આપણામાંથી ઘણા લોકોને લાગે છે કે ‘ગાર્ડનિંગ’ એક ખર્ચાળ શોખ છે. આથી, મોટાભાગના લોકો ઘરમાં બાગવાની (ગાર્ડનિંગ) કરતા અચકાતા હોય છે. પરંતુ ઘણા એવા બાગવાન છે, જેણે આ વાતને ખોટી સાબિત કરી છે. આજે અમે તમને તેવા લોકોમાંની એક એટલે ઉત્તર પ્રદેશની વિજ્યા તિવારી વિશે જણાવીશું.
પ્રયાગરાજ નિવાસી વિજયા તિવારી, છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની છત પર બાગવાની કરે છે. તેમના ટેરસ ગાર્ડનની સૌથી ખાસ વાત એ છે કે તમને અહીં મોટાભાગની વસ્તુ ‘વેસ્ટ માંથી બેસ્ટ’ બનાવેલી જોવા મળશે. તેમની એક ખાસીયત છે તે ઘરમાંથી નીકળતા કચરાનો ઉપયોગ બાગવાની માટે કરે છે. જેમ કે શાકભાજીનો જૈવિક કચરાનો ઉપયોગ ખાતર તરીકે તો ખાલી બોટલ, ડબ્બા કે ખાલી પેકેટનો ઉપયોગ પ્લાંટર્સ તરીકે કરે છે. આના સિવાય, જો અન્ય કોઈ કચરો જેમ કે ટુટેલા રમકડા હોય તો તેને ઉપયોગ તે ગાર્ડનની સજાવટ તરીકે કરે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેણીએ પોતાની બાગવાનીની સફર વિશે જણાવ્યું.

ઓછા સંસાઘનથી કરી મોટી શરૂઆત
વિજયા જણાવે છે, કે તે કાનપુરમાં જ ભણીગણીને મોટી થઈ. નાનપણથી જ છોડ-ઝાડ સાથે તેમને લગાવ હતો. હું મારા પિતાના ઘરે પણ આ રીતે જુની પ્લાસ્ટિકની બોટલોમાં છોડ વાવતી. જે વસ્તુ સામે દેખાઈ તેનો બાગવાનીમાં કેવી રીતે ઉપયોગ કરવો તે વિચારતી. કોઈવાર સફળ થતી તો કોઈવાર નિષ્ફળ પણ જતી. પછી સમય જતાં લગ્ન થઈ ગયા અને પ્રયાગરાજ સાસરે આવી ગઈ અને ઘર-ગૃહસ્થીની જવાબદારી સંભાળવા લાગી, જ્યારે બાળકો મોટા થઈ ગયા અને સમજવા લાગ્યા એટલે હવે મારા શોખને સમય આપી બાગવાની કરું છું.
વિજયાને બાગવાનીનો શોખ છે, પરંતુ તેણીએ શરૂઆતમાં છોડ કે કુંડા ખરીદ્યા નહોતા. તેણીએ ગાર્ડનિંગ એ રીતે જ કરી જે રીતે તે નાનપણમાં કરતી હતી. ઘરમાં નકામી પડેલી વસ્તુમાંથી તે છોડ માટે પ્લાંટર બનાવી લેતી. અડોસ-પડોસમાં કે કોઈ પાર્ક કે ગાર્ડનમાંથી જે છોડની કટિંગ મળે તે લઈ પોતાના ટેરસ ગાર્ડનમાં લગાવતી અને કુંડાને બદલે નકામા પ્લાસ્ટિકના ડબ્બા, પેકેટ, બાલ્ટી, ટબ વગેરેનો છોડ રોપવામાં ઉપયોગ કરતી.

જેમ-જેમ તેના ગાર્ડનમાં છોડની સંખ્યા વધવા લાગી તેમ તેણીના બાગવાની કરવાની રીતો પણ વધવા લાગી. પહેલાં તે ફક્ત માટીનો ઉપયોગ છોડ લગાવવા માટે કરતી પણ સમય જતાં તેણીને લાગ્યું કે તે વારંવાર છોડ માટે માટી ક્યાંથી લાવશે? એટલે તેણીએ જાતે ખાતર બનાવવાની શરૂઆત કરી. ઘરમાંથી જેટલો પણ જૈવિક કચરો નિકળતો તેને ફેકવાને બદલે ભેગો કરીને ખાતર બનાવવામાં ઉપયોગમાં લેતી.
વિજયા કહે છે, મને ખાતર બનાવતા નહોતું આવડતું પણ એક-બે વાર કોશિશ કરી એટલે સફળતા મળી. બાગવાની કરવા માટે ધીરજની જરૂર સૌથી વધુ હોય છે, કેમ કે આમાં કેટલીવાર અસફળતા પણ મળે છે અને જો આપણે એકવારમાં અસફળ થતા હાર માની લઈએ તો કોઈ દિવસ બાગવાની કરી શકીએ નહીં.
આજે તેમના બગીચામાં ઘણી પ્રકારની સિઝનલ શાકભાજીની સાથોસાથ ફળો અને ફુલોના પણ છોડ-ઝાડ છે. જેમાં લીલા મરચા, સિમલા મરચા, દુધી, કરેલા, તાંદળજો (તાંજરીયો), રીંગણા, કઠોળ, બીટ, પાલક, ફુદીનો, હળદર, ગાજર જેવી શાકભીજી અને ગેંદા, જાસુદ,ગુલાબ વગેરે જેવા ફુલોના છોડ પણ સામેલ છે.

યુટ્યુબ પર શીખવાડે છે ગાર્ડનિંગ
વિજયા જણાવે છે કે જ્યારે પણ તે કોઈની સાથે બાગવાની કરવા અંગેની વાત કરે છે ત્યારે મોટાભાગના લોકો કહે છે કે આમાં ખર્ચો બહુ થતો હશે અને વગર માળીએ બાગની સારસંભાળ રાખવાનું અઘરું થતું હશે. વિજ્યા આવા લોકોને સમજાવવાની કોશિશ કરે છે કે ઓછા ખર્ચે પણ બાગવાની થઈ શકે છે. તે કહે છે કે ઓછા સંસાધનોમાં કેવી રીતે બાગવાની કરવી તે લોકોને સમજાવવા માટે તેમણે યુટ્યુબ ચેનલ પણ ચાલુ કરી છે. આના દ્વારા વિજ્યા વધુ લોકો સુધી પોતાનો બાગવાનીનો અનુભવ શેર કરવા માંગે છે.
તેમની ચેનલનું નામ ‘વિજયાસ ક્રિએટિવ ગાર્જન‘ (Vijaya’s Creative Garden) છે. તેમના દોઢ લાખ જેટલા સબ્ક્રાઇબર પણ છે. તે બાગવાનીથી સંબંધિત અલગ-અલગ વિષય પર વિડીયો બનાવે છે જેથી પહેલીવાર બાગવાની કરતા લોકોને મદદ મળી શકે. વિજયા જણાવે છે, કે તેણીએ પોતાની ચેનલમાં ક્રિએટિવ શબ્દ એટલા માટે લગાવ્યો છે કારણ કે તે લોકોને રચનાત્મક રીતે બાગવાની કરવાનું શીખવાડે છે. તે કહે છે ‘તમે તમારા ઘરમાં ઉપલબ્ધ સાઘનોથી બાગવાની કરી શકે છો. બસ, તમને આમાં રુચિ હોવી જોઇએ. કેમ કે જ્યારે તમે એકવાર છોડ સાથે દોસ્તી કરી લો પછી બે-ચાર છોડ લગાવીને મન નહી ભરાઈ, તમે નવા-નવા બીજા અન્ય છોડ-ઝાડ પણ વાવશો અને તમને તમારી આસપાસની દરેક વસ્તુમાં બાગવાનીથી સંબંધિત વસ્તુ નજરમાં આવવા લાગશે’.

આગળ તે જણાવે છે કે જો તમારા ઘરમાં ઓછો તાપ આવતો હોય તો પણ તમે એવી કેટલીય શાકભાજી છે જેને તમે વાવી શકો છો. તમે કઠોળ, સરસો, વરીયાળી, અજમો, જીરું, પાલક, મેથી, સોયા, લેટ્સ વગેરે ઉગાવી શકો છો. આને વાવવા માટે તમારે કોઈ અલગથી કુંડા લેવાની જરૂર નથી, જો તમારી પાસે એવા કોઈ પ્લાસ્ટિકના ડબ્બા કે કન્ટેનર છે જેની ઊંડાઈ પાંચ-છ ઇંચથી વધુ છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.
મોટા શહેરોમાં ફ્લેટમાં રહેતા લોકોને તે બાલ્કનીમાં ‘વર્ટીકલ ગાર્ડનિંગ’ કરવાની સલાહ આપે છે. તે કહે છે કે તમે પ્લાસ્ટિકની જુની બોટલોનો ઉપયોગ કરીને હેંગિંગ કે વર્ટિકલ ગાર્ડન બનાવી શકો છો. આમાં થોડી મહેનત છે પણ એકવાર અલગ-અલગ જાતના છોડ ઉગી જાય પછી બહુ સુંદર લાગે છે. જો તમે શાકભાજી ઉગાડવા માંગતા હો તો કેટલીક લીલા પાન વાળી શાકભાજી જેમ કે ફુદીના, પાલક, ધાણા-કોથમીર વગેરેથી શરૂઆત કરી શકો છો. જરૂરી નથી કે તમે બધુ એકસાથે વાવો. તમે એક-એક કરીને છોડ વાવો અને દરેક છોડ લગવવાની સાથે તમે કંઈક નવું શીખશો.
અંતમાં, તે બસ એટલું જ કહે છે કે જો તમને ગાર્ડનિંગનો શોખ હોય તો તમે ઓછામાં ઓછા ખર્ચે પણ તે પુરો કરી શકો છો. દરેક લોકોએ પોતાના ઘરમાં કોઈને કોઈ છોડ જરૂર લગાવવો જોઈએ જેથી પર્યાવરણ સારું રહે અને બાળકો પણ છોડ પ્રત્યે સંવેદનશીલ બને. જો તમે વિજયા તિવારીનો સંપર્ક કરવા માંગતા હો તો તમે તેમના ફેસબુક પેજ સાથે જોડાઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કચ્છની મહિલા સરપંચે ગંદા પાણીને રિસાયકલ કરી 7000+ ઝાડ વાવી ઊભું કર્યું મિયાવાકી જંગલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.