લૉકડાઉનમાં વર્ક ફ્રોમ હોમથી કંટાળેલા મિત્રોની રોમાંચક યાત્રા, માત્ર 25,000 માં 24 દિવસની સફર
બેકન જ્યૉર્જ, એલીન જોસેફ અને રિતેશ ભાલેરાવ સાઈકલિંગ દરમિયાન તમિલનાડુના મુપ્પંડલમાંથી પસાર થતી વખતે એક અજાણી જગ્યાએ જ રોકાવાનું નક્કી કરે છે.
આસપાસના અદભુત કુદરતી સૌંદર્યને અવગણી બેકન જ્યૉર્જ ફટાફટ પોતાનું લેપટોપ ચાલુ કરે છે અને કાંસકાથી વાળ સરખા કરી દિવસનો રિપોર્ટ રજૂ કરે છે.
કૉલ પૂરો થયા બાદ 31 વર્ષના આ યુવાનને અચાનક અહેસાસ થાય છે કે, તે જે ગામમાં છે તે તો હટકે છે. અહીં લગભગ દર એક કિલોમીટરે પવનચક્કીનાં સ્ટેશન છે. ફટાફટ ગૂગલ પર આ બાબતે સર્ચ કરતાં ખબર પડી કે, તેઓ તો એશિયાના સૌથી મોટા પવનચક્કીના ક્લસ્ટરમાં છે, જ્યાં 3000 કરતાં પણ વધારે પવનચક્કીઓ છે.
ગત ડિસેમ્બરનો આ અનુભવ તાજો કરતાં આ ત્રણ મિત્રોએ તેમના વર્ક ફ્રોમ હોમના અનુભવને કેવી રીતે વર્ક ફ્રોમ સાઈકલ અનુભવમાં ફેરવ્યો તે અંગે જણાવે છે.
મુંબઈના આ ત્રણ યુવાનો 21 નવેમ્બરે ઘરેથી નીકળી પડ્યા હતા અને 24 દિવસમાં કન્યાકુમારી પહોંચ્યા હતા. તેમણે 1687 કિલોમીટરનું અંતર 24 દિવસમાં કાપ્યું હતું, જેમાં એકપણ દિવસ તેમણે તેમના કામમાં રજા નહોંતી પાડી. તેઓ એક દિવસમાં સરેરાશ 80 કિમી સાઈકલ ચલાવતા હતા. સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધી સાઈકલ ચલાવતા હતા. ત્યારબાદ પછી પર્વત હોય, ખેતર હોય કે પછી હાઈવે, ઊભા રહીને વર્કસ્ટેશન બનાવતા હતા.
હવે સવાલ એ છે કે, કોરોનાના આ સંક્રમણકાળમાં એકપણ દિવસની રજા લીધા વગર કોઈ સતત 24 દિવસ સુધી સાઈકલ શું કામ ચલાવે?
આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં બેકન જણાવે છે, “કોરોનાના આ સંક્રમણકાળમાં ઘરેથી કામ કરીને કંટાળી ગયા હતા અને માનસિક રીતે પણ હતાશા વધતી જતી હતી. થોડા મહિનાઓમાં અમે કામની આ રીતભાતમાં પણ સેટ થઈ ગયા હતા એટલે અમને વિશ્વાસ હતો કે, અમે કોઈ પણ જગ્યાએથી કામ કરી શકીએ છીએ, નોકરીમાં જરા પણ બાંધછોડ વગર. અમારી ઓફિસે પણ અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમે તેમના આ વિશ્વાસને જાળવી પણ રાખ્યો.”
બેકન અને અલીન ડિજિટલ મીડિયા ફર્મ અને લૉજિસ્ટિક કંપનીમાં કામ કરે છે અને રીતેશ ફ્રીલાન્સર છે. તેમણે મળીને પડકારો, અચાનક મળતા અવનવા અનુભવો, બેગપેક્સ અને હટકે પરંતુ અદ્દભુત પ્રવાસમાં ગેજેટ્સના અનુભવો શેર કર્યા.
‘તમારે જરૂર છે માત્ર એક સામાન્ય સાઈકલ અને જુસ્સાની’
અંબરનાથનો બેકેન આ પહેલાં પણ કેટલીક સાઈકલ યાત્રાઓ કરી ચૂક્યો છે. સાઈકલના શોખીન હોવાના કારણે તેને હંમેશાંથી દક્ષિણ ભારત જવાની ઈચ્છા હતી. સંક્રમણકાળમાં મળેલ વર્ક ફ્રોમ હોમના કારણે પોતાના બકેટ લિસ્ટની આ ઈચ્છા પૂરી કરવાની તેને તક મળી. જવાના માત્ર બે દિવસ પહેલાં જ તેણે રિતેશ અને એલીનને પૂછ્યું કે, જો તેઓ પણ આવવા ઈચ્છતા હોય તો.
આ બાબતે વાત કરતાં એલીન કહે છે, “રિતેશ અને મારી પાસે સાઈકલ નહોંતી અને આ રીતે સાઈકલ યાત્રાનો કોઈ અનુભવ પણ નહોંતો. બસ આ રોજની કંટાળાજનક રૂટિનમાંથી છૂટકારો મેળવવા, નવી-નવી જગ્યાઓ જોવા અને થોડી મજા કરવા અમને આ બહુ રોમાંચક લાગ્યું. અમારા માટે આ એક તક પણ હતી કે, કામ અને ટ્રીપ બંને સાથે થઈ શકે છે આ સાબીત કરી બતાવવાની.” કોઈજ પૂર્વ ટ્રેનિંગ વગર બંને બેકન પર વિશ્વાસ મૂકી તૈયાર થઈ ગયા અને નવી સાઈકલ લઈ કલ્યાનથી નીકળી પડ્યા.
નાનકડા બેગપેકમાં દરેકે 4-5 જોડી કપડાં લીધાં અને સાથે રિપેરિંગની કીટ અને લેપટોપ અને ચાર્જર્સ જેવાં ગેજેટ્સ લઈ લીધાં.
સમય અને કામની જાળવણી
દરરોજના કામના કલાકોને ધ્યાનમાં રાખી સાઈકલ ચલાવવાનો સમય સવારે 4 થી 11 રાખ્યો. ત્યારબાદ દિવસ દરમિયાન કામની શીફ્ટ પૂરી કર્યા બાદ સાંજે કોઈ નજીકની હોટેલમાં ચેકઈન કરી દેતા. શરૂઆતમાં તેમણે દરિયાકિનારાનો રસ્તો પસંદ કર્યો હતો, પરંતુ નેરૂલ પહોંચ્યા ત્યાં રિતેશની સાઈકલ તૂટી ગઈ, જેથી તેમને રસ્તો બદલવો પડ્યો અને નવી સાઈકલ લઈ નેશનલ હાઈવે 44 પસંદ કરવો પડ્યો.
શરૂઆતના કેટલાક દિવસો બહુ મુશ્કેલ હતા. તેમને અંતરની ગણતરીમાં ભૂલો થઈ અને થાકના કારણે ધીમા પણ પડી જતા હતા. પરંતુ ન તો તેમણે કોઈ ફરિયાદ કરી કે, ન તો મિશન પડતું મૂકવાનું વિચાર્યું.
ઢાબાથી લઈને ખાણીપીણીનાં નાનાં સ્થળો, રેસ્ટોરાં અને ખુલ્લાં ખેતરો, આવી બધી જ જગ્યાઓએ બેસીને આ ત્રણે કામ કર્યું. લૉકડાઉનના કારણે બધી જ જગ્યાઓ લગભગ ખાલી હતી અને તેમના માલિકોએ ખૂબજ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. તે બપોરના સમયે તેમનાં ઉપકરણો ચાર્જ કરી શકતા, વિડીયો કૉલ કરી શકતા અને નાનકડી પાવર નેપ પણ લઈ શકતા. 5 વાગ્યા બાદ પાછા ત્રણેય નજીકની હોટેલની શોધમાં નીકળી પડતા.
આ અંગે બેકને કહ્યું, “અમે એકબીજાના કામના કલાકોને સાચવી કામ કર્યું. જો કોઈ એકને વધારે કામ હોય તો અમે બધા ઢાબા પર વધારે સમય સુધી બેસતા. અને જો અચાનક કોઈ કૉલ કે ઈમેલ આવે તો રસ્તામાં ઊભા પણ રહેતા. અમારી પ્રાથમિકતા કામ જ હતું.”
ઉત્સાહમાં સતત વધારો
જ્યારે તેમને પૂછ્યું કે, શું સતત સાઈકલ ચલાવવાના કારણે થાકી જતા હતા, તો તરત જ બેકને કહ્યું, “આનાથી તો અમને વધારે સ્ફૂર્તી અનુભવાતી હતી. દરરોજ સવારે નવી જગ્યા જોવાની આતુરતા રહેતી અને વધારે મહેનત કરવાનો અને ઝડપી જવાનો જુસ્સો વધતો.”
સૌથી મોટો પડકાર ખીસાને પોસાય એટલામાં સારી અને સ્વચ્છ હોટેલ શોધવાનો હતો. હોટેલ બદલવાનો અનુભવ ખરેખર રોમાંચક રહેતો, જેમાં ત્યાંના સ્થાનિક લોકોએ મળવા મળતું અને વિવિધ વાનગીઓનો સ્વાદ ચાખવા મળતો.
આ બાબતે વાત કરતાં રિતેશે કહ્યું, “સૂર્યના પહેલા કિરણને જોવું અને આ દરમિયાન આસપાસના કુદરતી સૌંદર્યને માણવું ખરેખર અદભુત અનુભવ છે. અમે પૂણે, સતારા, કોલ્હાપુર, બેલગામ, હુબલી, દેવનાગરી, બેંગાલુરૂ, સલેમ, માધુરી અને તિરૂનેલ્વેલી જેવાં અનેલ શહેરો અને નગરોમાંથી પસાર થયા. દરેક જગ્યાના ભોજન અને પરંપરાથી અમારો આ અનુભવ અદભુત બની ગયો.”
કોલસા પર રંધાયેલ ઢોસા પહેલીવાર ખાવાનો અનુભવ, હુબલીમાં એક નાનકડા ઢાબામાં આજ સુધીની સૌથી સ્વાદિષ્ટ બિરયાની ખાધી અને સ્થાનિક લોકોની બોલી, બધામાં બહુ જ મજા આવી. અને આ આખી ટ્રીપ દરમિયાન પવનચક્કી નગરમાં અમારો અનુભવ ખરેખર યાદગાર રહ્યો.
જ્યારે કન્યા કુમારી પહોંચ્યા ત્યારે આ તેમની ટ્રીપનું છેલ્લુ સ્ટેશન હતું. એટલે દિવસ દરમિયાન કામ પતાવી તેઓ સ્થાનિક જગ્યાઓ પર ફરવા નીકળ્યા અને ટ્રેનમાં પાછા ફર્યા. આ આખી ટ્રીપમાં એક વ્યક્તિના માટે 25,000 ખર્ચ આવ્યો, જે ખરેખર પોસાય તેટલો કહેવાય.
લાંબા સમય સુધી સાઈકલ ચલાવવી એ શારીરિક કરતાં તો માનસિક કસરત વધારે છે. એટલે કોઈએ પણ પોતાની શારીરિક કસરતના રૂટિન અંગે વિચાર વગર આવા અનુભવ માટે આગળ વધવું જોઈએ.
વધુમાં તેઓ કહે છે, “તમારા શરીરનો દુખવો તમને તોડી શકે છે, રસ્તામાં ઘણા પડકાર આવશે, પરંતુ મન મજબૂત હોય અને જુસ્સો હોય તો, તમે તેને સહન કરી શકો છો સરળતાથી. બહાર નીકળો અને યોગ્ય સમયની રાહ જોવા વગર નીકળી પડો સાઈકલ યાત્રા પર. સાઈકલ, મિત્રો અને સામગ્રી લઈ લો સાથે. તમારે બસ જરૂર છે એક સામાન્ય સાઈકલ અને આ પ્રકારની ટ્રીપ પૂરી કરવાના જુસ્સાની.”
આ પણ વાંચો: માટી-પથ્થર & લાકડામાંથી બનાવે છે ઘર, સામે વાવે છે તેનાથી 10 ઘણાં વૃક્ષો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167