત્રણ ગુણાંક મળ્યા.
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-3-1024x536.jpg)
સૌથી મહત્વની વાત તો એ છે કે, આ પ્રોજેક્ટ અંતર્ગત કચરાનો માત્રા નિકાલ જ થતો હતો એવું નહોંતું, પરંતુ રિસાઇકલિંગ મારફતે અલગ-અલગ વસ્તુઓ બનાવી રોજગારનું સર્જન કરવાનો પણ મુખ્ય હેતુ હતો.
પહેલાં તેઓ રોજ એકથી દોઢ ટન કચરો ઉઘરાવતા હતા તેમાંથી માત્ર ફૂલોનો જ ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે તેમણે નારિયેળનો ઉપયોગ કરવાનો પણ શરૂ કર્યો. નારિયેળનાં છોતમાંથી તેમણે કોકોપીટ, ફાઈબર બનાવવાનું શરૂ કર્યું. તો નારિયેળની કાછલીમાંથી કપ, બાઉલ, ચમચી, કીચેઈન વગેરે બનાવવાનું શરૂ કર્યું. આ બધી જ વસ્તુઓ તેઓ વિવિધ એગ્ઝિબિશનમાં વેચવા લાગ્યા. આ ઉપરાંત તેમણે તેમનું ફેસબુક પેજ બનાવ્યું અને તેના દ્વારા લોકો સુધી તેમનો આશય અને ઉત્પાદનો પહોંચડવાનું શરૂ કર્યું. તો બીજી તરફ અમેઝોન પર પણ તેમની પ્રોડક્ટ્સ વેચાવા લાગી છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-7-1024x536.jpg)
બીજી તરફ છૂટક મજૂરી કરી કમાતા લોકો અને ખાસ કરીને બહેનોને તેઓ રોજગારી આપવા લાગ્યા. અગરબત્તી બનાવવી, દિવડા બનાવવા જેવાં કામ બહેનો કરવા લાગી. જેના માટે તેમને મહિનાના 7-8 હજાર મળવા લાગ્યા. તો જે બહેનો આવીને કામ ન કરી શકે તેમને તો ઘરે સામાન આપે છે. અને તેઓ રોજ નવરાશના સમયમાં કામ કરીને પણ મહિનાના 4-5 હજાર કમાઈ લે છે. તો વળી કેટલીક બહેનો વિવિધ મંદિરો તેમજ અન્ય કેટલીક જગ્યાઓએ રોજ થોડા સમય માટે દિવડા, અગરબત્તી વગેરે વેચવા માટે ઊભી રહે છે, જેનાથી તેમને પણ પરોક્ષ રીતે રોજગાર મળી રહે છે. તેઓ મંદિરની આસપાસની પૂજાપાની દુકાનોમાં તેમનાં ઉત્પાદનો પહોંચાડે છે, જેથી ગ્રાહકોને સરળતાથી મળી રહે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં યશ ભટ્ટે કહ્યું, "આ સફર દરમિયાન અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમારો સંપર્ક સૃષ્ટિ સંસ્થા થયો અને તેમણે પણ અમને બહુ સારો સહકાર આપ્યો. તેમણે અમને સંશોધન અને માર્કેટિંગમાં પણ બહુ સારો સહકાર આપ્યો, જેથી અમને આગળ વધવામાં મદદ મળી. અમે આજે સસ્ટેનેબલ બિઝનેસને વાયેબલ કરવામાં સહકાર મળી. આ ઉપરાંત મુંબઈમાં જાગૃતિ યાત્રા દ્વારા થતી સ્પર્ધામાં પણ ગ્રાસહૂટ ઈનોવેટર્સનું પણ પ્રથમ ઈનામ મળ્યું. આ ઉપરાંત સ્ટાર્ટઅપ ઈન્ડિયા દ્વારા પણ સારું ફંન્ડિગ મળ્યું. આ ઉપરાંત હું જીસીસીઆઈમાં પણ સભ્ય છું, જ્યાં લોકોએ મને રિસર્ચથી લઈને માર્કેટિંગ બધામાં સહકાર મળ્યો."
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-5-1024x536.jpg)
ત્યારબાદ ગત વર્ષે દિલ્હીમાં પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 'બેસ્ટ વેસ્ટ ઈનોવેશન' નો અવોર્ડ મળ્યો. આમ 20 મંદિરથી શરૂ કરેલ આ યાત્રા 100 મંદિર સુધી પહોંચી ગઈ છે. જ્યાંથી તેઓ 5 ટન કચરો ભેગો કરે છે અને તેને રિસાયકલ કરી તેમાંથી ખાતર, અગરબત્તી, નારિયેળની કાછલીના કપ, બાઉલ, ચમચી અને કી-ચેઈન, નારિયેળનાં છોતરાંમાંથી કોકોપીટ, ફાઈબર બનાવવામાં આવે છે. તો આ વર્ષે તેમણે ફૂલોને સૂકવી તેને દળીને તેમાં કુદરતી ફ્રેગ્નન્સ ઉમેરી હોળીના હર્બલ રંગો પણ બનાવ્યા છે. આમાંનાં બધાંજ ઉત્પાદનોમાં મશીનોનો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવે છે. મોટા ભાગનાં ઉત્પાદનો હાથ બનાવટથી બનાવવામાં આવે છે. બીજી તરફ આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત મળેલ 1 લાખ રૂપિયાની લોનમાંથી તેમણે એક જૂનો ટેમ્પ ખરીધ્યો અને તેના દ્વારા શહેરનાં બધાં જ મંદિરોમાંથી તેઓ હોલી વેસ્ટ ભેગો કરે છે.
બીજી તરફ એક મહત્વની વાત કરતાં યશે કહ્યું, "કારખાનાં અને ગટરના કારણે તો નદી-નાણાંનું પાણી તો પ્રદૂષિત થાય જ છે, પરંતુ પૂજા-અર્ચનાથી પાણી પ્રદૂષિત થાય તે ખરેખર વિચારવાલાયક છે. એક તરફ આપણે પૂજા-અર્ચના કરીએ અને બીજી તરફ આપણે જ પાણીને પ્રદૂષિત કરીએ છીએ જેનાથી માછલીઓ અને અન્ય જળ જીવોને નુકસાન થાય છે, પાણી પીવાલાયક નથી રહેતું. આનું તો નિરાકરણ તો લાવવું જ જોઈએ. જેમાં 16% પ્રદૂષણ આ રીતે થાય છે, જેને અટકાવવું ખૂબજ જરૂરી છે."
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-9-1024x536.jpg)
શરૂઆતમાં આ બાબતે લોકોને સમજાવવું બહુ મુશ્કેલ પણ રહ્યું. ઘણા લોકો હોલી વેસ્ટને પાણીમાં પધરાવવાન જગ્યાએ આ રીતે રિસાયકલ કરવા માટે આપવા માટે તૈયાર નહોંતા. પરંતુ સરકાર અને બીજી કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાક જાગૃત લોકોના સહયોગથી આજે તેમનું સ્ટાર્ટઅપ બહુ સફળ રહ્યું. 2016 માં આવેલ આ વિચારને તેમણે વિધિવત 2018 માં સ્ટાર્ટઅપમાં ફેરવ્યો. જેમાં સરકારની મદદ અને ફંડિંગના કારણને તેમને ઘણી મદદ પણ મળી. જેના અંતર્ગત માંડ 24 વર્ષનાઆ બે યુવાન અત્યારે 25 લોકોને રોજગારી આપે છે. એક સમયે આ કામ પાછળ કલાકો રચ્યા-પચ્યા રહેવાના કારણે યશ જે કૉલેજમાં ફેલ થયા હતા, તે જ કૉલેજ તરફથી તેમને ગોલ્ડ મેડલ મળ્યો. તેઓ કૉલેજના એકમાત્ર સ્ટૂડન્ટ હતા જેમણે એન્જિનિયરિંગની ડિગ્રી સાથે માત્ર બે જ વર્ષમાં 40 લાખનું ટર્નઓવર કરતું સફળ સ્ટાર્ટઅપ પણ ઊભું કર્યું હતું.
આ ઉપરાંત કોરોના કાળમાં લૉકડાઉનના કારણે મંદિરના ફૂલોનું કલેક્શન બહુ ઘટી ગયું. એટલે આ સમયે કામ અટકી ન પડે એટલે તેમણે વિવિધ ગૌશાળાઓનો સંપર્ક કર્યો. અને ગાયના છાણમાંથી છોડ વાવવા માટે કૂંડાં અને નાના-નાના દીવા બનાવવાના શરૂ કર્યા. આ કુંડામાં છોડવાવવાથી છોડને ખાતર મળી રહે છે અને છોડનો વિકાસ પણ બહુ સારો થાય છે. પર્યાવરણને જરા પણ નુકસાન કર્યા વગર તેઓ પોતે તો સારી કમાણી કરી જ રહ્યા છે, આ ઉપરાંત બીજા પણ ઘણા લોકોને રોજગાર આપે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Start-up-8-1024x536.jpg)
અત્યારે આ બે મિત્રો પાસે ક્રાફ્ટમેન કાર્ડ પણ છે, જેથી ગુજરાતભરમાં થતા હેન્ડીક્રાફ્ટના હાટમાં પણ તેમને સ્ટોલ માટે આમંત્રણ મળે છે. હવે તેઓ જુનાગઢ, ભાવનગર અને સુરતમાં પણ તેમનો આ પ્રોજેક્ટ શરૂ કરવા ઈચ્છે છે, જેથી ત્યાં પણ આ હોલી વેસ્ટમાંથી વિવિધ ઉત્પાદનો બનાવી શકાય, પ્રદૂષણ અટકાવી શકાય, લોકોને રોજગારી આપી શકાય અને હર્બલ વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ રાખતા લોકોને તેમનાં ઉત્પાદનો પૂરાં પાડી શકાય.
અત્યારે લોકોમાં અને મંદિરોના ટ્રસ્ટીઓમાં પણ ઘણી જાગૃતિ આવી છે. તેઓ સામેથી આ મિત્રોને સંપર્ક કરે છે કે, તેમના મંદિરમાંથી હોલી વેસ્ટ લઈ જાય અને તેને રિસાયકલ કરે.
/gujarati-betterindia/media/post_attachments/2021/03/Holy-Waste-Recycle-10-1024x536.jpg)
સ્ટાર્ટઅપ માટે યશ ભટ્ટની સલાહ
- લોકોને પોસાય તેવા ભાવ હોય
- તેમની વસ્તુઓ માર્કેટમાં સરળતાથી મળી રહે.
- લોકો તમારા કૉન્સેપ્ટને પસંદ કરે એ માટે જાગૃતિ ફેલાવવી.
- ગુણવત્તા જાળવી રાખવી. (તમે માર્કેટમાં નવા હોવ છો એટલે, કોઈપણ વ્યક્તિ એકવાર તમારી પાસેથી ખરીદી કર્યા બાદ બીજી વાર તમારી પાસે આવે જ આવે તે માટે ગુણવત્તા જાળવી રાખવી બહુ જરૂરી છે.)
- નાના-નાના વ્યાપારીઓ અને ફેરિયાઓની મદદથી માર્કેટિંગ કરવું, જેથી બંને પક્ષે ફાયદો મળી રહે.
- 9 થી 6 ની નોકરીમાં તમને સફળતા ન મળે, જો ખરેખર જ સફળતા જોઈતી હોય તો, 24 કલાક મહેનત કરવાની તૈયારી જોઈએ.
શરૂઆતમાં સાઈકલ પર એક મંદિરમાંથી કોથળીમાં ફૂલો ભેગા કરતા યશ અને અર્જુન અત્યારે 100 મંદિરમાંથી રોજનો 5 ટન હોલી વેસ્ટ ભેગો કરે છે. કઈંક નવું કરવા ઇચ્છતા લોકોને પ્રેરણા આપે છે કે, પર્યાવરણને કોઈપણ જાતના નુકસાન વગર પણ એક સફળ સ્ટાર્ટઅપ ચાલી શકે છે. તમે પોતે તો કમાઇ જ શકો છો અને સાથે-સાથે બીજા લોકોને પણ રોજગાર આપી શકો છો અને પર્યાવરણ સ્વચ્છ કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો પણ આપી શકો છો.
અત્યારે તેમનો બ્રૂકએન્ડબ્લૂમનો પ્લાન્ટ અમદાવાદના કાંકરિયા લેકના ગેટ નંબર 2 પાસે છે. આ ઉપરાંત તેમને સૃષ્ટિ અને જીટીયુમાં પણ જગ્યા આપવામાં આવી છે. જ્યાંથી લોકોને તેમનાં ઉત્પાદનો મળી શકે છે. જો તમે તેમનાં ઉત્પાદનો ઓનલાઈન ખરીદવા ઈચ્છતા હોય તો તેમના ફેસબુક પેજ, વેબસાઈટ , ઈંસ્ટાગ્રામ અને અમેઝોન પર પણ ઓર્ડર કરી શકો છો અને જો તમને તેમનું કામ ગમ્યું હોય અને તમે તેમનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો 9054775772 પર કૉલ કરી શકો છો.
આ પણ વાંચો:ત્રણ મિત્રોનું અનોખું આવિષ્કાર, પ્રદૂષણના કાળા ધુમાડામાંથી હવે બનશે પેન અથવા પ્રિંટરની સ્યાહી!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.