એકવીસમી સદીમાં સ્ત્રી ખરેખર પુરુષ સમોવડી બની ગઈ છે અને દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે તેનું જાગતુ ઉદાહરણ છે રંગીલા રાજકોટની એક યુવતી. જેણે કોમ્પ્યુટર ઓપરેટરની જોબ છોડી ચાની લારી શરૂ કરી અને લોકોને ચા પીવડાવવાની શરૂઆત કરી હતી. તેણીએ માત્ર 4 વર્ષમાં એક કેફે શરૂ કર્યુ છે. રાજકોટમાં ‘ધ ચાલવાલી’ નામથી પ્રખ્યાત રૂકસાના હુસૈને આજે ‘ધ ચાયલેન્ડ’ નામનું કેફે ચલાવે છે અને10 અલગ-અલગ પ્રકારની ચા બનાવે છે અને સાથે કોફી, નાસ્તા, મસ્કાબન અને મેગી વગેરે જેવી આઈટમ પણ વહેંચે છે.
જણાવી દઈએ કે, રુકસાના હુસૈનને બધા નિશા હુસૈનના નામથી ઓળખે છે. રુકસાનાએ માત્ર 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, પણ તેણીની હિંમતના કારણે આજે તે આ મુકામ સુધી પહોંચી છે. તેણીનું કહેવુ છે કે, કોઈપણ ધંધો નાનો નથી બસ તમને શોખ હોવો જોઈએ. જો તમે તેમાંથી સારી કમાણી કરી શકતા હોવ તો નાનુ શું. જોકે, હાલમાં તેણીનું કેફે બંધ છે પણ તેણી ઘણીબધી ઈવેન્ટમાં ચા બનાવવાનું કામ કરે છે. જણાવી દઈએ કે, લોકડાઉનની ઘણાબધા લોકો પર ખરાબ અસર થઈ છે જેમાં નિશાના ચાના ધંધાને પણ ફટકો લાગ્યો છે. પણ તેણીની હિમ્મત આજે પણ બરકરાર છે.

કેટલા વર્ષ પહેલા શરુઆત કરી હતી?
નિશા હુસૈને ચાની લારીની શરૂઆત વર્ષ 2018માં રાજકોટમાં હેમુ ગઢવી હોલની પાછળ વિરાણી ચોકમાં કરી હતી. ત્યારે તેણી ત્રણ પ્રકારની ચા બનાવી ગ્રાહકોને શોખથી પીવડાવતી હતી. નિશાને વાંચવાનો પણ ખૂબ જ શોખ હોવાથી લારી પર પુસ્તકો પણ રાખતી હતી. જેથી નવરાશની પળોમાં તેણી વાંચન કરી શકે અને તેણીના ગ્રાહકોને પણ વંચાવી શકે.
કેફે ચાલુ કરવા પાછળનું કારણ
નિશાનું કહેવુ છે કે, તેણી પહેલા સબ રજિસ્ટર્ડની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટરની જોબ કરતી હતી પણ તેમાં તેણીને સંતોષ મળતો ન હતો. જોકે, ત્યારે તેની પાસે પૂરતા પૈસા ન હોવાથી નોકરી કરતા-કરતા તેમાંથી સેવિંગ કરી ચાની લારી ચાલુ કરી છે. માત્ર 25 હજાર રૂપિયામાં જ ચાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. નિશા ઘણી અલગ-અલગ પ્રકારની ચા બનાવે છે જેમાં ઝિંઝર-ફુદીના, સિનેમન-ટી, ઈલાયચી અને તંદુરી ચાનો સમાવેશ થાય છે પણ તેમાં તંદુરી ચા રાજકોટના લોકોની પસંદીદા ચા છે. બાદમાં તો નિશાએ ચાના ઘણાબધા મસાલા પણ જાતે જ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રુકસાનાને પહેલાથી જ અલગ-અલગ પ્રકારની ચા બનાવવાનો શોખ હતો અને તેણીને આ ક્ષેત્રમાં જ આગળ વધવું હતું. જેથી રુકસાનાએ ટી પોસ્ટમાં પણ જોબ કરી છે.

ચાનો બિઝનેસ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
રુકસાના જણાવે છે કે, જ્યારે પણ મિત્રોનું ગૃપ ભેગુ થતુ હતુ ત્યારે બધા અલગ-અલગ પ્રકારની ફૂડ ડિસ બનાવતા જેમાંથી ચા બનાવવાનું કામ રુકસાના જ કરતી હતી. કારણ કે, તેણીને પહેલાથી જ ચા બનાવવાનો ખૂબ જ શોખ હતો. જણાવી દઈએ કે, રુકસાનાને ખબર જ ન હતી કે, ચાનો બિઝનેસ કેવી રીતે કરવો. તેણીને તો માત્ર ચા બનાવતા આવડતી હતી. કેવી રીતે ચા વેચવી તેનું સામાન્ય જ્ઞાન પણ ન હતું પણ હિમ્મત કરીને ચાની લારી શરૂ કરી દીધી અને બાદમા ધીરે-ધીરે બધુ આવડતુ ગયુ.
જ્યારે લારી શરૂ કરી ત્યારે કેટલી આવક થતી હતી
શરુઆતમાં રુકસાનાએ કંઈપણ પ્રકારના પ્લાનિંગ વગર ચાની લારી શરૂ કરી દીધી અને સતત 15 દિવસ સુધી ચા બનાવી અને ઢોળી પણ હતી. ત્યારબાદ એક વ્યક્તિએ જ્યારે સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકી બાદમાં તેણીનો બિઝનેસ જોરશોરથી ચાલવા લાગ્યો હતો. અત્યાર સુધી રુકસાનાએ દિવસમાં સૌથી વધારે 3 હજાર સુધીની પણ આવક કરી લીધી છે. જેમાં તંદુરી ચા સૌથી વધારે વેંચાઈ છે.

પરિવારનો સાથ કેવો રહ્યો?
રુકસાના જણાવે છે કે, શરૂઆતમાં ઘરના લોકો સાથ આપતા ન હતા પણ હવે આપે છે. જોકે, તેણીને ખબર હતી કે, મને આ કામ માટે ઘરેથી હા પાડશે નહી જેથી તેણીએ કોઈને પણ કંઈ કહ્યા વગર આ કામની શરૂઆત કરી દીધી હતી. શરૂઆતમાં તેણી કોઈના ફોન કોલ પણ રિસિવ કરતી ન હતી.
લોકોનો અભિપ્રાય કેવો રહ્યો છે
ચાની લારી શરૂ કર્યા બાદ લોકોનો અભિપ્રાય પણ ઘણોબધો સારો રહ્યો છે. નિશા કહે છે કે, ઘણાબધા સારા ઘરના માતા-પિતા પોતાના દિકરા-દિકરીઓેને લઈને રુકસાના પાસે આવે છે અને ઉદાહરણ આપે છે. ત્યારે તેને તેને પોતાની જાત પર ગૌરવ અનુભવાય છે. સાથે જ ઘણાબધા લોકો પૂછવા પણ આવે છે કે કેવી રીતે બિઝનેસ કરવો અને કેવી રીતે ચાને વેચવી. ત્યારે તેણી જવાબ આપે છે કે, શરમ રાખ્યા વગર કામ કરો કારણ કે, કોઈપણ કામ નાનુ હોતુ નથી. બસ તમારામાં ધગશ હોવી જોઈએ એ કામ કરવાની.
અત્યાર સુધી નિશાને ક્યારેય લોકોનો ખરાબ અનુભવ પણ થયો નથી. વધુમાં લોકોએ તેણીને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને ઘણુબધુ શીખવાડ્યુ પણ છે. નિશા કહે છે કે, રાજકોટના લોકો પણ ખૂબ જ સારા અને સપોર્ટીવ છે.

આગળ શું વિચાર છે?
તેણીનું કહેવુ છે કે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચા જ છે. તેમાં પણ ચાને જે સમજી શકે તેવા લોકો પીવા આવે કે ચા વસ્તુ શું છે. તેણીને એક મોટુ કેફે ખોલવું છે અને લોકોને અલગ-અલગ પ્રકારની ચા પીવડાવવી છે. જણાવી દઈએ કે, આ કામ માટે રુકસાનાને એવોર્ડ પણ મળેલ છે અને રોટરી ક્લબ દ્વારા સર્ટિફિકેટ પણ મળ્યુ છે. સાથે જ દિલ્લીમાં ફૂડ ફેસ્ટિવલમાં પણ દિલ્લીવાસીઓને રૂકસાનાએ તંદૂરી ચા પીવડાવી હતી. જેના રિવ્યુ પણ ખૂબ સારા મળ્યા હતા. તેણીને આ બિઝનેસથી કેટલી ખૂબ જ ખુશી મળે છે કારણ કે, ચા બનાવવું તેણીનું ઝુનુન છે.
જો તમે પણ નિશા વિશે વધુ જાણવા માગો છો તો તેણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સફર કરી શકો છો. સાથે જ જો તમે પણ નિશા પાસેથી કંઈક શીખવા માગો છો તો તેણીને 7990020772 પર ફોન કરી વાત કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રિટાયર્ડમેન્ટમેન્ટ બાદ શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, મહેસાણાનું આ દંપતિ ભિક્ષુકોને ભણાવી કરે છે પગભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો