Powered by

Home ગાર્ડનગીરી 650 ચો.ફૂટના ધાબામાં 600 છોડ, કમ્પોસ્ટ,બીજ અને કુંડા બધાનો જુગાડ કરે છે સુરતની મહિલા

650 ચો.ફૂટના ધાબામાં 600 છોડ, કમ્પોસ્ટ,બીજ અને કુંડા બધાનો જુગાડ કરે છે સુરતની મહિલા

સુરતની મીનલ પંડ્યાનો લૉકડાઉન દરમિયાન ગાર્ડનિંગ માટે શોખ વધ્યો અને ઘરમાં જ બેઠાં-બેઠાં ઑનલાઈન ગાર્ડનિંગ શીખી ધાબામાં ફળ-શાકભાજી વાવવાનાં શરૂ કર્યાં. નકામી વસ્તુઓમાંથી બનાવી લીધું કિચન ગાર્ડન.

By Mansi Patel
New Update
Minal Pandya Gardening

Minal Pandya Gardening

ગયા વર્ષે, કોરોના રોગચાળાને કારણે, લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. લોકો રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓ માટે પણ ડરીને બહાર નીકળતા હતા. આવી સ્થિતિમાં, સુરતમાં રહેતી મીનલ પંડ્યાએ લોકડાઉન દરમિયાન જ તેની છતને બગીચામાં ફેરવવાનું શરૂ કર્યું. તે સમયે તેમના પતિ તેમને કુંડા અને ખાતર લાવવાની પણ પરવાનગી આપતા ન હતા. કારણ કે ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. પરંતુ મીનલને ઘરમાં શાકભાજી ઉગાડવાનો એટલો શોખ હતો કે તેણે જાતે ખાતર બનાવીને ચણા, મરચાં, ટામેટા વગેરે ઉગાડવાનું શરૂ કર્યું.

મીનલે કુંડા માટે ચોખા, દાળના પેકેટ અને તેલના ખાલી ડબ્બા સહિતની દરેક નકામી વસ્તુઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. કોરોના મહામારી દરમિયાન તે ઓછી ભીડવાળા રસ્તાની સાઈડમાંથી માટી લાવતી હતી.

મીનલ છેલ્લા દોઢ વર્ષથી બાગકામ કરી રહ્યા છે અને આજે તે તેના પરિવારને અઠવાડિયામાં બે વાર ઘરે ઉગાડેલી શાકભાજી ખવડાવી રહ્યા છે.

gardening activities

આ પણ વાંચો:માતાનું કેન્સરથી અવસાન થતાં સુરતના યુવાને ઘરમાં જ શરૂ કર્યાં ફળ-શાકભાજી વાવવાનાં

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા મીનલ કહે છે, “મારા ઘરમાં પહેલા માત્ર 10 કુંડા જ હતા. આમાંના કેટલાક ફૂલો અને સુશોભન છોડ વર્ષોથી ઉગતા હતા. આ છોડની સંભાળ રાખવા માટે મેં એક માળી પણ રાખ્યો હતો. પરંતુ પાછલા એક વર્ષમાં, મેં જાણ્યુ છે કે જાતે જ બાગકામ કરવામાં ખૂબ મજા આવે છે.”

મીનલના કહેવા પ્રમાણે, તમે ઓછામાં ઓછી સુવિધા સાથે સારો બગીચો બનાવી શકો છો. તમારે ફક્ત દરેક છોડ વિશે સારી માહિતી એકત્રિત કરવાની જરૂર છે.

gardening at home

આ પણ વાંચો:ન બાઉન્ડ્રી વૉલ છે, ન સારો તડકો! સરકારી ક્વાર્ટરમાં 400 છોડ વાવી કમાય છે હજારો રૂપિયા

બાગકામનો શોખ
વ્યવસાયે શિક્ષિકા મીનલ, સમય અને ઘરની જવાબદારીઓને કારણે અગાઉ વધુ છોડ ઉગાડતી ન હતી. પણ એવું નહોતું કે તેને તેનો શોખ નહોતો. તે લગ્ન પહેલા તેની માતાને બાગકામ કરતી જોતી હતી. તે કહે છે, “મારી માતા પણ ઘરે શાકભાજી ઉગાડતી હતી. પરંતુ આજે બાગકામ મારા જીવનનો અભિન્ન અંગ બની ગયુ છે. મારી માતા પણ આ જોઈને ખૂબ ખુશ થાય છે."

લોકડાઉનના થોડા સમય પહેલા જ મીનલે નોકરી છોડી દીધી હતી. તેથી તે સમય દરમિયાન તે એકદમ ફ્રી હતી. ત્યારે તેને તેની 650 ચોરસ ફૂટની ટેરેસ પર શાકભાજી ઉગાડવાનો વિચાર આવ્યો. તેણે ઘરમાં જે પણ બીજ હતા તેમાંથી કેટલાક છોડ ઉગાડવાનું શરૂ કર્યું.

તે કહે છે, “મેં પણ શરૂઆતમાં ચણા ઉગાડ્યા હતા. જ્યારે મેં મારા ઘરમાં ચણા ઉગતા જોયા, ત્યારે મને ખૂબ પ્રોત્સાહન મળ્યું. મને લાગ્યું કે મારી થોડી મહેનતને કારણે પરિવારને ઓર્ગેનિક શાકભાજી મળી રહી છે. આનાથી સારું શું હોઈ શકે? હવે બાગકામ મારું કામ બની ગયું છે."

મીનલ શાકભાજી ઉપરાંત તેના roof terrace gardenમાં ફળો પણ ઉગાડે છે, જેમાં કેરી, કેળા, સીતાફળ, શેતૂર, સ્ટાર ફ્રુટ, ડ્રેગન ફ્રુટ, અનાનસનો સમાવેશ થાય છે. ફળના છોડ માટે તેણે ગ્રો-બેગ્સનો ઉપયોગ કર્યો છે. લોકડાઉન દરમિયાન તે આ છોડને અનાજની બોરીઓમાં ઉગાડતી હતી.

મીનલના બગીચામાં પાંચ રંગીન હિબિસ્કસના છોડ પણ છે. તો, તે કેટલાક મોસમી ફૂલો પણ ઉગાડે છે, જે બગીચાની સુંદરતામાં વધારો કરે છે.

તેણે કહ્યું, “આ ઠંડીની મોસમમાં મેં બહારથી લીલી ડુંગળી, લીલું લસણ, ટામેટાં, મેથી અને પાલક બિલકુલ ખરીદ્યાં નથી. આ શાકભાજીને બહુ મોટા કુંડાની જરૂર હોતી નથી, તેથી મેં નાના કંટેનરમાં ઘણા છોડ ઉગાડ્યા છે.”

 Surat Gardener

આ પણ વાંચો:300 કરતાં વધારે છોડના ગાર્ડનિંગ સાથે 100 કરતાં વધારે પક્ષીઓએ સાચવે છે ગોંડલનો યુવાન

બાગકમથી રસોડાનો કચરો થયો ખતમ
મીનલે જણાવ્યું કે ગાર્ડનિંગને કારણે તેમના ઘરનો કચરો હવે બહાર જતો નથી. તે છોડને પ્રોપોગેટ કરવા માટે આઈસ્ક્રીમ અને ફૂડ બોક્સનો ઉપયોગ કરે છે. આ સાથે રસોડાના બાયો-વેસ્ટનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય છે.

બાગકામના અનેક ફાયદાઓ પૈકી સૌથી મોટો ફાયદો મીનલ વેસ્ટ મેનેજમેન્ટને માને છે. હવે તેના ઘરનો કચરો નહિવત થઈ ગયો છે. શેમ્પૂની બોટલોથી માંડીને શાકભાજી ધોયા પછી બાકી રહેલું પાણી, બધાનો ઉપયોગ તેમના roof terrace gardenમાં થાય છે.

મીનલ કહે છે, “દાળ-શાક માટે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કર્યા પછી હું મિક્સરનાં વાસણનું પાણી પણ જંતુનાશક તરીકે છોડ પર નાખુ છું. જેના કારણે નાના જંતુઓ સરળતાથી મરી જાય છે.”

લોકડાઉન સમયે તેણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી ઓનલાઈન ગાર્ડનિંગ કોર્સ પણ કર્યો હતો. હવે મીનલ પોતાના જેવા નવા ગાર્ડનરને ઘણા છોડ આપે છે. તેના પતિ અને બે બાળકો પણ તેને બાગકામમાં મદદ કરે છે.

શાકભાજી અને ફળોની સાથે મીનલને ઔષધીય વનસ્પતિઓમાં પણ ખૂબ રસ છે. તેણીએ ઘણા ઔષધીય છોડ ઓનલાઈન પણ ઓર્ડર કર્યા છે, જેનો તે નિયમિત ઉપયોગ પણ કરે છે. તેમની પાસે એક ખાસ ગરમ મસાલાનો છોડ છે, જેના એક પાનથી શાકમાં તમામ મસાલાનો સ્વાદ આવે છે.

surat gardening

આ પણ વાંચો:ધ બેટર ઈન્ડિયાથી શીખ્યાં હોમ કંપોસ્ટિંગ અને ટેરેસને ફેરવી દીધુ હર્યા-ભર્યા ગાર્ડનમાં

ગાર્ડનિંગ પ્રત્યેના પ્રેમ વિશે મીનલ કહે છે, “પહેલાં હું નોકરી કરતી હતી અને જ્યારે હું ઘરે આવતી ત્યારે હું ખૂબ થાકી જતી, આમ છતાં મને સારી રીતે ઊંઘ આવતી નહોતી. પરંતુ જ્યારથી મેં બાગકામ શરૂ કર્યું ત્યારથી હું દરરોજ શાંતિથી સૂઈ જાઉં છું. હું દરેકને કહું છું કે જો ઘરમાં ખાલી જગ્યા હોય તો ચોક્કસથી થોડા-ઘણા છોડ તો વાવો જ.”

મીનલની આ કહાની કહે છે કે ગાર્ડનિંગ કરવા માટે મોંઘી વસ્તુઓની જરૂર નથી હોતી, શોખ પૂરતો છે. તો વિલંબ શેનો છે, તમારે પણ તમારા ઘરમાં છોડ ઉગાડવાની શરૂઆત કરવી જોઈએ અને એક સુંદર Roof Terrace Garden તૈયાર કરવું જોઈએ.

હેપી ગાર્ડનિંગ!

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:બ્રેઈન સ્ટ્રોક બાદ પણ ગાર્ડનિંગ કરી તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે આ 67 વર્ષનાં પ્રોફેસર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો