Powered by

Home હટકે વ્યવસાય ગોબરમાંથી શરુ કર્યો બિઝનેસ, બનાવી રહ્યા છે 20 પ્રકારની ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટસ

ગોબરમાંથી શરુ કર્યો બિઝનેસ, બનાવી રહ્યા છે 20 પ્રકારની ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટસ

વિજય પાટીદારમ નીતા દીપ બાજપેઈ અને અર્જુન પાટીદારે મળીને 'ગોશિલ્પ એન્ટરપ્રાઈઝ' ની શરૂઆત કરી છે, જેમાં તેઓ ગાયના છાણમાંથી મૂર્તિઓ અને બીજી ઘણી ટકાઉ હોમ ડેકોર વસ્તુઓ બનાવે છે. ઘણી મહિલાઓને મળવા લાગ્યો છે રોજગાર.

By Kishan Dave
New Update
Business From Cow Dung

Business From Cow Dung

મધ્યપ્રદેશના વિજય પાટીદાર, નીતા દીપ બાજપાઈ અને અર્જુન પાટીદારે મળીને 'ગોશિલ્પ એન્ટરપ્રાઇઝ' ની શરૂઆત કરી છે. જેના આધારે તેઓ ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અને ઘર સુશોભનની વસ્તુઓ બનાવી રહ્યા છે. ભારતમાં દૂધને જો 'સફેદ સોનું' કહે છે તો ગોબરને 'લીલું સોનું કહેવામાં આવે છે. કેમ કે જેવી રીતે દૂધને પ્રોસેસ કરીને અલગ અલગ રીતે ઉદ્યમ વિકસાવવામાં આવે છે તેવી રીતે જ ગોબરમાંથી ઘણાં પ્રકારના ઉદ્યમ વિકસાવી શકાય છે. ગત કેટલાંક વર્ષોથી સરકારી સંસ્થાઓની સાથે સાથે સામાન્ય લોકોએ પણ આ તરફ ધ્યાન આપવાનું શરું કર્યું છે. આમ છાણની મદદથી ખેતર માટે ખાતર, રસોઈ માટે બાયોગેસ, અને ચૂલા માટે ફક્ત ગોબર જ નહીં પરંતુ બીજી પણ ઘણી વસ્તુઓ બનાવી શકાય છે.

મધ્ય પ્રદેશના ત્રણ યુવાનોએ મળીને ગોબરમાંથી મૂર્તિઓ, રાખડીઓ, અને ઘર સુશોભનનો સામાન બનાવવાનું શરું કર્યું છે. તેમણે પોતાના આ સાહસને નામ આપ્યું છે 'ગોશિલ્પ એન્ટરપ્રાઇઝ'.

કેવી રીતે આવ્યો વિચાર?
આ કહાની છે ભોપાલના રહેવાસી વિજય પાટીદાર, નીતા દીપ બાજપાઈ અને મંદસૌરના અર્જુન પાટીદારની કે જેમણે સાથે મળીને આ ઉદ્યમને શરૂ કર્યો. રસપ્રદ વાત એ છે કે હાલ તો આ ત્રણ માટે આ ઉદ્યમ સાઇડ બિઝનેસ તરીકે છે, જેને તેઓ પોતાની નોકરી અને બીજા કામની સાથે કરી રહ્યા છે.

Eco Friendly Products By Goshilp

આ પણ વાંચો:દસ વર્ષની માન્યાની કમાલ, લસણ-ડુંગળીની છાલમાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી પેપર

એન.આઈ.ટી. ભોપાલથી માસ્ટર્સ કરનાર વિજય એક સ્ટાર્ટઅપની સાથે કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. જયારે અર્જુન એક પશુ ચિકિત્સક છે અને તેઓ પોતાની પ્રેક્ટિસ કરે છે. નીતા એક આર્ટિસ્ટ છે તથા તેઓ અલગ અલગ પ્રકારના ચિત્રો અને ટેરાકોટાની વસ્તુઓ બનાવે છે.

આ ત્રણેયે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં પોતાની સફર વિશે જણાવ્યું.

વિજયે જણાવ્યું કે ," મારો પરિવાર ભલે કેટલાય વારસોથી ભોપાલમાં વસવાટ કરી રહ્યો છે પરંતુ અમે આજે પણ પોતાના ગામથી જોડાયેલા છીએ . મેં ભણવાનું પતાવ્યું પછી થોડો સમય સહાયક અદ્યાપક તરીકે પણ કામ કર્યું. પરંતુ હું જૈવિક ખેતી કરવાની સાથે એક આત્મનિર્ભર જિંદગી જીવવા માંગતો હતો એટલા જ માટે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ક્ષેત્રમાં સંશોધન શરુ કરી દીધું. મારું માનવું છે કે જયારે તમે કંઈક નવું કરવા માંગો છો તો તમારી પાસે આવકના અલગ અલગ સ્ત્રોતની ઉપલબ્ધી હોવી જોઈએ જેથી તમે જો એકમાં સફળ ન થઇ શકો તો બીજા દ્વારા તમારું ઘર ચલાવી શકો.

કેવી રીતે 'ગોશિલ્પ' નો પાયો નખાયો?

વિજય જૈવિક ખેતીની સાથે સાથે તેની સાથે જોડાયેલા અલગ અલગ વ્યવસાય પર પણ સંશોધન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ગૌશાળાઓમાં પણ ભ્રમણ કર્યું અને જાણ્યું કે કેવી રીતે પશુધનથી ગોબર દ્વારા પણ સારી એવી કમાણી થઇ શકે છે. તેઓએ કહ્યું કે અમે હંમેશા સાંભળ્યું છે કે ગાયોને ગૌશાળા પહોંચાડી દો ત્યાં તેમની સારી રીતે દેખભાળ થશે પરંતુ ક્યારેય આપણે જાતે જ ત્યાં જઈને જોઈએ છીએ કે ત્યાં શું ચાલી રહ્યું છે અને વિચાર્યું છે કે કેવી રીતે આપણે ગાય દ્વારા મળતા ગોબરનો ઉપયોગ કરીને ગૌશાળાને આત્મનિર્ભર બનાવી શકીએ.

Goshilp Enterprises

ગૌશાળાઓમાં ભ્રમણ દરમિયાન વિજયની મુલાકાત અર્જુન અને નીતાથી થઇ. અર્જુન પહેલાથી જ ગૌશાળા સાથે જોડાઈને ગોબરમાંથી ખાતર અને ધૂપબત્તી પર કામ કરી રહ્યા હતા. જયારે નીતા ઘણી વખત ગામમાં મહિલાઓના સ્વયં સહાયતા સમુહને કંઈક ને કંઈક ટ્રેનિંગ આપવા માટે આવતી હતી.

અર્જુન કહે છે કે, હું નાગપુરમાં ખાદી ગ્રામોદ્યોગથી ગોબરમાંથી અલગ અલગ ઉત્પાદન બનાવવાનું શીખ્યો જેથી તેના દ્વારા સારા રોજગારનું સર્જન થઇ શકે. ડોસ્ટર તરીકે કામ કરવાની સાથે સાથે ગૌશાળાઓ સાથે જોડાઈને ગામડામાં મહિલાઓ અને ખેડૂતોના સમૂહને ગોબરના વ્યવસાય સાથે જોડવાનું શરું કરી દીધું. આ દરમિયાન જ હું વિજયજી અને નિતાજીની સાથે સંપર્કમાં આવ્યો. અમે એકબીજા સાથે વિચાર વિમર્શ કર્યો અને 'ગોશિલ્પ' નો પાયો નખાયો.

આ પણ વાંચો:આ અમદાવાદી કન્યા કેળા, અનાનસ અને બિચ્છુ બૂટીના કચરામાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી કાપડ

ઓછું રોકાણ વધારે કમાણી

વિજય કહે છે," મેં 2020થી સંપૂર્ણ રીતે જૈવિક ખેતી સાથે જોડાવવાનો નિર્ણય કર્યો પરંતુ કોરોના મહામારી તથા લોકડાઉનના કારણે હું ગામડાઓમાં ન જઈ શક્યો. એવામાં મેં એક સ્ટાર્ટઅપમાં નોકરી શરું કરી. સાથે સાથે લોકડાઉન દરમિયાન અમે પોતાના ઉદ્યમની પણ શરૂઆત કરી. અમે ત્રણેએ શરૂઆતમાં ફક્ત દસ દસ હજારનું રોકાણ કર્યું.

અમે સૌથી પહેલા નાની નાની પ્રોડક્ટસ જેવી કે, સ્વસ્તિક, ૐ, નાની મૂર્તિઓ, વગેરે બનાવવાનું શરું કર્યું અને ધીમે ધીમે તેનું માર્કેટિંગ શરુ કરવામાં આવ્યું. દિવાળીના સમયે અમે મેળાઓમાં ભોપાલમાં અલગ અલગ જગ્યાઓ પર અમારી દુકાન લગાવી, જ્યાં અમારી પ્રોડક્ટસને સારી એવી પ્રતિક્રિયા મળી. ગોબરથી બનાવેલ અમારી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટસની કિંમત 50 રૂપિયા થી 2000 રૂપિયા છે.

Products Made From Cow Dung

નીતા કહે છે કે તેમનો પાયલોટ પ્રોજેક્ટ ખાસો એવો સફળ રહ્યો. એટલા માટે પોતાના ઉદ્યમને 'ગોશિલ્પ' ના નામથી રજીસ્ટર કરવામાં આવ્યો.

બનાવી રાખવાનો છે શૂન્ય રોકાણ વ્યાપાર

તેમણે કહ્યું, અમારો ઉદ્દેશ પોતાના વ્યાપારને શૂન્ય રોકાણનો બનાવી રાખવાનો છે. એટલા માટે અમે ક્યાંયથી કોઈ મોટું ફંડિંગ નથી લીધું. પરંતુ દર મહિને પોતાની બચતમાંથી જ અમે પૈસા રોક્યા છે. સૌથી સારી બાબત એ છે કે અત્યાર સુધી જેટલું પણ રોકાણ કર્યું છે તેના સિવાય અમે ઉપર થી 60 હજારના ફાયદામાં છીએ જો કહીએ કે અમે 60 હાજર રૂપિયાનું રોકાણ કર્યું છે તો અમારી કમાણી લગભગ તેમાંથી દોઢ લાખ રૂપિયા સુધીની થઇ છે.

તેમના જણાવ્યા પ્રમાણે સૌથી વધારે ખર્ચ ઢાંચો બનાવવામાં થાય છે. તેમણે અલગ અલગ પ્રોડક્ટસ માટે ઢાંચા તૈયાર કર્યા છે જેમાં તેમને વધારે ખર્ચો થાય છે પરંતુ તે ફક્ત એક જ વખત હોય છે. હવે તેઓ ઓછામાં ઓછા ખર્ચે વધારે સારું કામ કરી શકે છે. સાથે સાથે 50 ગ્રામીણોને રોજગારી પણ આપી રહ્યા છે જેમાં સૌથી વધારે તો મહિલાઓ જ છે. અર્જુન કહે છે તેઓ જે બે ત્રણ ગૌશાળામાં જોડાયેલા છે ત્યાં મહિલાઓના સમૂહને છાણીયું ખાતર તથા તેમાંથી લાકડી બનાવવાનું કામ આપવામાં આવે છે.

આ મહિલાઓના સમૂહમાંથી જ તેમને કેટલીક એવી મહિલાઓને પસંદ કરી છે કે જેઓ સારું ચિત્રકામ કરી જાણે છે અથવા કોઈ પણ પ્રકારની કલાત્મક રુચિ રાખે છે. આ મહિલાઓને ગોશિલ્પ સાથે જોડીને નીતાએ તેમને ટ્રેનિંગ આપી અને હવે દરેક મહિલા 20 પ્રકારની પ્રોડક્ટસ તૈયાર કરે છે.

બનાવી રહ્યા છે પ્રાકૃતિક અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ

ગોશિલ્પની બધી જ પ્રોડક્ટસ પ્લાસ્ટિક અને પીઓપી જેવી હાનિકારક વસ્તુઓથી બનેલી પ્રોડક્ટસની સામે એક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ તરીકે મજબૂત વિકલ્પ તરીકે છે. કેમકે એમની પ્રોડક્ટસમાં ગોબર અને તેના સિવાય જે સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે તે પર્યાવરણને એકદમ અનુકૂળ છે. આ પ્રક્રિયા બાબતે અર્જુને જણાવ્યું કે સૌથી પહેલાં છાણાંને બનાવવામાં આવે છે. અમારી કોશિશ એજ રહે છે સૌથી વધારે છાનાં શિયાળામાં બનાવવામાં આવે જેથી તેની ગુણવત્તા સારી રહે. આ છાણાંઓના સુકાઈ ગયા બાદ તેને પાવડર ફોર્મમાં બદલવામાં આવે છે. પછી તેને ચારણીથી ચાળવામાં આવે છે જેથી ગુણવત્તામાં કોઈ કચાસના રહે.

Usig Cow Dung To Make Home Decore

આ પણ વાંચો:ખેતીની પરાલીમાં વાવ્યા ઑર્ગેનિક મશરૂમ અને તેના વેસ્ટમાંથી બનાવ્યાં ઈકો ફ્રેન્ડલી વાસણ

આ પાવડરને ચાળ્યા પછી તેમાં ગુવાર ગમ અને મેદા લાકડીનો પાવડર ઉમેરવામાં આવે છે. આ બંને પણ પ્રાકૃતિક વસ્તુઓ છે જે બાઈન્ડીંગ એજન્ટનું કામ કરે છે. આ ત્રણે ચીજોને ભેળવી પેસ્ટ બનાવાવમાં આવે છે. આ પેસ્ટને બીબામાં ઢાળીને પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. તૈયાર પ્રોડક્ટને સુકવ્યા પછી તાજા છાણથી ફિનિશિંગ આપવામાં આવે છે અને પછી નૈસર્ગીક રંગો દ્વારા સજાવવામાં આવે છે.

પ્રાકૃતિક હોવાની સાથે સાથે આ પ્રોડક્ટસ મજબૂત પણ હોય છે જે નીચે પડવાથી પણ તૂટતી નથી અને ઘણાં વર્ષો સુધી તમારા ઘરમાં રહી શકે છે. અને ક્યારેય જો આ વસ્તુઓને તમારે ડીકમ્પોઝ કરવી હોય તો તમે તેને આસાનીથી ખાતરમાં પરિવર્તિત કરી શકો છો.

વધારે નફો નહિ પરંતુ વધારે રોજગાર દેવાનું છે અર્જુનનું લક્ષ

અર્જુનનું કહેવું છે કે તેમને હજી સુધી લોકોની સારી એવી પ્રતિક્રિયા મળી છે. તેઓએ દિવાળી તથા જન્માષ્ટમીના તહેવાર પર ખુબ સારો વેપાર કર્યો. તેઓએ કહ્યું," હાલ તો અમારું ધ્યાન નફા પર નથી. અમે ઇચ્છીએ છીએ કે આ કામને ઓછામાં ઓછી મૂડીમાં કરીને વધારેમાં વધારે લોકોને રોજગારી દઈ શકીએ. સાથે જ, ગ્રામીણ વિસ્તારમાં રહેવાવાળા લોકો માટે એમ ટકાઉ વ્યાપારિક મોડલ બનાવી શકીએ. જો મોટા સ્તર પર આ કામ પહુંચશે તો પ્રોડક્ટસની કિંમત પણ ઓછી થશે અને કમાણી પણ વધશે.

ઘણાં લોકો જેઓ ગોબરને કચરો સમજીને ફેંકી દેતા હોય છે તેમના માટે ગોશિલ્પ એક સારામાં સારા વ્યવસાયના વિકલ્પ તરીકે છે.

વિજય કહે છે કે જો કોઈ આ કામ કરવા ઈચ્છે છે તો તેમની ટીમ ટ્રેનિંગ આપી શકે છે. જો તમે પણ આ વ્યવસાય વિશે વધારે જાણકારી મેળવવા ઈચ્છો છો તો 9977555385 અથવા 89827241105 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

ફોટો - વિજય પાટીદાર અને અર્જુન પાટીદાર

આ પણ વાંચો:તરછોડાયેલ ગાયોને આશરો આપી બનાવે છે ગૌ આધારિત વસ્તુઓ, આપે છે 10 મહિલાઓને રોજગારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.