કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી

બાળપણમાં જ પિતાનું અવસાન થયું, 11 વર્ષની ઉંમરે લગ્ન થયાં, પરંતુ તેમનું પણ નિધન થયું. દુ:ખ અને એકલતાને ભૂલવા ઝાડ છોડ વાવવાનાં શરૂ કર્યાં. આજ સુધીમાં ક્યારેય શાળાનું પગથિયું ન ચડનાર તુલસી ગૌડા વાવી ચૂક્યાં છે 1 લાખ કરતાં વધારે ઝાડ. રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માન થતાં જ આજે દુનિયાભરમાં જાણીતાં બન્યાં છે.

Tulsi Gowda Padma Shri 2021 Winner

Tulsi Gowda Padma Shri 2021 Winner

આજે આખા દેશમાં પદ્મશ્રી અવૉર્ડની ચર્ચા છે, જેનું કારણ છે, કેટલીક એવી વિભૂતિઓ, જે પહેલીવાર જોવા મળી. દેશ માટે તેમના ચહેરા અને નામ બંને નવા હતાં, પરંતુ તેમનાં કામ ખરેખર અવર્ણનિય છે.

પગમાં ચપ્પલ નહીં, આખુ શરીર માત્ર એક સાડીમાં જ લપેટાયેલ હોય અને જરા પણ મોટપ વગર જ્યારે તુલસી ગૌડા રાષ્ટ્રપતિ સામે પુરસ્કાર માટે ઉપસ્થિત થયાં ત્યારે દુનિયાને જીવતો-જાગતો એનસાઈક્લોપેડિયા, સાદગી અને કર્મનિષ્ઠતાનો દાખલો જોવા મળ્યો.

કર્ણાટકના એક ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલ તુલસી ગૌડાએ ક્યારેય નિશાળનું પગથિયું પણ ન ચડી હોવા છતાં, છેલ્લા 6 દાયકામાં પર્યાવરણને બચાવવા એક આખુ જંગલ ઊભુ કરી દીધું. તેમને અહીંનાં બધાં જ વૄક્ષો અને જડી-બુટીઓનું એટલું બધુ જ્ઞાન છે કે, અત્યારે તેઓ 'ઈનસાઈક્લોપીડિયા ઓફ ફોરેસ્ટ' તરીકે ઓળખાય છે. તેઓ માત્ર 12 વર્ષનાં હતાં ત્યારથી જ ઝાડ-છોડ ઉછેરવાનાં શરૂ કરી દીધાં હતાં અને ત્યાર સુધીમાં લગભગ 30 હજાર છોડ રોપ્યા છે અને તેમને ઉછેરી મોટાં વૃક્ષ પણ બનાવ્યાં. જો તુલસી ગૌડાના જીવન સંઘર્ષોનું અનુકરણ કરવામાં આવે તો ચોક્કસથી શિક્ષણ અને સંસાધનોની દુનિયામાં અમૂલ્ય પરિવર્તનો લાવી શકાય.

Tulsi Gowda Padma Shri

ઉલ્લેખનિય છે કે, તુલસીનો જન્મ કર્ણાટકની હલક્કી જનજાતિના એક પરિવારમાં થયો હતો. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી અને નાની ઉંમરમાં જ માતા સાથે બહેનોએ કામ કરવાનું શરૂ કરી દીધું. જેના કારણે તેમને ક્યારેય શાળાએ જવાની તક જ ન મળી. માત્ર 11 વર્ષની ઉંમરે તો તુલસીનાં લગ્ન પણ થઈ ગયાં, પરંતુ પતિનું પણ થોડા જ દિવસોમાં નિધન થયું.

જીવનના દુ:ખ અને એકલતાને દૂર કરવા માટે જ તુલસીએ ઝાડ-છોડની સંભાળ રાખવાનું શરૂ કર્યું અને ધીરે-ધીરે તેનો તેમાં રસ વધતો જ ગયો અને રાજ્યની વનીકરણ યોજનામાં પણ જોડાઈ. વર્ષ 2006 માં તેને જંગલ વિભાગમાં વૃક્ષારોપકની નોકરી મળી અને ચૌદ વર્ષના કાર્યકાળ બાદ આજે તે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. આ દરમિયાન તેમણે અગણિત ઝાડ વાવ્યાં અને જૈવિક વિવિધતા સંરક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું.

72 વર્ષનાં તુલસીને અંદાજો પણ નથી કે તેમણે અત્યાર સુધીમાં કેટલાં ઝાડ વાવ્યાં છે. અંદાજે 40 હજાર ઝાડ વાવ્યાં છે એમ કહેનાર તુલસીએ અત્યાર સુધીમાં એક લાખ કરતાં પણ વધારે ઝાડ વાવ્યાં છે. આખુ જીવન ઝાડ અને પ્રકૃતિ માટે સમર્પ્તત કરનાર તુલસી પાસે દરેક ઝાડ-છોડની ગજબ જાણકારી છે. કયા ઝાડને કેટલું પાણી આપવું, કયું ઝાડ કઈ માટીમાં ઊગે છે, તેના શું ફાયદા છે, બધું જ તેમને મોઢે છે.

આજે પણ તુલસીનું આ કાર્ય ચાલું જ છે અને સાથે-સાથે બાળકોને જીવનમાં ઝાડ-છોડનું મહત્વ પણ સમજાવે છે.

માહિતી સૌજન્ય: નંદકિશોર પ્રજાપતિ કાનવન

તસવીર સૌજન્ય: લવ કુશ

આ પણ વાંચો: 2 ઝાડથી થયેલ શરૂઆત પહોંચી 5 હજારે, સૌરાષ્ટ્રના જગમલભાઈએ નકામી વસ્તુઓમાંથી બનાવી બાલવાટિકા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe