Powered by

Home જાણવા જેવું આગામી પઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા ભુજના શિક્ષકે શરૂ કરી ઝુંબેશ

આગામી પઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા ભુજના શિક્ષકે શરૂ કરી ઝુંબેશ

શાળામાં જ પીવાના પાણી માટે રેનવૉટર હાર્વેસ્ટિંગ અને મધ્યાહન ભોજન માટે કિચન ગાર્ડનિંગ

By Nisha Jansari
New Update
Save environment

Save environment

સતત કપાતા જતા વૃક્ષો અને વધતા જતા પ્રદૂષણના કારણે ઘણી નવી-નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તો બીજી તરફ હવે ઘણા લોકોને પ્રકૃતિની સાચી કિંમત સમજાતાં હવે વૃક્ષારોપણ અને સસ્ટેનેબલ જીવનશૈલીનું મહત્વ સમજવા લાગ્યા છે. એક સમયે વરસાદનું મોટાભાગનું પાણી વહી જતું હતું ત્યાં હવે 'રેન વૉટર હાર્વેસ્ટિંગ' દ્વારા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરતા થયા છે. વરસાદના વધારાના પાણીને જમીનમાં ઉતારી ભૂસ્તરને ઊંચુ લાવતા થયા છે. અને આ જ એ સમય છે કે, લોકો જો આ બધાં પગલાં નહીં લે તો, આગામી પેઢીને પીવાલાયક પાણી મેળવવું ખૂબજ મુશ્કેલ થઈ જશે અને ઘટતી જતી લીલોતરીના કારણે ગરમીમાં પણ સતત વધારો થતો રહેશે અને વરસાદ ઘટતો રહેશે.

પર્યાવરણવિદો અને પર્યાવરણ પ્રેમીઓ તો પર્યાવરણ બચાવવા બહુ પ્રયત્નો કરી જ રહ્યા છે, પરંતુ હવે તેમની સાથે-સાથે સામાન્ય લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે. ત્યાં જો એક શિક્ષક આ અભિયાનમાં જોડાય તો તેમની સાથે બીજા ઘણા લોકોને પ્રેરણા આપી શકે છે. આવા જ એક શિક્ષક અને આચાર્ય વિશે જણાવી રહ્યા છીએ અમે, જેઓ શાળામાં વૃક્ષારોપણ, કિચન ગાર્ડનિંગ અને રેન વૉટર હાર્વેસ્ટિંગ કરી હજારો બાળકોને તેમના આ ભગીરથ કાર્યમાં જોડે છે.

Gujarati News

ભુજની પાટવાડી શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ રાજગોરે બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવા માટે એક ઈકો ક્લબની સ્થાપના કરવામાં આવી છે. જેના અંતર્ગત શાળામાં જ એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. જેમાં સંખ્યાબંધ દેશી કુળનાં ઝાડ વાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બાળકોને જ પ્રોત્સાહિત કરી નકામાં વાસણો અને ડ્રમમાં સંખ્યાબંધ ફૂલછોડ અને ઔષધીઓ વાવવામાં આવી છે. અત્યારે તેમની શાળામાં એટલાં બધાં વૃક્ષો થઈ ગયાં છે કે, જ્યાં નજર કરો ત્યાં હરિયાળી જ હરિયાળી દેખાય. એક નવો છોડ વાવવો હોય તો, જગ્યા શોધવી પડે. બાળકોથી લઈને શિક્ષકો બધાંમાં એ આદત કેળવી છે કે, શાળામાં આવી પહેલાં મોંમાં અજમો અને તુલસીનું પાન મોંમાં મૂકવું.

અત્યારે તો શાળાઓ બંધ છે, પરંતુ જ્યારે શાળાઓ ચાલું હોય અને બાળકો શાળાએ આવતાં હોય ત્યારે તેઓ દર વર્ષે શાળાના બગીચામાં કિચન ગાર્ડનિંગ પણ કરે છે. સરકારી શાળામાં મોટાભાગે ગરીબ કે નીમ્ન મધ્યમવર્ગમાંથી આવતાં હોય છે. એટલે આ બાળકો શાળામાં નિયમિત આવે અને તેમનાં માતા-પિતાને બાળકોના જમવાની ચિંતા ન રહે એ માટે સરકાર તેમને મધ્યાહન ભોજન આપે છે. પરંતુ સરકાર માટે આ માટે મર્યાદિત સમય આપવામાં આવે છે. જેથી તેમાં પૂરતાં શાકભાજી ખરીદવાં તો બહુ મુશ્કેલ હોય છે. એટલે જ રાજેશભાઈએ શાળાના મેદાનમાં જ વિવિધ શાકભાજી અને ફળો વાવવાનાં શરૂ કર્યા. વર્ષોથી સતત પ્રકૃતિ સાથે સંકળાયેલા રહેવાથી તેમની સારી ફાવટ પણ આવી ગઈ અને તેમણે બાળકોને પણ આ બધાં કામમાં સાંકળ્યાં. જેથી તેઓ પણ પ્રકૃતિનું મહત્વ સમજે. જેના કારણે બાળકોની પૌષ્ટિક ભોજન મળવા લાગ્યું, જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડવા લાગી.

Positive News

વધુમાં દર વર્ષે તેઓ શાળામાં રોપા તૈયાર કરીને બાળકોને આપે છે, જેથી તેઓ તેમના આંગણામાં વાવી શકે છે અને સંખ્યાબંધ લીમડાના રોપા તૈયાર કરી આસપાસની શાળામાં આપે છે, જેથી ત્યાં પણ બાળકોને શીતળ છાંયડો મળી રહે.

ભુજ એટલે કચ્છનો વિસ્તાર. અહીં પાણીની તંગી હંમેશાં જોવા મળે છે. એટલે રાજેશભાઈએ શાળામાં 25 હજાર લિટરનું મોટું ટાંકુ બનાવવામાં આવ્યું છે. જેમાં ચોમાસામાં વરસાદનું પાણી ભરવામાં આવે છે. જેનો ઉપયોગ વર્ષ દરમિયાન કરવામાં આવે છે. આમ વહી જતા પાણીને અટકાવી તેને બચાવવામાં આવે છે.

આ ઉપરાંત મધ્યાહન ભોજનનાં વાસણો ધોવામાં વપરાયેલ પાણી તેમજ કોઈ બાળક દ્વારા ભૂલથી નળ ખૂલ્લો રહી ગયો હોય તો આ પાણીનો પણ જરા પણ બગાડ થતો નથી. આ માટે એટલી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે, આ પાણી સીધુ જ ગાર્ડનનાં વૃક્ષો અને છોડ સુધી પહોંચી જાય છે.

Tree plantation

તો બગીચામાં ખરતાં પાંદડાંને ફેંકવાની જગ્યાએ, બગીચામાં જ એક જગ્યાએ ખાડો કરી તેને ત્યાં ભેગાં કરવામાં આવે છે અને તેમાંથી કંપોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. જેથી તેનો ઉપયોગ શાળાના પ્રાંગણમાં વાવેલ ઝાડ-છોડ માટે કરવામાં આવે છે.

તો બાળકો પણ પર્યાવરણ પ્રત્યે એટલાં જાગૃત થયાં છે કે, શાળામાં એકપણ બાળક ક્યાંય કોઈ છોડ, પાન કે ફૂલને નુકસાન નથી પહોંચાડતું. અને આ જ તો છે ખરું શિક્ષણ. જો બધે આવા શિક્ષકો હશે તો, કદાચ આગામી પેઢીમાં લોકોને વૃક્ષારોપણ માટે જાગૄત કરવાની જરૂર નહીં પડે. અને હરિયાળીના કારણે વરસાદ પણ પૂરતો થશે. લોકો વરસાદના પાણીનો સંગ્રહ જાતે જ કરતા થશે તો, પાણી માટે તરસવું નહીં પડે અને પાણી વહીં જતું પણ અટકશે.

આ પણ વાંચો:1 લીમડો કાપવાના દુ:ખમાં વાવ્યાં સંખ્યાબંધ ઝાડ-છોડ, ઘર બન્યું આધુનિક નંદનવન, છતાં લાઈટબિલ ‘ઝીરો’

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.