4 વૃદ્ધો, 4 વર્ષ અને 500 છોડ! દરરોજ પ્રેમથી સીંચીને બનાવી દીધુ અમદાવાદને હર્યુ-ભર્યુ

શહેરોમાં વધી રહેલ ગરમી અને ઘટી રહેલ હરિયાળીની ફરિયાદ કરવાની જગ્યાએ, આ મિત્રોએ આસપાસ છોડ વાવવાનું શરૂ કર્યું. અમદાવાદના વૃક્ષપ્રેમી ગૃપના કિરીટ દવે, રમેશ દવે, તરૂણ દવે અને વિક્રમ ભટ્ટે મળીને, અત્યાર સુધીમાં 500 કરતાં વધારે છોડ વાવી તેમના વિસ્તારને હરિયાળો કરી દીધો છે.

Tree Plantation Group

Tree Plantation Group

જેમ જેમ શહેરનો વિસ્તાર વધી રહ્યો છે તેમ વૃક્ષો અને છોડની હરિયાળી પણ ઘટી રહી છે. વડીલો જણાવે છે કે પહેલા કેવી રીતે ઓછું શહેરીકરણ હતું અને ઘરની આસપાસ ખુલ્લું અને હરિયાળું વાતાવરણ હતું. પરંતુ આ કોંક્રિટનાં જંગલમાં પણ, જો આપણે ઈચ્છીએ, તો આપણે થોડી હરિયાળી લાવી શકીએ છીએ. જો આપણે રસ્તાના કિનારે, ઓફિસ અને શાળાના મેદાન જેવા જુદા જુદા સ્થળોએ કેટલાક રોપાઓ વાવીએ તો આસપાસ હરિયાળી લાવી શકાય છે. જેમ અમદાવાદનું આ વૃક્ષ પ્રેમી ગ્રુપ કરી રહ્યું છે.

એવું કહેવાય છે કે વડીલોનો પડછાયો મોટા વૃક્ષની જેમ આપણું રક્ષણ કરે છે. પરંતુ આ ગ્રુપનાં આ વડીલો વાસ્તવમાં લોકોને ઠંડી છાયા આપવાનું કામ કરી રહ્યા છે.

પોતાના કુદરત પ્રત્યેના પ્રેમના કારણે તેમણે લગભગ ચાર વર્ષ પહેલા વૃક્ષારોપણનું કામ શરૂ કર્યું હતું. અને આજે શહેરના બિમાનનગર વિસ્તારને હરિયાળો બનાવી દીધો છે. ચારના આ ગ્રુપમાં રમેશ દવે અને કિરીટ દવે નિવૃત્ત છે. જ્યારે ડૉ. તરુણ દવે કાર્ડિયોલોજિસ્ટ છે, વિક્રમ ભટ્ટ વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે.

ધ બેટર ઇન્ડિયાએ તેમની પાસેથી જાણ્યુ કે તેમનું ગ્રુપ કેવી રીતે રચાયું અને તેઓ બધા સાથે મળીને કેવી રીતે કામ કરે છે.

Plantation In Neighbourhood

પ્રકૃતિના પ્રેમને કારણે ગ્રુપ બન્યુ
જો કે, આ ચારેય પોતાના સ્તરે પહેલેથી જ વૃક્ષારોપણનું કાર્ય કરી રહ્યા હતા. ગ્રુપના સૌથી વૃદ્ધ સભ્ય રમેશ દવે ગુજરાતી સાહિત્યકાર અને ગાંધી વિચારધારાના અનુયાયી છે. 2009માં નિવૃત્તિ પછી, તેમણે વૃક્ષો અને છોડને તેમના સાચા મિત્ર બનાવ્યા હતા. તેઓ ઘણાં વર્ષોથી ગુજરાતમાં ઉગતા છોડના બીજ એકત્રિત કરવા અને તેમને જાહેર સ્થળોએ ઉગાડવાનું કામ કરી રહ્યા છે. તેમનું ઘર વનસ્પતિશાસ્ત્રની એક નાની પ્રયોગશાળાથી કમ નથી. એટલું જ નહીં, તે દુર્લભ બીજમાંથી છોડ ઉગાડે છે અને તે અન્યને પૂરા પાડે છે.

આ પણ વાંચો: શંખેશ્વરના આ રિટાયર્ડ શિક્ષક દંપત્તિએ જીવનભરની મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ

રમેશ દવે જણાવે છે, “મેં 2009થી જાહેર સ્થળોએ 2500 રોપાઓ વાવ્યા છે. જેમાંથી ઘણા હવે 20 થી 25 ફૂટના મોટા વૃક્ષો બની ગયા છે. મને જ્યાંથી બીજ મળે છે, હું તેમને ઘરે લાવું છું અને નાના છોડ તૈયાર કરું છું અને બાદમાં ખાલી જાહેર સ્થળોએ રોપું છું. હવે આ ગ્રુપમાં જોડાયા પછી, મને આ કાર્ય કરવાની વધારે મજા આવી રહી છે.”

રમેશ દવેની જેમ કિરીટ દવે પણ બાળપણથી જ છોડના શોખીન છે. નોકરી દરમિયાન, તેઓ રાજકોટમાં હતા ત્યારે પણ નજીકના જાહેર સ્થળોએ રોપા રોપતા હતા. આશરે દસ વર્ષ પહેલાં નિવૃત્ત થયા બાદ જ્યારે તેઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે આ કામ ચાલુ રાખ્યું હતું.

તે કહે છે, "જ્યારે મને ખબર પડી કે આજુબાજુ અન્ય લોકો પણ છે જેઓ આ રીતે વાવેતર કરી રહ્યા છે, ત્યારે મેં તેમનો સંપર્ક કર્યો અને આમ અમારું ગ્રુપ રચાયું."

ગ્રુપને મળવાની સ્ટોરી વિશે વાત કરતી વખતે વિક્રમ ભટ્ટ કહે છે, "એક વખત હું રસ્તાની બાજુમાં એક રોપો લગાવી રહ્યો હતો, ત્યારે કિરીટ દવેના નાના ભાઈએ મને મદદ કરી અને કહ્યું કે મારો મોટો ભાઈ પણ તમારા જેવો જ છે, પ્રકૃતિપ્રેમી. પછીથી, મને આ બધામાંથી ઘણું શીખવા મળ્યું.”

બીજી બાજુ, બિમાનનગરમાં રહેતા ડૉ.તરૂણ દવે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં નિયમિતપણે છોડને પાણી આપવું, રસ્તાની બાજુમાં રોપા રોપવા જેવા કાર્યો કરી રહ્યા છે.

આ પણ વાંચો: બેકાર ગ્લૂકોઝની બોટલો અને માટલાંમાંથી બનાવી સિંચાઈ પ્રણાલી, ગામ આખામાં વાવ્યા 500 છોડ

Tree Lovers Group

લોકોમાં જાગૃતતા માટે કામ કરે છે આ ગ્રુપ
રોપા લગાવવાની સાથે સાથે આ ચાર લોકો સમયાંતરે તેમાં પાણી અને ખાતર પણ ઉમેરે છે. જ્યારે છોડમાં જંતુઓનો ઉપદ્રવ થાય ત્યારે તેઓ જાતે જૈવિક જંતુનાશકો બનાવીને છંટકાવ કરવાનું કામ પણ કરે છે. કિરીટ જણાવે છે, “મોટા છોડની સુરક્ષા માટે અમે સ્થાનિક કોર્પોરેટરની મદદથી તારની બાઉન્ડ્રી વગેરે લગાવીએ છે. જ્યારે કેટલાક છોડમાં, ઉનાળા દરમિયાન બચાવ માટે, અમે અમારા પોતાના પૈસાથી લીલા કપડા લગાવીએ છીએ. આ સિવાય અમે એક રિક્ષા પણ ખરીદી છે. જેના દ્વારા મોટા ડબ્બામાં પાણી ભરીને અને બધા છોડને પાણી પાવાનું કામ કરવામાં આવે છે.”

સામાન્ય રીતે તે લીમડા, પીપળા અને જાંબુ જેવા વૃક્ષો વાવે છે. તો, તેઓ વન વિભાગ, ગાંધીનગર પાસેથી કેટલાક દુર્લભ બીજ વિશે માહિતી લે છે. જ્યાંથી તેમને ઘણા છોડ પણ મળે છે. જે તેઓ પછીથી તેની આસપાસની સોસાયટીઓમાં લગાવે છે.

આ પણ વાંચો: 3000 ઝાડ-છોડ વાવી, આ પ્રિંસિપાલે સૂકી જમીનને બનાવી દીધી ‘ફૂડ ફોરેસ્ટ’

આવો જ એક દુર્લભ છોડ સિંદૂરનો છે, જેના બીજ તેમણે એકત્રિત કર્યા અને બાદમાં સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર દેશમાં 450 લોકો સુધી પહોંચાડ્યા.

આને પોતાના ગ્રુપની સિદ્ધિ ગણાવતા કિરીટ દવે કહે છે, “ભગવાનને ચડાવેલું સિંદૂર સામાન્ય રીતે કેમિકલવાળું હોય છે, જ્યારે અમને આ છોડમાંથી ઓર્ગેનિક સિંદૂર મળે છે. અમને ખુશી છે કે અમે આને દેશભરના લોકો સુધી પહોંચાડ્યુ છે.”

Tree Lovers Group

નવી પેઢીને કુદરત સાથે જોડી
આ ગ્રુપ છોડ તો ઉગાડે જ છે અને સાથે બાળકો અને અન્ય લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા માટેનું કામ પણ કરે છે. ઉનાળાના વેકેશન દરમિયાન તે વિસ્તારના બાળકોને વૃક્ષો અને છોડ વિશે માહિતી આપે છે. એટલું જ નહીં, બાળકો રમતમાં છોડ સાથે મિત્રતા કરે એટલા માટે તેઓ બાળકોને એક સમયે એક છોડ અપનાવવાની સલાહ આપે છે. જે બાદ બાળકો છોડને પાણી આપવું, તેમની આસપાસ સ્વચ્છતા રાખવી જેવા કાર્યો પોતાની જવાબદારી પર કરે છે. ઘણા બાળકો આવી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે.

બિમાનનગરના રહેવાસી ગુંજન ત્રિવેદીએ ટ્રી લવર્સ ગ્રુપ વિશે જણાવ્યું હતું કે, “વૃક્ષારોપણના કામમાં વૃક્ષપ્રેમી ગ્રુપને ટેકો આપીને અમને ખૂબ આનંદ થાય છે. જે રસ્તાઓ પર પહેલાં માત્ર એક -બે વૃક્ષો હતા, આજે ત્યાં સરસ હરિયાળી છે. જો એક વૃક્ષ વરસાદ અને ભારે પવનને કારણે તૂટી જાય છે, તો તે તેની જગ્યાએ અન્ય ચાર વૃક્ષો રોપશે. આ સિવાય જો કોઈ પોતાના ઘર પાસે રોપા રોપવા ઈચ્છે તો રમેશ દવે જાતે જ આ છોડ પૂરા પાડે છે.”

Plantation Benefits

સાચા અર્થમાં વૃક્ષ પ્રેમી ગ્રુપના આ વડીલો અન્યને ઠંડી છાયા આપવાનું કામ કરી રહ્યા છે. ધ બેટર ઇન્ડિયાને આશા છે કે ઘણા લોકો આ વાર્તામાંથી પ્રેરણા લેશે અને તેમની આસપાસની ખાલી જગ્યાઓમાં વૃક્ષો રોપવાનું શરૂ કરશે.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: મળો અમૃત પાટીદારને, જેમણે 36 વર્ષમાં જાહેર જગ્યાઓ પર પોતાના ખર્ચે વાવ્યા 6 લાખ ઝાડ-છોડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe