Powered by

Home સસ્ટેનેબલ વરસાદનું પાણી ઘરની બહાર નથી જતુ અહીં, રંધાય છે સોલર કુકરમાં, ઘરમાં ઉગાડેલી શાકભાજીમાંથી બને છે હેલ્ધી ફૂડ

વરસાદનું પાણી ઘરની બહાર નથી જતુ અહીં, રંધાય છે સોલર કુકરમાં, ઘરમાં ઉગાડેલી શાકભાજીમાંથી બને છે હેલ્ધી ફૂડ

બેંગ્લુરૂનું આ કપલ પોતાના ઘરમાં પ્રાકૃતિક સંસાધનોનો કરે છે ઉપયોગ, વરસાદી પાણીની પણ કરે છે બચત

By Mansi Patel
New Update
Sustainable Home

Sustainable Home

કહેવાય છે કે આપણા બધા પ્રશ્નોના જવાબ પ્રકૃતિ પાસે છે. બેંગલુરુ સ્થિત રવિકલા અને તેના પતિ પ્રકાશ બાલિગાનો પણ આ પ્રકારનો જ મત છે. છેલ્લા 13 વર્ષથી, તે બેંગ્લોર સ્થિત તેમના ઘરે આવા કેટલાક પ્રયત્નોમાં રોકાયેલ છે. રવિકલા હેન્ડપ્રિન્ટેડ કાપડ બનાવે છે, જ્યારે પ્રકાશ એન્જિનિયર છે. તેઓને 20 વર્ષનો એક પુત્ર છે. રવિકલા કહે છે, “મારા પતિની નોકરીને લીધે, અમારે હંમેશાં શહેરો બદલવા પડતા હતા, ઘણી વસ્તુઓ અમે ઈચ્છતા હોવા છતા કરી શકતા ન હતા, જે હવે અમારા ઘરમાં થઈ શકે છે.”

આપણા દેશમાં સૂર્યપ્રકાશની અછત નથી, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે. તે ફક્ત આપણા પર્યાવરણ માટે સારું નથી, પરંતુ તે આપણા ખર્ચમાં પણ ઘટાડો કરી શકે છે. પરંતુ આ માટે આપણે આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે. રવિકલા અને તેના પરિવારે તેમની જીવનશૈલીને પર્યાવરણમિત્ર બનાવવા માટે કેટલાક આવા ફેરફારો અપનાવ્યા છે. ઝાડ અને છોડના શોખીન રવિકલા ઘણાં વર્ષોથી ઘરમાં જગ્યા મુજબ કંઈ ઉગાડવાનો પ્રયત્ન કરતી રહે છે. જેના માટે તે પોતે રસોડાનાં કચરામાંથી ઘરે ખાતર બનાવે છે. કેટલીકવાર જ્યારે વધુ ખાતર બનાવવામાં આવે છે, ત્યારે તે પડોશીઓનાં છોડમાં પોતાનું ખાતર નાંખે છે. ઘરની બહાર પારીજાત અને સરગવાનાં ઝાડ જેવા કેટલાક મોટા વૃક્ષો છે, જેના કારણે અંદર ખુબ ઠંડક રહે છે. આ પરિવાર ACનો ઉપયોગ પણ કરતો નથી.

Sustainable Home

સૂર્યપ્રકાશનો યોગ્ય ઉપયોગ
તેના મકાનમાં ચાર સોલર પેનલ્સ લગાવવામાં આવી છે, જેના કારણે ઘરમાં સ્થાપિત ઇન્વર્ટર ચાર્જ કરવામાં આવે છે. ઇન્વર્ટર ચાર્જ થયા પછી, બાકીની ઉર્જા ઘરના અન્ય વિદ્યુત ઉપકરણો માટે વપરાય છે. રવિકલા કહે છે, “અહીં વીજળીની સમસ્યા હોવાથી, અમે લગભગ 3 વર્ષ પહેલા સોલર ઇન્વર્ટર સ્થાપિત લગાવ્યા હતા. હવે મને ખબર પણ હોતી નથી કે વીજળી ક્યારે હોય છે અને ક્યારે હોતી નથી.”

ગરમ પાણી માટે, સોલર વોટર હીટર છત પર લગાવેલું છે, જે ચોમાસા સિવાય વર્ષના 11 મહિના સુધી સારું ગરમ પાણી આપે છે. તેને કારણે પરિવારને ગીઝર ચલાવવું પડતું નથી અને વીજળીના બિલ પર બચત થાય છે. અને છેલ્લા દોઢ વર્ષથી, તેઓ રસોઈ માટે સોલર કૂકરનો ઉપયોગ કરી રહ્યા છે. રવિકલાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા મારા સાસુ સોલર કૂકરમાં પણ રાંધતા હતા. જો કે, પછી તે બોક્સવાળા કૂકરનો ઉપયોગ કરતા હતા. તો હવે, તેમની પાસે પેરાબોલિક સોલર કૂકર (Parabolic solar cooker)છે.

solar energy

તે જણાવે છે, “હું ફક્ત રોટલા બનાવવા માટે ગેસ સ્ટોવનો ઉપયોગ કરું છું. નહિંતર, જો સૂર્યપ્રકાશ સારો હોય, તો તેમાં કંઈપણ સરળતાથી બનાવી શકાય છે. જો કે, તમારે તેના માટે ધૈર્ય અને સમય બંનેનું રોકાણ કરવું પડે છે. પરંતુ સોલર કૂકરમાં રાંધેલો ખોરાક ફક્ત સ્વાસ્થ્ય માટે જ સારો નથી, પરંતુ તે ઝડપથી બગડતો પણ નથી.”

સોલર કૂકરમાં ઘરે ઉગાડેલા શાકભાજી બનાવવાનો આનંદ

રવિકલા બાગકામના શોખીન હોવાથી, તે થોડા મોસમી પાંદડાવાળા શાકભાજી ઉગાડે છે. “અમારા વિસ્તારમાં ઘણા વાંદરાઓ પણ છે, જેના કારણે વધુ શાકભાજી ઉગાડવી ખૂબ જ મુશ્કેલ છે. તેમ હોવા છતાં, અમે ઘરે શાકભાજી, ધાણા, ફુદીનો સહિત કેટલીક શાકભાજી ઉગાડીએ છીએ. જેના કારણે અમે અઠવાડિયામાં એક દિવસ ઘરે ઉગાડેલા શાકભાજી ખાઈ શકીએ છીએ.”

self sustaining home

જૈવિક રીતે ઉગાડેલા શાકભાજીને પ્રાકૃતિક રીતે રાંધીને ખાવાથી સ્વાસ્થ્ય અને સ્વાદ બંને મળે છે. માત્ર સાત હજાર રૂપિયામાં તેમણે આ સોલર કૂકર ખરીદ્યુ હતુ. જેનાંથી ગેસ સિલિન્ડરનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે, પહેલાંની સરખામણીએ સિલિન્ડર લગભગ 25 દિવસ વધારે ચાલે છે.

તે કહે છે, “સૂર્યની રોશનીને બરબાદ થતી જોઈને અમને લાગ્યુ વધુ એક સોલર કૂકર ખરીદી લેવું જોઈએ જેથી વધારેમાં વધારે ખાવાનું તેમાં બનાવી શકાય.”

self sustaining home

કોઈપણ બદલાવ માટે વિચારસરણી બદલવી જરૂરી છે

જો તમે કર્ણાટકમાં તમારું મકાન બનાવી રહ્યા છો, તો હાલમાં સરકારના નિયમો મુજબ, તમારા માટે ચોક્કસ પ્લોટ સાઈઝના ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવો ફરજિયાત છે. જો કે, આ બાલિગા પરિવારના ઘરના સાઈઝ અનુસાર તે જરૂરી નહોતું. તેમ છતાં, તેમણે પોતાના મકાનમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પિટ બનાવ્યો છે.

રવિકલા કહે છે, “હું હંમેશાં આ કરવા માંગતી હતી. 13 વર્ષ પહેલાં, અમે તે કરી શક્યા નહીં. જેના માટે મને ખૂબ જ દુ:ખ થયું. તો, જ્યારે મને ખબર પડી કે ઘર બનાવ્યા પછી પણ આવી વ્યવસ્થા કરી શકાય છે, તો મારા પતિ અને મે 5 વર્ષ પહેલાં એક પિટ બનાવડાવ્યો હતો. હાલમાં, તેઓ આ પાણીનો ઉપયોગ કરતા નથી, પરંતુ તેને ભૂગર્ભમાં જવા દે છે. જેથી ભૂગર્ભ જળ સપાટી સારી રહી શકે.

Eco Friendly Home decor Ideas

આવા પરિવર્તન લાવવા માટે, તમારે તમારી વિચારસરણી પણ બદલવાની જરૂર છે. તે કહે છે, “જ્યારે પણ આપણે કોઈને સોલાર કૂકર અથવા સોલાર એનર્જીનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ, ત્યારે લોકો પહેલાં બચત અથવા કિંમતની વાત કરે છે . તો, અમે તેને જીવનનો એક માર્ગ માનીએ છીએ. જો આપણામાંના દરેક થોડી ઉર્જા બચાવી શકે, તો તે પર્યાવરણ માટે કેટલું સારું રહેશે.”

આશા છે કે પર્યાવરણ માટેના તેમના નાના પ્રયત્નોથી તમને પ્રેરણા મળી હશે.

જો તમે રવિકલા અને પ્રકાશનો સંપર્ક કરવા માંગતા હો, તો તમેતેમને [email protected] પર ઇમેઇલ કરી શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ ‘0’, 150+ ઝાડ છોડની અદભુત હરિયાળી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.