આજે દેશના મોટાભાગના શહેરો ગંદકીની તીવ્ર સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તેનો ઉકેલ લાવવા માટે નીચલા સ્તરેથી પ્રયાસ કરવો કેટલો જરૂરી છે, તેને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના આ વોર્ડે સાબિત કર્યું છે.
ઇન્દોરમાં 4400થી વધુ મકાનોનો વોર્ડ નંબર 73, દેશનો પ્રથમ ઝીરો વેસ્ટ વોર્ડ બની ગયો છે. આ વોર્ડમાં 600 મકાનો એવા છે, જ્યાં ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે, તો સુકા કચરો કમાવાનું એક માધ્યમ બની રહ્યો છે.
ટૂંક સમયમાં સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સ્વતંત્ર એજન્સીને ચકાસીને વોર્ડની ઔપચારિક જાહેરાત કરશે.

આ પ્રોજેક્ટને અંજામ આપવામાં શ્રીગોપાલ જગતાપની મહત્ત્વની ભૂમિકા રહી છે. જે બેસિક્સ નામની એનજીઓ ચલાવી રહ્યા છે.
આ કડીમાં, તેઓ કહે છે, “અમે છેલ્લા 5 વર્ષથી ઈંદોર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં કામ કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં, થોડા મહિના પહેલા, નવા કમિશનર પ્રતિભા પાલજીએ ઝીરો વેસ્ટ વોર્ડ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જે સમાજની સામે એક ઉદાહરણ બેસાડશે.”
ત્યારબાદ, તેમણે આ પ્રોજેક્ટને જુલાઈ 2020માં શરૂ કર્યો અને આ માટે પાંચ વોર્ડની પસંદગી કરવામાં આવી હતી. વોર્ડ 73, 32, 47, 66 અને 4. આ તમામ વોર્ડ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છે.

શું હતો ઉદ્દેશ્ય
આ પ્રોજેક્ટ અંતર્ગત તે ઉદ્દેશ્ય નિર્ધારિત કરવામાં આવ્યો કે, વોર્ડમાં કચરો ઓછો થાય અને સ્થાનિક કક્ષાએ ખાતર બનાવી શકાય.
જગતાપ જણાવે છે, “આ પ્રોજેક્ટ માટે અમે વોર્ડના તમામ મકાનો, વસાહતો, દુકાનો અને બગીચા નક્કી કર્યા અને સફાઇ મિત્રની મદદથી ભીનો કચરો અને સુકો કચરો અલગ પાડ્યો.”
તેઓ જણાવે છે, “આજે આ પ્રોજેક્ટ વોર્ડ 73માં ખૂબ જ સફળ છે અને બાકીમાં પણ કામ ચાલી રહ્યું છે.” આ અંતર્ગત લોકો તેમના ઘરોમાં ભીના કચરામાંથી ખાતર બનાવી રહ્યા છે. તો, પ્લાસ્ટિક, સેનિટરી નેપકિન્સ જેવા સુકા કચરાને રિસાયકલ કરવા માટે ખરીદવામાં આવે છે.”

કેવી રીતે બનાવે છે ખાતર
જગતાપ જણાવે છે કે આ માટે બે કમ્પોસ્ટિંગ સેટ છે – ટેરાકોટા બિન અને પ્લાસ્ટિક બિન.
ટેરાકોટા બિનમાં માટીનાં ત્રણ સ્તર હોય છે. તેમાં કચરો નાખ્યા પછી બાયો કલ્ચર આપવામાં આવે છે. પછી, તેને ઢાંકી દેવામાં આવે છે. આ પ્રક્રિયા દરરોજ બે વાર થાય છે.
તો, પ્લાસ્ટિકના ડબ્બામાં કચરો નાખ્યા પછી, તેમાં બાયો કલ્ચર આપવામાં આવે છે. તેની નીચે એક નળ લાગેલો હોય છે, જેમાંથી પ્રવાહી ખાતર બહાર આવે છે.
આ બંને પ્રક્રિયાઓમાં, ખાતર તૈયાર કરવામાં લગભગ 45 દિવસ લાગે છે.
જગતાપ જણાવે છે કે અહીં 140 થી વધુ એપાર્ટમેન્ટ્સ છે અને જગ્યાના અભાવે તેમના માટે કમ્પોસ્ટિંગ શક્ય નથી. તેથી, તેમણે આઈટી કંપની ઇંસીનરેટર સ્વાહાની એક ટીમ હાયર કરી છે, જે ઓડબ્લ્યુસી મશીન દ્વારા સ્થળ પર કચરાને કમ્પોસ્ટમાં ફેરવે છે.

શું હતી સમસ્યા
શરૂઆતના દિવસોમાં લોકોને ડર હતો કે, તેમાંથી ઘણી દુર્ગંધ આવશે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ હોદ્દેદારોએ મળીને લોકોને તેના પ્રત્યે જાગૃત કર્યા.
આ કડીમાં, ઇન્દોરના ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટર લોધી જણાવે છે, “આજે, શહેરોમાં કચરાની સમસ્યા સામાન્ય છે. તેથી અમે બાગાયતી કાર્યોમાં લોકોને કચરાનો ફરીથી ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. આને કારણે લોકોનો ટ્રેન્ડ તેની તરફ વધી ગયો. તો, લોકો પાસેથી રિસાયકલ માટે સુકા કચરો કિલોદીઠ 2 થી 2.5 રૂપિયાના દરે ખરીદવામાં આવી રહ્યો છે. જેથી તેઓને આર્થિક લાભ પણ થાય.”

કોમ્યુનિટી કમ્પોસ્ટિંગ યુનિટનું નિર્માણ
જગતાપ કહે છે કે, આજે વોર્ડ 73માં દરરોજ લગભગ 8 ટન કચરો ઉત્પન્ન થાય છે. તેમાં ઘણા મકાનો છે, જ્યાં કંપોસ્ટ જાતે બનાવતા નથી. આ માટે, અમે એક કમ્પોસ્ટિંગ યુનિટ બનાવ્યું છે. અહીં બનાવવામાં આવેલ ખાતરનો ઉપયોગ જાહેર સ્થળોએ વૃક્ષો વાવવા માટે થાય છે.
તે કહે છે કે, અમે સુકા કચરા માટે એક સ્વચ્છતા કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં પ્લાસ્ટિકને કેટલાક પાયે રિસાયકલ કરવા માટે મોકલવામાં આવે છે અને બીજી ઘણી સંસ્થાઓ દ્વારા વધારાના ઉત્પાદનો ખરીદવામાં આવે છે.
આ કડીમાં, સ્થાનિક હરમિતસિંહ છાબરા કહે છે, “મને બાગકામ કરવાનો ખૂબ શોખ છે અને મારે પહેલા તેના ખાતર માટે બજાર પર નિર્ભર રહેવું પડતુ હતુ. પરંતુ હવે હું દર મહિને ઘરના કચરામાંથી દર મહિને 7-8 કિલો ખાતર બનાવું છું, જેના કારણે વૃક્ષો અને છોડને ઘણો ફાયદો થઈ રહ્યો છે.”
આ સાથે, તેઓ લોકોને અપીલ કરે છે કે મહાનગર પાલિકા દ્વારા કચરો વ્યવસ્થાપન માટે જે નવીન પહેલ કરવામાં આવી છે તેને સાર્થક બનાવવાની લોકોની નૈતિક જવાબદારી છે.”

અસર શું છે
જગતાપ કહે છે કે, આ એકદમ સરળ પહેલ છે, પરંતુ કચરાના સંચાલનમાં પરિવહન ખર્ચ બચાવવાનાં ફાયદાથી લોકોને આર્થિક ફાયદો પણ થઈ રહ્યો છે. જે લોકોને આ વ્યવહારને અપનાવવા માટે પ્રેરિત કરશે.
તે આખરે કહે છે, “લોકડાઉન દરમિયાન લોકોનું ધ્યાન બાગકામ તરફ વળ્યું છે અને હવે તેઓ જાતે ખાતર તૈયાર કરી રહ્યા છે. અમને આશા છે કે આ પહેલમાં અન્ય વોર્ડના લોકો પણ મોટા પાયે સામેલ થશે.”
આ પણ વાંચો: પૉલીથીન આપો, છોડ લઈ જાઓ: પ્લાસ્ટિકનાં બદલામાં વહેંચ્યા લગભગ 1 લાખ છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.