Powered by

Home અનમોલ ભારતીયો 1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કરી હતી વાયુસેનાની મદદ!

1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કરી હતી વાયુસેનાની મદદ!

1971 યુદ્ધ: પરિવારની સુરક્ષાની ચિંતા કર્યાં વગર જ્યારે ભુજની 300 વીરાંગનાઓએ વાયુસેનાની મદદ કરી હતી

By Nisha Jansari
New Update
Indo Pak War

Indo Pak War

આઠ ડિસેમ્બર, 1971ની રાત્રે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજના ભારતીય વાયુસેનાની એરસ્ટ્રિપ પર 14થી વધારે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ કારણે એરસ્ટ્રિપ તૂટી ગઈ હતી અને ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાન ઉડાન ભરી શકતા ન હતા.
ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રિપના સમારકામ માટે સીમા સુરક્ષા દળના જવાનોને બોલવ્યા હતા. સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને મજૂરો ખૂબ ઓછા હતા. એવામાં ભુજના માધાપુર ગામના 300 લોકો પોતાના ઘરોમાંથી નીકળીને ભારતીય વાયુસેનાની મદદ કરવા આગળ આવ્યા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી. દેશભક્તિ માટે આ તમામ મહિલાઓ પોતાના ઘરમાંથી બહાર નીકળી હતી.

આ કદાચ તેમની અસાધારણ દેશભક્તિ જ હતી, જેમણે એરસ્ટ્રિપના સમારકામ જેવું અશક્ય કામ ફક્ત 72 કલાકમાં પૂર્ણ કરી બતાવ્યું હતું!

આ સાહસિક મહિલાઓમાંથી એક વલ્બાઈ સેધાનીએ અમદાવાદ મિરર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "એ સમયે તેણી પોતે એક સૈનિક હોય તેવો અનુભવ કરી રહી હતી."

તેણી યાદ કરે છે કે કેવી રીતે 9 ડિસેમ્બર, 1971ના દિવસે તેમને બોમ્બ પડવાની સૂચના મળી હતી. ત્યારે આર્મીના ટ્રક પર ચઢતી વખતે આ મહિલાઓએ એક પણ વખત પોતાના પરિવારની સુરક્ષા અંગે વિચાર કર્યો ન હતો. તેઓ બસ એકસ્ટ્રિપના સમારકામ માટે નીકળી પડી હતી.

તેમણે જણાવ્યું કે, અમે આશરે 300 મહિલા હતી, જે વાયુસેનાની મદદ માટે દ્રઢ નિશ્ચય સાથે ઘરમાંથી નીકળી હતી. જો આ દરમિયાન અમારું મોત પણ થતું તો તે સન્માનજનક કહેવાતું.

તત્કાલિન જિલ્લા કલેક્ટરે આ 300 બહાદુર મહિલાઓને સારા કામમાં શામેલ થવા પર સન્માનિત કરી હતી. જ્યારે ગામના સરપંચ જાધવજીભાઈ હિરાનીએ આગળ આવીને આ મહિલાઓ પાસેથી વાયુસેનાની મદદ કરવા માટે સહયોગ માંગ્યો ત્યારે તમામ મહિલાઓએ ખુશી વ્યક્ત કરતા તેમનો સાથ આપ્યો હતો.

યુદ્ધ દરમિયાન કાર્નિક ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. આ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં સ્ક્વૉડ્રન લીડર વિજય કાર્નિકનું પણ મહત્ત્વનું યોગદાન રહેલું છે.

publive-image
Some of the viranganas. Source: Facebook/Virangana Smarak

50 આઈએએફ અને 60 ડિફેન્સ સિક્યુરિટી કોરના જવાનો અને અન્ય બે વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને આ મહિલાઓએ એવું સુનિશ્ચિત કર્યું કે વિસ્ફોટમાં ક્ષતિગ્રસ્ત થવા છતાં એરસ્ટ્રિપ ચાલુ રહે.

એશિયન એજ સાથે વાતચીત કરતા સક્વૉડ્રન લીડર કાર્નિકે આ ઘટનાને યાદ કરતા કહ્યું કે, "અમે એક યુદ્ધ લડી રહ્યા હતા. આ યુદ્ધ દરમિયાન આ મહિલાઓમાંથી એક પણ ઘાયલ થતી તો અમારા પ્રયાસોને મોટું નુકસાન થતું. પરંતુ મેં નિર્ણય લઈ લીધો હતો અને તે કામ પણ કરી ગયો. અમે તેમને સમજાવી દીધું હતું કે હુમલાની સ્થિતિમાં તેમણે ક્યાં આશરો લેવાનો છે. તમામ મહિલાઓએ બહાદુરીપૂર્વક તમામ સૂચનાઓનું પાલન કર્યું હતું."

તમે બહુ ઝડપથી એક્ટર અજય દેવગનને આગામી ફિલ્મ, "ભુજઃ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા"માં આ બહાદુર ઓફિસરના રોલમાં જોઈ શકશો.

તૂટી ગયેલી એરસ્ટ્રીપનું સમારકામ ખરેખર મુશ્કેલ કામ હતું. કારણ કે તમામ નાગરિકોના જીવને ખતરો હતો. તમામે અધિકારીઓની સૂચના પ્રમાણે કામ શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે પણ પાકિસ્તાનનું બોમ્બર વિમાન આ તરફ આવવાની સૂચના મળતી હતી ત્યારે એક સાઇરન વગાડીને તમામને એલર્ટ કરી દેવામાં આવતા હતા.

https://twitter.com/ajaydevgn/status/1107874340115230721

"અમે તમામ તાત્કાલિક ભાગીને ઝાડી-ઝાખરામાં છૂપાઈ જતા હતા. અમને આછા લીલા રંગની સાડી પહેરવાનું કહેવામાં આવતું હતું. જેનાથી ઝાડીઓમાં સરળતાથી છૂપાઈ શકાય. એક નાનું સાઇરન એ વાતનો સંકેત આપતું હતું કે અમારે ફરીથી કામ શરૂ કરી દેવાનું છે. અમે સવારથી સાંજ સુધી ખૂબ મહેનત કરતા હતા, જેનાથી દિવસના અંજવાળાનો મહત્તમ લાભ લઈ શકાય," તેમ વલ્બાઈએ જણાવ્યું હતું.

એરસ્ટ્રિપ રિપેર કરવામાં પોતાનું યોગદાન આપનારી વધુ એક સાહસી મહિલા વીરુ લછાનીએ ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "દુશ્મનના વિમાનને થાપ આપવા માટે અમને એરસ્ટ્રિપને છાણથી ઢાંકવાનું કહેવાયું હતું. કામના સમયે જ્યારે સાઇરન વાગતું હતું ત્યારે અમે બંકરો તરફ ભાગતા હતા. એક સ્ટ્રાઇક વખતે અમારે બંકરમાં સુખડી અને મરચાથી કામ ચલાવવું પડતું હતું."

પહેલા દિવસે ખાવાનું ન હોવાથી ભૂખ્યા પેટે ઊંઘવું પડ્યું હતું. બીજા દિવસે બાજુના મંદિર ખાતેથી તેમના માટે ફળો અને મીઠાઈ મોકલવમાં આવી હતી. જેનાથી ત્રીજા દિવસે કામ કરવામાં પણ મદદ મળી હતી.

ચોથા દિવસે સાંજે ચાર વાગ્યે એક લડાકૂ વિમાને એરસ્ટ્રિપ પરથી ઉડાન ભરી હતી. અમારા માટે આ ગર્વની વાત હતી. અમારી મહેનત રંગ લાવી હતી.

વલ્બાઈને આજે પણ યાદ છે કે તે વખતે તેમનો દીકરો ફક્ત 18 મહિનાનો હતો. તેઓ દીકરાને તેણી પાડોશીઓ પાસે મૂકીને આવ્યા હતા. જ્યારે પાડોશીઓએ એવું પૂછ્યું કે, જો તમને કંઈ થઈ જાય તો તમારા દીકરાને કોને સોંપે? આ વખતે વલ્બાઈ પાસે કોઈ જવાબ ન હતો.

વલ્બાઈએ અમદાવાદ મિરરને જણાવ્યું કે, "મને બસ એટલી જ ખબર હતી કે મારા ભાઈઓને મારી વધારે જરૂર છે. મને આજે પણ યાદ છે કે કેવી રીતે તમામ પાયલટ અમારું ધ્યાન રાખતા હતા."

વલ્બાઈની અન્ય એક સાથી અને સાચા દેશભક્ત હીરુબેન ભૂદિયા કહે છે કે, "યુદ્ધના મેદાનમાં એરસ્ટ્રિપના સમારકામની જરૂર હતી. પરંતુ મજૂરોની અછતને કારણે તેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો હતો. અમે ફક્ત 72 કલાકમાં પાયલટ ફરીથી ઉડાન ભરી શકે તે માટે મહેનત કરી હતી. આજે પણ જરૂર પડે તે અમે સેનાની મદદ કરવા માટે તૈયાર છીએ."

યુદ્ધના ત્રણ વર્ષ બાદ જ્યારે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમના ભેટ આપવાની વાત કરી તો તમામ મહિલાઓએ વિનમ્રતાપૂર્વક ના કહી હતી. મહિલાઓએ કહ્યું હતું કે, "અમે જે કંઈ કર્યું હતું તે દેશ માટે કર્યું હતું."

વલ્બાઈ કહે છે કે 50,000 રૂપિયાની પુરસ્કાર રાશિ પણ માધાપુરના એક કોમ્યુનિટી હોલ માટે આપી દેવામાં આવી હતી. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે ભુજના માધાપુર ગામમાં 'વીરાંગના સ્મારક' નામે એક યુદ્ધ સ્મારક આ બહાદુર મહિલાઓે સમર્પિત કર્યું હતું.

મૂળ લેખ: જોવિટા અરાન્હા

આ પણ વાંચો:ભારતનાં સૌથી વૃદ્ધ ટૂર ગાઈડ, 94 વર્ષનાં મુંબઈનાં આ મહિલા લડી ચૂક્યાં છે સુભાષચંદ્ર બોઝ સાથે આઝાદીની લડાઈ પણ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.