Dr Noori
બાળપણમાં આપણે મોટાભાગે દાદા-દાદી કે નાના-નાની પાસેથી તેમના જમાનાની વાર્તાઓ સાંભળતા હતા. કેટલીક વાર આ તેમની આ વાતો આપણા જીવનને એટલું બધુ પ્રભાવિત કરી દે છે કે, આપણે એ જ રસ્તે ચાલવા પણ લાગીએ છીએ. કઈંક આવી જ કહાની છે આંધ્ર પ્રદેશની ડૉ. નૂરી પરવીનની. મૂળ વિજવાડાની ડૉ. નૂરીએ ક્યારેય તેના દાદાને જોયા નથી. કારણકે તેમનું અવસાન નૂરીના જન્મ પહેલાં જ થઈ ગયું હતું. નૂરીએ તેના પિતા પાસેથી દાદાના સેવાભાવી સ્વભાવ અને સમાજસેવાની વાતો સાંભળી હતી. અને કદાચ એટલે જ, તેણે પણ દાદાજીની જેમ જ સમાજસેવા કરવાનું શરૂ કરી દીધું.
તે કહે છે, "બાળપણથી જ દાદાજી વિશે સાંભળતાં-સાંભળતાં મારા મનમાં પણ સમાજ સેવાની ભાવના આવી ગઈ હતી. ત્યારબાદ મેં મારા પિતાને પણ લોકોની મદદ કરતા જોયા હતા. હું હંમેશાં એમજ વિચારતી હતી કે, મોટી થઈને હું પણ કઈંક એવું જ કરીશ, જેનાથી લોકોનું ભલું થાય." પોતાના બાળપણના સપનાને સાકાર કરતાં, ડૉ. નૂરી અત્યારે પોતાનું ક્લિનિક ચલાવી રહી છે. અહીં તે માત્ર 10 રૂપિયામાં લોકોનો ઈલાજ કરે છે. પોતાની મેડિકલની સ્ટડી પૂરી કર્યા બાદ, તેણે નિર્ણય લીધો કે, તે જરૂરિયાતમંદ અને ગરીબ વિસ્તારોમાંથી આવતા લોકો માટે જ કામ કરશે.
તેમણે ધ બેટર ઈન્ડિયાને પોતાની આ સફર વિશે વિસ્તારથી કહ્યું, "હું બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. હું બાળપણથી જ જોતી હતી કે, લોકો ડૉક્ટરને બહુ માન આપે છે. આ વ્યવસાયને બહુ સારો માનવામાં આવે છે, કારણકે ડૉક્ટર લોકોના જીવ બચાવે છે. એટલે મેં પણ ડૉક્ટર બનવાનું નક્કી કરી દીધું."
જોકે તેમના માટે આ રાહ સરળ નહોંતી. કારણકે, 10 મા ધોરણ સુધી ઉર્દૂ મિડિયમમાં ભણેલ ડૉ. નૂરીને 11 મામ ધોરણમાં અંગ્રેજી મીડિયમમાં ભણવું પડ્યું. હંમેશાંથી ટોપ પર રહેતી નૂરીના માર્ક્સ અચાનક જ ઘટવા લાગ્યા અને તેનું મનોબળ ઓછું થવા લાગ્યું. તે કહે છે, "તે સમય મુશ્કેલ હતો પરંતુ, ડૉક્ટર બનવાની ચાહતમાં તેણે દરેક મુશ્કેલી સામે લડવાનું નક્કી કરી લીધું. મારા પરિવારે હંમેશાં મારો સાથ આપ્યો અને સખત મહેનત બાદ તેને સ્કૂલ બાદ તરત જ મેડિકલ કૉલેજમાં એડમિશન પણ મળી ગયું."
/gujarati-betterindia/media/post_attachments/2021/04/Dr-Noori-1-1024x614.jpg)
માત્ર 10 રૂપિયામાં ઈલાજ:
ડૉ. નૂરીએ આંધ્ર પ્રદેશમાં કડપ્પાના 'ફાતિમા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ' માંથી એમબીબીએસ કર્યું. તેણે જણાવ્યું કે, કૉલેજમાં ભણતી વખતે પણ તે સેવાનાં કાર્યો સાથે જોડાયેલ જ હતી. આ અંગે તેમણે કહ્યું, "કૉલેજના બીજા વર્ષે મેં મારા મિત્રો અને જૂનિયર્સ સાથે મળીને એક સંગઠન બનાવ્યું. અમે વધા વિદ્યાર્થીઓ મળીને અલગ-અલગ આશ્રયસ્થાન અને વૃદ્ધાશ્રમોમાં જતા હતા. ત્યાં તેઓ નિયમિત ચેક-અપ કરતા કરતા હતા અને બીજી કોઈ રીતે તેમની મદદ થઈ શકે તો તેઓ કરતાં."
ડિગ્રી પૂરી થયા બાદ, નૂરીએ જોયું કે, તેના ઘણા બધા મિત્રો આગળ માસ્ટર્સની તૈયારી કરી રહ્યા હતા અથવા તો કોઈ હોસ્પિટલમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા. બાકી બધાની જેમ નૂરીએ પણ આ વિચાર કર્યો હતો, પછી તેને લાગ્યું કે, જો તે માત્ર પોતાના વિશે વિચારશે તો બાળપણનું તેનું જે સપનું છે, તે કેવી રીતે પૂરું થશે? એટલે તેમણે ન તો કોઈ હોસ્પિટલ જોઈન કરી ન તો કોઈ હોસ્પિટલ સાથે જોડાયા. તેમણે કહ્યું, "મેં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે ક્લિક ખોલવાનું નક્કી કર્યું, જ્યાં ઓછામાં ઓછા પૈસે લોકોનો યોગ્ય ઈલાજ થઈ શકે. પહેલાં તો મેં આ વિશે ઘરમાં કહ્યું નહીં અને ગયા વર્ષે ક્લિનિક શરૂ કરી દીધું. હું નસીબદાર છું કે, જ્યારે મારા પરિવારને આ બાબતે ખબર પડી તો તેમણે પણ મને મદદ કરી."
7 ફેબ્રુઆરી 2020 ના રોજ તેમણે પોતાનું ક્લિનિક શરૂ કર્યું, તે અહીં માત્ર 10 રૂપિયામાં દરદીઓનો ઈલાજ કરે છે. જો કોઈ દરદીને આખો દિવસ ક્લિનિકમાં દાખલ કરવો પડે તો માત્ર 50 રૂપિયા લેવામાં આવે છે. તેમના ક્લિનિકમાં ત્રણ બેડ છે અને કેટલીક જરૂરી સુવિધાઓ છે. ડૉ. નૂરી કહે છે કે, દરરોજ તે લગભગ 40-50 દરદીઓને તપાસે છે. તેમણે કહ્યું, "મેં મારું ક્લિનિક કડપ્પામાં જ ખોલ્યું છે. અહીં આસપાસના ગ્રામિણ વિસ્તારમાંથી એ દરદીઓ આવે છે, જે મોટી હોસ્પિટલોમાં કે ક્લીનિક્સમાં નથી જઈ શક્તા. કારણકે, મોટાભાગની જગ્યાએ ડૉક્ટરોની ફી 200-250 રૂપિયા હોય છે અને દવાઓનો ખર્ચ અલગ. ઘણા લોકો આટલી ઊંચી ફીના કારણે ઘણીવાર તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન નથી આપતા, ખાસ કરીને મહિલાઓ. પરંતુ જો ડૉક્ટરની ફી ઓછી હોય તો, તેમને ઘણી મદદ મળી શકે છે."
/gujarati-betterindia/media/post_attachments/2021/04/Dr-Noori-2.jpg)
લૉકડાઉનમાં પણ ખુલ્યુ ક્લિનિક:
ડૉ. નૂરી જણાવે છે કે, માર્ચ 2020 માં જ્યારે લૉકડાઉન લાગ્યું ત્યારે તેમને પણ તેમનું ક્લિનિક બંધ કરવું પડ્યું. પરંતુ એકજ અઠવાડિયામાં લોકો તેમનો સંપર્ક કરવા લાગ્યા. કારણકે લૉકડાઉનના કારણે બીજે જવું તેમના માટે મુશ્કેલ હતું. એટલે તેમણે ફરીથી ક્લિનિક શરૂ કર્યું. તેમણે કહ્યું, "લૉકડાઉનમાં પણ 24 કલાક દવાખાનુ ખુલ્લુ રહ્યું અને અમે લોકોની મદદ માટે હંમેશાં તૈયાર છીએ. ગત એક વર્ષમાં લોકોની બહુ સારી પ્રતિક્રિયાઓ મળી છે. હું લોકોનો સસ્તામાં ઈલાજ કરી તેમની મદદ કરી રહી છું તો કેટલાક સમૃદ્ધ લોકો તેમનાથી શક્ય હોય એટલી મદદ કરવા આગળ પણ આવે છે."
અહીં તાવ, શરદી જેવી બીમારીઓથી લઈને હાર્ટ અને મગજ સંબંધિત બીમારીઓના દરદીઓ પણ આવે છે. તે દરેકનો શક્ય હોય એટલો ઈલાજ કરે છે. તેમણે કહ્યું કે, તે પોતાના નેટવર્કમાં કાર્ડિયોલૉજિસ્ટ, ન્યૂરોલૉજિસ્ટ અને ગાયનાકોલૉજિસ્ટ સાથે જોડાયેલ છે. જો ક્યારેય કોઈ દરદીને તેના સંબંધિત બીમારી હોય તો, તે આ એક્સપર્ટ ડૉક્ટરને ફોન કરી યોગ્ય સલાહ પણ લે છે. સાથે-સાથે તે એ પણ પ્રયત્ન કરે છે કે, દરદીને યોગ્ય ઈલાજ અને સંભાળ મળે.
ડૉ. નૂરી કહે છે, "જો હું આ દરદીઓને ના પાડીશ કે કોઈ મોટી હોસ્પિટલમાં જવાનું કહીશ તો તે નિરાશ થઈ જશે. એટલે હું તેમની મુશ્કેલી સાંભળું છું અને તેને હલ કરવાનો પ્રયત્ન કરું છું. ત્યારબાદ પણ જો કોઈને વધારે ઈલાજની જરૂર હોય તો તેમને બીજી જગ્યાએ મોકલવામાં આવે છે."
કડપ્પામાં રહેતા સિદ્દકી જણાવે છે, "એક દિવસ મોડી રાત્રે મારી તબિયત બહુ બગડી હતી. પરંતુ હું હોસ્પિટલ જવામાં અચકાતો હતો. કારણકે મને બીક હતી કે, કદાચ ડૉક્ટર નહીં મળે. પછી મેં અને મારા ભાઈએ ડૉ. નૂરીને ફોન કર્યો. તે પોતાના ક્લિનિકમાંથી નીકળી ગઈ હતી, છતાં મારા ફોન બાદ તરત જ પાછી ક્લિનિક આવી અને મને પણ ક્લિનિક પહોંચવાનું કહ્યું. આજના સમયમાં દરદીઓ માટે કોઈ ડૉક્ટરનું આવું સમર્પણ બહુ મોટી વાત છે."
આ સિવાય, ડૉ. નૂરીએ 'નૂરી ચેરિટેબલ ટ્રસ્ટ' ની પણ શરૂઆત કરી છે. જેના મારફતે, તે જરૂરિયાતમંદ પરિવારોનાં બાળકોને પુસ્તકો અને સ્ટેશનરીની સાથે-સાથે જરૂરી સામાન પહોંચાડે છે. તેમનો ઉદ્દેશ્ય હર સંભવ લોકોને મદદ કરવાનો છે. આ સમાજિક પહેલો સિવાય તે દહેજ, આત્મહત્યા સિવાય જાગૃતિ ફેલાવા માટે ડૉક્યૂમેન્ટ્રી પણ બનાવે છે.
અંતમાં તે કહે છે, "જરૂર પડે ત્યારે આજે પણ હું પરિવારની મદદ લઉં છું, કારણકે મારો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો નહીં પરંતુ લોકોની મદદ કરવાનો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, જે રીતે અત્યાર સુધી મારો પ્રયત્ન સફળ રહ્યો છે, તે અભિયાન આગળ પણ ચાલતું રહેશે."
ડૉ. નૂરી પરવીનની આ પહેલ ખરેખર વખાણવાલાયક છે અને અમને આશા છે કે, તે આ જ રીતે આગળ પણ લોકોની મદદ કરતી રહેશે.
આ પણ વાંચો: 1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કરી હતી વાયુસેનાની મદદ!