Powered by

Home જાણવા જેવું માઈક્રોવેવ આવ્યા તે પહેલાંથી જ ભારતનાં આ ગામમાં બની રહ્યા છે માઈક્રોવેવ-સેફ વાસણો

માઈક્રોવેવ આવ્યા તે પહેલાંથી જ ભારતનાં આ ગામમાં બની રહ્યા છે માઈક્રોવેવ-સેફ વાસણો

ભારતના આ ગામમાં પરંપરાગત વાસણોની વિદેશોમાં રહે છે માંગ, વર્ષોથી બનાવે છે ખાસ વાસણો

By Mansi Patel
New Update
Longpi Hampai Pottery

Longpi Hampai Pottery

માઇક્રોવેવ પ્રૂફ વાસણો માત્ર મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના શહેરો અને કસ્બાઓમાં પણ પોતાનું સ્થાન બનાવવા લાગ્યા છે. આ જ કારણ છે કે માઇક્રોવેવ-પ્રૂફ વાસણોનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. હવે ઘરમાં માઇક્રોવેવ હોય કે નહીં, પરંતુ લોકો માઇક્રોવેવ સેફ હોય તેવા વાસણો ખરીદે છે, આશા છે કે અમુક સમયે તેઓ માઇક્રોવેવ ખરીદશે. પરંતુ અહીં તમારે જાણવાની જરૂર છે કે ભલે માઇક્રોવેવ એક વિદેશી ટેકનોલોજી છે, પરંતુ માઇક્રોવેવ પ્રૂફ વાસણો અહીં વર્ષોથી બનાવવામાં આવે છે. આજે અમે તમને આવા જ એક વાસણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મણિપુરના પ્રખ્યાત પરંપરાગત કાળા વાસણો માત્ર ઇકો ફ્રેન્ડલી જ નથી પણ માઇક્રોવેવ સેફ પણ છે. તેઓ વિશ્વભરમાં લોંગપી હમ્પાઈ (Longpi Hampai) તરીકે ઓળખાય છે. આનું કારણ એ છે કે આ વાસણો રાજ્યના ઉખરુલ જિલ્લા નજીક આવેલા લોંગપી ખુલેન (Longpi Khullen)અને લોંગપી કજુઇ (Longpi Kajui)નામના બે ગામોમાં મળતા ખાસ પથ્થર અને માટીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. આ એક પરંપરાગત શૈલી છે, જેમાં વાસણો બનાવવા માટે ચાકનો ઉપયોગ થતો નથી. તેના બદલે તે મોલ્ડ અને સાધનોની મદદથી હાથથી બનાવવામાં આવે છે.

કહેવાય છે કે આ કળા ઘણી જૂની છે અને મણિપુરની તંગખુલ નાગા જનજાતિ પેઢીઓથી આ વાસણો બનાવી રહી છે. આ વાસણો, જેનો ઉપયોગ ફક્ત બાળકના જન્મ પર અથવા ખાસ પ્રસંગો માટે કરવામાં આવતો હતો, એક સમયે માત્ર રાજવી ઘરોના લોકો જ ખરીદી શકતા હતા. તેથી જ તેમને 'શાહી વાસણો' પણ કહેવામાં આવે છે. કાળા રંગના આ વાસણો આજે માત્ર તેમની પરંપરાગત શૈલીને કારણે જ નહીં પરંતુ તેમના ગુણોને કારણે પણ મહાનગરોમાં અને વિદેશમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.

publive-image
Making of Longpi (Source)

લોંગપી વાસણની વિશેષતા શું છે
આ વાસણોના ઉત્પાદન માટે સર્પાકાર ખડક તોડીને માટીનું સ્વરૂપ આપવામાં આવે છે. ઘણી પેઢીઓથી આ કળાથી વાસણો બનાવી રહેલા દિલ્હીના રહેવાસી મેથ્યુ સસા કહે છે, “આ પત્થરો લોંગપી ગામમાં નદીના કિનારે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમના પાવડરમાં ખાસ બ્રાઉન માટી ભેળવવામાં આવે છે. પછી પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. માટીને યોગ્ય રીતે તૈયાર કર્યા પછી, તેમાંથી વાસણો બનાવવામાં આવે છે. તેઓ કાળા રંગના હોય છે અને તે દેખાવમાં સુંદર હોવાની સાથે-સાથે ભોજન પકાવવા અને ખોરાક સંગ્રહવા માટે પણ ઉત્તમ છે.”

તેમણે કહ્યું કે આ વાસણો ચાકની મદદ વગર બનાવવામાં આવે છે. તેથી તેમાં ઘણી બધી ડિઝાઇન લોકો બનાવી શકે છે. એકવાર વાસણ જ્યારે બની જાય છે, ત્યાર બાદ તેને સૂર્યમાં સૂકવવામાં આવે છે. થોડા કલાકો સુધી સૂકવ્યા પછી, તેને ખુલ્લામાં આગમાં શેકવામાં આવે છે. લગભગ સાત કલાક સુધી આગમાં શેક્યા પછી, વાસણોને ગરમ જ બહાર કાઢવામાં આવે છે. તેને માછી(Pasania pachyphylla)નામના સ્થાનિક પાનથી ઘસવામાં આવે છે અને સરળ બનાવવામાં આવે છે.

મેથ્યુ કહે છે કે સમગ્ર પ્રક્રિયામાં છ દિવસ લાગે છે. આ વાસણો બનાવવા માટે તમામ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના રસાયણોનો ઉપયોગ થતો નથી. તેથી, આ વાસણોમાં ખોરાક રાંધવા અને સંગ્રહ કરવો પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. લોંગપી વાસણોનો ઉપયોગ માટીના ચૂલા, ગેસ અને માઇક્રોવેવમાં પણ થાય છે. આ વાસણો સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. તેમનું કહેવું છે કે આ વાસણોને ગેસ અથવા ચૂલા ઉપરથી ઉતાર્યા પછી પણ તેમાં ખોરાક લાંબા સમય સુધી ગરમ રહે છે. તમે લોંગપી સ્ટાઇલથી બનાવેલ કડાઇ, હાંડી, કેટલ, કપ, મગ, ટ્રે, ફ્રાઈંગ પેન વગેરે ખરીદી શકો છો.

publive-image
Karipots (Source)

વિદેશોમાં પણ માંગ વધી રહી છે
મેથ્યુ મૂળ લોંગપીનો છે. તેણે આ કળા તેના પિતા પાસેથી શીખી હતી. તેના પિતા મચીહન સસા વર્ષોથી લોંગપી વાસણો બનાવે છે. તેમણે યુવા પેઢીઓને આ કલા શીખવવા માટે 'સસા હેમ પોટરી ટ્રેનિંગ કમ પ્રોડક્શન સેન્ટર' પણ શરૂ કર્યું. લોંગપી આર્ટના ક્ષેત્રમાં તેમના કામ માટે તેમને 1988માં નેશનલ એવોર્ડ સર્ટિફિકેટ અને 2008માં શિલ્પ એવોર્ડ પણ મળ્યો છે.

મેથ્યુ કહે છે, “હું શાળા સમયથી મારા પિતા સાથે આ કામ કરી રહ્યો છું. જ્યારે મે સ્કૂલ પાસ કરી, ત્યારે મને એકવાર તેની સાથે દિલ્હીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મેળામાં ભાગ લેવાનો મોકો મળ્યો. મેં જોયું કે માત્ર શહેરોના લોકો જ નહીં પણ વિદેશીઓ પણ અમારા ઉત્પાદનોને ખૂબ પસંદ કરી રહ્યા છે. મેળો પૂરો થયા બાદ તેઓ મણિપુર પરત ફરવાના હતા. પછી મેથ્યુને લાગ્યું કે જો તે આ કલાને આગળ વધારવા માંગતો હોય તો તેને મણિપુરની બહાર તેનું માર્કેટિંગ કરવું પડશે. એટલા માટે મેથ્યુએ તેના પિતાને કહ્યું કે તેઓ દિલ્હીમાં રહીને લોંગપી કલા ચાલુ રાખશે. તેમણે રાત -દિવસ મહેનત કરી અને દિલ્હીમાં 'મેથ્યુ સસા ક્રાફ્ટ' નામનું પોતાનું આઉટલેટ શરૂ કર્યું. આજે, આ આઉટલેટમાંથી, તે માત્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોના લોકોને જ નહીં, પણ અમેરિકા, કેનેડા, જર્મની, જાપાન જેવા દેશોના ગ્રાહકોને પણ લોંગપી વાસણો પહોંચાડી રહ્યા છે.

તેમણે કહ્યું, “અમારી પરંપરાગત શૈલીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ઓળખ મળી છે. આજે અમને ઘણા એક્સપોર્ટ હાઉસ, નેશનલ એમ્પોરિયમ વગેરે પાસેથી ઓર્ડર મળે છે. આ સિવાય મને દર મહિને વિવિધ દેશોમાંથી ઓર્ડર પણ મળે છે. અમારા વાસણો વિદેશીઓ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. દર મહિને મને વિદેશમાંથી 3 થી 4 લાખ રૂપિયાના ઓર્ડર મળી રહ્યા છે.”

આજે દેશમાં ઘણા લોકો માટીકામ સાથે લોંગપી માટીકામનો વ્યવસાય કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાને કારણે આજે ઘણા યુવાનો આ કાર્યમાં જોડાઈ રહ્યા છે.

બેંગલુરુ સ્થિત Zishta કંપની તેના ઉત્પાદનો દુબઈ, યુએસએ જેવા દેશોમાં પહોંચાડી રહી છે. તેથી લંડન સ્થિત ડિઝાઈન સ્ટુડિયો Tiipoiએ બેંગ્લોરમાં પોતાનો વર્કશોપ સેટઅપ કર્યો છે. આ સ્ટુડિયો ભારતની ઘણી હસ્તકલાઓને આંતરરાષ્ટ્રીય ઓળખ આપી રહ્યો છે. જેમાં લોંગપી વાસણો પણ સામેલ છે.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

કવર ફોટો

આ પણ વાંચો:માટીનાં વાસણ: જાણો ક્યાંથી ખરીદી શકો છો અને કેવી રીતે કરશો ઉપયોગ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.