અમદાવાદના થલતેજમાં રહેતા સોશિયલ વર્કર અમરીષ પટેલના ઘરમાં 8 એસી, 20 પંખા અને 3 ફ્રિજ સહિત બધી જ સુવિધાઓ હોવા છતાં લાઈટબિલ આવે છે 'ઝીરો', તો આંગણ અને ધાબામાં કરી એટલી સરસ હરિયાળી કે, સવારે પ્રેમથી જગાડે છે પક્ષીઓ.
અમદાવાદના થલતેજમાં રહેતા અમરીષ પટેલ નવી ભોજન પ્રથા પ્રમોટ કરે છે. જેમાં સ્વાસ્થ્ય અંતર્ગત કોઈપણ રોગ હોય તો, તેની મફતમાં સારવાર કરે છે. એસિડિટીથી લઈને કેન્સર સુધીના બધા જ રોગોનો તેઓ પ્રાકૃતિક રીતે ઈલાજ કરાવે છે. આની સાથે-સાથે તેઓ બીજા ઘણા સેવાકાર્યો સાથે જોડાયેલ છે.
સંપૂર્ણરીતે પ્રકૃતિ સાથે સુમેળ સાધી જીવવામાં માનતા અમરીષભાઈનો અમદાવાદમાં ભવ્ય બંગલો છે, જેમાં 8 એસી, 3 ફ્રિજ, 20 પંખા અને અન્ય બધાં જ ઈલેક્ટ્રિક સંસાધનો છે. એક સમયે તેમના ઘરનું લાઈટબિલ 20-25 હજાર આવતું હતું, જે અત્યારે ઘટીને ઝીરો જ થઈ ગયું છે એમ નહીં, પરંતુ ઉપરથી 2-3 હજાર ક્રેડિટ રહે છે.
અઢી વર્ષ પહેલાં લગાવી સોલર પેનલ
અમરીષભાઈ પાસે જગ્યા તો હતી જ અને અત્યારે સરકાર પણ સોલર ઉર્જા પર ખૂબજ ધ્યાન કેન્દ્રિત કરે છે, એ જોઈ લગભગ અઢી વર્ષ પહેલાં 5 કિલોવૉટની સોલન પેનલ નખાવી હતી. જે તેમને સબસિડી બાદ 1 લાખ 60 હજારમાં પડી હતી.
સોલર પેનલની બીજી એક મહત્વની વાત વિશે જણાવતાં અમરીષભાઈએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “જેના પણ ઘરમાં જગ્યા હોય તેમણે સોલર પેનલ તો ચોક્કસથી જ લગાવડાવવી જ જોઈએ, કારણકે આ એક વન ટાઇમ ઈન્વેસ્ટમેન્ટ સમાન છે. આમાં બીજું કઈં મેન્ટેનેન્સ નથી. અઠવાડિયામાં માત્ર એક વાર છૂટા પાણીથી ધોઈ દઈએ એટલે સાફ થઈ જાય છે અને ચોમાસામાં તો તેની પણ જરૂર નથી પડતી. સોલર પેનલ પરથી ધૂળ નીકળી જાય એટલે વધુમાં વધુ સૂર્ય-ઉર્જા તેમાં શોષાય છે અને વધારે પાવર બને છે. સૌર ઉર્જા માટે કોઈપણ પ્રકારનું પ્રદૂષણ પણ નથી થતું.”
સૂર્યઉર્જાનો વધુ એક જગ્યાએ પણ તેઓ ઉપયોગ કરે છે. વર્ષો સુધી અમેરિકામાં લૉન્સ એન્જેલસમાં રહીને આવેલ અમ્રિશભાઈ અહીં RO ના પાણીનો ઉપયોગ નથી કરતા. તેઓ માને છે કે, RO ના ઉપયોગથી લગભગ બમણા પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે. એટલે તેઓ મ્યૂનિસિપાલિટી દ્વારા આવતા નર્મદાના પાણીને જ કાચના વાસણમાં ભરે છે અને તેને એક આખો દિવસ સૂરજના તડકામાં મૂકી રહે છે. જેથી સૂર્યની ગરમીના કારણે પાણીમાં કોઈપણ પ્રકારના બેક્ટેરિયા હોય તો તેનો નાશ થાય છે, આ પાણી સૂર્ય ઉર્જિત ગણાય છે.
તો નહાવા-ધોવા માટેના ગરમ પાણી માટે પણ ગેસ કે ઈલેક્ટ્રિક હિટરની જગ્યાએ તેઓ સોલર હિટરનો જ ઉપયોગ કરે છે, જેથી વિજળી કે રાંધણ-ગેસનો બચાવ થાય.
ઘરની ચારેય બાજુ અને ધાબામાં હરિયાળી
ઘરની આસપાસની જગ્યામાં અમરીષભાઈએ લગભગ 16 મોટાં ઝાડ વાવેલ છે અને 70 કુંડાંમાં છોડ વાવેલ છે. તો ધાબામાં કરેલ ગાર્ડનમાં પણ લગભગ 70 છોડ છે. જેમાં તેઓ ઓછી માવજત કરવી પડે અને સુંદર ફૂલો આવે તેવા છોડને પ્રાધાન્ય આપે છે. તો સપ્તપર્ણી, આસોપાલવ સહિતનાં ઝાડ છે. તો ઉપરના બીજા ધાબામાં તેઓ વેજિટેબલ ગાર્ડન બનાવવાની તૈયારી કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં એકપણ શાકભાજી બજારમાંથી લાવવાની જરૂર ન પડે અને ઘરે જ જૈવિક રીતે વાવેલ શાકભાજી બારેયમાસ મળી રહે.
અમરીષભાઈ અને તેમના પરિવાર માટે ગાર્ડનિંગ એક અદભુત અનુભવ છે. તેમના જણાવ્યા અનુસાર, ઘરમાં હરિયાળીના કારણે સકારાત્મકતા ફેલાય છે. અને રાત્રે હરિયાળીની વચ્ચે સૂવાથી ઊંઘ તો સરસ આવે જ છે, સાથે-સાથે સવારે પક્ષીઓના કલરવ સાથે ઊઠવાથી મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે. સ્વસ્થ જીવનના કારણે અમરીષભાઈનાં માતા આજે 80 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ છે અને જે દિવસે અમરીષભાઈ ઘરે ન હોય એ દિવસે આ બધા જ ઝાડ છોડને પાણી પાવાનું અને માવજતનું કામ તેમની માતા જ કરે છે.
તો પાણી ઝમે તો ભેજ ન થાય એ માટે તેઓ એકદમ સરળ સલાહ આપતાં જણાવે છે કે, દરેક કુંડા નીચે એક પ્લેટ રાખવી જોઈએ, જેથી પાણી ઝમ્યું હોય તો તે ડીસમાં જ ભેગું થાય અને તેને નિયમિત સાફ કરતા રહેવું. જેથી ધાબામાં ભેજની સમસ્યા નહીં નડે. આ ઉપરાંત ગાર્ડનિંગનો શોખ હોય અને પૈસાની સગવડ ઓછી હોય તો પણ બહુ સારી રીતે ગાર્ડનિંગ કરી શકાય છે. ઘણા છોડને માત્ર કટિંગથી વાવી શકાય છે, તેના રોપા ખરીદવાની પણ જરૂર નથી પડતી. તો ઘરમાં પડેલ નકામી બેગ્સ, ડબ્બા, ડોલ, ટબ વગેરેમાં છોડ વાવી શકાય છે અને તેની અલગ-અલગ રીતે સજાવટ પણ કરી શકાય છે. આ માટે આજકાલ સોશિયલ મીડિયા, યુટ્યૂબ પર ઘણી ટિપ્સ અને વિડીયો પણ મળી રહે છે.
આગામી સમયમાં સોસાયટીમાં બનશે રેન વૉટર હાર્વેસ્ટિંગ
સતત બોર કૂવાના વપરાશના કારણે પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. જેના કારણે ભૂસ્તર સતત ખાલી થઈ રહ્યા છે અને પાણીની ગુણવત્તા પણ બગડી રહી છે. અત્યારે મળી રહેલ ખારું પાણી પણ તેનું જ પરિણામ છે. તો બીજી તરફ વરસાદનું પાણી ગટર મારફતે વહી જાય છે. એટલે હવે આગામી સમયમાં તેમની સોસાયટીમાં જ બધા જ સભ્યો વચ્ચે એક રેન વૉટર હાર્વેસ્ટિંગ પ્લાન બનાવવાની યોજના છે.
Say No To Plastic
છેલ્લાં 10 વર્ષથી અમરીષભાઈએ ઘરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ લગભગ બંધ કર્યો છે. તેમણે અલગ-અલગ માપની કાપડની થેલીઓ વસાવી રાખી છે, જેથી જ્યારે પણ ખરીદી માટે જાય ત્યારે પ્લાસ્ટિકની થેલી લેવાની જરૂર નથી પડતી. અને જો ભૂલથી પ્લાસ્ટિક આવી જાય તો તેને કચરામાં ફેંકવાની જગ્યાએ રિયૂઝ કે રિસાયકલમાં ઉપયોગમાં લે છે.
અંતમાં અમરીષભાઈ માત્ર એકજ વાત કહે છે કે, અત્યારના સમયમાં દરેક વ્યક્તિને પર્યાવરણને બચાવવવા પોતાનાથી શક્ય એટલી મદદ કરવી જ જોઈએ, પરંતુ જો તમે કઈં ન કરી શકો તો, એટલો પ્રયત્ન તો ખાસ કરવો જોઈએ કે, તમારા કારણે પર્યાવરણને નુકસાન ન થાય.
આ પણ વાંચો: કાર ચાર્જીંગથી લઈને ગરમ પાણી સુધી, આ એપાર્ટમેન્ટમાં બધુ જ ચાલે છે સોલર એનર્જીથી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167