Powered by

Home શોધ કચ્છમાં 1 જ વ્યક્તિ સાચવે છે બેલા બ્લોક કળા, રોજી ન મળતાં અન્ય લોકો બીજા ધંધે વળ્યા

કચ્છમાં 1 જ વ્યક્તિ સાચવે છે બેલા બ્લોક કળા, રોજી ન મળતાં અન્ય લોકો બીજા ધંધે વળ્યા

આપણા દેશમાં એવી ઘણી કળાઓ છે, જેમાં પૂરતી રોજી ન મળવાના કારણે લોકો બીજા કામ તરફ ફરવા લાગ્યા અને આ કળાઓ લુપ્ત થવા લાગી. આવી જ એક કળા છે બેલા બ્લોક કળા, જેને સાચવે છે માત્ર એક વ્યક્તિ મનસુખભાઈ ખત્રી.

By Kishan Dave
New Update
Bela Art

Bela Art

બે અઠવાડિયા પહેલા આપડે નામદા કળા વિષે જાણ્યું કે કંઈ રીતે તે કલા અત્યારે નામશેષ થવાના આરે છે તો આજે ધ બેટર ઇન્ડિયા ફરી એવા જ એક વિષય પર વાત લઈને તમારી સમક્ષ હાજર થયું છે. આ વખતે અમે વાત કરી રહ્યા છીએ બેલા બ્લોક પ્રિન્ટિંગ બાબતે કે જેની જાણકારી ધરાવનાર તથા તે કળા દ્વારા કાપડ બનાવનાર અત્યારે ફક્ત એક જ વ્યક્તિ હયાત છે અને જો આ કલાના સંવર્ધન માટે કંઈ જ નક્કર કાર્ય ના કરવામાં આવ્યું તો ચોક્કસ પણે તે વિલુપ્ત થશે.

બેલા બ્લોક પ્રિન્ટિંગ બાબતે તે કળાને જાણનાર અને જિંદગીભર તેના સાથે સંકળાયેલા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામના વતની એવા શ્રી મનસુખભાઇ પીતામ્બરદાસ ખત્રી સવિસ્તાર તેમની વાત ધ બેટર ઇન્ડિયા સમક્ષ રજૂ કરે છે સાથે સાથે ગંભીરતાથી તેઓ આગળ વાત મુકતા કહે છે કે કંઈ રીતે અત્યારે આ કલા તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે અને જો કોઈ વ્યક્તિ દ્વારા તેને રસપૂર્વક શીખવામાં નહીં આવે તો તે ઇતિહાસ બની જશે. તો ચાલો આપણે બેલા આર્ટ વિશે થોડું જાણીએ.

Bela Art

ઇતિહાસ
મનસુખભાઇ કહે છે કે, આ કામ ઘણા વર્ષોથી તેમના પૂર્વજોના સમયથી પેઢી દર પેઢી ચાલતું આવ્યું છે. બેલા ગામના કારીગરો દ્વારા આ કામ થતું તેથી તેને બેલા બ્લોક પ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે.
આમ આ કારીગરી એ બાપ દાદાના સમયથી ચાલી આવતી વર્ષો જૂની છે. ગામમાં વર્ષોથી આ કામ થતું અને ગામની તેમજ આજુબાજુના વિસ્તારની દરેક કોમ દ્વારા આ કારીગરી દ્વારા બનેલ કપડાં પહેરાતાં.

સમય બદલાતા  મિલમાં જ પ્રિન્ટિંગ વાળા કાપડ શરુ થયા અને હસ્તકલા દ્વારા બનતા કપડાનો વપરાશ ધીમે ધીમે ઘટવા લાગ્યો જેમાં બેલા બ્લોક પ્રિન્ટિંગના કારીગરો પણ સપડાયા જેમાં લોકોએ આ હસ્તકલા દ્વારા નિર્મિત કાપડ પહેરવાનું સાવ ઓછું કરી દીધું જેના કારણે આ કારીગરી તથા તેની સાથે સંકળાયેલા કારીગરોને આજીવિકા માટે જે તે કામ શોધવું પડ્યું જેનો ભોગ અત્યારે આ કલા બની છે.

 Block Art Painting

35 વર્ષ સુધી બંધ રહ્યું આ કામ
મનસુખભાઇ આગળ જણાવે છે કે તેમના પિતાજી પોતે આઠ વર્ષના હતા ત્યારે જ અવસાન પામેલ અને એ પછી મોટાભાઈ જોડે રહીને આ કામ શીખ્યા. તેઓ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ કામ સાથે સંકળાયલ છે આમ તેમણે 11-12 વર્ષની ઉંમરે જ આ કામ શીખવાનું શરુ કરેલું. તેમ છતાં તમને જાણીને નવાઈ લાગશે કે 45 વર્ષથી આ કામ સાથે સંકળાયેલા હોવા છતાં પણ વિધિવત કામ જે મૂળરૂપે હતું  તે લોકો દ્વારા કોઈ જ માંગ ના હોવાના કારણે સતત 35 વર્ષ સુધી બંધ રહ્યું. આ દરમિયાન તેઓ આ કલા દ્વારા થોડું ઘણું આચાર કુચર કામ કરીને ગુજરાન ચલાવતા હતા.

કામ સાવ ઠપ્પ થઇ જવાના કારણે જે મુખ્ય કામ હતું જુનવાણી તે કામ જેટલા પણ કારીગરો જણાતા હતા તમને મૂકી દીધેલું અને પ્રિન્ટિંગ માટે જે બીબા અને ડિઝાઇન બ્લોકનો ઉપયોગ થતો તેને પણ સંકેલીને મૂકી દીધેલા. આ જ કારણે ઘણા પરિવારોએ બેલા કલાને કાયમની તિલાંજલિ આપી દીધી પરંતુ કચ્છ ખાતે આવેલ ખમીર સંસ્થાએ છેલ્લા 5 વર્ષથી આ કલાની જાળવણીના હેતુથી માટે મનસુખભાઇ પાસે કામ કરાવવાનું શરુ કર્યું છે.

મનસુખભાઇ આગળ જણાવે છે કે, અત્યારે મારા સિવાય આ કામ કોઈ નથી કરતું. પહેલા પાંચ છ ઘર આ બેલા પ્રિન્ટનું કામ કરતા પણ અત્યારે હું છેલ્લો જ વધ્યો છું. પુત્રો બધા ભણવામાં જ લાગી ગયા અને તેમણે મારી પરિસ્થતિ જોઈ આ કળા શીખવા બાબતે રુચિ ન રાખી. નાનો છોકરો થોડું ઘણું શીખ્યો પરંતુ તેને આમાં રસ ન હોવાથી તે પણ અલગ વ્યવસાય સાથે જોડાયો.

 Block Art Painting

બેલા બ્લોક પ્રિન્ટિંગ દ્વારા બનતું કાપડ
આ કલામાં કપડાં પર વિવિધ ભાત પાડવા માટે વનસ્પતિના પાંદડા ફળ છાલ વગેરેના ઉપયોગ થી બનાવેલ કલર રૂપી મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. વિધિવત રીતે કાપડ પર કંઈ રીતે વિવિધ પ્રિન્ટ કરવામાં આવે છે તે નીચે જણાવ્યું તે પ્રમાણે છે.

સૌ પ્રથમ તો કપડાને બાફવામાં આવે છે. પછી ધોવાનું અને હરડે કરવાનું ત્યારબાદ ફટકડીની પેસ્ટ છાપવાની એ થઇ ગયા બાદ તેને પ્રિન્ટીંગમાં લેવાનું અને પ્રિન્ટ થયા પછી નિયત સમય માટે તડકામાં રાખી ફરી તેને ધોવાનું. કાપડ પર છેલ્લે એલિઝાઈનની પાકી ડાઇ કરવામાં આવે છે જેથી તેને પાકો કલર લાગી જાય અને તે માર્કેટમાં અત્યારે તૈયાર જ મળે છે. આ રીતે જ્યાં જ્યાં ફટકડીની પ્રિન્ટ આવી હોય ત્યાં ત્યાં કલર લાગી જાય. તેઓ કહે છે કે ડિઝાઇન તો લાકડાના બ્લોકથી જ પાડીએ છીએ અને આ બ્લોક ઘણાં વર્ષો જુના છે અને તેનો જ ઉપયોગ કરીએ છીએ જેથી હજી સુધી કોઈ નવા બ્લોક બનાવ્યા નથી.

જુના કામમાં કોઈ કેમિકલનો ઉપયોગ નહોતો થતો પરંતુ અત્યારે નવા કામમાં સીધો કલર કરવામાં કેમિકલ કલરનો ઉપયોગ થાય છે પણ અત્યારે પણ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે તેઓ બંને રીતે કામ કરી આપે છે.

Kutch Art
પહેલાં

કળા દ્વારા થતી કમાણી
તેઓ જણાવે છે કે કામ સારું હોય તો મહિને 15 થી 20 હજાર સુધીની કમાણી થઇ જાય છે. આમ તેમણે કળાને જીવંત રાખવા તકલીફો વેઠી અને છોકરાઓને મોટા કર્યા પણ કળાને મરવા ન દીધી તથા તેને તિલાંજલિ આપી કોઈ બીજો વ્યવસાય પણ પસંદ ન કર્યો. આગળ જણાવે છે કે લોકડાઉન પહેલા વિદેશથી નજીવા પ્રમાણે એક બે વખત ઓર્ડર આવેલા પણ લોકડાઉન પછી તે પણ સારી એવી રીતે આગળ વધ્યું નથી.

છેલ્લે તેઓ એટલું જ કહે છે કે, 45 વર્ષ પહેલા પાંચ છ ઘર આ કાળા સાથે સંકળાયેલા હતા અને કામ કરતા એટલે માહોલ ખુબ સારો હતો અને અમે પણ ખુબ સારું એવું કામ કરી રહ્યા હતા પણ સંજોગોની થપાટ અને મુશ્કેલીઓના કારણે આજે આવી હાલત થઈને ઉભી છે. બસ હવે એ જ આશા છે કે બેલા પ્રિન્ટિંગ જે લુપ્ત થવાને આરે છે તે સચવાઈ જાય.

Kutchi Art

ધ બેટર ઇન્ડિયા પોતાના વાચકોને એટલું જ કહે છે આ કલા જીવંત રહે તે આપણી જવાબદારી છે અને તે માટે ખમીર જેવી સંસ્થા કાર્યરત પણ છે પણ હજી આથી પણ વિશેષ કામ થાય, કારીગરની રોજી રોટીની સાથે આ કળા જળવાય તો આપણે ગુજરાતની એક એવી કળાને ઇતિહાસ બનતા અટકાવી શકીશું અને તેથી જ જો તમે મનસુખભાઇ દ્વારા બનાવવમાં આવેલ કાપડ ખરીદવા ઇચ્છતા હોવ તો તેમને તમે 8238549372 અથવા 9978731579 નંબર પર કોલ કરી શકો છો.

Kutch Art

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગુજરાતના આ શિક્ષકની ભણાવવાની રીત છે સાવ અનોખી, ભંગારમાંથી મોડેલ્સ બનાવી શીખવે છે બાળકોને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો