15 ઑક્ટોબરના રોજ આખી દુનિયા હેન્ડવૉશ દિવસ ઉજવી રહી છે ત્યાં, 2 ઑક્ટોબર, 2020 ગાંધી જયંતિના રોજ ગુજરાતના ખૂણે-ખૂણેની નારી શક્તિને ‘સ્વચ્છ ગુજરાત-સ્વચ્છ ગુજરાત’ નો મેસેજ આપ્યો છે. મહિલા બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને શક્તિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 5 લાખ કરતાં વધુ મહિલાઓએ હાથ ધોઇ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

2 ઑક્ટોબરના રોજ એક સાથે 5,30,29 આંગળવાડીઓમાં 10-10 મહિલાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરી 5,30,293 મહિલાઓએ WHO ની ગાઇડલાઇન અનુસાર હેન્ડ વૉશ કરી ‘સ્વચ્છ ભારત’ અભિયાનમાં તેમનું યોગદાન આપ્યું. આ બધી જ મહિલાઓને શક્તિ ફાઉન્ડેશન દ્વારા માસ્ક, સાબુ અને સેનેટરી પેડની સાથે હાઇજીન કીટ પણ આપવામાં આવી. આ ઉપરાંત એક સર્ટિફિકેટ આપી ‘સ્વચ્છ ભારત’ અભિયાનમાં યોગદાન આપવા બદલ બિરદાવવામાં આવી.

આ સમગ્ર અભિયાનને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પણ ઑનલાઇન નિહાળી અને મહિલાઓને અભિનંદન આપ્યા. 2 ઑક્ટોબરના રોજ સવારે 11 થી 12 દરમિયાન પોતાના વિસ્તારની આંગણવાડીમાં હાથ ધોયા.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં શક્તિ ફાઉન્ડેશનનાં ડૉં સોનલબેન રોચાણીએ કહ્યું, “બધી જ મહિલાઓને સાબુ, સેનેટરી પેડ્સ, માસ્ક અને એક હાઇજીન કીટ આપી તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે. સાથે-સાથે તેમને એક-એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ દિવસે બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યા. એક રેકોર્ડ સૌથી વધુ બહેનોના હાથ ધોવાનો અને બીજો સૌથી વધુ હાઇજીન કીટ વિતરણનો.”

જોકે આ આખા અભિયાનનો હેતું કોઇ રેકોર્ડ બનાવવા માટે નહીં, પરંતુ લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવાનો છે. આજના કોરોનાના સમયમાં વારંવાર હાથ ધોવા બહુ સુરક્ષિત ગણાય છે, ત્યાં આ રીતે લોકોને નવી પ્રેરણા આપવામાં આવી છે. સાથે-સાથે પછાત વિસ્તારો અને ગામડાંમાં મહિલાઓ હાઇજીન પ્રત્યે બહુ ઓછી સતર્ક હોય છે. ત્યાં તેમને સેનેટરી પેડ અને હાઇજીન કીટ આપી તેમને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું.

આ અંગે વાત કરતાં શક્તિ ફાઉન્ડેશનનાં ડૉ. સોનલ રોચાણીને કહ્યું, “આપણા દેશમાં હજી સ્વચ્છતા અંગે પૂરતી જાગૃતિ નથી. તેમાં પણ ખાસ કરીને હાથ ધોવા બાબતે. એટલે જ અમે આ કાર્યક્રમનું આયોજન મહિલાઓને સાથે રાખીને કર્યું. બધી જ આંગળવાડીમાં 10-10 મહિલાઓને ભેગી કરીને હાથ ધોવાની સાચી રીત શીખવાડવામાં આવી અને અને હવે તેઓ તેમનાં પરિવારજનો અને બાળકોને આ પદ્ધતી શીખવાડશે. આમ અમારો આ મેસેજ 25 લાખ લોકો સુધી પહોંચશે. આ બહેનો બીજી ઓછામાં ઓછી 10 લાખ મહિલાઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવી શકે છે. આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો હેતુ લાંબા ગાળાનાં પરિણામો સાથે સંકળાયેલ છે.”
આ પણ વાંચો: રડતા બાળકની હૃદય ચીરતી કહાની સાંભળી આ યુવાને બનાવી સ્લમ સ્કૂલ, બદલી નાખ્યાં તેમનાં જીવન