2014 સુધી અહીં લાઇટ નહોંતી ત્યાં આખુ ગામ ફેરવાયું સોલર એનર્જીમાં, ગામમાં બની ગઈ શાળા અને શરૂ થઈ બીજી ઘણી સુવિધાઓ
આજે વાત થઈ રહી છે બનાસકાંઠાના એક એવા ગામની જે ગુગલ મેપ પર પણ નહોંતુ. માત્ર એટલું જ નહીં આઝાદીનાં 70 વર્ષ બાદ પણ આ ગામના લોકોએ લાઇટ કે પંખો જોયો નહોંતો. ગામ વિજળી, શિક્ષણ અને રોડ-રસ્તાથી સંપૂર્ણ અલિપ્ત હતું. પછી અહીં અચાનક વર્ષ 2012 માં એન્ટ્રી થઈ એક એવા વ્યક્તિની, જેના અથાગ પ્રયત્નોનાં કારણે આજે સંપૂર્ણ ગામ બન્યું છે સોલર ગામ. ગામ લોકોના ઘરે છે સોલર શક્તિથી ચાલતી લાઇટ અને પંખા. ગામમાં છે ધોરણ 1 થી 8 ની શાળા અને બીજું ઘણું. તો ચાલો જાણીએ બનાસકાંઠાના ખાટીસીતરા ગામની સિકલ બદલનાર મુસ્તુખાન કે. સુખ અંગે.
મૂળ ભાવનગર જિલ્લાના પીંગળી ગામના મુસ્તુખાને ભાવનગરથી બીઆરએસ (ગ્રામ વિકાસમાં સ્નાતક) કર્યું. બસ ત્યારથી જ તેમણે નક્કી કરી દીધું કે, સરકારી નોકરી નથી કરવી. ગામડાંમાં જઈને ત્યાંના લોકો સાથે રહેવું છે, જેથી કઈંક નવું શીખવા મળે અને ગામડાંના વિકાસમાં ફાળો આપી શકાય. ત્યારબાદ વધુ શીખવા અમદાવાદ ગુજરાત વિધ્યાપીઠમાંથી 2010 માં એમએસડબ્લ્યૂ કર્યું. ત્યારબાદ પ્રેક્ટિકલ શીખવા માટે ગુજરાત હરિજન સેવક સંઘના સફાઇ વિદ્યાલયમાં બે વર્ષ કામ કર્યું. ત્યારબાદ 15 ઑગષ્ટ, 2012 ના રોજ 25,000 પગારની નોકરીમાંથી રાજીનામુ આપી નીકળી પડ્યા વિકાસની સફરે.
આ દરમિયાન મુસ્તુખાનભાઇ સૌરાષ્ટ્રના દરિયાકિનારાનાં 70-72 ગામ ખૂંદી વળ્યા, જ્યાં માછીમારોના પ્રશ્નો છે, પરંતુ દિલથી ત્યાં કામ કરવાની ઇચ્છા ન થઈ. તેઓ કોઇ એવા વિસ્તારમાં કામ કરવા ઇચ્છતા હતા, જ્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબજ ઓછું હોય. આ અંગે તપાસ કરતાં ખબર પડી કે, બનાસકાંઠાનો અમિરગઢ તાલુકો, શિક્ષણ બાબતે આખા ગુજરાતમાં પછાત છે. એટલે તેમણે અહીં આવી તપાસ કરી તો, પરિસ્થિતિ તો ધાર્યા કરતાં પણ વધારે ખરાબ હતી. અહીં ‘લોક નિકેતન’ નામની એક સંસ્થા જ કામ કરી રહી હતી. એટલે તેમણે શરૂ કર્યું અહીંનાં ગામડાંમાં ફરવાનું.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ગાંધી વિચારસરણીને અનુસરતા મુસ્તુખાને જણાવ્યું, “કેટલાક સ્થાનિક લોકોની મદદથી અમે રોજના 30-32 કિમી ચાલી ગામડાંમાં ફરવાનું ચાલું કર્યું. આ દરમિયાન 2012 માં માત્ર 98 ઘરનું એક ખાટીસીતરા નામનું ગામ મળ્યું. ગામમાં બાળકો તો બહુ હતાં પણ શાળા કે આંગણવાડી નહોંતી. ગામમાં આવવા રસ્તો કે લાઇટ નહોંતી. ગામનું એકપણ બાળક ભણતું નહોંતુ. એટલે નક્કી કર્યું આ જ ગામમાં સંઘર્ષ કરવાનો. 20 સપ્ટેમ્બર, 2012 થી હું અહીં જ રહેવા આવી ગયો અને રહેવાનું શરૂ કર્યું એક બાવળ નીચે. રાત્રે આસપાસના કોઇપણ ગામમાં સૂઇ જતો.”
આ દરમિયાન રોજ ગામલોકોને મળતા, બેઠકો કરતા. ગામના એક દાદાએ તેમને થોડી જમીન દાનમાં આપી, એટલે શરૂ થઈ ગઈ તેમની સફર. અહીં તેમણે શરૂઆત કરી બાળકોના નખ કાપવાથી. ગામના લોકોને પણ નખ કાપતા શીખવાડ્યું. છ-સાત મહિના સુધી તેમને મળતા રહ્યા, બાળકોને રમતો રમાડતા, ગીતો ગવડાવતા અને ગામલોકો સાથે આત્મિયતા કેળવી.
બીજી એક રસપ્રદ વાત કરીએ તો મુસ્તુખાને પોતાના નામની સાથે અટક જોડવાની સાથે સુખ લગાવ્યું, એટલે કે મુસ્તુખાન કે. સુખ, લોકોના ‘સુખ’ માટે મહેનત કરતી વ્યક્તિ. 2012 થી શરૂ કરેલ આ સફરના પરિણામ સ્વરૂપે મુસ્તુખાન અને તેમની સંસ્થા ‘લોકસારથી ફાઉન્ડેશન’ની મહેનતથી ગામમાં ઘણા એવા બદલાવ આવ્યા છે, જેના વિશે કોઇએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. સરકાર, સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ અને ગામ વચ્ચે મધ્યસ્થી બની મુસ્તુખાને આ સપનાં સાકાર કર્યાં.
અત્યારે ગામમાં 1 થી 8 ધોરણની સરકારી શાળા છે. જેમાં અત્યારે 184 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકો નિયમિત આવે છે અને શાળા બહુ સરસ ચાલે છે. આ ઉપરાંત તેમણે બે-ત્રણ બાળકોની એમના ઝૂંપડામાં જ હોસ્ટેલ શરૂ કરી હતી. જેમાં તેમણે બાળકોને અક્ષરજ્ઞાન આપવાની સાથે-સાથે વેલ્યૂ બેઝ્ડ એડ્યુકેશન આપવાનું શરૂ કર્યું હતું. આજે તેમની પાસે 30 બાળકો માટે સુવિધા યુક્ત હોસ્ટેલ છે. જેમાં ખૂબજ જરૂરિયાતમંદ બાળકો હોય, જેમનાં ઘર બહુ દૂર હોય, રહેવાની તકલીફ હોય, માતા-પિતાનું ઠેકાણું ન હોય, પિતા કે માતાનું અવસાન થયું હોય અથવા બધુ જ હોવા છતાં માતા-પિતા વ્યસની હોય તેવાં બાળકોને રાખવામાં આવે છે. તેમને હોસ્ટેલમાં લાવી તેમનું આધાર કાર્ડ કરાવી, રેશન કાર્ડમાં નામ લખાવવામાં આવે છે, બેન્કમાં ખાતુ ખોલી આપવામાં આવે છે અને અહીં ભણાવવામાં આવે છે.
આ સિવાય 2014 સુધી ગામમાં લાઇટ નહોંતી. અને છૂટાં-છવાયાં ગામના કારણે પ્રેક્ટિકલી શક્ય પણ નહોંતી. એટલે સરકારની મદદથી ગામનાં 128 ઘરોમાં સોલર હોમ લાઇટ સુવિધા વિકસાવવામાં આવી. આમ આખુ ગામ સોલર વિલેજ બની ગયું.
ગામમાં આજે પણ સરકારી આંગણવાડી નથી, એટલે મુસ્તુખાનની લોકસારથી સંસ્થા દ્વારા બાળમંદિર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 1 થી 5 વર્ષનાં બાળકોને બોલાવવામાં આવે છે અને તેમને પૌષ્ટિક ભોજન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં મહિલાઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબજ ઓછું હોય છે. આ લોકો અંધશ્રદ્ધાઓના કારણે દવાઓ લેવા પણ જલદી તૈયાર થતા નથી એટલે. લોક સારથી સંસ્થા દ્વારા સગર્ભા મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની પૌષ્ટિક કીટ આપવામાં આવે છે. જેમાં ગોળ, ખજૂર, સોયાબીન, સુખડી બનાવવાનો સામાન, કઠોળ આપવામાં આવે છે. દર મહિને લગભગ 10-15 મહિલાઓને આ કીટ આપવામાં આવે છે. આમ ‘કુપોષણ મુક્તિ’ નું અભિયાન ચલાવી રહ્યા છે.
આ સિવાય અહીં આરોગ્યના પ્રશ્નો પણ બહુ છે. રસ્તા પણ કાચા છે, એટલે એમ્બ્યુલન્સ ન આવી શકે. એટલે દર 15 દિવસે સરકારી અને પ્રાઇવેટ ડૉક્ટરોની મદદથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અહીં લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. આ સિવાય સંસ્થા પાસે એમ્બ્યુલન્સ પણ છે. એટલે કોઇ મોટી સમસ્યા હોય, બહેનોને પ્રસુતિ હોય, અકસ્માત થયો હોય તો પાલનપુરના દવાખાના સુધી મફતમાં પહોંચાડવામાં આવે છે. ઉપરાંત પથરી, મોતિયો, ગર્ભાશયની સમસ્યા કે બીજું કોઇ ઓપરેશન કરવાનું હોય, ખર્ચ મોટો હોય અને તેઓ પહોંચી વળે તેમ ન હોય તો, દાતાઓ પાસેથી દાન ભેગું કરી તેમનું ઓપરેશન કરાવી આપે છે. અત્યાર સુધીમાં તેમણે 17-18 લાખ રૂપિયાનાં ઓપરેશન કરાવી આપ્યાં છે.
વધુમાં જણાવતાં મુસ્તુખાને જણાવ્યું, “અહીં બહેનોમાં હાઇજિન અને સ્ત્રી રોગ પ્રત્યે સજાગતા નથી જોવા મળતી. તેઓ સેનેટરી પેડ નથી વાપરતી. એટલે ખાટીસીતરા ગામ અને આસપાસનાં 4-5 ગામની 400-500 બહેનોને મફતમાં સેનેટરી પેડ આપવામાં આવે છે. જેમાં અમદાવાદમાં વાસણાની સંજીવની હેલ્થ કેર સંસ્થાની મદદ મળી રહે છે.”
આ સિવાય સ્થાનિક રોજગારી બાબતે પણ બહુ સારુ કામ કરી રહ્યા છે મુસ્તુખાન. અહીં જંગલ તો બહુ મોટું છે, પરંતુ લોકોમાં જંગલ પેદાશો બાબતે જાગૃતિ જોવા મળતી નહોંતી. તેઓ જંગલમાંથી આ વસ્તુઓ ભેગી પણ કરે તો બજારમાંથી તેમને ભાવ મળતો નથી. એટલે મધ, ગળો, કૌંચા, ગુગળ, ગુંદ વગેરેને ભેગી કરાવી તેમનું વ્યવસ્થિત પેકેજિંગ કરી આપવામાં આવે છે અને માર્કેટિંગ કરી વેચવામાં મદદ કરવામાં આવે છે. આટલા નાનકડા ગામમાંથી દર વર્ષે લગભગ 2000 કિલો મધનું ઉત્પાદન થાય છે. આ સિવાય તેમને સુથારી કામ, ઈલેક્ટ્રિકનું કામ વગેરેની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી તેમને રોજગાર મળી શકે અને લોકો શહેર ભણી દોટ ન મૂકે. આ સિવાય નરેગામાંથી કામ અપાવવાનો પણ પ્રયત્ન કરે છે.
આ ઉપરાંત લોકો પાસે જેટલી જગ્યા હોય અને સંવર્ધન કરવાની ક્ષમતા હોય તે પ્રમાણે તેમને દર વર્ષે જાંબુ, ચીકુ, દાડમ, સરગવા વગેરેના છોડ આપવામાં આવે છે. જેથી ભવિષ્યમાં તેનાથી તેમને આવક મળી શકે.
ખેતી અને પશુપાલનમાં પણ સુધારો લાવવા પ્રયત્ન કરે છે. વધારે દૂધ આપે તેવી સરકાર અને દાતાઓની મદથી ગાય કે ભેંસ આપવામાં આવે છે. ખેતીમાં ઉત્પાદન વધારવા તેમને ખેતીની યોગ્ય પદ્ધતિઓ શીખવાડવામાં આવે છે. તેમને સજીવ ખેતી માટે પ્રેરવામાં આવે છે અને તેમને પોષાય એટલા ભાવમાં સારાં બિયારણો પહોંચાડવામાં પણ મદદ કરવામાં આવે છે.
આ સિવાય બહેનો ભવિષ્ય માટે બચત કરે એ માટે 70-80 બહેનોનાં બચત મંડળો બનાવવામાં આવ્યાં છે. તેઓ કોઇ અંગત પ્રશ્નોના કારણે ચિંતામાં રહેતી હોય તો તેને હલ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. સ્ત્રી-રોગ સંબંધીત પ્રશ્નોના ઉકેલ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. એટલું જ નહીં લોક જાગૃતિ માટે યુવા શિબિરો પણ કરવામાં આવે છે અને દર 12 તારીખે ગ્રામસભા કરવામાં આવે છે. જેમાં સરકારના અધિકારીઓ, રાજનેતાઓ વગર થતી આ સભામાં ગામના લોકોની મદદથી જ ગામના પ્રશ્નોને હલ કરવામાં આવે છે. જેમાં ગામની સમસ્યાઓ સરકાર સુધી ગામલોકો જ પહોંચાડે તેવો પણ પ્રયત્ન કરવામાં આવે છે.
બીજી સૌથી મહત્વની સમસ્યા અંગે વાત કરતાં મુસ્તુખાને કહ્યું, “અહીં આદિવાસી વિસ્તારમાં દારૂ વેચવાનું અને પીવાનું પ્રમાણ ખૂબજ ઊંચુ હોય છે. એટલે અમે ખાટીસીતરા ગામમાં એક મોડેલ ઊભું કર્યું, જેમાં દારૂ વેચવા બાબતે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જેથી દારૂ પીવાનું પ્રમાણ પણ નહીંવત થઈ ગયું અને લોકો રોજી-રોટી તરફ વળ્યા.”
એટલું જ નહીં, સંસ્કૃતિ જતન માટે પણ ખાસ મહેનત કરવામાં આવે છે. આદિવાસી સંસ્કૃતિનાં ગીતો, નૃત્યો વગેરે ખરેખર બહુ અદભુત છે. એટલે ગામના યુવાન-યુવતીઓનું ગૃપ બનાવવામાં આવ્યું છે. જેઓ કોઇના લગ્ન, સમારંભો અને મેળાઓમાં તેનું પ્રદર્ષન કરે છે સંસ્કૃતિના આ વારસાને જાળવે છે.
આ બધા જ માટે તેમનો મુખ્ય ધ્યેય છે સામુદાયિક વિકાસ. આ માટે તેઓ સરકાર અને લોકો તેમજ દાતાઓ અને લોકો વચ્ચે મધ્યસ્થી બની તેમની વિવિધ સમસ્યાઓ હલ કરવાનો પ્રયત્ન કરે છે. પછી તે સમસ્યા રેશન કાર્ડની હોય કે પાણીની, રસ્તાની સમસ્યા હોય કે આંગણવાડીની તેને સરકાર સુધી પહોંચાડે, અધિકારીઓને ગામ સુધી ખેંચી લાવે અને તેમને સ્થિતિ બતાવે અને સામુદાયિક વિકાસનાં કામ થાય અને લોકો તેની જાળવણી કરે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.
આ સિવાય, આસપાસનમાં ગામોમાં પણ કોઇ કુદરત્તી આપત્તિ આવી હોય કે નુકસાન થયું હોય તો સંસ્થા તેમાં આર્થિક મદદ તો કરે છે, પરંતુ ગામના સ્વયંસેવકો ત્યાં જઈને શ્રમદાન કરે અને તેમને મદદ કરે. તેઓ એકબીજાની પડખે ઊભા રહે તેવું વાતાવરણ ઊભુ કરવામાં આવે છે.
માત્ર 32 વર્ષના આ તરવરિયા યુવાન મુસ્તુખાન અને તેમનાં કામો વિશે લખવા બેસીએ તો કદાચ એક આખુ પુસ્તક પણ લખાઇ જાય. પરંતુ એક વાત તો ચોક્કસથી કહેવી પડશે કે, એક સમયે જે ગામ ગુગલ મેપમાં પણ નહોંતુ, ગામમાં પંખો તો ઠીક લાઇટનો ગોળો પણ નહોંતો, એ ગામ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને મુસ્તુખાન સાથે વાત કરવા ઇચ્છતા હોય તો તેમને 09879089218 અથવા 09662768735 પર ફોન કરી શકો છો. તમે તેમની સંસ્થા લોકસારથી ફાઉન્ડેશનમાં દાન આપવા ઇચ્છતા હોય તો નીચે જણાવેલ અકાઉન્ટ માહિતી દ્વારા મોકલાવી શકો છો.
Loksarthi Foundation
A/C.No.916010084972850
Bank – Axis Bank
Branch – Palanpur, Gujarat (000256)
IFSC Code: UTIB0000256
MICR Code: 385211001
આ પણ વાંચો: માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167