મકાઈનાં છોતરાંમાંથી બનાવી Eco-Friendly Pen, કિંમત માત્ર 10 રૂપિયા

મોટાભાગે મકાઈ વેચ્યા બાદ ખેડૂતો છોતરાંને બાળી દે છે, જેનાથી હવાનું પ્રદૂષણ થાય છે. આ જોઈ રાજૂએ આ જ છોતરાંથી બનાવી Eco-Friendly પેન, જેનાથી પ્રદૂષણ પણ અટકે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટે છે.

Eco Friendly Pen

Eco Friendly Pen

દુનિયાભરમાં પર્યાવરણના સંરક્ષણ માટે મોતા સ્તરે ઘણાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઘણા લોકો એવા પણ છે, જે પોતાના સ્તરે નાના પ્રમાણમાં પણ સાર્થક પગલાં ભરી પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છે. તેલંગાનાના વારંગલમાં આવેલ ગોપાલપુરમ ગામના રાજૂ મુપ્પરપું કઈંક આવું જ કામ કરી રહ્યા છે. તેમણે ઓછા ખર્ચે ઘણાં સંશોધન કર્યાં છે. જેમાં સ્ટ્રીટ લાઈટ માટે સેન્સર અને બેટરીથી ચાલતી સાઈકલનો સમાવેશ થાય છે. આ વર્ષે 27 એપ્રિલે 30 વર્ષીય રાજૂએ એક નવું સંશોધન કર્યું. તેમણે મકાઈના છોતરાંમાંથી ઈકો ફ્રેન્ડલી પેન (Eco Friendly Pen) બનાવી છે.

રાજૂ કહે છે, "મારા ગામની આસપાસ ખેતરોમાં ઘણા ખેડૂતો મકાઈની ખેતી કરે છે. જોકે મકાઈની લણણી બાદ છોતરાંને કાઢ્યા બાદ મકાઈને બજારમાં વેચવા માટે મોકલવામાં આવે છે. સામાન્ય રીતે તેનો બીજો કોઈ ઉપયોગ ન હોવાથી તેને બાળી નાખવામાં આવે છે. એટલે હું તેનું કોઈ એવું સમાધાન શોધવા ઈચ્છતો હતો કે તેનાથી આ મકાઈનાં છોતરાંને બાળવાં ન પડે."

તેમણે સ્કૂલના દિવસો દરમિયાન એક કળા શીખી હતી, તેને જ તેમણે ધ્યાનમાં રાખતાં મકાઈનાં છોતરાંમાંથી પેનની રીફિલ બનાવવા અંગે વિચાર્યું. જેના માટે તેમણે છોતરાંને સિલિંડ્રિકલ શેપમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો.

મકાઈનાં છોતરાંમાંથી 100 કરતાં વધારે પેન બનાવનાર રાજૂ કહે છે, "ડિસ્પોઝેબલ પેન બનાવવાથી પ્લાસ્ટિકનો કચરો ઘટાડવામાં અને મકાઈનાં છોતરાં બળતાં રોકવામાં મદદ મળશે."

Sustainable Pen

મકાઈનાં છોતરાંમાંથી બની પેન

થોડાં અઠવાડિયાં પહેલાં, રાજૂ પોતાના ઘરથી પાંચ કિમી દૂર આવેલ મકાઈના ખેતરમાં છોતરાં લેવા ગયા હતા. તેઓ કહે છે, "મેં મકાઈનાં થોડાં છોતરાં લીધાં અને તેને ભીના કપડાથી સાફ કર્યાં. ત્યારબાદ દરેક ચોતરાને ટેબલ પર મૂકી તેને ચપટી કરી. ત્યારબાદ કાપણી મશીનના ઉપયોગથી તેમને રેક્ટેન્ગલ શેપમાં કાપી લીધાં."

પેન (Eco Friendly Pen) બનાવવાની રીત વિશે તેઓ કહે છે કે, તેમણે એક ધાતુ ના સળીયાનો સાંચા અને મેઝરિંગ ટૂલ તરીકે ઉપયોગ કર્યો અને તેના ઉપર મકાઈના છોતરાને બરાબર વીંટી દીધું.

સળીયાને કાઢ્યા બાદ છોતરું સિલિન્ડર (નળાકાર) શેપમાં આવી જાય છે, જેના ઉપર અને નીચે બંને ભાગ ખુલ્લા હોય છે. તેની એક ભાજુથી રિફિલ નાખવામાં આવે છે. જ્યાં સુધી અંદર રિફિલ બરાબર ફિટ ન થઈ જાય ત્યાં સુધી તેને બરાબર કસવામાં આવે છે. અંતે તેઓ પેનના પાછળના છેડાને દબાવી દે છે, જેથી બીજો છેડો બંધ થઈ જાય છે.

પેનનું ઢાંકણ બનાવવા માટે રાજૂ છોતરાના નાના ભાગને સિલિન્ડર શેપમાં ઢાળે છે. સાથે-સાથે એપણ સુનિશ્ચિત કરે છે કે, તેનિ વ્યાસ પેન કરતાં મોટો હોય અને પેન પર સહેલાઈથી બેસી જાય.

જ્યારે તેમણે પહેલી (Eco Friendly Pen) બનાવી હતી અને તેનાથી લખવાનું શરૂ કર્યું ત્યારે તેમને એમજ લાગ્યું હતું કે, તેઓ સામાન્ય પેનથી જ લખી રહ્યા છે. રાજુએ આગામી થોડા દિવસો સુધી આવી બીજી પેન બનાવી અને પડોસીઓ અને મિત્રોને પણ આપી.

Sustainable

રાજૂ કહે છે, "હું આ બધી પેન જાતે જ બનાવું છું અને એક પેન બનાવવામાં મને માત્ર 10 જ મિનિટ લાગે છે."

થોડા દિવસ પહેલાં રાજૂ જ્યારે વરંગલ ગ્રેટર નગર નિગમાના કમિશ્નર IAS પમેલા સત્પથીને મળ્યા હતા, ત્યારે રાજૂએ તેમને પણ આ પેન ગિફ્ટ કરી હતી.

IAS પમેલાએ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, "તેમના આ સંશોધન અંગે જાણવાની મને બહુ ઉત્સુકતા હતી અને મને તેમનો આ વિચાર બહુ ગમ્યો. મેં રાજૂને પૂછ્યું કે, શું તેઓ આમાં સારી ગુણવત્તાની રીફિલ્સનો ઉપયોગ કરી શકે છે? જ્યારે તેઓ આમ કરવા તૈયાર થઈ ગયા ત્યારે મેં તેમને અમારી ઑફિસ માટે આવી એક હજાર પેનનો ઓર્ડર આપ્યો."

આ એક પેનની કિંમત છે માત્ર 10 રૂપિયા. રાજૂ અત્યાર સુધીમાં IAS પમેલા સત્પથીની ઑફિસમાં 100 પેન મોકલી ચૂક્યા છે અને બાકીની 900 પેનનું કામ ચાલું છે. તેલંગાના સ્ટેટ ઈનોવેશન સેલ (TSIC) દ્વારા તેમના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર, રાજૂના આ પ્રયત્નોને વખાણ્યા બાદ, તેમને બીજા પણ ઘણા ઓર્ડર મળી રહ્યા છે.

જો તમે પણ રાજૂની આ ઝીરો વેસ્ટ, ઈકો ફ્રેન્ડલી પેનને ખરીદવા ઇચ્છતા હોય તો, તેમનો 9502855858 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: રૌશની મુથુકુમાર

આ પણ વાંચો: ચોખાનાં બેકાર ભૂંસાને બનાવી દીધું ‘કાળું સોનું’, એક વર્ષમાં 20 લાખ રૂપિયાની કરી કમાણી, જાણો કેવી રીતે!

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe