સાયલાના ભગતસિંહના રાજમાં ભૂખ્યું-તરસ્યું ન રહે કોઈ માનવી, પશુ-પક્ષી, બંધાવી પાણીની પરબો

સાયલાના ભગતસિંહના રાજમાં ભૂખ્યું-તરસ્યું ન રહે કોઈ માનવી, પશુ-પક્ષી, બંધાવી પાણીની પરબો

નજીવી આવકમાં લોકો માટે દોડતા જોઈએ ગામલોકોએ પણ શરૂ કરી મદદ

આપણા ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર નામે એક જિલ્લો છે, જે આપ સૌ જાણતા જ હશો. આ જિલ્લામાં સાયલા નામે એક ગામ છે. સાયલા તાલુકામથક હોવાથી આજુબાજુના ગામડાના લોકો ત્યાં ખરીદી કરવા આવે છે. આજથી વર્ષો પહેલા લોકો જ્યારે ખરીદી કરવા આવતા ત્યારે તેઓએ પીવા માટે પાણી કોઈ પાસે માંગવું પડતું અથવા ખરીદવું પડતું. પરંતુ મિનરલ વોટર બોટલ ખરીદવાની આર્થિક ક્ષમતા બધાની નહોતી. આવા સંજોગોમાં સાયલા ગામમાં રહેતા માનસંગભાઈ ડોડીયાના ધ્યાનમાં આ બાબત આવી. ખાસ કરીને ધોમધખતા ઉનાળામાં લોકોને આ તકલીફ વધુ રહેતી. માનસંગભાઈ પહેલેથી નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર વ્યક્તિ. તેઓ નાનપણથી ભગતસિંહથી પ્રભાવિત હતા એટલે તેમની આસપાસના મિત્રો અને ધીમેધીમે આખુ ગામ તેઓને ભગતસિંહના નામથી સંબોધન કરવા લાગ્યું. આજે તેઓ પ્રૌઢવયના છે પણ તેઓ જ્યારે યુવાન હતા ત્યારથી તેઓએ સાયલા ગામની મુખ્ય બજારોમાં અમુક અંતરે પાણીની મોટા કદની કોઠીઓ રાખવાનું શરૂ કર્યું. જેમાં પીવાનું પાણી રહેતું અને સાથે ગ્લાસ હોય એટલે કોઈપણ ત્યાંથી પસાર થતી કોઈપણ વ્યક્તિ પાણી પીને તરસ છીપાવી શકે. આ પ્રવૃત્તિને તેઓએ ‘શીતળ જળસેવા’નું નામ આપ્યું. જેમાં તેમની સાથે તેમના મિત્રો પણ ધીમેધીમે જોડાતા ગયા.

Bhagatsingh
Bhagatsingh


જ્યાં જ્યાં પાણીની કોઠી મૂકવામાં આવેલી ત્યાં જેઓની દુકાન હોય તેમને ભગતસિંહે કહી રાખેલું કે પાણી ખાલી થવા આવે તે પહેલા મને ફોન કરીને જાણ કરી દેવી. તે સમયે ભગતસિંહ એસટીડી પીસીઓ ચલાવતા હતા. વળી તે સમયે સાયલામાં પાણીની અછત રહેતી. એટલે ઉનાળામાં પાણી વેચાતુ મંગાવવું પડતું. કોઠી ખાલી થવા આવે અને ફોન આવે એટલે ભગતસિંહ તરત પાણી પૂરુ પાડતી વ્યક્તિને ફોન કરી દેતા અને તે જે તે જગ્યાએ જઈને પાણી ભરી આવતા. તેનો જે ખર્ચ થતો તે ભગતસિંહ પોતે ઉઠાવતા. જેમજેમ લોકોની જાણમાં આ પ્રવૃત્તિની વાત ફેલાઈ તેમ તેમ લોકોએ પાણીના ખર્ચમાં પોતે યોગદાન આપવાની સામેથી ઈચ્છા દર્શાવી. લોકો હવેથી એક દિવસના પાણીનો ખર્ચ લખાવવા માટે પડાપડી કરવા લાગ્યા. દર વર્ષે આખા ગામમાં અંદાજે 100 જેટલી કોઠીઓ મૂકવામાં આવતી હતી. એક કોઠી ખરીદવાનો જે ખર્ચ થતો તેના પણ દાતા સ્વૈચ્છિક રીતે આગળ આવીને પૈસા લખાવતા હતા. એજ રીતે કોઠીમાં જે પાણીનો જે ખર્ચ થતો તેના માટે સામેથી ફાળો નોંધાવનારા લોકો આગળ આવવા લાગ્યા ક્યારેક તો એવું બનતું કે, દાતાના નામ વેઈટિંગમાં હોય. ધીમેધીમે સમયમાં પરીવર્તન આવતા માટીની કોઠી બનાવવાનું બંદ થઈ ગયું.

Bhagatsingh
Mansangbhai with family


માટીની કોઠી હવે મળવાની બંદ થઈ જતા મિનરલ વોટરના જગ મૂકાવવાનું શરૂ થયું. પાણીનો જગ જે દુકાન પાસે રાખ્યો હોય તે દુકાનવાળા જ હવે પાણીનું બિલ ચૂકવી દે છે. આ ઉપરાંત ભગતસિંહે 35,000 રૂપિયાના ખર્ચે સ્વર્ગસ્થ બહેન સુખુબાની સ્મૃતિમાં ગામમાં એક પાણીની પરબ બંધાવી છે. જ્યાં આવતા જતા કોઈપણ વટેમાર્ગુ પોતાની તરસ છીપાવી શકે છે. પરબ બંધાવવાનો ખર્ચ ભગતસિંહે પોતાની અંગત બચતમાંથી કર્યો છે.


ઉત્તરાયણને દિવસે દાન કરવાનો આપણે ત્યાં અનોખો મહિમા છે. તેના અનુસંધાને છેલ્લા કેટલાક વર્ષોથી ભગતસિંહ તથા તેમના મિત્રો પારસભાઈ શાહ, રાજુભાઈ પરમાર, અશ્વિનભાઈ મુલિયા તેમજ ભરતભાઈ હડીયલ દ્વારા ગરીબોને કપડા પહોંચાડવામાં આવે છે. પહેલી જાન્યુઆરીથી કપડા લેવાની શરૂઆત કરવામાં આવે છે. હવે પહેરતા ન હોય કે ટૂંકા પડવા લાગ્યા હોય તેવા વસ્ત્રો લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે પછી તેને સાઈઝ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો માટેના કપડાનો સમાવેશ થાય છે.

Sayala


ગામડામાં આખ્યાન ભજવવામાં આવતા હોય છે. ધાર્મિક વિષયવસ્તુ અને પાત્રો ધરાવતા નાટકો જે તે વિસ્તારની લોકબોલીમાં ભજવવામાં આવે તેને આખ્યાન કહે છે. આખ્યાન ભજવનાર વ્યક્તિઓ વ્યવસાયિક અભિનેતા નથી હોતા. તેઓ દિવસે તેમના જીવનનિર્વાહ માટે ખેતી કે અન્ય કોઈ કામધંધા સાથે સંકળાયેલા હોય છે અને રાત્રે આખ્યાનમાં અભિનય કરતા હોય છે. આખ્યાનમાં લોકોએ સંકલ્પ કર્યો હોય અને તેના ભાગરૂપે જે નવી સાડીઓ આપી હોય તે સાડીઓ જે એકપણ વાર પહેરી ન હોય તેવી સાડીઓ પડી રહેતી અને કોઈ પહેરતું નહીં. માનતાની સાડી હોવાથી આખ્યાનમાં સ્ત્રીવેશ ભજવનાર કલાકાર પણ પહેરતા નહીં. આ સાડીઓ વર્ષોવર્ષ ભેગી થતી એટલે આ સાડીઓનો સદ્ઉપયોગ થાય અને જરૂરીયાતમંદ બહેનો સુધી પહોંચે માટે એ સાડીઓ લેવાનું શિતળ જળસેવા ગૃપ દ્વારા શરૂ કરવામાં આવ્યું. 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી કપડા ઉઘરાવવામાં આવે છે પછી અલગ-અલગ સાઈઝના થેલામાં ગોઠવીને 14 જાન્યુઆરીએ એટલે કે ઉત્તરાયણના દિવસે ગરીબોને પહોંચાડવામાં આવે છે. ગામના ગરીબ ઘરો સુધી તો પહોંચાડવાના જ પણ તેમ કર્યા બાદ રોડ પર મજૂરી કરીને રસ્તાની બાજુએ જે તંબૂમાં કામચલાઉ વસવાટ કરતા હોય તેવા મજૂરોને પણ કપડા પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે લોટ, તેલ, ગોળ જેવી જીવનજરૂરીયાતના ખાદ્યપદાર્થોની કીટ બનાવીને જરૂરીયાતમંદોને આપવામાં આવે છે. આ સિવાય ગમે ત્યારે ઉતરેલા કપડા આખા વર્ષ દરમિયાન ભગતસિંહની દુકાન ‘રજવાડી સોડા શોપ’ પર આપી જવાની છૂટ છે. ક્યારેક એવું બને કે સોડા પીવા આવનારમાંથી કે પાણી પીવા આવનાર કોઈ વ્યક્તિની પરિસ્થિત નબળી હોય તેવું જણાઈ આવે તો ભગતસિંહ તેમને ત્યાં રાખેલા કપડામાંથી તેમની સાઈઝ મુજબ કપડા લઈ લેવાનું કહે છે.

Tree plantation


સાયલા, ભગતના ગામ તરીકે પણ જાણીતું છે. ઘણાબધા વર્ષો પહેલા સાયલામાં લાલજી મહારાજ નામે એક પરમભક્ત થઈ ગયા. લાલજી મહારાજ દેવલોક પામ્યાને તો વર્ષો થઈ ગયા પણ તેમના નામે સાયલામાં ધાર્મિક જગ્યા છે. જે લાલજી મહારાજની જગ્યા તરીકે જાણીતી છે. ત્યાં બપોરે અને રાત્રે બારેમાસ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. કોરોનાકાળ વખતે લોકડાઉન દરમિયાન લોકો લાલજી મહારાજની જગ્યાએ આવી ન શકતા હોઈ તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી. જગ્યામાં રસોઈ બનાવવામાં આવે અને ગરીબ વર્ગના લોકોને શેરીએ શેરીએ જઈને બન્ને ટાઈમ રસોઈ પહોંચાડવામાં આવતી. દરરોજ બપોરે 1000 અને રાત્રે 1000 લોકો માટે લાલજી મહારાજની જગ્યા તરફથી રસોઈ બનાવી આપવામાં આવતી અને તેનું વિતરણ કરવા માટે ભગતસિંહ અને તેમના જેવા ગામના અન્ય સેવાભાવી સજ્જનો કોવીડ-19ના ચેપની પરવા કર્યા વિના સાવચેતી રાખીને શેરીએ શેરીએ જઈ જરૂરીયાતમંદ લોકોને રસોઈ પહોંચાડી આવતા.
એક સમયે એસટીડી-પીસીઓ અને ફોટોકોપી (ઝેરોક્ષ) દ્વારા જીવનનિર્વાહ ચલાવતા ભગતસિંહ આજે સોડાશોપ ચલાવે છે કારણ કે મોબાઈલ આવતા એસટીડી પીસીઓનું ચલણ બંધ થઈ ગયું. વ્યવસાય બદલવા દરમિયાન તેઓએ અંગતજીવનમાં પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ ક્યારેય સેવાની પ્રવૃત્તિ પર તેની અસર પડવા દીધી નથી. આ સિવાય ભગતસિંહે 98982-30881 આ નંબર બર્ડ-એનિમલ હેલ્પ લાઈન તરીકે અનામત રાખ્યો છે. સાયલા ગામમાં કોઈપણ વ્યક્તિ કોઈ ઈજાગ્રસ્ત કે બિમાર પશુ-પંખીને જુએ કે તરત જ ભગતસિંહને ઉપરના નંબર પર કોલ કરી દે. કોલ રીસીવ થતા તેઓ તેમની દુકાનેથી કામ પડતુ મૂકીને જે તે જગ્યાએ પહોંચી જાય. ધારો કે તેઓ કોઈ કારણોસર ગામમાં ન હોય તો તેમના ગૃપમાંથી જે વ્યક્તિ પહોંચી શકે તેમ હોય તેમને જાણ કરીને વ્યવસ્થા કરવામાં આવે છે. તેઓ અબોલ જીવની સારવાર માટે બનતું બધુ કરી છૂટે છે. તેમની આ પ્રવૃત્તિમાં સાયલા મહાજન તથા વેટરનરી ડોક્ટરોનો પણ ખૂબ ફાળો રહેલો છે.

Tree plantation


સાયલાના સ્મશાનગૃહની જમીન પર વૃક્ષો વાવવામાં અને તેનો ઉછેર બરાબર થાય તે જોવાની જવાબદારી ભગતસિંહ ડોડીયા સુપેરે નિભાવી ચૂક્યા છે. આ સિવાય મુખ્યમાર્ગો પર નિવૃત્ત કર્મચારીઓ પાસે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું છે. દરેક વ્યક્તિના નામનું એક વૃક્ષ હોય, આ વૃક્ષની જવાબદારી વાવનાર વ્યક્તિની એટલી જ કે તેઓ સાંજે ચાલવા નીકળે ત્યારે જુએ કે તેમણે વાવેલ વૃક્ષ બરાબર છે કે કેમ. જો તેમાં કંઈ તકલીફ જણાય તો ભગતસિંહને ફોન કરી દેવાનો. આ વૃક્ષોને પાણી મળી રહે તે જોવાની જવાબદારી પણ ભગતસિંહની જ રહેતી. આજે એ સાંઈઠ છોડ ઉછરીને વૃક્ષ થઈ ગયા છે. છોડમાંથી વૃક્ષ થઈ જાય એટલે જે ફરતે પાંજરું મૂકવામાં આવેલું હોય તે કાપવાની જવાબદારી પણ તેઓ નિભાવે છે. સ્મશાન, હાઈસ્કૂલ, માર્ગની આસપાસ વૃક્ષારોપણની પ્રવૃત્તિ શિતળ જળસેવા દ્વારા નિભાવવામાં આવી છે.


સાયલા તાલુકામથક હોઈ ત્યાં સાર્વજનિક હોસ્પિટલની સગવડતા છે, જ્યાં આજુબાજુના ગામડાના સગર્ભા બહેનો સારવાર માટે આવતા હોય છે. પ્રસવ થઈ ગયા બાદ બહેનોને નબળાઈ આવી ગઈ હોય છે એટલે શીરો ખવડાવવામાં આવતો હોય છે. પરંતુ બહારગામથી જે બહેનો હોસ્પિટલમાં દાખલ થયા હોય તેમને શીરો મળી શકે નહીં. જે બહેનો બહારગામના હોય તેમના માટે શીરાની વ્યવસ્થા ભગતસિંહ કરે છે. તેઓ શીરો તૈયાર કરાવડાવીને હોસ્પિટલ પહોંચી જાય તેની વ્યવસ્થા સંભાળે છે. આ માટે હોસ્પિટલના પટ્ટાવાળાને ભગતસિંહે પોતાનો નંબર આપી રાખ્યો છે. જરૂરીયાતમંદ બહેનોને શીરાની વ્યવસ્થા અંગે પટ્ટાવાળા ભાઈ જણાવીને જો તેઓ ખાવા માટે ઈચ્છુક હોય તો ભગતસિંહને ફોન કરીને જાણ કરી દે છે. આ પ્રવૃત્તિ ગામલોકોના ધ્યાનમાં આવતા કેટલાય લોકોએ ભગતસિંહને કહી રાખ્યું છે કે, શીરો મોકલવાનો હોય ત્યારે અમારા ઘરેથી લઈ જજો. અમે બનાવી આપીશું. આવી સેવા આપનાર લોકોની સંખ્યા પણ એટલી છે કે તેમનો ક્રમ નક્કી કરવો પડે છે. અને માત્ર દવાખાને જ નહીં પણ સાયલાની આસપાસના પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાંથી કોઈપણ બહેનની પ્રસૂતિ થઈ હોય અને તેઓ આર્થિકરીતે સક્ષમ ન હોય તેવું જાણમાં આવે અને સામેવાળાને જેટલી જરૂરીયાત હોય તે મુજબ અઠવાડિયા દસ દિવસ સુધી તેમને શિરો પહોંચાડવાની જવાબદારી ભગતસિંહ નિભાવે છે.

Sayala


ભગતસિંહ પોતે એક નિમ્ન મધ્યમવર્ગીય વ્યવસાયી છે માટે તેઓ ધંધામાં પડતી મુશ્કેલીઓથી વાકેફ છે. ઝેરોક્ષ અને એસટીડી-પીસીઓથી શરૂઆત કરીને આજે તેઓ એક સોડાની દુકાન ચલાવે છે. તેઓને વ્યવસાયમાં જે મુશ્કેલીઓ પડી તેને જોતા તેમના મનમાં એક વિચાર ઝબૂક્યો. આ વિચારને તેઓએ અંગત નાણાકીય જોખમે અમલમાં મૂક્યો. જેમાં ધારો કે કોઈ વ્યક્તિ નવો ધંધો કે કામ શરૂ કરવા માંગે છે અને પૈસાની તંગી હોય તો ભગતસિંહ જે તે વ્યક્તિને તેના ધંધાને અનુરૂપ સામાન પાંચથી દસ હજારની મર્યાદામાં પોતે લઈ આપે છે. પછી જેને સહાય કરી હોય તે વ્યક્તિ પર આધાર છે કે તેણે પૈસા કેટલા હપ્તામાં પરત કરવા. જેટલા આપ્યા હોય તેટલા જ પૈસા પરત કરવાના રહે છે કોઈ વ્યાજ નથી લેવામાં આવતું કે નથી ક્યારેય ઉઘરાણી કરવામાં આવતી. જે તે ધંધાર્થી પોતાની આવક મુજબ દરરોજ સોથી બસ્સો રૂપિયાના હપ્તારૂપે પૈસા પરત કરતી રહે છે. ધારો કે કોઈ વ્યક્તિને દસ હજારનો માલ લઈ આપેલો હોય અને તે વ્યક્તિએ દસ હજાર તેની અનુકૂળતા મુજબ પરત કરી દીધા હોય અને ફરી જરૂર પડે તો ફરી વખત પણ સામેવાળાની જરૂરીયાત મુજબ પાંચ હજાર કે દસ હજાર રૂપિયાનો માલ ફરી ભગતસિંહ લઈને તેની દુકાને પહોંચાડી આવે છે.


કોઈક વખત એમ પણ બન્યું છે કે, જેમને સામાન લઈ આપ્યો હોય તેઓએ પૈસા આપવાની શરૂઆત કરી હોય પણ પછી પૂરા પૈસા ન આપ્યા હોય. તો પણ ક્યારેય ભગતસિંહે તેમની પાસે પૈસાની ઉઘરાણી કરી નથી. આ પ્રકારના અનુભવો એકલદોકલ જ છે બાકી મોટાભાગના લોકો નિયમિત હપ્તારૂપે પૈસા પરત કરી દેતા હોય છે. એકાદ-બે કિસ્સામાં લોકોએ પૈસા પૂરા પરત ન કર્યા હોય તેમ પણ બન્યું હોવા છતાં ભગતસિંહની સહાય કરવાની તત્પરતામાં ક્યારેય ઓટ આવી નથી. આ પ્રવૃત્તિ તેઓ પોતાની બચતમાંથી એકલા જ કરે છે. કારણ કે સેવાકાર્ય માટે પણ કોઈની પાસેથી નાણાં લેવામાં તેઓ માનતા નથી. કેમ કે જ્યાં સીધો નાણાંનો વ્યવહાર આવે ત્યાં ગડબડ થવાની કે મનદુખ થવાની કે ‘તમે સેવાના પૈસે તમારી સગવડતા વધારો છો’ તેવો આક્ષેપ થવાના દાખલા બનતા હોવાનું આપણે જાણીએ છીએ. આવું ન થાય અને સેવાકિય પ્રવૃત્તિની નિષ્કલંકતા હંમેશા જળવાઈ રહે તેની ભગતસિંહ ડોડીયા તકેદારી રાખે છે. આ ઉપરાંત પણ કઈ રીતે વધુને વધુ જરૂરીયાતમંદ માણસોને મદદરૂપ થઈ શકાય તે માટેની યોજનાઓ પર તેઓનું આયોજન ચાલુ જ હોય છે. તેઓએ તેમના લગ્નની વર્ષગાંઠ પર મૃત્યુબાદ પોતાના દેહનું દાન કરવાનો સંકલ્પ લીધો છે. આમ જીવન દરમિયાન તો અન્યોને કોઈપણ સ્વાર્થ વિના મદદરૂપ થવાનું જ પણ મૃત્યુ બાદ પણ તેમનો દેહ સમાજના હિત માટે ઉપયોગી થાય તેવી ઉદાત્ત ભાવના તેઓ ધરાવે છે. ભગતસિંહ ડોડીયા જેવા સાચા લોકસેવકો જ આપણા નાગરિક સમાજના ખરા હિરો છે.


સાયલામાં પશુ-પંખીની સારવાર માટે ભગતસિંહ ડોડીયાનો હેલ્પલાઈન નંબરઃ 98982-30881

આ પણ વાંચો: ફૂટપાથ પર ભીખ માંગતાં બાળકો માટે ખાસ ‘ભાઇબંધ’ની નિશાળ, રાત્રે 7 થી 11 ભણાવે છે આ પ્રોફેસર

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X