Powered by

Home અનમોલ ભારતીયો IASની પહેલથી આ જિલ્લામાં ના તો બેડ ની અછત છે કે ના તો ઓક્સિજનની સમસ્યા

IASની પહેલથી આ જિલ્લામાં ના તો બેડ ની અછત છે કે ના તો ઓક્સિજનની સમસ્યા

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના IAS અધિકારી ડૉ. રાજેન્દ્ર ભારુડ, કોરોનાની બીજી લહેરમા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય, બેડ, સુઆયોજિત રસીકરણ અભિયાન અને વ્યવસ્થિત તૈયારીઓથી જિલ્લાને બચાવવામાં સફળતા મેળવી છે.

By Bijal Harsora Rathod
New Update
Nandubar

Nandubar

નંદુરબાર જિલ્લાની વસ્તી 16 લાખથી વધુ છે. પરંતુ, કોરોના રોગચાળાની બીજી લહેરમા, આ જિલ્લાની કહાની દેશના બાકીના રાજ્ય કરતા સાવ જુદી છે. આજે, દેશના લગભગ તમામ શહેરોમાં, કોવિડ -19 ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થવાના કારણે આરોગ્ય તંત્ર ધરાશાયી થયું છે. તે જ સમયે, આ જિલ્લાની સ્થિતિ હજી પણ નિયંત્રણમાં છે. આજે ત્યાં 150 ખાલી બેડ અને બે ઓક્સિજન પ્લાન્ટ છે. આ ઓક્સિજન પ્લાન્ટની કુલ ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા 2400 લિટર / મિનિટ છે.

જિલ્લાના પૂરતા સંસાધનો અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓને લીધે, પડોશી જિલ્લાઓ અને રાજ્યો (મધ્ય પ્રદેશ અને ગુજરાત) ના કોવિડ -19 દર્દીઓ પણ નંદુરબારમાં દાખલ થઈ રહ્યા છે. આને કારણે, હોસ્પિટલોમાં કામનું ભારણ વધી રહ્યું છે, તેમ છતાં આ જીલ્લો વધતા કોરોના કેસોને રોકવામાં સફળ રહ્યો છે, અને કેસમાં 30% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. દૈનિક સક્રિય કેસની સંખ્યા 1200 થી ઘટીને 300 થઈ ગઈ છે.

આ સફળતાનો શ્રેય જિલ્લાના આઈએએસ ડૉ.રાજેન્દ્ર ભારુડ અને તેમની ટીમને જાય છે, જેમાં વહીવટી કર્મચારીઓ, ડોકટરો અને સ્વયંસેવકો શામેલ છે. પ્રથમ કોરોના લહેર પછી, દર્દીઓની ઘટતી સંખ્યા અને કેન્દ્ર સરકારની રસી કાર્યક્રમ અંગેની ખાતરી કરતા, ઘણા શહેરો અને ગામોમાં સ્થાપિત કોવિડ સુવિધા કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ ડો.રાજેન્દ્રએ તેમ કર્યું નહીં, તેમણે તેમના જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધારવાની અને વધુ સારી કરવાની દિશામાં કામ કર્યું. જેથી કેસની સંખ્યા અચાનક વધવા માંડે તો તે પરિસ્થિતિને કાબૂમાં રાખી શકે.

Dr. Rajendra Bharud
Dr. Bharud with his team

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા એમબીબીએસ ડૉ.રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, "જ્યારે ભારતમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હતા, ત્યારે મેં જોયું કે અમેરિકા અને બ્રાઝિલમાં અચાનક કેસ વધવા માંડ્યા હતા અને પરિસ્થિતિ વધુ વણસી હતી. તેથી, જો આવી પરિસ્થિતિ આપડે ત્યાં પણ આવે, તો હું તૈયાર રહેવા માંગતો હતો. તેથી, સપ્ટેમ્બર 2020 માં, અમે જિલ્લામાં પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો, જેમાં પ્રતિ મિનિટ 600 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. જ્યારે આપણે ત્યાં એક દિવસમાં મહત્તમ 190 કેસના આંકડા પહોંચી ગયા હતા. માર્ચમાં, અમે બીજો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો, અને એપ્રિલમાં, જ્યારે કોરોના કેસ એક જ દિવસમાં 1200 પર પહોંચ્યા, ત્યારે અમે ત્રીજો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી શરૂ કરી. ટૂંક સમયમાં અમારી પાસે પ્રતિ મિનિટમાં કુલ 3000 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા હશે".

ડૉ.રાજેન્દ્રએ કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવાની તેમની રણનીતિ વિગતવાર સમજાવી.

લોકોના હિસાબે કરી વ્યવસ્થા :
મજબુત આરોગ્ય માળખું બનાવવા માટે નાણાંએ સૌથી મહત્વપૂર્ણ સાધન છે. આ વ્યવસ્થા માટે, દરેક બ્લોકમાં એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર, પલંગ, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, રસીઓ, દવાઓ, સ્ટાફ, વેબસાઇટ અને કંટ્રોલ રૂમની જરૂરત હતી. આ તમામ સંસાધનોને એકત્રિત કરવા માટે, ડૉ.રાજેન્દ્રએ જિલ્લા આયોજન અને વિકાસ ભંડોળ, રાજ્ય આપત્તિ રાહત ભંડોળ અને સીએસઆર જેવા તમામ સુવિધાઓનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હતો.

તે કહે છે, "અમે ઈચ્છતા ન હતા કે અમારા ડૉક્ટરો કોઈપણ પ્રકારના દબાણમાં આવે, તેથી તેઓને જરૂરી બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી" પછી ભલે આપણે આ ઓક્સિજન પ્લાન્ટ માટે 85 લાખ રૂપિયા ખર્ચ કરવા પડે. ઓક્સિજન સિલિન્ડર ગણ્યાગાંઠયા થોડા રાજ્યોમાં બને છે. ત્યાંથી સિલિન્ડરો આવે ત્યાં સુધીમાં અનેકના જીવ જોખમાય. તેથી, અમારા પ્લાન્ટ સીધો હવાનો ઉપયોગ કરી ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને દર્દીઓને પાઈપ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવે છે. અમે એ પણ સુનિશ્ચિત કર્યું કે દર્દીની ગંભીર સ્થિતિની રાહ જોવાને બદલે, દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ઘટવાનું શરૂ થતાં જ, તેને ઓક્સિજન પાઇપમાંથી ઓક્સિજન આપી દેવામાં આવે છે. આમ પછીના તબક્કામાં દર્દીને 90% ઑક્સિજનની જરૂર પડે એ પહેલાં તે રિકવર થઈ જાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે. એકવાર ઑક્સિજન લેવલ ઘટવા લાગે પછી દર્દીના મગજ અને કિડનીને અસર થવા લાગે છે. એટલે પ્રારંભિક તબક્કામાં જ ખાસ સારવાર આપવામાં આવે તે જરૂરી છે.

શાળાઓ અને કોમ્યુનિટી હોલ જેવા સ્થાનોને કોવિડ -19 કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. પ્રશાસને ફક્ત કવોરેન્ટાઇન માટે સાત હજાર બેડ તૈયાર કર્યા હતા. અને આઈસીયુ અથવા વેન્ટિલેટરની સુવિધા સાથે 1300 બેડ ઉપલબ્ધ કર્યા છે. તેમણે દર્દીઓને હોસ્પિટલમાં લાવવા માટે 27 એમ્બ્યુલન્સ પણ ખરીદી હતી અને મૃતદેહને લઈ જવા માટે 2 એમ્બ્યુલન્સ તૈયાર કરાઈ હતી. તેમજ 50 લાખ રૂપિયાના રિમડેસિવીર ઇન્જેક્શન પણ ખરીદ્યા હતા.

IAS
An oxygen plant in the district

પ્રશાસન દ્વારા લેવામાં આવેલા એક પ્રારંભિક પગલામાં વેબસાઇટ અને કંટ્રોલ રૂમ બનાવવાની હતો, જે લોકોમાં ગભરાટની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખે અને નાગરિકોને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપે. આ રીતે ખાતરી કરવામાં આવી હતી કે લોકોને ખાટલા માટે જ્યાં-ત્યાં ભટકવું ન પડે અને સાચી માહિતી અને સમયસર મદદ મળે.

ફ્રન્ટલાઈન ડૉકટરોની અછતને કારણે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન, જિલ્લાને ભારે સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ ક્ષેત્રમાં કોઈ મેડિકલ કોલેજો નથી, તેથી નિષ્ણાતોને શોધવાનું એક પડકાર હતું. તેથી, ડૉ.રાજેન્દ્રએ તમામ સ્થાનિક ડૉકટરો સાથે જોડાયા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા દર્દીઓમાં ઓક્સિજનના સ્તર પર નજર રાખવા અને ઓક્સિજન નળીને ફીટ કરવા જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ માટે તેમને તાલીમ આપી.

તેમણે જિલ્લામાં રસીકરણ અભિયાન સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કર્યું હતું. આ આદિવાસી જિલ્લામાં રસીકરણ અભિયાન અંગે જાગૃતિનો અભાવ હોવા છતાં, રસીનો પ્રથમ ડોઝ અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુ વયના ત્રણ લાખ લોકોમાંથી એક લાખને આપવામાં આવ્યો છે.

તેઓ વધુમાં કહે છે, "રસી માટે લોકોને બોલાવવાને બદલે, અમે રસી પહોંચાડવા માટે જિલ્લાના દરેક ભાગમાં 16 વાહનો ફાળવ્યા છે. આ રીતે, લોકોને ડુંગરાળ વિસ્તારોમાંથી ચાલીને આવાની જરૂર પડતી નથી. અમે શિક્ષકો અને સરપંચોને પરિસ્થિતિની ગંભીરતા પ્રત્યે લોકોને જાગૃત કરવાની કરવાનું કામ સોંપ્યું અને અમને આ પ્રયત્નોમાં સફળતા મળી".

નંદુરબાર વહીવટી તંત્ર, સરહદ કાર્યકર્તાઓ અને લોકોના સામૂહિક પ્રયત્નોથી આ આદિવાસી જિલ્લો આજે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બની ગયો છે. આ સાથે ડૉ.રાજેન્દ્રની આઈએએસ અધિકારી બનવાની યાત્રા પણ ખૂબ પ્રેરણાદાયક છે. જિલ્લાના સમોડ((Samode) તાલુકામાં જન્મેલા ડૉ.રાજેન્દ્રનો ઉછેર તેમની માતાએ એકલા જ હાથે કર્યો હતો. તેમનો પરિવાર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને તેમણે ઘણી મુશ્કેલથી સરકારી શાળામાંથી પોતાનું શિક્ષણ પૂરું કર્યું હતું. .

મૂળ લેખ: ગોપી કારેલિયા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:ખેતી કરી, ઊંટ-લારી પણ ચલાવી, અમદાવાદમાં ફરજ નિભાવતા IPS ઓફિસરે બદલી નાખ્યો ઈતિહાસ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.