રતનમહાલના જંગલોમાં રહેવાનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે નાલધા ઇકો કેમ્પસાઇટ, મનની શાંતિ માટે આજે જ પહોંચી જાઓ

કોરોનાના આ સંક્રમણકાળમાં મનની શાંતિ માટે અદભુત અનુભવ રહેશે રતનમહાલનાં જંગલો. સાથે-સાથે છૂટા-છવાયા ટેન્ટના કારણે જળવાશે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ. તો રાહ કોની જોવાની, આજે જ પ્લાન કરો કુદરતના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાનો.

Ratan Mahal

Ratan Mahal

કોરોના સંક્રમણે લોકોને હચમચાવી નાંખ્યા છે. વાયરસની ભારતમાં એન્ટ્રીને લગભગ એક વર્ષ થઇ ગયું છે. લોકો ધીમે ધીમે આ ડરમાંથી બહાર નીકળી રહ્યા છે. ફરવાના શોખીનો માટે તો 2020 અત્યંત ખરાબ રહ્યું પરંતુ 2021માં મોટી સંખ્યામાં લોકો પરિભ્રમણ કરવા નીકળી પડશે. જો તમે પણ ઓછી ભીડભાડવાળી જગ્યાએ ફેમિલી સાથે ફરવાનું વિચારી રહ્યા છો, વળી આવી જગ્યા ગુજરાતમાં જ હોય અને કુદરતની નજીક હોય તો તમારે એકવાર રતનમહાલના જંગલમાં જવું જોઇએ. અહીં સરકારી ઇકોકેમ્પ સાઇટમાં ઓછા બજેટમાં રાત ગાળવાની સુવિધા પણ છે.

Gujarati News


રતનમહાલ રીંછ અભ્યારણ્ય
રતનમહાલ એક રીંછ અભ્યારણ્ય છે અને ત્યાંના ગાઢ જંગલમાં કુદરતા ખોળે રહેવાની અને પ્રકૃતિનો આનંદ માણવાની મજા આવે તેવી છે. રતનમહાલના જંગલો પંચમહાલ જિલ્લામાં આવેલા છે. અમદાવાદથી 210 કિલોમીટર દૂર છે આ જગ્યા. ગોધરાથી દેવગઢ બારિયા થઇને ત્યાં જઇ શકાય છે.
આ સ્થળે પહેલા ક્યારેય ગયા ન હોવ તો કદાચ તમને એ વાતની ચિંતા થતી હશે કે જગ્યા કેવી હશે, રહેવાની મજા આવશે કે નહીં, ખાવાનું કેવું મળશે, સલામતીની પણ ચિંતા હશે. પરંતુ જેવા તમે અહીં પહોંચો છો ત્યારે અહીંનું વાતાવરણ જોઇને તમારુ મન પ્રફુલ્લિત થઇ જશે. શરીરનો તમામ થાક ઉતરી જશે. તમને લાગશે કે વેકેશન માટે કદાચ આ જ અમારી પરફેક્ટ જગ્યા છે.

Ratan Mahal


અહીં રીંછ અભ્યારણ્ય (બિઅર સેન્ચુરી) આવેલું છે. રતનમહાલમાં કુલ 2 સાઇટ કેમ્પ આવેલા છે. (1) નાલધા સાઇટ કેમ્પ (2) ઉધાલ મહુડા કેમ્પ સાઇટ. સરકાર દ્ધારા આ બન્ને સાઇટનું સંચાલન કરે છે. અહીં કોઇ ખાનગી રિસોર્ટ કે કેમ્પ સાઇટ નથી. નાલધા ડેમ સાઇટમાં 10 ટેન્ટ છે જેમાં એક ફેમિલી આરામથી રહી શકે છે. આ ટેન્ટમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. એકસ્ટ્રા બેડ જોઇએ તો તે પણ ઉપલબ્ધ છે.


નાલધા કેમ્પથી જ જંગલ ચાલુ થાય છે. કેમ્પ સાઇટથી 2.5 કિ.મી અંદર ચાલતા જવાનું છે જ્યાં વોટરફોલ આવે છે. આ અઢી કિલોમીટરના રસ્તે અનેક નાના-મોટા ઝરણાં, નાના-મોટા વૃક્ષો, પથ્થરોની હારમાળા આવે છે. ચારેતરફ લીલોતરી જ લીલોતરી. જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોઇએ તેવું લાગે. અહીં મનને અપાર શાંતિ મળે છે. જો ભોજનની વાત કરીએ તો જમવાનું અહીં સુંદર મળે છે.

Gujarat Tourism


સરકારી ટેન્ટનો ચાર્જ
અહીં એર રાત ટેન્ટમાં રહેવાનો બે વ્યક્તિનો ચાર્જ 1400 રૂપિયા છે. જેમાં સવારનો બ્રેક ફાસ્ટ, લંચ, સાંજે ચા-નાસ્તો અને રાતે ડીનરનો સમાવેશ થાય છે. એટલે કે કોઇપણ હોટલ કરતાં એકદમ સસ્તું અને દરેકને પોષાય તેવો ભાવ. અહીં કેન્ટીનનો કોન્ટ્રાક્ટ ભરતભાઇની પાસે છે. ભરતભાઇ તમને અવનવી વાનગી બનાવીને જમાડશે. તેઓ અત્યંત મૃદુભાષી છે અને કોઇ વાતની ના પાડતા નથી. રસોઇમાં તેમના બે પુત્રો શંકર અને મહેશ તેમને મદદ કરે છે. રસોઇ પણ કેવી, આંગળા ચાટો તેવી સ્વાદિષ્ટ.
રાતે કેમ્પ સાઇટ પર કેમ્પ ફાયર કરી શકાય છે. રતનમહાલની બીજી કેમ્પસાઇટ ઉધાલ મહુડા ગયા. અહી પણ રહેવાની વ્યવસ્થા છે. તે 7 કિ.મી. દૂર છે. અહીં જંગલ, ગાર્ડન અને ડેમ જોવાલાયક છે. આ જગ્યાએથી હિલ તરફ સનસેટ પોઇન્ટ જવા 9 કિલોમીટરનો રસ્તો છે. અહીં જવા માટે તમારી પ્રાઇવેટ કાર ચાલી શકે નહીં કારણ કે અહીં કાચા રસ્તા છે. રતનમહાલનો સનસેટ પોઇન્ટ જોઇને તમે આબુનો સનસેટ પોઇન્ટ પણ ભુલી જશો.

Travel Gujarat


નજીકના જોવાલાયક સ્થળો
હાથણી માતા વોટરફોલ, કડાડેમ, ધનપરી અને ઝંડ હનુમાન જોવાલાયક સ્થળ છે. ગરમી શરુ થઇ ગઇ હોવાથી વોટરફોલમાં પાણીનો ફોર્સ નહીં હોય. પરંતુ ત્યાંનું વાતાવરણ જોવા જઇ શકાય. ઝંડ હનુમાન પણ એક સરસ જગ્યા છે. લોકો શનિની પનોતી ઉતારવા અહીં આવે છે. કડાડેમ ફોટોગ્રાફી માટે ઉત્તમ સ્થળ છે.
નોંધઃ ટેન્ટમાં બુકિંગ કરવા માટે તમારે વડોદરા ફોરેસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે. બે ટેન્ટ વચ્ચે ખાસ્સી જગ્યા હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે છે. માસ્ક પહેરવું અને જંગલમાં પ્લાસ્ટિકનો કચરો ન ફેંકવો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: સ્ત્રી સન્માનની અનોખી ભાવના, સાસણગીરના આ રિસોર્ટમાં પેરન્ટ્સ સાથે આવતી કુંવારી દિકરીને રહેવા-ખાવાનું બિલકુલ ફ્રી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe