Powered by

Home હટકે વ્યવસાય કચરામાંથી કરોડોની કમણી: કચરો વિણનારાઓનું જીવન બદલવા આ મહિલાએ બનાવી કરોડોની બ્રાન્ડ

કચરામાંથી કરોડોની કમણી: કચરો વિણનારાઓનું જીવન બદલવા આ મહિલાએ બનાવી કરોડોની બ્રાન્ડ

દિલ્હી નિવાસી અનિતા આહુજા અને તેના પતિ શલભ એક અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પ્લાસ્ટિકના કચરાનો ફરીથી ઉપયોગ કરીને નિકાસ કરવા યોગ્ય ગુણવત્તાવાળા સુંદર ઉત્પાદનો બનાવે છે.

By Kaushik Rathod
New Update
Designer products from recycled plastic

Designer products from recycled plastic

દિલ્હીમાં ઉછરેલી અનિતા આહુજાનો જન્મ ભોપાલમાં થયો હતો. સ્વાતંત્ર્ય સેનાનીની પુત્રી અનિતાએ પોતાનું આખું જીવન સમાજની સેવામાં સમર્પિત કર્યું હતું. જો વિચારસરણી મોટી હોય, તો પછી કચરામાંથી સોનું પણ મેળવી શકાય છે. કાળા કોલસામાંથી પણ છેવટે ચળકતા હીરા નિકળે જ છે. અનિતા આહુજાએ કચરો વિણનારા (Rag Pickers) સાથે વ્યવસાય શરૂ કરીને આ વાત સાચી સાબિત કરી. તેના ધંધામાં તેની પુત્રી કનિકા આહુજા અને પતિ શલભે પણ તેમનો સાથ આપ્યો હતો. અનિતા અને તેના પતિ શલભે વર્ષ 1998 માં 'કંઝર્વ ઇન્ડિયા' નામની એક એનજીઓ શરૂ કરી હતી. જે અંતર્ગત તે વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરતા હતા. સાથે-સાથે તે લોકોને સ્વચ્છતા, વૃક્ષારોપણ વગેરે વિશે જાગૃત કરતા હતા.

કેવી રીતે થઈ 'કંઝર્વ ઇન્ડિયા'ની શરૂઆત?

'કંઝર્વ ઇન્ડિયા' નો વિચાર તેને વેસ્ટ પ્લાસ્ટિક્સને કારણે જ આવ્યો હતો. એક દિવસ અનીતાએ પોતાના કેટલાક મિત્રો અને પરિવારના લોકો સાથે મળીને પોતાના વિસ્તારમાં નાના-નાના પ્રોજેક્ટ લેવાનો નિર્ણય લીધો. તેઓએ વિચાર્યું કે એક સંસ્થાની શરૂઆત કરવી, જે અંતર્ગત તે અને તેના જેવા કેટલાક લોકો સમાજ માટે કામ કરી શકે. વર્ષ 1998માં તેઓએ 'કંઝર્વ ઇન્ડિયા' ની શરૂઆત કરી અને આ પ્રોજેક્ટ અંતર્ગત બધા વિસ્તારોનો કચરો એકઠો કરવાનું શરૂ કર્યું. પછી આ કચરામાંથી રસોઈનો કચરો અલગ કર્યા બાદમાં તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે પાર્કમાં રાખવામાં આવ્યો. આ શરૂ કર્યાની સાથે તેમને સમજ આવવા લાગી કે ખાલી આ કરવાથી કંઈ વળવાનું નથી. ત્યારબાદ તેમણે બીજી કૉલોનીમાંથી સહયોગ માંગ્યો.

Rag Pickers

ત્યારબાદ તેમણે આશરે 3000 લોકો સાથે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનની શરૂઆત કરી. આ એસોસિએશન વર્ષ 2002 માં ફૂલ ટાઈમ કમીટમેન્ટ વાળી સંસ્થા બની. અનિતા આહુજાએ કહ્યું, “કચરો વિણનારા સાથે ચાર વર્ષ સુધી કામ કરતાં સમજાયું કે તેઓ ગરીબીના સ્તરથી પણ નીચેના સ્તરે જીવે છે. આપણે તેમના માટે કંઈક કરવું જોઈએ."

ધંધાનો વિચાર કેવી રીતે આવ્યો?

અનિતા આહુજાની 30 વર્ષની પુત્રી, કનિકા આહુજાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “આ યાત્રાની શરૂઆત મારી માતા અનિતા અને પિતા શલભ દ્વારા કરવામાં આવી હતી. તે લાંબા સમયથી વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યાં હતાં. પછી જ્યારે તે દિલ્હીના ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં ગયા, ત્યારે તેણે જોયું કે કચરો વિણનારા દિવસભર સખત મહેનત કરે છે. પરંતુ તેમને યોગ્ય ભાવ મળતા નથી. તેમની દુર્દશા જોઈને માતાએ નિર્ણય કર્યો કે તે તેમના જીવનમાં સુધારો લાવવા માટે કંઇક કરશે."

તેમના જીવનધોરણને સુધારવા માટે તેમને આવકનો સ્રોત આપવો જરૂરી હતો. જે કોઈ એનજીઓ દ્વારા શક્ય નહોતું. પછી તેણે નક્કી કર્યું કે તે આ એનજીઓને એક સોશિયલ એન્ટરપ્રાઇઝમાં રૂપાંતરિત કરશે. વર્ણ 2004 માં એક સોશિયલ એન્ટરપ્રાઇઝ તરીકે શરૂ કર્યુ. પરંતુ તેને તેનું પેટન્ટ કરાવવામાં લાંબો સમય લાગ્યો. વર્ષ 2007 માં, તેઓ આખરે તેને પેટન્ટ કરાવવામાં સફળ થયા.

Anita Ahuja
Anita Ahuja

કચરાથી કરોડ સુધીની સફર

કનિકાએ કહ્યું, “અમે હેન્ડમેડ રિસાયકલ પ્લાસ્ટિક (HRP) થી બૅગ બનાવવાની શરૂઆત કરી. આમ તો તેમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે. પરંતુ અમારો અનુભવ ફેશનમાં વધુ હતો, તેથી અમે બેગ બનાવવાનું નક્કી કર્યું."

તેણે કહ્યું, “મારા પિતા શલભ એન્જિનિયર હતા, હવે તેઓ નિવૃત્ત થયા છે. પરંતુ જ્યારે બૅગ બનાવવાનું કામ શરૂ થયું ત્યારે તેમણે જાતે પ્લાસ્ટિકની ચાદર બનાવવાનું મશીન બનાવ્યું. આના દ્વારા મોટા પાયે પ્લાસ્ટિકની ચાદર તૈયાર કરવામાં આવી. ઑટોમેટિક મશીનો વડે બૅગ પર આર્ટ વર્ક કર્યું અને પછી તેને પ્રદર્શનમાં મૂકવાનું શરૂ કર્યું.”

નાના બૂથમાંથી મળ્યો લાખોનો ઓર્ડર

કંઝર્વ ઇન્ડિયાએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં વેપાર મેળામાં ભાગ લીધો હતો. જ્યાં કાપડ મંત્રાલયે તેમને એક નાનકડો બૂથ આપ્યો હતો. આ નાના બૂથ તેમના વિચારને મોટી નામના આપી. તેમને અહીંથી 30 લાખનો ઓર્ડર મળ્યો હતો.

હવે પ્લાસ્ટિકના કચરા માટે કચરો વિણનારાઓને કચરો એકત્ર કરવા માટે ઘરે ઘરે જવું પડતું હતું. પરંતુ જરૂરિયાત વધારે હતી અને પ્લાસ્ટિક ઓછું મળતું હતું. બૅગ બનાવવા માટે ખાસ રંગીન પ્લાસ્ટિકની જરૂર હતી. આ માટે તેમણે ભંગારવાળાનો સંપર્ક કર્યો અને સીધો ઉદ્યોગમાંથી પ્લાસ્ટિકના કચરાનો ઓર્ડર આપવાનું શરૂ કર્યું. ધીરે ધીરે કંઝર્વ ઇન્ડિયા એક બ્રાન્ડ બન્યું અને હવે તેમનું ટર્નઓવર 1 કરોડ પર પહોંચી ગયું છે.

Kanika Ahuja
Kanika Ahuja

કનિકાએ 'લિફાફા'ની શરૂઆત કરી

મણિપાલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યા પછી, કનિકા આહુજા પણ આ બિઝનેસમાં જોડાઇ ગઈ. વર્ષ 2017 માં, તેણે બૅગ વેચવા માટે લિફાફા નામની બ્રાન્ડ શરૂ કરી. જેને લેક્મે ફેશન વીક દ્વારા પણ સપોર્ટ મળ્યો હતો અને તેની બ્રાન્ડ બે વાર આ ફેશન વીકનો ભાગ બની હતી. કનિકા આ વ્યવસાય અને તેના માર્કેટિંગનું કામ સંભાળે છે. તો અનિતા કર્મચારીઓની તાલીમ આપવાનું કામ અને ડિઝાઇનની દેખરેખ રાખવાનું કામ સંભાળે છે.

કેવી રીતે બને છે કચરામાંથી બૅગ?

કનિકાએ કહ્યું, “અમને બૅગ બનાવવા માટે પાતળા પ્લાસ્ટિકની જરૂર હોય છે. તેને બનાવવા માટે પ્લાસ્ટિકને સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર કરવું પડે છે. અમે આમાં ડાઈ અથવા રંગોનો ઉપયોગ કરતા નથી. આમાં પ્લાસ્ટિકનો જે પોતાનો રંગ હોય તે જ તેમાં બહાર આવે છે.”

Plastic Recycle

આ રીતે બૅગ બનાવવામાં આવે છે:

*કચરામાંથી એકત્રિત કરવામાં આવેલ પ્લાસ્ટિકના કચરામાંથી પહેલાં હેન્ડમેડ રિસાયકલ્ડ પ્લાસ્ટિક (HRP) બનાવવામાં આવે છે.
*HRP બનાવવા માટે, પ્લાસ્ટિકને પહેલાં સારી રીતે સાફ કરવામાં આવે છે. જેથી તેમાં કોઈ ગંદકી ન રહે અને કોઈ ચેપ ન લાગે.
*પછી તેને રંગ અનુસાર અલગ કરવામાં આવે છે અને પછી આ રંગોનું મિશ્રણ કરવામાં આવે છે.
*ત્યાર પછી, આ પ્લાસ્ટિકને લેયર દ્વારા મશીનમાં મૂકવામાં આવે છે, જે તેને કંપ્રેસ કરીને રંગીન પ્લાસ્ટિકની શીટ તૈયાર કરે છે.
*ત્યારબાદ આ શીટ્સમાંથી વિવિધ પ્રકારની બૅગ, ક્લચઝ, લેપટોપ બૅગ અને ફોલ્ડર્સ વગેરે બનાવવામાં આવે છે.
*કનિકા આહુજા જણાવે છે કે, “આને શરૂ કરતી વખતે વિચાર્યું ન હતું કે તે આટલા પૈસા કમાઈશું અને ન તો અમારો હેતુ પૈસા કમાવવાનો હતો. પરંતુ જ્યારે લોકો જોડાતા ગયા અને અમે તેમાંથી ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું તો લોકોને તે ખૂબ ગમ્યું."

ધંધા પર કોવિડની અસર

કનિકાએ કહ્યું, “જોકે અમે ગયા વર્ષ સુધી આ ધંધાથી એક કરોડ રૂપિયા સુધીની કમાણી કરી હતી, જેથી અમે અમારા કર્મચારીઓને અને અમારા માટે પ્લાસ્ટિક એકત્રિત કરનારાઓને સારું જીવન આપી શકીએ. પરંતુ કોવિડને કારણે બિઝનેસમાં ઘણી અસર થઈ છે. અત્યારે અમે નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે પેકેજિંગ મટિરિયલને રિસાયક્લિંગ કરવાનું કામ પણ કરી રહ્યા છીએ. "

તેમણે કહ્યું કે અમે પેરિસની 'ફેબ-લેબ' સાથે પણ વાત કરી રહ્યા છીએ, જે પ્લાસ્ટિકને રિસાયકલ કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જો અમે સફળ થશું તો આ પ્લાસ્ટિકનો ઉપયોગ રમકડા વગેરે બનાવવા માટે પણ થઈ શકે છે. જેનાથી વધુને વધુ વેસ્ટ પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

Rag Pickers

હજારો કચરા વિણનારાને મળ્યો રોજગાર

અનિતા આહુજાના એક અલગ અભિગમે ઘણા ફેરફારો લાવ્યા. એક તરફ, જ્યાં-ત્યાં ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકને અજાણતાં ખાવાથી પ્રાણીઓ મરે છે. બીજી તરફ, તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે. તેમના પ્રયાસોથી તેમને આ નુકસાનથી તો બચાવ થાય જ છે સાથે જ હજારો કચરો વિણનાર લોકોને રોજગાર પણ મળ્યો છે.

કેવી રીતે બદલાયું જીવન?

તમિલા અને અહીં કામ કરતા અન્ય કર્મચારીઓએ જણાવ્યું, “અહીં ઘણા કર્મચારીઓ છે જે શરણાર્થી છે, પરંતુ કોઈની વચ્ચે કોઈ ભેદભાવ નથી. મોટાભાગની મહિલાઓ અહીં કામ કરે છે. તમિલાએ કહ્યું, “મારા ઘરમાં હું, મારા પતિ અને 4 બાળકો છે. અગાઉ ઘણી મુશ્કેલી હતી. પતિ પાસે કામ નહોતું, મને સીવણ આવડતું તેથી મને અહીં કામ મળ્યું. હું છેલ્લા એક વર્ષથી અહીં કામ કરું છું અને હું જ ઘર ચલાવુ છું. મને ખૂબ ગર્વ થાય છે કે આજે હું મારા પગભર છું અને મારા બાળકો અને પતિના સારા ભવિષ્ય માટે કંઈક કરી શકું છું.”

અનિતા આહુજા અને તેની સાથે કામ કરતા હજારો કચરો વિણનારા, પ્રોડક્ટ ક્રિએશન સ્ટાફ, અનિતાના પતિ શલભ અને હવે પુત્રી કનિકાની મહેનત અને સફળતાની આ કહાની જણાવે છે કે આ પૃથ્વી પર કંઈપણ નકામું નથી, હા, બસ તમારી પાસે ફક્ત કંઇક અલગ કરવાની ઉત્કટતા હોવી જોઈએ.

અમારો પ્રયાસ છે કે અમે તમને પ્રેરણા આપતા રહીએ અને તમે અમને તમારી સફળતાની કહાની લખવાની તક આપતા રહો.

જો તમે લિફાફા બૅગ જોવા અથવા ખરીદવા માંગતા હો, તો www.lifaffa.com અથવા Instagram ની મુલાકાત લો. ઉપરાંત, તમે 'કંઝર્વ ઇન્ડિયા' વિશે વધુ માહિતી માટે, www.conservindia.org ની મુલાકાત લઈ શકો છો અથવા તમે તેમને Instagram પર ફોલો કરી શકો છો.

Stay Inspired & Be Inspirational!

મૂળ લેખ: અર્ચના દૂબે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:જૂના જીન્સમાંથી 400 પ્રકારની પ્રોડક્ટ બનાવી દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે આ યુવાન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.