સિદ્ધપુરની આ લસ્સીનો સ્વાદ માણી ચૂક્યા છે બચ્ચનથી લઈ ઘણા મહાનુભવો, સ્વાદ એકદમ હટકે

ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત આવીને વસેલ લાલુમલભાઈ સાથે તેમની આવડત લઈ આવ્યા. આજે સિદ્ધપુરમાં તેમની લસ્સી છે ખૂબજ પ્રચલિત

Lalumal Lassiwala

Lalumal Lassiwala

ભારતના ભાગલા પડ્યા ત્યારે ઘણા લોકોને પોતાના વતનથી બીજી જગ્યાએ હિજરત કરવાની ફરજ પડી હતી. આ હિજરતના કારણે તેમની રોજગારી, જમીન, માલ મિલકત બધું જ છીનવાઈ પણ ગયું હતું. ઘણા  લોકોએ પોતાની સુરક્ષા માટે પાકિસ્તાનમાંથી વર્ષો જૂની પોતાની માલ મિલકત છોડી ભારત આવીને રેફ્યુજી કેમ્પમાં શરણ લીધું હતું અને તે કારણે ઘણી હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. આ બધા શરણાર્થીઓમાં એવા લોકો પણ આવ્યા જેઓએ અથાગ મુશ્કેલીઓ છતાં પોતાની મેળે જાત મહેનત દ્વારા એક રોજગાર ઉભો કર્યો અને પોતાની આગળની પેઢીને એક સુરક્ષિત જિંદગી આપી.

લાલુમલભાઈ પણ આવા જ લોકોમાંના એક હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતના શહિદે આઝમ ગામમાંથી હિજરત કરી તેઓ સૌપ્રથમ અજમેર રેફ્યુજી કેમ્પમાં સહપરિવાર આવ્યા ત્યારબાદ ત્યાંથી તેઓ ગુજરાતના સિદ્ધપુરમાં આવીને વસ્યા. પરિવારને લઈને આવીને તો તેઓ વસી ગયા પણ રોજગારી માટે શું કરવું ? આ પ્રશ્ન હંમેશા તેમના સામે રહ્યો ત્યારે તેમને પોતાના બાપ દાદાની એક  આવડત જેઓ સિંધમાંથી તેમની સાથે લઈને આવ્યા હતા તે દ્વારા શરૂઆતમાં પેડા તથા માવાની લારી તેમણે શરુ કરી. સિદ્ધપુરમાં ન ફાવતા તેઓ વડનગર ગયા ત્યાંથી અમદાવાદ પણ ગયા અને ફરી પાછા સિદ્ધપુર પરત ફર્યા પણ આ વખતે તેઓ ફક્ત પેડા કે માવાની આઈટમ સાથે પરત નહોતા ફર્યા પરંતુ લસ્સીની એક એવી રેસિપી પોતે જાતે શીખીને આવ્યા હતા કે જેને તેમના સમગ્ર પરિવારની જિંદગી બદલી નાખી.

સિદ્ધપુરમાં ફરી આવ્યા બાદ તેમણે લારી પર જ લસ્સી વેચવાનું શરુ કર્યું. જોત જોતામાં તો તેમની લસ્સી ખુબ જ પ્રસિદ્ધ થઇ ગઈ અને તે કારણે જ તેમણે એક દુકાન પણ ખરીદી લીધી અને પોતાના આ વ્યવસાયને આગળ ધપાવ્યો. આજે સિદ્ધપુરના સિવિલ હોસ્પિટલ રોડ, રામજીપુર આંબાવાડી વિસ્તારમાં આવેલ આ દુકાનમાં લાલુમલભાઈની ત્રીજી પેઢી લસ્સીનો વ્યવસાય સંભાળી રહી છે. અને તેની શરૂઆત લાલુમલભાઈ દ્વારા જ થઇ હોવાથી તે દુકાનને લાલુમલની લસ્સીના નામે જ ઓળખવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે આ લસ્સીનો સ્વાદ અમિતાભ બચ્ચનથી લઈને કેટલાય મહાનુભવોએ માણ્યો છે.

જો તમે ક્યારેય સિદ્ધપુર જાઓ તો ચોક્કસથી લાલુમલ લસ્સીવાળાને ત્યાં જઈને આ લસ્સીનો સ્વાદ માણજો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગુજરાતનો યુવાન 20 વર્ષ સુધી લુપ્ત રહેલ પ્રાચીન કળાને આજે પ્રચલિત કરે છે દેશ-વિદેશમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe