80% વિકલાંગ હોવા છતાં મહેસાણાનાં આ બહેન જાતે જ અથાણાં બનાવી કરે છે ડિલિવર પણ

80% વિકલાંગતા હોવા છતાંય મહેસાણાના ચેતનાબેન પટેલે કરેલું આ સાહસ જાણીને તમે જ કહેશો કે આવા અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ઉચ્ચ ડિગ્રી હોવા છતાં નોકરી ન મળતાં શરૂ કર્યું પોતાનું કામ.

chetnaben patel

chetnaben patel

ગુજરાતના મહેસાણા જિલ્લાના તારંગા ગામમાં રહેતા 35 વર્ષીય ચેતનાબેન પટેલ 4 વર્ષના હતા ત્યારે ડોકટર દ્વારા આપવામાં આવેલા એક ઈન્જેકશનના કારણે શારીરિક ખોડખાંપણનો ભોગ બન્યા હતા. જેના કારણે તેમના કમરથી લઈને પગ સુધીના ભાગમાં પોલિયોની અસર થઈ ગઈ હતી, પરિણામે હાલ તેઓ 80 ટકા વિકલાંગતા ધરાવે છે.

બાળપણથી લઈને આજદિન સુધી પોતાની આ લાચારી સામે ભાંગી પડવાની જગ્યાએ તેઓ અડગ મન સાથે કરેલા સાહસ અને પરિશ્રમના જોરે પોતાના અથાણાંના વ્યવસાયને સફળ બનાવી આર્થિક રીતે પગભર થયા છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ચેતનાબેન પટેલે પોતાના પ્રાથમિક શિક્ષણ અંગે વાત કરતા જણાવ્યું કે, જે-તે સમયે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમના માટે વિકલાંગો માટેની ત્રણ પૈડાવાળી સાયકલ લાવવી અશક્ય હતી. તેમ છતાંય તેમણે આ પડકાર સામે બાથ ભીડી શિક્ષણ મેળવવાનો નિરધાર કર્યો, અને એક પ્રાણીની જેમ 4 પગે ચાલીને સ્કૂલે જવાનું શરૂ કર્યું, માત્ર એટલું જ નહીં પરંતુ ઉનાળાની ઋતુમાં ધખધખતા તાપમાં પણ કાચા રસ્તાઓ પર ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ હોવા છતાં તેવા રસ્તા પર તેઓ હાથ અને પગમાં 2 જોડી મોજા પહેરીને 1 કિલોમિટર સુધી ચાલીને સ્કૂલે પહોંચતા હતા જેના કારણે તેઓને હાથ અને પગમાં અનેક છાલા પણ પડી જતા હતા. આમ તેમણે અનેક સંઘર્ષો કરી ઘોરણ 1 થી લઈને 8 સુધી એમ કુલ 8 વર્ષ ચાર પગે ચાલીને શિક્ષણ મેળવ્યું. આગળ જતા તેઓ ગ્રેજ્યુએટ થયા અને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવવા માટેની એક નોકરી પણ મેળવી.

કોરોના મહામારી આવવાના કારણે તેમણે નોકરી ગુમાવી દીધી ત્યારે વર્ષ 2020 માં તેમણે અને તેમના ભાભી સોનલબહેને અથાણાંનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. અથાણાનો વ્યવસાય શરૂ કરવાનો આઈડિયા આવ્યા બાદ તેમણે અને તેમના ભાભીએ સાથે મળીને પ્રથમ વખત 2 કિલો અથાણું બનાવ્યું અને આજુ-બાજુના ગામડાઓમાં વિના મૂલ્યે લોકોને ચાખવા માટે આપ્યું હતું અને જેનો ખુબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આમ આજે 1 વર્ષ પહેલા શરૂ કરેલા અથાણાના વ્યવસાયમાં તેઓ માસિક 30 કિલો અથાણાંનું વેચાણ કરી રહ્યા છે.

હાલ તેઓ લાલ મરચા, લીંબુ, બીજોરા અને કેરીના અલગ અલગ અથાણા 200 રૂપિયા પ્રતિ કિલ્લોના દરે વેચી રહ્યા છે. જો આપ પણ આ અથાણું ખરીદવા માંગતા હોય તો તેમને 9586432783 નંબર પર કોલ લગાવીને ઓનલાઈન ઓર્ડર આપી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: નાકના ટેરવાથી મોબાઈલમાં ટાઈપ કરી લાખોનો ઓનલાઈન વ્યવસાય કરે છે રાજકોટનો આ દિવ્યાંગ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe