Powered by

Home હટકે વ્યવસાય ગામનું ઈકો ફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, પાતાલકોટનાં સુકનસી પાસેથી ખરીદો પાંદડામાંથી બનેલ પડિયા

ગામનું ઈકો ફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, પાતાલકોટનાં સુકનસી પાસેથી ખરીદો પાંદડામાંથી બનેલ પડિયા

પાતાલકોટનાં આ ખેડૂતે સરકારી યોજનાનો લાભ લઈને શરૂ કર્યુ ઈકો ફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, બનાવે છે માહુલનાં પાનના પડિયા. આજે તેઓ આસપાસનાં ગામ અને હોટેલોમાં તેને વેચે પણ છે.

By Mansi Patel
New Update
Eco Friendly Bowl

Eco Friendly Bowl

છીંદવાડા (મધ્યપ્રદેશ)ની પાસે જમીનથી લગભગ 17000 ફૂટ નીચે વસેલી સુંદર ઘાટીનો વિસ્તાર પાતાલકોટ, પોતાના કુદરતી સૌદર્ય માટે જાણીતુ છે. અહીં લોકો પિકનીક કરવા અથવા તો ટ્રેકિંગ કરવા માટે આવે છે. આ આખો વિસ્તાર જમીનથી ઘણો નીચે છે અને જંગલોથી ઘેરાયેલો છે. અહીંનાં મોટાભાગનાં લોકો પોતાની આવક માટે ખેતી, મજુરી અથવા પર્યટન પર નિર્ભર રહે છે.

પાતાલકોટનાં રાતેડ ગામના ખેડૂત, સુકનસી ભારતી પણ પોતાની ત્રણ એકર જમીન પર મકાઈ અને અમુક મોસમી શાકભાજી ઉગાડતા હતા. પરંતુ તેનાથી વધારે નફો થતો ન હતો. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ, "કારણકે આ ઘાટીવાળો વિસ્તાર છે, એટલા માટે અહીં જમીન સમતલ હોતી નથી, જેને કારણે કંઈ પણ ઉગાડવાનું ઘણું પણ મુશ્કેલ હોય છે."

Patalkot

તેઓ કહે છે કે એકલા ખેતી કરીને ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું, તેથી તેણે આવકના સ્ત્રોતને વધારવા માટે ઇકોફ્રેન્ડલી કટોરી(બાઉલ) બનાવવાનું શીખ્યા. લગભગ પાંચ વર્ષ પહેલા છિંદવાડામાં રોજગાર તાલીમ કેન્દ્રમાં તેમણે સરકારી યોજનાનો લાભ લઈને આ તાલીમ લીધી હતી. જેમાં ત્રણ-ચાર દિવસની તાલીમ બાદ તેને કટોરી બનાવવાનું મશીન પણ મળી ગયું હતું. જો કે, પાતાલકોટનાં ઘણાં ખેડૂતોએ પણ આ તાલીમ લીધી હતી. પરંતુ સુકનસી સિવાય કોઈએ પાંદડામાંથી કટોરી બનાવવાનું કામ શરૂ કર્યું ન હતું. કટોરી બનાવવા માટે, તે જંગલમાં રહેલાં માહુલના પાનનો ઉપયોગ કરે છે. તેના ચાર પુત્રો પણ આ કામમાં તેમનો સાથ આપે છે. હાલમાં તે ખેતીની સાથે કટોરી બનાવવાનું કામ પણ કરી રહ્યા છે.

પર્યાવરણીય સંરક્ષણમાં કરે છે મદદ
સુકનસીએ કટોરી બનાવતા શીખતા પહેલા ઇંટો બનાવવાની તાલીમ પણ લીધી હતી. તેમણે પોતાનું મકાન બનાવવા માટે ઇંટો બનાવી હતી. પરંતુ તેમણે આ કામ બિઝનેસ તરીકે શરૂ કર્યું ન હતું. "મેં કટોરી બનાવવાનું પસંદ કર્યું કારણ કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના કરી શકાય છે." આ સમગ્ર ક્ષેત્રમાં, સુકનસી જ આવી ઈકો ફ્રેન્ડલી કટોરી બનાવવાનું કામ કરે છે. તેમને નજીકના ગામોમાં લગ્ન અથવા અન્ય કોઈ કાર્યક્રમમાં કટોરી માટેના ઓર્ડર મળે છે.

તેના સિવાય પાતાલકોટની આસ-પાસની હોટલવાળા પણ તેમની પાસેથી કટોરી ખરીદે છે. પ્લાસ્ટિકની જગ્યાએ આ ઈકો ફ્રેન્ડલી કટોરીનાં ઉપયોગથી પ્રદૂષણ ઘણી હદ સુધી ઘટી જાય છે. પાંદડામાંથી બનેલી આ કટોરીને તમે ઉપયોગ કર્યા બાદ ફેંકી પણ દો છો. તો થોડા સમય બાદ તે જાતે જ નષ્ટ થઈ જાય છે. જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતુ નથી.

Sustainable Bowl

કોરોના લોકડાઉનને કારણે વ્યવસાય ઓછો થયો
હાલમાં કોરોનાને કારણે, ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લાગેલો છે. આવી સ્થિતિમાં સુકનસીના કાર્યને પણ અસર થઈ છે. તેની પાસે 3000 કટોરી તૈયાર છે, જે તેણે લોકડાઉન દરમિયાન બનાવી હતી. તેને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બધું સામાન્ય થઈ જશે, ત્યારે તે આ કટોરી વેચવામાં સમર્થ હશે. તેમણે કહ્યું કે, જો વધુ કટોરીનો ઓર્ડર મળે તો તે પાતાલકોટની બહાર પણ મોકલી શકે છે. હાલમાં તે 100 કટોરી 60 રૂપિયામાં વેચે છે.

અત્યારે સુકનસી તેમના ખેતરમાં વાવણીનું કામ કરે છે
દેશના આવા ઘણા આદિવાસી વિસ્તારો છે, જ્યાં લોકો જંગલોમાં મળતી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવે છે. તેથી, આગલી વખતે, જ્યારે પણ તમે આવી જગ્યાએ ફરવા માટે જાવ, તો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા બનાવેલી વસ્તુઓ ચોક્કસપણે ખરીદો. ઉપરાંત, પિકનિક, જન્મદિવસ અથવા અન્ય કોઈપણ ઉજવણીમાં પ્લાસ્ટિકને બદલે આવા ઈકો ફ્રેન્ડલી ઉત્પાદનો અપનાવો.

જો તમે સુકનસી ભારતીજી પાસેથી, આ ઈકો ફ્રેન્ડલી કટોરીઓ ખરીદવા માંગો છો, તો તેમને 9098344062 પર કોલ કરીને તમારો ઓર્ડર આપી શકો છો.

નોટ - સુકનસી ખેતરમાં પણ કામ કરે છે. એટલે બની શકે કે, તેઓ ક્યારેક-ક્યારેક બે-ત્રણ વાર કોલ કર્યા બાદ જ ફોન ઉપાડે.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:
દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવાર પર નિર્ભર મહુવાના દિવ્યેશભાઈ પતરાળી બનાવી આર્થિક રીતે બન્યા આત્મનિર્ભર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.